કોને ખબર ?


ગર્વીલું દેખાતું ઉન્ન્ત મસ્તક

ક્યાં ક્યાં

કોની કોની પાસે નમ્યું હશે,

કોને ખબર ?

-સ્નેહા પટેલ

રહસ્યમય ઉદાસી:


foolchhab paper > Navvrashni pal column > 26-6-2013

આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ,

એમ કહીએ કે હશે,આપણે ભીના ના થયા !

-રમેશ પારેખ.

ઘરના ડ્રોઇંગરુમને કાચનું એક વિશાળ પાર્ટીશન ઘરની ગેલેરીથી અલગ પાડતું હતું. એ ગેલેરીમાં ટેરેસ ગાર્ડનના અફલાતૂન આઈડીઆ સાથે અનેક લેટેસ્ટ પામ અને બોંઝાઈ વૃક્ષોના અલગ અલગ શેઈપના કુંડાઓ ખૂબ જ માવજતથી એકસરખા અંતરે ગોઠવાયેલા હતાં. બાજુમાં એક સીંગલસીટર ઝૂલો ઝૂલતો હતો અને એ ઝૂલામાં ગોઠવાયેલી ગાદીમાં પગને ગોઠણથી વાળીને એના પર પોતાના નાજુક હાથથી વાળેલી અદબ સાથે ગોઠવાયેલી હતી અંતરા – એક સૌંદર્યસામ્રાજ્ઞી – અતિઆધુનિકા અંતરા – સ્માર્ટ હાઉસ મેનેજર – સંતાનોની મા કમ ટીચર –ફીઝીકલ ટ્રેનર અંતરા !

લોકો કહે છે કે સુંદર સ્ત્રીઓ બુધ્ધિશાળી નથી હોતી. એ બધાના મોઢા પર એક કરારી થપ્પડના જવાબ સાથે આ દુનિયામાં અંતરા હાજર હતી.એ સુંદર વધારે હતી કે બુધ્ધિશાળી એ નિર્ણય લેવો અઘરો હતો. એમના સુખી સંસારમાં એક 5 વર્ષનો દીકરો અને 8 વર્ષની દીકરી પણ સામેલ હતા. ભગવાનના ઢગલો આશીર્વાદ લઈને જીવતી અંતરાનું નાજુક મુખ આ ઘડીએ ઉદાસીના કાળા ઘનઘોર વાદળીઓથી ઢંકાયેલું હતું. વરુણ – એક બિઝનેસમેન – અંતરાનો પતિ એને ખૂબ જ પ્રેમ કરતો હતો. એને હાથોહાથ સાચવતો હતો.તો અંતરાનું મુખારવિંદ આજે ઉદાસ કેમ..? દેખીતી રીતે તો એની ઉદાસીનું કોઇ કારણ હાથવગું નહતું. અંતરા પોતે પણ પોતાની આ વારંવાર આવી ચડતી ઉદાસીથી કંટાળી હતી. એને  પોતાને પણ પોતાની આ અકારણ દેખાતી ઉદાસી સમજાતી નહતી. કંઇક તો હતું ચોક્કસ નહીંતો  અંતરા જેવા સુલઝેલા મગજની વયક્તિ આમ ઉદાસ તો ના જ રહે. આ ઉદાસીના પડઘા વારંવાર એના વર્તનમાં પડતા અને અંતરા હવે વારંવાર નાની નાની વાતોમાં વરુણ અને પોતાના બે સુકોમળ બાળકો ઉપર અકળાઇ જતી. વરુણ પણ અંતરાના આ વર્તનના રહ્સ્યનો તાગ મેળવવાની કોશિશમાં રહેતો હતો પણ કોઇ જ વ્યાજબી કારણ મળતું નહતું. ઉફ્ફ આ ઉદાસી !

