ઉફ્ફ યે ગરમી ..‍!

http://gujaratguardian.in/E-Paper/05-26-2013Suppliment/index.html

Gujarat guardian newspaper > take it easy  column > article no – 44

એક  નજીકના સંબંધીના ઘરે લગ્નપ્રસંગ હતો. 44-45 ડીગ્રીની ગરમીમાં ‘લગ્ન’નામ સાંભળીને જ અમથો પરસેવો વળી જાય એમાં ય આ તો નજીકના સંબંધી એટલે વ્યવ્સ્થિત રીતે સજી-ધજીને જવું પડે જેવી મજબૂરીની બેડીઓમાં મારું અસામાજીક મન અટવાયેલું હતું, વોર્ડરોબ ખોલીને એક પછી એક સાડીઓ જોઇને પાછી મૂકી દેતી. કોઇ પણ પ્રસંગ હોય પણ આપણાં લાલચી અને નવીનતાના શોખીન જીવને કપડાંની ખોટ વર્તાય વર્તાય અને વર્તાય જ. એક ને એક બે જેવી હકીકત – કોઇ બેમત નહીં. એમાં વળી ગરમી એટ્લે અડધા કપડાં અને દાગીના તો પહેલેથી જ પસંદગીના લિસ્ટમાંથી તડીપાર થઈ જાય. ગરમીમાં આવું કાર્ય હાથીના દાંત જેવું આભાસી રીતે સરળ ગણાવી શકાય. પહેલી નજરે સિલેક્શનનું કામ અડધું થઈ જાય એટલે બાકીના ઓપ્શનમાંથી જ કપડાં સિલેક્ટ કરવાનું રહે. પણ ખરી તકલીફ તો એ ઓપ્શનવાળા લિસ્ટમાંથી પસંદ કરવા જઈએ ત્યારે ભાન પડે કે આ અડધામાંથી અડધા ઉપરના તો આપણા મૂડની રેંજની બહારની પસંદગીમાં છે. એટલે દેખાતું સરળ કામ તો આખરે અઘરું થઈને જ ઉભું રહ્યું હોય.

હાથીના દાંત જેવી પરિસ્થિતીમાં અટવાયેલી હતી ત્યાં અમારા 85 વર્ષના પાડોશી દિનેશકાકા ઘરના બારણે ડોકાયા.

‘બેટાં, બે ઘડીનો સમય છે તારી પાસે કે ?’

‘હા, હા બોલોને કાકા. શું કામ છે ?’ જોકે કામ તો મારા ઘરના પંખામાં એમના હાથમાં ઝૂલતા કાગળમાં ઝૂલી જ રહેલું હતું અને એ મને દેખાઈ – સમજાઈ પણ ગયેલું હતું. પણ કોઇ આપણને કામ ચીંધે પછી જ આપણાથી કામ થાય ને…એમ ને એમ જ આપણું ડહાપણ શું કામ ઠોકવાનું ને આપણી હોંશિયારીનું પ્રદર્શન કરવાનું !

‘અરે બેટા, આ જો ને રુપેશનો લેટર આવ્યો છે. (રુપેશ એટલે એમનો બબુચક, અક્ક્લનો ઇસ્કોતરો જેવો 25-27 વર્ષનો દીકરો જેને ભારતમાં એના લાયક કોઇ જ નોકરી ના મળતાં એ પોતાના પરદેશરહેતા સગાવ્હાલાઓના જોરે વિઝા મેળવીને લંડન નોકરી કરવા જતો રહેલો.) બળ્યું અંગરેજીમાં કંઇક ગીટ્પીટ લખ્યું છે ને મારી મોતિયાવાળી આંખે એના એ મોતી જેવા અક્ષરો ઉકલતા પણ નથી. તો મને જરા એ વાંચીને સમજાવ ને કે શું લખ્યુંછે ? એને ત્યાં કોઇ તકલીફ તો નથીને ?’

