માણસાઈનો રકાસ.

માણસાઈનો રકાસ:

આજકાલની ગરમી વિશે બહુ નહી લખુ. બધા અનુભવે જ છે. વળી મોબાઈલ -નેટ માં આવતા મેસેજીસ પણ યાદ કરાવતા રહે છે કે પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પાણી પાવો , તમારી અંદરની છુપી માનવતાને બહાર આવવા એક તક આપો વળી ‘એનિમલ હેલ્પલાઈન નંબર’ પણ ઠેર ઠેર મળી ! કેટલા દયાળુ જીવ, વાહ

આ બધાંની વચ્ચે નજરે પડેલી એક સત્ય ઘટના લખ્યાં વિના નથી રહી શકતી.

આજે ૧૧ વાગ્યે બપોરે (આમ તો બપોર ના કહેવાય પણ ભવિષ્યમાં કદાચ ગરમીમાં બપોર ૧૦ વાગ્યાથી  સાંજના ૮ સુધી થઈ જશે એમ લાગે છેએટલે ૧૧ વાગ્યાના બપોરના સમયે એક ભોળુ ભટાક્ડું કબૂતર ઊડતું..ઊડતું અચાનક મારી બાજુના ફ્લેટની દિવાલે જઈને અથડાયું અને ધબાક…! જ્યાં પડ્યું ત્યાં અને તેમ જ પડી રહ્યું. સાવ અધમૂઉં થઈ ગયેલું. એનામાં કોઈ જ તાકાત નહોતી કે એ હલન ચલન કરી શકે, ડોક એક બાજુ વળી ગયેલી, એક બાજુની પાંખ ખુલ્લી અને એક બાજુની બંધ.એની એ સ્થિતિમાં સુધારો કરવા માટે કોઈ જ ઉપાયો હવે શકય નહોતા. તાકાતવિહીન..ભીંજાયેલ આંખો, અસહાય-લાચાર મોઢું માણસોને કહેતું હતું, ‘હવે મારુઁ જીવન તમારા અને તમારી ‘એનિમલ હેલ્પ લાઈન’ ના ભરોસે જ છે, બચાવી લો ભગવાનને ખાતર..આજીજીઓનો ઢગલો –

‘મારે હજુ જીવવું છે..પ્લીઝ..કંઈક કરો.’

હવે આપણે માણસજાત તો બહુ દયાળુ. બધા જ ટોળે વળીને એને ઘેરી વળ્યાં ..દરેકે પોત પોતાના અનુભવોના પીટારાઓ ખોલવા માંડયા – શિખામણોના ઢગલા ખડકાવા માંડ્યા ! એટલામાં સોસાયટીનો ચોકીદાર એક પાણીની બોટલ લઈને આવ્યો અને એ કબૂતરને પાણી પાવા માંડ્યો..એક જણ એને પૂંઠાની મદદથી પવન નાંખવા લાગ્યો અને બાકીના બધા દિલ પર હાથ મૂકીને એ દ્રશ્ય જોતા પોત-પોતાનો મહામૂલો સમય આપતા ઉભા રહ્યા..(!!!!!)પણ કોઈ જ ઉક્તિ કારગર ના નીવડી..એ અબોલ જીવનું આયખું કદાચ આટલું જ હશે અને એણે આશાભરી આંખે માનવમેદનીને જોતા જોતા જ છેલ્લાં શ્વાસ છોડ્યાં. અને આ શું ?

ત્યાં ઉભેલા દરેક લોકોનો વ્યવહાર તરતા જ બદલાઈ ગયો,

‘અરે યાર, આ તો મરી ગયું. આપણા સફાઈ કામદારો તો આને હાથ પણ  નહી લગાડે.અને મ્યુનિસિપાલટીની ગાડી તો છેક બપોરે આવશે. પાંચ વાગ્યા પછી. ત્યાં સુધીમાં તો ગરમીમા આના શરીરમાંથી અસહ્ય વાસ વછૂટવાનું ચાલુ થઈ જશે..હવે આ બલાનું શું કરવું ?’

ત્યાં તો ભીડમાંથી એક અતિ બુધ્ધિશાળી વ્યક્તિએ એક વચેટનો રસ્તો સુઝાડ્યો..અમારી અને એમની સોસાયટીની વચ્ચે એક કંપાઉન્ડ વોલ જ હતી..એક પુંઠું લઈને કબૂતરની ડેડબોડીને ઉચકીને નાંખ્યું અમારી સોસાયટીમાં,

‘હાશ- ચાલો, બલા ટળી..હવે તો એ ‘સારથીવાળા’એ જોવાનું કે આનું શું કરવું , એના મૃત શરીરની વાસ હવે એ લોકો સહન કરશે..આપણે શું? આપણે તો આપણાથી બનતું કર્યુ.આપણો અમૂલ્ય સમય આપ્યો .બસ આનાથી વધુ તો શું હોય ? હવે કામ ધંધે લાગીએ, ચાલો દોસ્તો..આવજો..સાંજે મળ્યા આ જ બાંક્ડે..!!