વરુણના મમ્મી પપ્પા મુંબઈ રહેતા હતાં. વરુણના પપ્પા  આ જ વર્ષે રીટાયર થયા હતા. પોતાના પૌત્ર અને પૌત્રીને સ્કુલમાં વેકેશન  પડ્યું હોવાથી એમની સાથે થોડો સમય પસાર કરવાના ઇરાદાથી એ લોકો દસ દિવસ વરુણના ઘરે અમદાવાદ રોકાવા આવ્યા હતાં. અંતરા પણ ઘરમાં વડીલોની હાજરીથી ફ્રેશ થઈ ગઈ. પણ એની ખુશીને બે જ દિવસમાં પાછું ગ્રહણ લાગી ગયું અને આ ગ્રહણ એ વડીલોની નજરમાંપણ આવી ગયું. ધીરુભાઈ – વરુણના પપ્પાએ બે દિવસ લગાતાર આખા ઘરની સ્થિતીને માર્ક કર્યા કરી અને એ અનુભવી નજરમાં આ ઉદાસીનું કારણ તત્કાળ પકડાઈ ગયું. એક દિવસ એમણે વરુણને બેડરુમમાં બોલાવ્યો અને કહ્યું,

‘બેટા, મારે તારી સાથે થોડી અંગત વાતો કરવી છે. તારા પિતા કમ દોસ્ત તરીકે. આવ બેસ !’

‘પપ્પા,તમે કાયમ મારા ફ્રેન્ડ કમ ફિલોસોફર કમ ગાઈડ્ રહ્યાં છો. તમારા જેવા પિતાને મેળવીને હું ધન્ય થઈ ગયો છું. આમ તો મારે પણ તમારી સાથે થોડી વાત કરવી છે પણ…’

અને વરુણ આગળનું વાક્ય અધુરું છોડીને અટકી ગયો. ધીરુભાઈના સરળ અને સંતોષી વદન ઉપર એક મમતાળુ સ્મ્તિ ફરકી ગયું. વરુણના હાથ પર હાથ મૂકીને બોલ્યાં,

‘બેટા, યાદ છે તને જ્યારે તું કોલેજમાં હતો અને હું તારી પાસેથી તારી પોકેટમનીનો હિસાબ માંગતો ત્યારે તું કેવો ચિડાઈ જતો હતો.’

‘હા પપ્પા, એ વખતે મનમાં એક જ વિચાર ઉફનતો હતો કે હું કમાતો નથી એટલે જ મારે તમને આવા સવાલોના જવાબ આપવાનો વારો આવે છે, લોહી ઉકળી જતું હતું.’

‘દીકરા, આમ તો તમારા પર્સનલ વાતોમાં હું માથું નથી મારવા ઇચ્છતો, પણ આજે મજબૂરીવશ એમ કરવું પડે છે. મારા ખ્યાલ પ્રમાણે અંતરા લગ્ન પહેલાં એક સરસ મજાની પાંચ આંકડાની રીસ્પેક્ટેબલ જોબ કરતી હતી. તો એ જોબ તે એને છોડાવી કે એણે જાતે છોડી એ કહે તો જરા.’

‘પપ્પા, મારો પગાર સારો એવો છે, અમારું ઇન મીન અને તીન-ચારનું કુંટુંબ એમાં મજાથી જીવી શકે એમ છે તો મેં જ અંતરાને એ જોબ છોડી દેવાનું કહેલું.જોકે મેં એને કોઇ ફોર્સ નહતો કરેલો. પણ ઘર અને બાળકોને સાચવી લેવાના સહેતુક અંતરાએ એ વાતનો સહર્ષ સ્વીકાર કરેલો. પણ કેમ આજે આવો સવાલ…?’

‘દીકરા,અંતરા એક સ્વાભિમાની સ્ત્રી છે. કાલે એણે તારી પાસેથી ઘરખર્ચના પૈસા માંગેલા અને તેં એની પાસે આગળના આપેલા પૈસાનો હિસાબ માંગ્યો હતો એ વખતે એના મોઢાના પલટાતા હાવભાવથી મને આખી ય વાત સમજાઈ ગઈ. કદાચ એના પોતાના પણ ધ્યાન બહાર છે આ વાત.’

‘પપ્પા,તમે આમ ગોળ ગોળ વાત કાં ફેરવો છો..મેં તો જસ્ટ એક સામાન્ય પૂછતાછ કરેલી. બાકી અંતરા ખાસી સ્માર્ટ છે. એમ.બી.એ કરેલ છે.એના મેનેજમેંટ પર મને કોઇ જ અવિશ્વાસ નથી.’

‘બેટા, કોલેજ્સમયે મારા હિસાબ માંગતી વેળા તને જે લાગણી થઈ હતી તદ્દ્ન એવી જ લાગણી એક સમયની જાતકમાણી પર જીવતી, પોતાની મરજી મુજબ પૈસા વાપરતી અંતરાને ના થઈ શકે..?’

