ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 6-5-2013
‘ઇશ્ક ભી કિયા રે મૌલા, દર્દ ભી દિયા રે મૌલા,
યૂં તો ખુશ રહા મગર કુછ રહ ગયા બાકી..’
‘પ્રીયા, તારી આ જ ટેવ મને નથી ગમતી. કોઈ પણ મહત્વનું ડીસીઝન લેવાનું હોય ત્યારે તું હંમેશા ઢચુપચુ જ હોય. ‘ટુ બી નોટ ટુ બી’ ની તારી આ ટેવ દર વખતે સારી નહીં. જ્યારે અને જે સમયે જે નિર્ણય લેવાનો હોય એ મગજ પર કાબૂ રાખીને, બરાબર વિચાર કરીને લઈ જ લેવો પડે પણ તારું દિલ અને દિમાગ હંમેશા બે અલગ અલગ દિશાઓના પ્રવાસી – મંઝિલ હંમેશા ડગુમગુ…!’
રાજીવની વાત સાંભળીને પ્રીયા બે ઘડી હેબતાઈ ગઈ. હંમેશા દિમાગ શાંત રાખી શકતો એનો પ્રેમાળ પતિ રાજીવ આજે નાની શી વાતમાં કેમ આટલો અકળાઈ ગયો ?
વાતમાં તો કંઇ નહતું. રાજીવને એના મિત્ર રાજનના ઘરે જવાનો મૂડ હતો અને પ્રીયાને એનું ઓફિસનું કામ પતાવવાનું હોવાથી થોડું કામ ઘરે લઈને આવેલી હતી એ પતાવવાનું ટેન્શન હતું. વળી રાજનના ઘરે જાય તો રસોઈનો સમય હતો એ પણ ડીસ્ટર્બ થાય એવું હતું. મોટાભાગે આવા ‘અનમેનેજ્ડ પ્લાન’ ના પરિણામોમાં એ લોકોને બહાર જમવાનો વારો જ આવતો જે પ્રીયાને નહતું ગમતું. એ સમય મેનેજ કરીને , એને અનુસરીને ચાલનારી વ્યક્તિ હતી એટલે એકાએક આવી કોઇ પરિસ્થિતી ઉભી થાય તો નિર્ણય લેવામાં હંમેશા એને તકલીફ પડતી.બીજા લોકોની જેમ ફટાફટ ગમે એ સ્થિતીને પહોંચી વળવા માનસિક કે શારિરીક રીતે એ સક્ષમ નહતી અને રાજીવ પણ એની આ તકલીફથી બરાબર માહિતગાર હતો. કાયમ એની આ તકલીફને એ ઠંડા દિમાગથી જ લેતો અને એને સોલ્વ કરી લેતો એના બદલે આજે આમ તીખી તમતમતી વાત બોલીને પ્રીયાને જબરો આઘાત પહોંચાડ્યો હતો.
બીજી બાજુ રાજીવની નજર સમક્ષ આવા સમયે કાયમ પ્રીયાના બોલાતા શબ્દો, ‘ આ તો મારી વારસાગત ટેવો. મારા મમ્મીને પણ આવી જ ટેવ હતી’ ઘૂમરાતા હતાં.
રાજીવના સાસુ સૂર્યાબેન બહુ જ લાગણીશીલ સ્ત્ર્રી હતાં. પણ કાયમ એમના દિમાગ પર એમનું દિલ હાવી જ રહે જેના કારણે એ કાયમ ‘ટુ બી નોટ ટુ બી’ની દશામાં મૂકાઈ જતાં, કાયમ નિર્ણય લેવાની વેળાએ એ અવઢવોના મહાસાગરમાં જ ફસાયેલા હોય. ૬૦ વર્ષની ઉંમરે પણ એ ઘણીવાર નાના છોકરાંઓ જેવું વર્તન કરી બેસતાં જેનાથી રાજીવને બહુ ગુસ્સો આવતો. રાજીવના મત મુજબ દરેક માનવીએ એની ઉંમરને અનુરુપ વર્તન કરવું જોઇએ. વળી સૂર્યાબેનના આવા દિલથી લેવાયેલા ઘણાં નિર્ણયોનું એમના પતિદેવ અને રાજીવના સસરા ચિરાગભાઈને માઠા ફળ ભોગવવાનો વારો આવતો હતો એ વાતો પણ પ્રીયા બહુ જ ઇનોસન્ટલી રાજીવ સમક્ષ કરતી રહેતી. રાજીવથી – એના જીવનસાથીથી વળી શું છુપાવવાનું હોય…એની સમક્ષ તો પોતાનું જીવન ખુલ્લી કિતાબ જેવું જ હોવું જોઇએ. પહેલાં પહેલાં તો રાજીવ પ્રીયાની આ વાત બહુ જ સહજતાથી અને ગર્વપૂર્વક લેતો હતો. પણ ધીરે ધીરે એને એવું ફીલ થવા લાગ્યું કે દરેક વાત પ્રીયાને એના મમ્મી તરફથી વારસાગત મળી છે તો ક્યાંક ભવિષ્યમાં પ્રીયા પણ એના મમ્મીની જેવી ઇમ્મેચ્યોર સ્ત્રી તો નહીં બની જાય ને…? ના, એ વાત તો એને સહન થાય એવી જ નહતી. પ્રીયા સૂર્યાબેન જેવું ચાઈલ્ડીશ વર્તન કરે તો પોતાની હાલત પણ ચિરાગભાઈ જેવી હાલત થઈને ઉભી રહે…એ બધી આદતોના નરસા પરિણામો ભોગવવાનો વારો આવે. વળી પોતે તો પોતાના સાસુની આ ટેવને સહજતાથી લઈને ચલાવી લેવા જેટલો સમજદાર અને ઉદાર હતો પણ કાલે ઉઠીને પોતાની દીકરી શિયાનો વર પણ એવો સમજુ જ આવશે એની શી ખાત્રી ? એની સમક્ષ પ્રીયા પણ આવું વર્તન કરે તો તો પોતાને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો જ વારો આવે ને !
