વાત બે સ્ત્રીઓની


foolchhab paper > 19-06-2013 > Navrash ni pal column

થોડા સમય પહેલાં ફેસબુકમાં એક પોસ્ટ ફરતી જોઈ. નામના ફેરફાર સાથે એ વાત વાર્તારુપે આપની સમક્ષ રજૂ કરું છું.

ખોટાં છે છતાં એમની ટીકા ના કરો

આ વાતની જાહેરમાં ચર્ચા ના કરો

આ એમની પડતીનો સમય છે “આદિલ”

દેખી ન શકો આપ તો જોયા ના કરો

– આદિલ મન્સૂરી

 

એક પ્રતિષ્ઠિત સાહિત્યિક સમારોહમાં સાહિત્યમાં ઉંચી પદવીધારી લેખિકા રીમા અને નવીસવી કવયિત્રિ રૂપા ભેગા થાય છે અને વાર્તાલાપનો દોર ચાલુ થાય છે. રીમાનો અહમ એના નાકના ટેરવે બરાબર એના ચશ્માની દાંડીને અડીને જ રહેતો હતો. એણે બહુ સ્ટ્રગલ કરેલી હતી, બહુ બાંધછોડ કરી હતી ત્યારે આજે સાહિત્યમાં એના નામના સિક્કા પડતા હતાં. એનું નામ પડે એટલે બુકસ્ટોરમાંથી એની બુક્સ ચપોચપ વેચાઈ જાય,કોઇ પણ પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર હોય એની કોલમ એમાં હોય હોય ને હોય જ. ગુમાનની અણીને સફળતા વધારે ધાર કાઢતી જતી હતી. એની નજર ચુપચાપ એક ખૂણામાં બેસીને સાહિત્યના વિશાળ ખંડને ચૂપચાપ – આસ્ચ્ર્યજનક ભોળી માસૂમ આંખોથી નિહાળી રહેલ રુપા પર પડી.

‘આ ચહેરો તો અજાણ્યો લાગે છે..ક્યાંય જોયાનું યાદ નથી આવતું…’ મનોમન વિચારતી રીમા રુપા પાસે ગઈ અને એની બાજુમાં પડેલ ખુરશી ખેંચીને એની પર બિરાજમાન થઈ. વાતનો દોર ચાલુ કર્યો.

‘શું લખો છો?’

‘જી..ગઝલો લખું છુ.’

‘હ્મ્મ..શેરો શાયરી ! એના સિવાય બીજી શું પ્રવૃતિ કરો છો?’

‘જી..ગૃહિણી છું.’

‘શું ? માત્ર ગૃહિણી…’ અને રીમાના લહેંકામાં એક તુચ્છ્કારનો ભાવ આવી ગયો.’ક્યાંય જોબ નથી કરતા ?’

 

રુપા ચૂપચાપ માથું નીચું નાખીને જમીન ખોતરતી રહી. ત્યાં રીમાના પ્રશ્નોની બંદૂક ફરીથી ફૂટી.

‘શું ભણ્યા છો?’

રુપા હવે થોડી સંકોચાઈ, ‘સંજોગોવશાત કોલેજનું શિક્ષણ પણ નથી લઇ શકી.’

રીમાનો તુચ્છ્કાર સપાટી વટાવી ગયો, ‘ઓહ, તો સાહિત્યમાં શુ કરો છો ?’

આટલા મોટામાથા સામે રુપા ગભરુ ગાય સમી બની ગઈ.આંખો હમણાં વરસું હમણાં વરસું થઈ ગઈ ત્યાં રીમાએ પૂછપરછ આગળ ચલાવી.

‘ઠીક ત્યારે , એ તો કહો તમારા ગુરુ કોણ છે?’

‘જી,મારે કોઇ ગુરુ નથી જાતે જાતે, પુસ્તકોની મદદથીઅને મિત્રોની મદદથી ગઝલના છંદ શીખી છું.બાકી ઇશ્વરની મહેરબાની છે.’