અને એક જ મીનીટમાં વરુણના ધ્યાનમાં પોતાની ભૂલ અને અંતરાની ઉદાસીનું કારણ આવી ગયું. એની નજર સમક્ષ એવા ઘણા પ્રસંગો આવી ગયા કે જેમાં અંતરાએ એની પાસે જેટલા પૈસા માંગ્યા હોય એનાથી અડધા જ પૈસા એને આપેલા..વળી એ જે આપતો એનો પણ પાક્કો હિસાબ માંગવાનોઆગ્રહ રાખતો હતો. ઓહ..તો આ બધી વાતોથી અંતરાનું નાજુક સ્વાભિમાન છોલાતું હતું એ વાત તો પોતાના ધ્યાનમાં જ ના આવી…ઉફ્ફ…પોતે ભણેલો ગણેલો મોર્ડન યુવક થઈને પણ પોતાની સ્વાભિમાની, પ્રેમાળ, સ્માર્ટ પત્નીને સમજવામાં આવી ભૂલ કરી બેઠો. વરુણની આંખો ગુનાની લાગણીથી ભીની થઈ ગઈ અને ધીરુભાઈનો હાથ દબાવીને બોલ્યો,

‘પપ્પા,તમે સમય રહેતાં મારી આંખો ખોલી કાઢી. હવેથી અંતરાએ મારી સમક્ષ ઘરખર્ચ કે કોઇ પણ બાબતે પૈસાની માંગણી કરવી પડે એવો અવસર જ નહીઁ આવવા દઉં અને એના પર પૂરતો વિશ્વાસ મૂકીને એને આપેલા પૈસાનો હિસાબ માંગવાની ભૂલ તો ક્યારેય નહીઁ કરું. એની સાથે વાત કરીને એક નિસ્ચિંત રકમ એને મહિનાની પહેલી તારીખે જ આપી દઈશ. આખો પગાર મારા ખિસ્સામાં લઈને ફરવાની મારી ટેવને આજથી જ તિલાંજલી’

‘દીકરા,આમે આખા પગારના વજનથી કો’ક્વખતે આપણું ખિસ્સું ફાટી જાય. એટલે એ વજન આપણે સાથે લઈને ફરવાની સહેજ પણ જરુર નથી. લક્ષ્મીથી ઘરની લક્ષ્મી શોભે અને સંતોષ પામે. આપણે તો એની શોભા અને સંતોષથી ખુશ રહેવાનું બસ.’

‘પપ્પા,તમે બરાબર કહો છો. અંતરા ખુશ હશે તો આખા ઘરમાં એની ખુશીના પડઘાપડશે અને બધા ખુશ ખુશ રહેશે..હવે એની રહસ્યમય ઉદાસી ક્યારેય આ ઘરમાં નહી પ્રવેશે એ તમારા દીકરાનું તમને પ્રોમિસ છે.’

અને વરુણ ધીરુભાઈને વળગીને રડી પડ્યો.

અનબીટેબલ : A loving heart can exist only in the absence of calculative mind.’

-via sms

અદભુત ઘટના


થોડામાં શું છ્લકાઈ જવાનું..
બે કાંઠે ભરપૂર ઉભરાઈને
વહી જવાની ઘટના
અદભુત છે !
-સ્નેહા પટેલ

વાત બે સ્ત્રીઓની


foolchhab paper > 19-06-2013 > Navrash ni pal column

થોડા સમય પહેલાં ફેસબુકમાં એક પોસ્ટ ફરતી જોઈ. નામના ફેરફાર સાથે એ વાત વાર્તારુપે આપની સમક્ષ રજૂ કરું છું.

ખોટાં છે છતાં એમની ટીકા ના કરો

આ વાતની જાહેરમાં ચર્ચા ના કરો

આ એમની પડતીનો સમય છે “આદિલ”

દેખી ન શકો આપ તો જોયા ના કરો

– આદિલ મન્સૂરી

 

