‘મમ્મી, મને મજા આવે છે.’


phoolchhab paper > 12-06-2013 > navrash ni pal column.

 


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે !
 બાલાશંકર કંથારિયા.

બપોરના લગભગ ત્રણ વાગેલાં. ભરઉનાળાની ગરમીનો પારો માઝા મૂકીને ઉપર ને ઉપર વધી રહ્યો હતો. આવૃતિ એના 12 વર્ષના દીકરા શિવાંશની સાથે ડ્રોઈંગરુમમાં બેઠી હતી અને પોતાના કામ પતાવતા પતાવતા પોતાના લાડલાની અવિરત કાર્યવિધિને નિહાળતી જતી હતી.

લગભગ એકાદ વાગ્યાનો સ્કુલેથી પાછો આવેલો શિવાંશ જમીને, કપડાં બદલીને તરત જ અઠવાડીઆ પછી આવી રહેલ  ‘ટીચર્સ ડે’ પર એના મે’મને આપવા માટે કાર્ડ બનાવી રહ્યો હતો. શિવાંશ એક બહુ ક્રીએટીવ અને મહેનતુ છોકરો હતો. પોતાની જાત પાસેથી શિવાંશનું પોતાનુંજ ‘એક્સ્પેક્ટેશન’ બહુ ઉંચું હતું. એણે કાર્ડ બનાવ્યું..ના ગમ્યું એટલે એ ફાડીને બીજું બનાવ્યું..આમ ને આમ એ  કાર્ડસ ફાટતાંફાટતાં એનો આંકડો પાંચની આસપાસ પહોંચી ગયો.

શિવાંશનું મોઢું –કપડાં – હાથ બધું કલરથી ખરડાઈ ગયેલું પણ એના વદન પર આશાનો સૂરજ યથાવત ઝગમગ કરતો હતો. પણ ઘરમાં ચાલતા એસીની ઘરઘરાટી અને ફુલ ઠંડક વચ્ચે પણ આવૃતિની ધીરજ હવે એનો સાથ છોડતી પ્રતીત થતી હતી.  પોતાના દીકરાની ખરા દિલની લાગણી અને તનતોડ મહેનત પછી બનાવેલા કાર્ડની હાલત યાદ આવી ગઈ…એની નજર સમક્ષ પાછ્લા વર્ષના શિવાંશના પ્રિયા ટીચરે એની સાથે કરેલું વર્તન યાદ આવ્યું ને ધૂંધવાઈ ઉઠી, અકળાઇ ગઈ,

‘બેટા, કેટલી મહેનત કરે છે તું આ એક કાર્ડ પાછળ.! છેલ્લાં વર્ષે જ તારા શિક્ષકે તારું બનાવેલું કાર્ડ પીરીઅડ પત્યાં પછી ક્લાસના ‘ડ્સ્ટબીન’માં જ પધરાવેલું ને..યાદ નથી.’

શિવાંશે એનું કલરવાળું, થોડા વેર-વિખેરવાળ વાળું થાકેલું મોઢું ભારે માસૂમિયત સાથે આવૃતિ સામે ઊંચુ કર્યું અને વદન પર એક મધુર સ્મિત ફરકાવતો બોલ્યો,

‘મમ્મી,  તમે ખરેખર જ એમ માનો છો કે આ કાર્ડ મારા શ્રેષ્ઠ કાર્ડ છે, મારું શ્રેષ્ઠ ‘ક્રીએશન’છે ? વળી જો મને જ મારા કામથી સંતોષ નથી થતો તો મારા ટીચરને કેમ થશે ? કામ કરવું તો પૂરા ખંતથી કરવું – ફક્ત કરવા ખાતર ના કરવું – એવું તમે જ તો સમજાવો છો. બની શકે કે ગઇ વખતની જેમ આ વખતે પણ એ જ વાતનું પુનરાવર્તન થાય..પણ એમાં શું?  એ એમનું કામ કરશે, મને તો મારુ કામ કરવા દો’

“પણ દીકરા, આટ-આટલી મહેનતનો તને બદલો શું મળશે..કેટલો સમય આપ્યો છે તેં આની પાછળ. હજુ તારે હોમવર્ક બાકી છે, વીકલી ટેસ્ટની તૈયારી બાકી છે અને તારા મિત્રો તને ક્યારના રમવા બોલાવે છે – મેચ રમવા માટે તારી રાહ જોવે છે. તારા વગર એમને રમવાનો સહેજ પણ મજા નથી આવતી…’

“મમ્મી, રોજ તો હું આ બધી  પ્રવૃતિઓ કરું જ છું ને..મારા પોતાના માટે જ સ્તો.. પણ આજે મને રોજ જેમની પાસેથી જ્ઞાન મેળવું છું, તમારા પછી જે મારા માટે પૂજનીય છે એમના તરફ મારી લાગણી – મારો ભાવ પ્રર્દશિત કરવા માટે આ કાર્ય કરવાની બહુ મજા આવે છે, બીજાની તો ખબર નથી પણ મને મારા પોતાનાથીબહુ સંતોષ છે મમ્મી અને તમે જ તો કહો છો કે જે કામ કરવાની આપણને મજા આવે તો બીજાઓની ચિંતા કર્યા વગર એ જ કામ પૂરી ચોકસાઇથી કરો અને તેને પૂર્ણ ધીરજ, ખંત અને પ્રામાણિકતાથી વળગી રહો. બસ આ જ કારણ આવે છે મમ્મી…મને બહુ મજા આવે છે અને એ કાર્ય હું કરું છું.’

નાના માસૂમ શિવાંશની નિર્દોષ વાતો સાંભળીને આવૃતિ બે મિનીટ અવાચક જ રહી ગઈ. બે પળમાંજ એની આંખમાં પોતાના દીકરાના આવા વિચારો સાંભળીને હર્ષાશ્રુથી છલકાઇ ગઈ. વિચારવા લાગી :

‘જીવન કેટલું સરળ છે. આપણે એને ચૂંથીચૂંથીને, વાતોના લીરે-લીરાં કાઢીને એને જીર્ણ -શીર્ણ અને ‘કોમ્પ્લીકેટેડ’ બનાવી કાઢીએ છીએ !’

અનબીટેબલ : ચકલીનું બચ્ચું એની મા ને પૂછે છે કે ‘ મા, વિશ્વ કેટલું મોટું છે ?’ ચકલી પોતાની બે પાંખો ફેલાવીને, બચ્ચાને એમાં છુપાવી લે છે અને કહે છે, ‘બસ બેટા, આટલું જ !’

-સ્નેહા પટેલ