આ બધી વાતોના પડઘારુપે રાજીવનું સબકોન્સિયસ માઈન્ડ આજે એના કોન્સિયસ માઈન્ડ પર ચડી બેઠું અને એના દિલનો છુપો ભય એની જબાન પર આવી ગયો એનો એને પોતાને પણ ખ્યાલ ના રહ્યો.
બોલાઈ ગયા પછી રાજીવને દુ:ખ તો બહુ થયું પણ શબ્દોના બાણ ભાથામાંથી નીકળી ચૂકેલા હવે કંઈ બોલવાનો – સમજાવવાનો કોઇ જ મતલબ નહતો.
વાંક કોઇનો પણ નહતો પણ પોતાના જીવનસાથી આગળ બને એટલા પ્રામાણિક અને ખુલ્લાં રહેવાની પ્રીયાની ટેવનો હતો. પ્રીયાએ મતલબ ના હોય એવી વાતો રાજીવને કહેવાની જરુર પણ ક્યાં હતી ? હવે તો માનસિકતા બંધાઈ ગયેલી, ઘડો પાકો થઈ ગયેલો હતો એમાં સાંધાસૂંધીનો અવકાશ ક્યાંથી હોય ? વળી બોલેલું ક્યારેય ના બોલેલું નથી થતું. વાત રાજીવના કોંસિયસ માઇન્ડમાંથી એના સબકોન્સિયસ માઇન્ડમાં પ્રવેશી ગયેલી. પરિસ્થિતી હાથ બહાર હતી અને પ્રીયાએ એના ખુશહાલ – સોના જેવા લગ્નજીવનમાં આવી લોઢાના મેખ જેવી પરિસ્થિતીઓનો સામનો કર્યે જ છુટકો હતો.
કાશ,લગ્નજીવનની શરુઆતથી જ પ્રીયાએ બેલેંસ્ડ માઇન્ડ રાખીને રાજીવ સાથે પોતાની વાતો શેર કરી હોત તો આવું પરિણામ ના આવત.
અનબીટેબલ : સમય – સંજોગો પારખ્યાં વિના બોલાતું સત્ય પણ ઘણીવખત હાનિકારક નીવડે છે.
-સ્નેહા પટેલ.
hmmmmmmmm 🙂
LikeLike
good story i like this
LikeLike
પતિ-પત્ની વચ્ચે એક સ્નેહનો તંતુ રહે તે માટે બન્નેએ એકબીજાને પ્રમાણિક તો રહેવું જ પડે, પણ સાથે સાથે એકબીજાના સ્વભાવને પણ સાચવી લેવાના હોય છે. પણ કોઈકોઈવાર આગળપાછળના સંજોગો જ એવા ઉભા થઈ ગયા હોય છે કે ઈચ્છા નહોય તો પણ આપમેળે જ સબકોન્સિયસ માઈન્ડ કામ કરી જાય છે, અને તેનો કોઈ ઉપાય પણ નથી.
પતિ-પત્ની તો ઠીક, દરેકે પોતાના જીવનમાં સમજવા માટે સુંદર વાર્તા.
LikeLike
પ્રિય સ્નેહાબહેન આ પરિસ્થિતી તો મારી પણ છે. દરેક નાની મોટી વાતોને પતિ સાથે શેર કરું છું. તેમ છતાં ક્યારેક સાંભળવાનો મોકો મળે છે કે તે પેલી વાત તો મને બતાવી નથી. કેમ ભૂલી ગઈ…?
________________________________
LikeLike
આ બધી વાતોના પડઘારુપે રાજીવનું સબકોન્સિયસ માઈન્ડ આજે
એના કોન્સિયસ માઈન્ડ પર ચડી બેઠું અને એના દિલનો છુપો ભય
એની જબાન પર આવી ગયો એનો એને પોતાને પણ ખ્યાલ ના રહ્યો.
સબ કોન્સીયસ માઈંડનો પાવર ગજબ હોય છે. આ પાવરનો મને વ્યક્તિગત અનુભવ થયેલો છે. મેં એફબી પર શેર પણ કર્યો છે. તમને રસ હોય તો કહેજો લિંક આપીશ.
વાત અચેતન મનની હતી. ખરેખર તો માનવીનું અચેતન મન સર્વેસર્વા છે.
તમે માનવીય સંબંધોનું બહુ જ ગહન વિશ્લે ષણ કરેલું છે અને કરો છો. આ પ્રકારે મનના ઊંડાણમાં જવાથી જ સંબંધોના સમીકરણો સમજાય છે.
સુંદર કીપ ઈટ અપ
LikeLike