એક પ્રતિષ્ઠિત સાહિત્યિક સમારોહમાં સાહિત્યમાં ઉંચી પદવીધારી લેખિકા રીમા અને નવીસવી કવયિત્રિ રૂપા ભેગા થાય છે અને વાર્તાલાપનો દોર ચાલુ થાય છે. રીમાનો અહમ એના નાકના ટેરવે બરાબર એના ચશ્માની દાંડીને અડીને જ રહેતો હતો. એણે બહુ સ્ટ્રગલ કરેલી હતી, બહુ બાંધછોડ કરી હતી ત્યારે આજે સાહિત્યમાં એના નામના સિક્કા પડતા હતાં. એનું નામ પડે એટલે બુકસ્ટોરમાંથી એની બુક્સ ચપોચપ વેચાઈ જાય,કોઇ પણ પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર હોય એની કોલમ એમાં હોય હોય ને હોય જ. ગુમાનની અણીને સફળતા વધારે ધાર કાઢતી જતી હતી. એની નજર ચુપચાપ એક ખૂણામાં બેસીને સાહિત્યના વિશાળ ખંડને ચૂપચાપ – આસ્ચ્ર્યજનક ભોળી માસૂમ આંખોથી નિહાળી રહેલ રુપા પર પડી.

‘આ ચહેરો તો અજાણ્યો લાગે છે..ક્યાંય જોયાનું યાદ નથી આવતું…’ મનોમન વિચારતી રીમા રુપા પાસે ગઈ અને એની બાજુમાં પડેલ ખુરશી ખેંચીને એની પર બિરાજમાન થઈ. વાતનો દોર ચાલુ કર્યો.

‘શું લખો છો?’

‘જી..ગઝલો લખું છુ.’

‘હ્મ્મ..શેરો શાયરી ! એના સિવાય બીજી શું પ્રવૃતિ કરો છો?’

‘જી..ગૃહિણી છું.’

‘શું ? માત્ર ગૃહિણી…’ અને રીમાના લહેંકામાં એક તુચ્છ્કારનો ભાવ આવી ગયો.’ક્યાંય જોબ નથી કરતા ?’

 

રુપા ચૂપચાપ માથું નીચું નાખીને જમીન ખોતરતી રહી. ત્યાં રીમાના પ્રશ્નોની બંદૂક ફરીથી ફૂટી.

‘શું ભણ્યા છો?’

રુપા હવે થોડી સંકોચાઈ, ‘સંજોગોવશાત કોલેજનું શિક્ષણ પણ નથી લઇ શકી.’

રીમાનો તુચ્છ્કાર સપાટી વટાવી ગયો, ‘ઓહ, તો સાહિત્યમાં શુ કરો છો ?’

આટલા મોટામાથા સામે રુપા ગભરુ ગાય સમી બની ગઈ.આંખો હમણાં વરસું હમણાં વરસું થઈ ગઈ ત્યાં રીમાએ પૂછપરછ આગળ ચલાવી.

‘ઠીક ત્યારે , એ તો કહો તમારા ગુરુ કોણ છે?’

‘જી,મારે કોઇ ગુરુ નથી જાતે જાતે, પુસ્તકોની મદદથીઅને મિત્રોની મદદથી ગઝલના છંદ શીખી છું.બાકી ઇશ્વરની મહેરબાની છે.’

‘કોને કોને વાંચ્યા છે?’

‘કોઇ એક સર્જકને પુરેપુરા વાંચી કે સમજી લીધા હોય એવું નથી થયુ, પણ હા ઘણુ જુદુ જુદુ વાંચતી રહુ છું.’

‘કમાલ છે! આવા મોટા – પ્રતિષ્ઠિત સમારંભમા તમે આમંત્રિત થયા છો એ વાતનું મને બેહદ આશ્ચર્ય થાય છે.નથી તમે સારી જોબ કરતા, નથી કોઇ ડીગ્રી, નથી કોઇ ગુરુ, નથી કાંઇ વાંચ્યુ ! મને લાગે છે ..કે માત્ર ને માત્ર સ્ત્રી હોવાના કારણે તમને આમંત્રિત કરાયા છે.’

હવે રુપાનો પારો છ્ટકયો.