તો આ હતો ભરઉનાળામાં સૂર્યની ગરમીને પણ શરમાવતો ખુલ્લે આમ લાગણીશીલતા – સંવેદનો…આ બધા શબ્દોનું ઊઘાડે-છોગ નીલામ કરતો માણસાઈનો રકાસ.

-sneha patel

4 comments on “માણસાઈનો રકાસ.

 1. તમારું અવલોકન અને લેખિકા હોઇ સમાજના બહોળા સમુદાયને આ સંદેશો દાદ માગી લે છે. તમને, લેખ લખવા માટે ઘરવાળાએ આપેલ તક અને તમારી કલમને મારી સલામ.

  લખતા રહેશો અને વહેંચતા રહેશો.

  કુશળતા ઇચ્છતો,

  ચીમન પટેલ ‘ચમન’

  Like

 2. સૂર્યની ગરમીને પણ શરમાવતો ખુલ્લે આમ લાગણીશીલતા – સંવેદનો…આ બધા શબ્દોનું ઊઘાડે-છોગ નીલામ કરતો માણસાઈનો રકાસ……………. 😦

  Like

 3. શ્રી. સ્નેહાબહેન,

  મેં એવા લોકોને જોયા છે કે જે પોતાનું આંગણું ચોખ્ખુ ચટ્ટાક રાખે અને કચરો બાજુ વાળાના આંગણામાં ફેકી આવે. પોતાના ઘર પાસે કોઈને ફરકવાયે ન દે અને બીજાના ઘર પાસે ઉકરડો કરે અને ત્યાં જઈને તેમનો કચરો યે નાખી આવે. પોતાના ઘરમાંથી પકડાયેલા ઉંદરો ચોકમાં જઈને બીજાના ઘર પાસે છોડી આવે. માણસાઈનો રકાસ અને વિકાસ નીરંતર જોવા મળતો હોય છે. માણસાઈના રકાસ અને વિકાસ પાછળ કામ કરતાં પરિબળો ક્યાં છે તે વિશે વિચારણા કરીને અનુકુળતાએ લેખ લખવા પ્રયાસ કરજો.

  હમણાં બે દિવસ મારે અમદાવાદ મારા સાઢુભાઈને ત્યાં રહેવા આવવાનું થયું. પાંચમા માળે ફ્લેટ પર જો જરાક બારી ખુલ્લી રહી જાય તો ફરફરાટ કરતો પવન આવે અને કબુતરો યે ઘરમાં ઘુસવા રાહ જ જોતા હોય. અમદાવાદમાં તેમના ફ્લેટ આસપાસ ઘણાં કબુતરો જોયા. તેઓ માળો બાંધવા દોરી, સળી, નાનું કપડું, રૂ એવું બધું શોધતા હોય જ્યારે એવું કાઈક મળે એટલે ચાંચમાં લઈને ઉડે. એક વખત તો મારા સાઢુભાઈના મોબાઈલને ગળે લટકાડવા દોરી બાંધેલી તો તે દોરી માળો બનાવવા માટે ચાંચમાં ઉપાડીને ઉડ્યુ. સાથે સાથે મોબાઈલ પણ ઉડ્યો. મોબાઈલનું વજન જાજો વખત ઉંચકી ન શક્યું એટલે દોરી છોડી દીધી અને મોબાઈલ પટકાયો.

  અમદાવાદી ગૃહિણી ધારે તો આખે આખી કબુતર કથા લખી શકે. મારા પાટલા સાસુ પાસેય કબુતરની ઘણી વાતો હતી.

  બે દિવસ અમદાવાદની અસહ્ય ગરમીમાં દિવસે તો ક્યાંય ન જવાય. છેક સાંજે ક્યાંક બહાર નીકળાય મારી જેવાને તો રાત્રે પાછું કવિતાના કે બાળકોના સહારે ચાલવું પડે. એક દિવસ કેમ્પના હનુમાન અને ગાયત્રી મંદિર તથા બીજા દિવસે મીની કાંકરીયા ગયેલા.

  બે દિવસ બપોરે ઘરમાં શું કરવું? કાજલ ઓઝા વૈદ્યએ લખેલી કૃષ્ણાયન વાંચવાનો અવસર મળી ગયો.

  પ્રથમ ફકરા સીવાય આખાએ પ્રતિભાવને લેખ સાથે કશો સંબંધ નથી તે હું જાણું છું પણ મને થયું કે આજે તમારી સાથે થોડી વાતો કરુ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s