ગરમીમાં મજબૂરીની ગરમી ભળે ત્યારે એક નવો રંગ બને છે જે દુનિયાના કોઇ જ ‘જાનીવાલીપીનારા’જેવા મેઘધનુષ્યના કોમ્બીનેશનમાં નથી મળતો.

‘બેસો , બેસો કાકા. ઉભા રહો હું ઠંડુ પાણી લઈને આવું.’

‘હેઁ..એટલે તું મને બેસવાનું કહે છે દીકરા કે ઉભો રહેવાનું…સમજાણું નહીઁ’

અને મને મારી ભૂલનો અહેસાસ થયો.

‘અરે,ના એમ નહી… આ તો…અરે તમે બેસોને એક મીનીટમાં હું આવી’

અડધી બોટલ ઠંડા પાણીની પેટમાં પધરાવીને એક ગ્લાસ કાકાને આપ્યો ને એમના હાથમાંથી લેટર લઈને વાંચવા લાગી. અક્ષરો જોઇને એ જે ભાષામાં લખાયેલો એ ભાષામાં બોલવા જઉં તો વાંચવા અને બોલવાની ક્રિયાને મેળ પાડવામાં મારે બહુ જ મહેનત વેડફવી પડશે એમ લાગ્યું એથી મેઁ પહેલા લેટર વાંચીને મનોમન એના ‘ટ્રાંસલેશન’ની વિધી પતાવી દેવાનું કાર્ય જ હિતાવહ માન્યું. પંદર લીટીનો નાનકડો પત્ર વાંચતાં તો હું માઈલની દોડ એકીશ્વાસે દોડીને આવી હોવું એમ રીતસરની હાંફી ગઈ. કપાળેથી પસીનો દદડવા લાગ્યો જે નિ:શઁકપણે એસીવાળા રુમમાં ગરમીનો તો નહતો જ. મનમાં કલાપીની પંક્તિઓનો ચીત્કાર ઉઠ્યો,

‘હું જાઉં છું ! હું જાઉં છું !

ત્યાં આવશો કોઇ નહીં !’

એમ આપણાં ધાર્યા મુજબ કયાં આપણાથી કશે પણ હતાં – ના હતા થઈ શકાય. એટલે હતી એટલી હિઁમત અને બુધ્ધિ ભેગી કરીને મેં પત્રનું ભાષાંતર રજૂ કર્યું.

પ્રિય પિતાજી,

પ્રણામ.

હું આ પત્ર બહુ જ  ધીમો ધીમો લખું છું કારણ મને ખબર છે કે તમે ઉંમરના પ્રતાપે જલ્દીથી વાંચી શકતા નથી. છેલ્લા વર્ષે તમે જ્યારે અહીઁ આવેલા અને આપણે જ્યાં રહેતા હતાં એ ઘરથી ‘મૂવ’થઈ ગયો છું કારણ રોજ પેપરમાં એકની એક વાત આવે છે કે ઘરની 30 માઇલ્સ દૂર એક્સીડન્ટ્સ થયો છે. રોજ રોજ એ ત્રીસ માઈલના ટેંશનમાંથી બચવા મેઁ બીજા 30 માઈલપાછળ ખસી જઈને બીજું એક હોમ શોધી લીધું છે જે પહેલાકરતાં નાનું છે પણ સારું છે. નવા ઘરનું એડ્રેસ હું તમને હાલ તો નહીં આપી શકું કારણ મારે નવી નેમપ્લેટ બનાવવી પડશે અને પહેલાં જે મકાનમાલિક રહેતો હતો એ એની નેમપ્લેટ એણે એડ્રેસ બદલવું ના પડે એથી પોતાની સાથે લઈ ગયો છે તો થોડો સમય આટલી મુશ્કેલી વેઠવી પડશે એ બદલ દિલગીર છું. અત્યારે વેધર એટલું બધું ખરાબ પણ નથી કારણ જુઓને, અહીં અઠવાડીઆમાં ફકત બે જ વાર વરસાદ પડ્યો છે. પહેલી વાર ત્રણ દિવસ રહ્યો ને બીજીવખત ચાર દિવસ એટલે બહુ અગવડ ભોગવવાનો વારો નથી આવતો. તમે મને તમારા માટે કોટ મોકલવાનો કહેલો એ હું લઈ તો આવ્યો પણ એનું વજન થોડું વધી જતાં મેં એના બટન કાપીને કોટના ખિસ્સામાં મૂકી દીધાં છે જે તમે ત્યાં સરલાઆંટી પાસે જઈને ટંકાવી દેજો. અરે હા, એક ખાસ સમાચાર તો રહી જ ગયા. આપણા જેંતીકાકાના ચમનને ત્યાં ‘બેબી’આવ્યું છે એવા સમાચાર છે પણ મને હજુ એ નથી ખબર કે એ ‘બેબીગર્લ છે કે બેબીબૉય’ તો હું હજુ સુધી એ અવઢવમાં છું કે હું એનો કાકો થઈશ કે કાકી…! તમારો પૌત્ર નિમેશ અત્યારે મારા માથે આમથી તેમ ભમી રહ્યો છે. એકચ્યુલી એણે ચાર – પાંચ દિવસ જૂની નાન અને પંજાબી શાક ખાઈ લીધું હતું એ એને હેરાન કરી રહ્યું છે. ક્યારનો બૂમો પાડે છે,