‘જુઓ રીમાજી, તમે સાહિત્યમાં બહુ ઉંચી પદવી ધરાવો છો અને એ જગ્યાએ પહોંચવા શું શું ખેલ કર્યા છે એ તો આખી દુનિયા જાણે છે. પણ એ જગ્યાએ પહોંચીને બીજી સ્ત્રીઓના આત્મસન્માનને ઠોકર મારવાનો હક્ક તમને કોઇએ નથી આપી દીધો. મારે નહતું બોલવું પણ તમે આ વાત મારા મોઢામાં આંગળા નાંખીને બોલાવી કારણ મારા આત્મસન્માનના રખોપા મારી પહેલી ફરજ ! દુનિયામાં દરેક સ્ત્રી તમારા જેવી જ હોય એવું જરુરી નથી. વળી કવિતા મારા શોખનો વિષય છે, મારું પેશન છે. મારા આત્મવિશ્વાસથી વધીને મોટો ગુરુ ક્યાંથી કોઇ હોઇ શકે..? તો મારો આત્મવિશ્વાસ મારો ગુરુ. વળી તમારા જેવી જીવતી જાગતી જીંદગીઓને રોજ વાંચુ છું તો એ મારો અભ્યાસ છે.. જોબ વિશે મારે તમને આમ તો સમજાવવાની જરુર નથી લાગતી કારણકે એ તો સોનાની જાળ પાણીમાં જેવી વાત થશે પણ હું એક હાઉસવાઈફ – હાઉસ મેનેજર છું. હું મારા કામમાંથી એક દિવસ પણ આઘી પાછી થઊં તો મારી સાથે જોડાયેલી પાંચ બીજી જીંદગીઓની ઘડિયાળો અનિયમિત થઈ જાય. હવે મને કેમ આમંત્રિત કરાઈ છે એ તો હું સ્ટેજ પર જ્યારે મારી કવિતાઓનું પઠન કરીશ ત્યારે જ તમને સમજાશે. હું નહીઁ મારું કામ તમને સમજાવશે.મને આયોજકભાઈ બોલાવે છે ક્યારના..તો રજા લઉં. આપણી મંઝિલ તો એક જ છે. આમ જ મળી જઈશું બીજી કોઇ સફરમાં.સ્ત્રી છો તો સ્ત્રીઓનું સન્માન કરતાં શીખો નહીં કે એમને નીચા પાડીને ગર્વ કરતાં. કોઇના નીચા પડવાથી આપણે ક્યારેય ઉપર નથી ઉઠી શકતાં – ઉપર તો જાતમહેનત, આવડત અને આત્મવિશ્વાસથી જ જવાય બેન, આવજો. !’

અને પોતાની પાછળ અવાચકપણે ડોળા ફાડીને ઉભેલી રીમાને મૂકીને રુપાએ પોતાની કારકિર્દીને ઝગમગાવવાની દિશા તરફ ડગ ભર્યા.

અનબીટેબલ : તમારા આત્મવિશ્વાસની ડોર ક્યારેય બીજાના હાથમાં ના સોંપવી.

-સ્નેહા પટેલ.

સ્થાયીભાવ


પળભર પહેલાં તો
સ્થાયીભાવની પ્રખરતાના નશામાં ઝૂમતી હતી.
પલક બંધ કરીને ખોલી તો
નવી ઘટનાઓના વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.
-સ્નેહા પટેલ

‘મમ્મી, મને મજા આવે છે.’


phoolchhab paper > 12-06-2013 > navrash ni pal column.

 


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે !
 બાલાશંકર કંથારિયા.

બપોરના લગભગ ત્રણ વાગેલાં. ભરઉનાળાની ગરમીનો પારો માઝા મૂકીને ઉપર ને ઉપર વધી રહ્યો હતો. આવૃતિ એના 12 વર્ષના દીકરા શિવાંશની સાથે ડ્રોઈંગરુમમાં બેઠી હતી અને પોતાના કામ પતાવતા પતાવતા પોતાના લાડલાની અવિરત કાર્યવિધિને નિહાળતી જતી હતી.

લગભગ એકાદ વાગ્યાનો સ્કુલેથી પાછો આવેલો શિવાંશ જમીને, કપડાં બદલીને તરત જ અઠવાડીઆ પછી આવી રહેલ  ‘ટીચર્સ ડે’ પર એના મે’મને આપવા માટે કાર્ડ બનાવી રહ્યો હતો. શિવાંશ એક બહુ ક્રીએટીવ અને મહેનતુ છોકરો હતો. પોતાની જાત પાસેથી શિવાંશનું પોતાનુંજ ‘એક્સ્પેક્ટેશન’ બહુ ઉંચું હતું. એણે કાર્ડ બનાવ્યું..ના ગમ્યું એટલે એ ફાડીને બીજું બનાવ્યું..આમ ને આમ એ  કાર્ડસ ફાટતાંફાટતાં એનો આંકડો પાંચની આસપાસ પહોંચી ગયો.