‘કોને કોને વાંચ્યા છે?’

‘કોઇ એક સર્જકને પુરેપુરા વાંચી કે સમજી લીધા હોય એવું નથી થયુ, પણ હા ઘણુ જુદુ જુદુ વાંચતી રહુ છું.’

‘કમાલ છે! આવા મોટા – પ્રતિષ્ઠિત સમારંભમા તમે આમંત્રિત થયા છો એ વાતનું મને બેહદ આશ્ચર્ય થાય છે.નથી તમે સારી જોબ કરતા, નથી કોઇ ડીગ્રી, નથી કોઇ ગુરુ, નથી કાંઇ વાંચ્યુ ! મને લાગે છે ..કે માત્ર ને માત્ર સ્ત્રી હોવાના કારણે તમને આમંત્રિત કરાયા છે.’

હવે રુપાનો પારો છ્ટકયો.

‘જુઓ રીમાજી, તમે સાહિત્યમાં બહુ ઉંચી પદવી ધરાવો છો અને એ જગ્યાએ પહોંચવા શું શું ખેલ કર્યા છે એ તો આખી દુનિયા જાણે છે. પણ એ જગ્યાએ પહોંચીને બીજી સ્ત્રીઓના આત્મસન્માનને ઠોકર મારવાનો હક્ક તમને કોઇએ નથી આપી દીધો. મારે નહતું બોલવું પણ તમે આ વાત મારા મોઢામાં આંગળા નાંખીને બોલાવી કારણ મારા આત્મસન્માનના રખોપા મારી પહેલી ફરજ ! દુનિયામાં દરેક સ્ત્રી તમારા જેવી જ હોય એવું જરુરી નથી. વળી કવિતા મારા શોખનો વિષય છે, મારું પેશન છે. મારા આત્મવિશ્વાસથી વધીને મોટો ગુરુ ક્યાંથી કોઇ હોઇ શકે..? તો મારો આત્મવિશ્વાસ મારો ગુરુ. વળી તમારા જેવી જીવતી જાગતી જીંદગીઓને રોજ વાંચુ છું તો એ મારો અભ્યાસ છે.. જોબ વિશે મારે તમને આમ તો સમજાવવાની જરુર નથી લાગતી કારણકે એ તો સોનાની જાળ પાણીમાં જેવી વાત થશે પણ હું એક હાઉસવાઈફ – હાઉસ મેનેજર છું. હું મારા કામમાંથી એક દિવસ પણ આઘી પાછી થઊં તો મારી સાથે જોડાયેલી પાંચ બીજી જીંદગીઓની ઘડિયાળો અનિયમિત થઈ જાય. હવે મને કેમ આમંત્રિત કરાઈ છે એ તો હું સ્ટેજ પર જ્યારે મારી કવિતાઓનું પઠન કરીશ ત્યારે જ તમને સમજાશે. હું નહીઁ મારું કામ તમને સમજાવશે.મને આયોજકભાઈ બોલાવે છે ક્યારના..તો રજા લઉં. આપણી મંઝિલ તો એક જ છે. આમ જ મળી જઈશું બીજી કોઇ સફરમાં.સ્ત્રી છો તો સ્ત્રીઓનું સન્માન કરતાં શીખો નહીં કે એમને નીચા પાડીને ગર્વ કરતાં. કોઇના નીચા પડવાથી આપણે ક્યારેય ઉપર નથી ઉઠી શકતાં – ઉપર તો જાતમહેનત, આવડત અને આત્મવિશ્વાસથી જ જવાય બેન, આવજો. !’

અને પોતાની પાછળ અવાચકપણે ડોળા ફાડીને ઉભેલી રીમાને મૂકીને રુપાએ પોતાની કારકિર્દીને ઝગમગાવવાની દિશા તરફ ડગ ભર્યા.

અનબીટેબલ : તમારા આત્મવિશ્વાસની ડોર ક્યારેય બીજાના હાથમાં ના સોંપવી.

-સ્નેહા પટેલ.