‘હે પ્રભુ, કાં તો જાન કાઢી દે કાં નાન.’

જોઇએ ભગવાન હવે એનું કેટલું સાંભળે છે. જે પરિણામ આવશે એ  પછીના પત્રમાં જણાવીશ.આ બારીમાંથી મારી બાજુના અંકલ દેખાય છે જે વર્ષોથી એકનો એક કોટ પહેરતા હશે એવું લાગે છે. કારણ એ એટલો કડક લાગે છે કે કોઇ બુલેટપ્રૂફ ગોળી પણ એનો મેલ પસાર ના કરી શકે; એ એમના બગીચામાં છોડપાનને પાણીપાઈ રહ્યાં છે. એમના મોઢા પર બહુ જ કરચલીઓ છે. કદાચ એ બુઢાઓના પણ રાજા લાગે છે કારણ એમના મોઢા પરની કરચલીઓ પણ સફેદ થઈ ગઈ  છે. ભગવાન એમને લાંબુ – સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય આપે. તમે પણ તમારીતબિયત સાચવજો. ચાલો, વધારે પછી ક્યારેક લખીશ. આવજો, જય શ્રી ક્રિષ્ના.’

રુમાલથી પરસેવો લૂછતાં લૂછ્તાં ધ્રૂજતા હાથેમેઁ કાગળ દિનેશકાકાને પાછો આપ્યો. નજર પડી તો એમની આંખમાં અસ્રુનો મહાસાગર ઘૂઘવતોહતો. નવાઈ સાથે મેઁ એમના ખભે હાથ મૂક્યો તો તરત કાકા બોલી ઉઠ્યાં,’કેટલો દયાળુ અને કેરીંગ દીકરો છે મારો. પરદેશમાં પણ પાડોશીધર્મ નથી ભૂલ્યો. બધાનું કેટલુંધ્યાન રાખે છે. ભગવાન એને ખુશ રાખે.’ અને આંસુ લૂછતાં લૂછતાં કાગળ લઈને ત્યાંથી વિદાય થયા.

દસ મીનીટના આ સંવેદનશીલ એપિસોડ પછી મારું નાજુક દિલ દ્રવી ગયું. વધારે વિચારવાને સક્ષમ જ ના રહ્યું.કબાટમાં જે પહેલી ભારે સાડી અને ઘરેણાં આવ્યાં એ હાથમાં લઈને તૈયાર થવા ચાલી.

-સ્નેહા પટેલ

2 comments on “ઉફ્ફ યે ગરમી ..‍!

  1. વાર્તામાં બહુ સમજ ના પડી, તમે શું કહેવા માંગો છો…….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s