શિવાંશનું મોઢું –કપડાં – હાથ બધું કલરથી ખરડાઈ ગયેલું પણ એના વદન પર આશાનો સૂરજ યથાવત ઝગમગ કરતો હતો. પણ ઘરમાં ચાલતા એસીની ઘરઘરાટી અને ફુલ ઠંડક વચ્ચે પણ આવૃતિની ધીરજ હવે એનો સાથ છોડતી પ્રતીત થતી હતી.  પોતાના દીકરાની ખરા દિલની લાગણી અને તનતોડ મહેનત પછી બનાવેલા કાર્ડની હાલત યાદ આવી ગઈ…એની નજર સમક્ષ પાછ્લા વર્ષના શિવાંશના પ્રિયા ટીચરે એની સાથે કરેલું વર્તન યાદ આવ્યું ને ધૂંધવાઈ ઉઠી, અકળાઇ ગઈ,

‘બેટા, કેટલી મહેનત કરે છે તું આ એક કાર્ડ પાછળ.! છેલ્લાં વર્ષે જ તારા શિક્ષકે તારું બનાવેલું કાર્ડ પીરીઅડ પત્યાં પછી ક્લાસના ‘ડ્સ્ટબીન’માં જ પધરાવેલું ને..યાદ નથી.’

શિવાંશે એનું કલરવાળું, થોડા વેર-વિખેરવાળ વાળું થાકેલું મોઢું ભારે માસૂમિયત સાથે આવૃતિ સામે ઊંચુ કર્યું અને વદન પર એક મધુર સ્મિત ફરકાવતો બોલ્યો,

‘મમ્મી,  તમે ખરેખર જ એમ માનો છો કે આ કાર્ડ મારા શ્રેષ્ઠ કાર્ડ છે, મારું શ્રેષ્ઠ ‘ક્રીએશન’છે ? વળી જો મને જ મારા કામથી સંતોષ નથી થતો તો મારા ટીચરને કેમ થશે ? કામ કરવું તો પૂરા ખંતથી કરવું – ફક્ત કરવા ખાતર ના કરવું – એવું તમે જ તો સમજાવો છો. બની શકે કે ગઇ વખતની જેમ આ વખતે પણ એ જ વાતનું પુનરાવર્તન થાય..પણ એમાં શું?  એ એમનું કામ કરશે, મને તો મારુ કામ કરવા દો’

“પણ દીકરા, આટ-આટલી મહેનતનો તને બદલો શું મળશે..કેટલો સમય આપ્યો છે તેં આની પાછળ. હજુ તારે હોમવર્ક બાકી છે, વીકલી ટેસ્ટની તૈયારી બાકી છે અને તારા મિત્રો તને ક્યારના રમવા બોલાવે છે – મેચ રમવા માટે તારી રાહ જોવે છે. તારા વગર એમને રમવાનો સહેજ પણ મજા નથી આવતી…’

“મમ્મી, રોજ તો હું આ બધી  પ્રવૃતિઓ કરું જ છું ને..મારા પોતાના માટે જ સ્તો.. પણ આજે મને રોજ જેમની પાસેથી જ્ઞાન મેળવું છું, તમારા પછી જે મારા માટે પૂજનીય છે એમના તરફ મારી લાગણી – મારો ભાવ પ્રર્દશિત કરવા માટે આ કાર્ય કરવાની બહુ મજા આવે છે, બીજાની તો ખબર નથી પણ મને મારા પોતાનાથીબહુ સંતોષ છે મમ્મી અને તમે જ તો કહો છો કે જે કામ કરવાની આપણને મજા આવે તો બીજાઓની ચિંતા કર્યા વગર એ જ કામ પૂરી ચોકસાઇથી કરો અને તેને પૂર્ણ ધીરજ, ખંત અને પ્રામાણિકતાથી વળગી રહો. બસ આ જ કારણ આવે છે મમ્મી…મને બહુ મજા આવે છે અને એ કાર્ય હું કરું છું.’

નાના માસૂમ શિવાંશની નિર્દોષ વાતો સાંભળીને આવૃતિ બે મિનીટ અવાચક જ રહી ગઈ. બે પળમાંજ એની આંખમાં પોતાના દીકરાના આવા વિચારો સાંભળીને હર્ષાશ્રુથી છલકાઇ ગઈ. વિચારવા લાગી :

‘જીવન કેટલું સરળ છે. આપણે એને ચૂંથીચૂંથીને, વાતોના લીરે-લીરાં કાઢીને એને જીર્ણ -શીર્ણ અને ‘કોમ્પ્લીકેટેડ’ બનાવી કાઢીએ છીએ !’

