મિત્રોની વ્યાખ્યા


23-05-2013 > fulchhab newspaper > Navrasah ni pal column

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભુંસી દઊં

અરીસો ફોડવા બેસું તો વરસો ના વરસ લાગે.

 

– મનોજ ખંડેરીયા.

 

પ્રતીચી આજે બહુ ખુશ હતી. આવતા મહિનાની ૧૦મી તારીખે એની બર્થ ડે આવી રહી હતી. આ વખતે એને પેરેન્ટસે પૂરતી આઝાદી આપેલી હતી અને કહ્યુ હતું કે,

‘ તારે જેને બોલાવવા હોય એને બોલાવજે. આપણે ધૂમધામથી તારા જન્મદિવસની પાર્ટી સેલિબ્રેટ કરીશું. ‘

અને પ્રતીચી ખુશ ખુશ. છેલ્લાં ૩-૪ વર્ષથી એ એના ફ્રેન્ડસની પાર્ટીઓમાં જઈ જઈને શરમાતી હતી કારણકે છેલ્લાં કેટલાંય વખતથી ઘરની આર્થિક સ્થિતીને લીધે એ પોતાના ઘરે કોઇ જ પાર્ટી નહતી આપી શકતી. બધા મિત્રો એમના ફાર્મહાઉસ કે મોટા શોપિંગ મોલમાં પાર્ટીઓ આપતા જ્યારે એને એક નાના સા રેસ્ટોરન્ટમાં પાર્ટી આપવાના પણ વાંધા હતાં.એથી આજે જ્યારે એને આવી છૂટ મળી ત્યારે એની ખુશીઓ પાર ના રહ્યો.જાણે પોતે સાતમા આસમાન ઉપર ઉડતી હોય એવું ફીલ કરતી હતી.

ત્યાં તો એની મમ્મી સ્વીટીએ એને બૂમ પાડી,

‘પ્રતીચી, ક્યાં છું બેટા…ચાલ અહીં આવ. તારા ફ્રેન્ડસની પાર્ટીનું લિસ્ટ બનાવી દઈએ.’

‘હા, મમ્મી આવી.’

‘ચાલ નામ બોલવા માંડ , હું લખતી જઉં છું.’

‘ઓકે. તો પહેલું નામ સુહાની, બીજું પરમ..’

‘અરે આ સુહાનીએ તો એની પાર્ટીમાં તને ક્યાં બોલાવી હતી બેટા..તો પછી આપણે શું કામ છે એને બોલાવીને ?’

‘મમ્મી, છોડોને એ બધું. મને મજા આવે છે એની કંપનીમાં તો હું તો બોલાવીશ.’

‘એ પછી નામ લખો…મિત્વા, રુપાલી, સંજુ, દીપ, રીયા..’

‘અરે, આ મિત્વાએ તો લાસ્ટ ટાઈમ તેં મેથ્સની બુક કોપી કરવા માંગી હતી તો કેવી ઘસીને ના પાડી દીધેલી…આવી સેલ્ફિશ દોસ્ત શું કામની ?’

‘હા મમ્મી, એ તો અમારે અંદરો અંદર એવું બધું ચાલ્યા કરે. એ પછી એણે મારી માફી માંગી લીધેલી તો વાત પતી ગયેલી ત્યાં જ.’

‘ હ્મ્મ્મ…’

‘ રીધમ, સિમરન…’

અને પ્રતીચીનું લિસ્ટ લાંબુ થતું જ ચાલ્યું,. પ્રતીચી બહુ જ ‘ફ્રેન્ડલી’ છોકરી હતી. એને બહુ બધા મિત્રો હશે એ  તો સ્વીટી જાણતી હતી પણ એ લિસ્ટનો આંકડો ૩૫ ઉપર અટકશે એનો એને ખ્યાલ નહતો. એમાં અમુક મિત્રોની મમ્મીઓના ‘ઓકવર્ડ બીહેવ’થી એ કંટાળેલી હતી તો અમુકે પ્રતીચીને કોઇ જ જાતની હેલ્પ નહતી કરી. સ્વીટીને લાગ્યું કે આમ ને આમ ક્યાંક એના મિત્રવર્તુળમાં પ્રતીચીનો ‘મિસયુઝ’ તો નથી થતો ને, પ્રતીચી રહી એકદમ ભોળી ભટાકડી..એણે ધીરે ધીરે દરેક મિત્રોને પોતાની એરણ પર ચકાસવા લાગ્યાં.

‘પ્રતીચી, જો રીધમે તારી પરીક્ષાના સમયમાં તારી પેનની રીફિલ ખતમ થઈ ગઈ હતી ત્યારે તને એની પાસેની ૫-૬ પેનના ઢગલામાંથી એક પણ પેન નહતી આપી. ઘસીને ના પાડી દીધેલી. વળી સિમરન પણ પેલા દિવસે પિકચર જોવા ગયેલો ત્યારે…’

‘બસ મમ્મી..’પ્રતીચી હવે અકળાઈ ગઈ. એના સીધાસાદા માસૂમ ભેજામાં આ બધી દુનિયાદારીની વાતો હજમ નહતી થતી. એને માટે તો એને જેની સાથે ધમાલ મસ્તીની મજા આવે એ એના મિત્રો.

‘મમ્મી, શું આટલું બધું વિચારો છો ? આમ ને આમ તો મારે કોઇની સાથે કદી ફ્રેન્ડશીપ જ ના ટકે. તમારા મોટા લોકોની આ જ બધી તકલીફો.’

‘એવું નથી દીકરા. તને આ દુનિયાની બહુ સમજ નથી તો એક મા તરીકે કોણ સારા અને કોણ ખરાબ મિત્રો એ સમજાવું છું.’

‘છોડો ને મમ્મી આ બધી જફાઓ. મિત્ર એટ્લે મિત્ર. એમાં વળી ‘સારા – નરસા’ની  વ્યાખ્યાઓ થોડી હોય …!’

અને સ્વીટી એનો આ જવાબ સાંભળીને બે પળ ચૂપ થઈ ગઈ.મનોમન એની માસૂમ દીકરીની સુંદર દુનિયાને નિહાળતી રહી અને બોલી ઉઠી,

‘હા દીકરી, મિત્રોની કોઇ જ વ્યાખ્યાઓ કે નિબંધો ના હોય. તું તારે બોલાવ જેને બોલાવવા હોય એને.’

અને આંખમાં આવેલા હર્ષના આંસુઓને લૂછતી લૂછતી પોતાની લાડલીને હૈયાસરસી ચાંપીને માથા પર મમતાળું ચુંબન ચોડી દીધું.

અનબીટેબલ : લોકોની પાછળ બોલવામાં પોતાની શક્તિનો ગેર-વપરાશ કરવાના બદલે લોકોને જેવા છે એવા સાચા દિલથી સ્વીકારવામાં એ શક્તિ વાપરતાં આપણી દુનિયા વધુ સુંદર બને છે.

-સ્નેહા પટેલ.