અનબીટેબલ : ચકલીનું બચ્ચું એની મા ને પૂછે છે કે ‘ મા, વિશ્વ કેટલું મોટું છે ?’ ચકલી પોતાની બે પાંખો ફેલાવીને, બચ્ચાને એમાં છુપાવી લે છે અને કહે છે, ‘બસ બેટા, આટલું જ !’

-સ્નેહા પટેલ

સત્યનો ઓવરડોઝ.


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 6-5-2013

‘ઇશ્ક ભી કિયા રે મૌલા, દર્દ ભી દિયા રે મૌલા,

યૂં તો ખુશ રહા મગર કુછ રહ ગયા બાકી..’

‘પ્રીયા, તારી આ જ ટેવ મને નથી ગમતી. કોઈ પણ મહત્વનું ડીસીઝન લેવાનું હોય ત્યારે તું હંમેશા ઢચુપચુ જ હોય. ‘ટુ બી નોટ ટુ બી’ ની તારી આ ટેવ દર વખતે સારી નહીં. જ્યારે અને જે સમયે જે નિર્ણય લેવાનો હોય એ મગજ પર કાબૂ રાખીને, બરાબર વિચાર કરીને લઈ જ લેવો પડે પણ તારું દિલ અને દિમાગ હંમેશા બે અલગ અલગ દિશાઓના પ્રવાસી – મંઝિલ હંમેશા ડગુમગુ…!’

રાજીવની વાત સાંભળીને પ્રીયા બે ઘડી હેબતાઈ ગઈ. હંમેશા દિમાગ શાંત રાખી શકતો એનો પ્રેમાળ પતિ રાજીવ આજે નાની શી વાતમાં કેમ આટલો અકળાઈ ગયો ?

વાતમાં તો કંઇ નહતું. રાજીવને એના મિત્ર રાજનના ઘરે જવાનો મૂડ હતો અને પ્રીયાને એનું ઓફિસનું કામ પતાવવાનું હોવાથી થોડું કામ ઘરે લઈને આવેલી હતી એ પતાવવાનું ટેન્શન હતું. વળી રાજનના ઘરે જાય તો રસોઈનો સમય હતો એ પણ ડીસ્ટર્બ થાય એવું હતું. મોટાભાગે આવા ‘અનમેનેજ્ડ પ્લાન’ ના પરિણામોમાં એ લોકોને બહાર જમવાનો વારો જ આવતો જે પ્રીયાને નહતું ગમતું. એ સમય મેનેજ કરીને , એને અનુસરીને ચાલનારી વ્યક્તિ હતી એટલે એકાએક આવી કોઇ પરિસ્થિતી ઉભી થાય તો નિર્ણય લેવામાં હંમેશા એને તકલીફ પડતી.બીજા લોકોની જેમ ફટાફટ ગમે એ સ્થિતીને પહોંચી વળવા માનસિક કે શારિરીક રીતે એ સક્ષમ નહતી અને રાજીવ પણ એની આ તકલીફથી બરાબર માહિતગાર હતો. કાયમ એની આ તકલીફને એ ઠંડા દિમાગથી જ લેતો અને એને સોલ્વ કરી લેતો એના બદલે આજે આમ તીખી તમતમતી વાત બોલીને પ્રીયાને જબરો આઘાત પહોંચાડ્યો હતો.

બીજી બાજુ રાજીવની નજર સમક્ષ આવા સમયે કાયમ પ્રીયાના બોલાતા શબ્દો, ‘ આ તો મારી વારસાગત ટેવો. મારા મમ્મીને પણ આવી જ ટેવ હતી’ ઘૂમરાતા હતાં.

રાજીવના સાસુ સૂર્યાબેન બહુ જ લાગણીશીલ સ્ત્ર્રી હતાં. પણ કાયમ એમના દિમાગ પર એમનું દિલ હાવી જ રહે જેના કારણે એ કાયમ ‘ટુ બી નોટ ટુ બી’ની દશામાં મૂકાઈ જતાં, કાયમ નિર્ણય લેવાની વેળાએ એ અવઢવોના મહાસાગરમાં જ ફસાયેલા હોય. ૬૦ વર્ષની ઉંમરે પણ એ ઘણીવાર નાના છોકરાંઓ જેવું વર્તન કરી બેસતાં જેનાથી રાજીવને બહુ ગુસ્સો આવતો. રાજીવના મત મુજબ દરેક માનવીએ એની ઉંમરને અનુરુપ વર્તન કરવું જોઇએ. વળી સૂર્યાબેનના આવા દિલથી લેવાયેલા ઘણાં નિર્ણયોનું એમના પતિદેવ અને રાજીવના સસરા ચિરાગભાઈને માઠા ફળ ભોગવવાનો વારો આવતો હતો એ વાતો પણ પ્રીયા બહુ જ ઇનોસન્ટલી રાજીવ સમક્ષ કરતી રહેતી.  રાજીવથી – એના જીવનસાથીથી વળી શું છુપાવવાનું હોય…એની સમક્ષ તો પોતાનું જીવન ખુલ્લી કિતાબ જેવું જ હોવું જોઇએ. પહેલાં પહેલાં તો રાજીવ પ્રીયાની આ વાત બહુ જ સહજતાથી અને ગર્વપૂર્વક લેતો હતો. પણ ધીરે ધીરે એને એવું ફીલ થવા લાગ્યું કે દરેક વાત પ્રીયાને એના મમ્મી તરફથી વારસાગત મળી છે તો ક્યાંક ભવિષ્યમાં પ્રીયા પણ એના મમ્મીની જેવી ઇમ્મેચ્યોર સ્ત્રી તો નહીં બની જાય ને…? ના, એ વાત તો એને સહન થાય એવી જ નહતી. પ્રીયા સૂર્યાબેન જેવું ચાઈલ્ડીશ વર્તન કરે તો પોતાની હાલત પણ ચિરાગભાઈ જેવી હાલત થઈને ઉભી રહે…એ બધી આદતોના નરસા પરિણામો ભોગવવાનો વારો આવે. વળી પોતે તો પોતાના સાસુની આ ટેવને સહજતાથી લઈને ચલાવી લેવા જેટલો સમજદાર અને ઉદાર હતો પણ કાલે ઉઠીને પોતાની દીકરી શિયાનો વર પણ એવો સમજુ જ આવશે એની શી ખાત્રી ? એની સમક્ષ પ્રીયા પણ આવું વર્તન કરે તો તો પોતાને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો જ વારો આવે ને !

આ બધી વાતોના પડઘારુપે રાજીવનું સબકોન્સિયસ માઈન્ડ આજે એના કોન્સિયસ માઈન્ડ પર ચડી બેઠું અને એના દિલનો છુપો ભય એની જબાન પર આવી ગયો  એનો એને પોતાને પણ ખ્યાલ ના રહ્યો.

બોલાઈ ગયા પછી રાજીવને દુ:ખ તો બહુ થયું પણ શબ્દોના બાણ ભાથામાંથી નીકળી ચૂકેલા હવે કંઈ બોલવાનો – સમજાવવાનો કોઇ જ મતલબ નહતો.

વાંક કોઇનો પણ નહતો પણ પોતાના જીવનસાથી આગળ બને એટલા પ્રામાણિક અને ખુલ્લાં રહેવાની પ્રીયાની ટેવનો હતો. પ્રીયાએ મતલબ ના હોય એવી વાતો રાજીવને કહેવાની જરુર પણ ક્યાં હતી ? હવે તો માનસિકતા બંધાઈ ગયેલી, ઘડો પાકો થઈ ગયેલો હતો એમાં સાંધાસૂંધીનો અવકાશ ક્યાંથી હોય ? વળી બોલેલું ક્યારેય ના બોલેલું  નથી થતું. વાત રાજીવના કોંસિયસ માઇન્ડમાંથી એના સબકોન્સિયસ માઇન્ડમાં પ્રવેશી ગયેલી. પરિસ્થિતી હાથ બહાર હતી અને  પ્રીયાએ એના ખુશહાલ – સોના જેવા લગ્નજીવનમાં આવી લોઢાના મેખ જેવી પરિસ્થિતીઓનો સામનો કર્યે જ છુટકો હતો.

કાશ,લગ્નજીવનની શરુઆતથી જ પ્રીયાએ બેલેંસ્ડ માઇન્ડ રાખીને રાજીવ સાથે પોતાની વાતો શેર કરી હોત તો આવું પરિણામ ના આવત.

અનબીટેબલ : સમય – સંજોગો પારખ્યાં વિના બોલાતું સત્ય પણ ઘણીવખત હાનિકારક નીવડે છે.

-સ્નેહા પટેલ.