વિરોધી કોમ્બીનેશન


Snap1

 

 

gujarat guardian newspaper > Take it easy -43.

વિરોધાભાસોમાં ઘણા હાસ્યના હીરા છુપાયેલા હોય છે. ઘણીવાર આપણે વિરોધાભાસી વાક્યોનો વિરોધ કરીને એ હીરાની ખાણ સમા હાસ્યને સાવ કાચની જેમ હથેળીમાં રમાડીને છોડી દઈએ છીએ. સમયાંતરે આપણને આપણી એ મહાન ભૂલનો ખ્યાલ આવે છે પણ વહી ગયેલી જવાની – સરકતા સમયની જેમ એ અવળચંડા સ્વભાવ ધરાવતું હાસ્ય પણ પાછું નથી આવતું. દરેક સિક્કાની બે સાઈડની જેમ દરેક ઘટનાની બે સાઈડ (અમુક સમયે વધારે સાઈડ પણ હોય એ તો હવે પોતપોતાની સામાન્ય બુધ્ધિ ઉપર આધાર.) હોય છે. મોટાભાગે દરેક ઘટનાની બીજીબાજુ શોધી શકીએ તો મર્માળુ, રમતિયાળ હાસ્ય મળી જ રહે.

ચાલો, હમણાંનો જ મારો એક હાસ્યાસ્પદમાંથી સાનંદાસ્ચ્ર્યની સફર ખેડી આવેલ તાજો પ્રસંગ કહું.

દીકરાને વેકેશન પડી ગયેલું એની જીદને વશ થઈને  હમણાં જ રીલીઝ થયેલ અંગ્રેજી થ્રી ડી મૂવીની ટીકીટ લેવા ગયેલી, ત્યાં ટિકિટબારી પર એક વિરોધીના અંતિમ છેડાની ઉપમા આપી શકાય એવું કોમ્બીનેશન નજરે પડ્યું.

એક લેટેસ્ટ, બ્રાન્ડેડ કપડામાં સજ્જ ૪૦-૪૫ વર્ષની ગોરી ચિટ્ટી સ્ત્રી સાથે પ્રમાણમાં જૂનાપુરાણી લાલ – લીલા ભડક રંગની ‘પહેરેલ કરતાં વીંટાળેલ’ વધુ કહી શકાય એવી સાડીધારી સાધારણ દેખાવવાળી અંદાજે ૪૫ -૫૦ વર્ષની બાઈ હતી.

અતિઆધુનિક સ્ત્રીના કપડાં ‘આધુનિક’ની ઉપમાને વટાવીને ‘અતિઆધુનિક’ સુધી લઈ જઈ શકાય એ હદે ટૂંકા હતાં. સૂર્યપ્રકાશના તેજમાં એના લાંબા લીસા વાળ ઉપર લાલ કલરની ઝાંય સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.વાળ એ હદ સુધી સીધા હતાં કે જાણે ટૂંકા કપડાંમાં ઇસ્ત્રી કરવાનો બચી ગયેલો સમય એણે વાળને ઇસ્ત્રી કરીને પૂરો કર્યો હોય ! કપાળ પર ઝૂલતા  સીધા કેશકલાપની અલકલટો ઉપર હાથ ફેરવી ફેરવીને વારંવાર એને માથાના બીજાવાળ સાથે ગોઠવી દેતી હતી.એ ગોઠવણીની પ્રક્રિયાના સતત પુનરાવર્તન પછી મને ખાત્રી થઈ ગઈ કે એ સ્ત્રી ‘અટેન્શન સીકીંગ’ના રોગથી પીડાય છે. ત્યાં તો ટુંકા અને સ્લીવલેસ પર્પલ કલરના ફ્રોક સાથે મેચીંગ કરીને લટકાવેલી બુટ્ટી એના વાળમાં ભરાઈ અને એને સંભાળવા જતાં એના શિરે બિરાજમાન લેટેસ્ટ બ્રાન્ડેડ ગોગલ્સ પડી ગયાં અને પલકવારમાં તો એનો કાચ હતો ના હતો થઈ ગયો.

‘જેનો જન્મ થયો છે એનો નાશ અવશ્ય છે’

વાત જાણવા છતાં આપણે માનવીઓ એ સ્વીકારી નથી શકતા. બે ઘડી તો પેલી રુપાળી ગોરીચિટ્ટી સ્ત્રીનું મોઢું પડી ગયું. પણ અત્યારે એ જાહેરજનતાની વચ્ચે હતી એ વાતની સભાનતાએ એના મોઢા પર નકલી હાસ્યની લહેરખી પાથરી દીધી. પેલા પગમાં નમી પડેલા, ચરણસ્પર્શતા ગોગલ્સ તરફ એક તુચ્છ્કારભરી નજર નાંખીને મોઢું મચકોડીને ત્યાંથી આગળ વધી ગઈ.મારા પિકચરના શોનો સમય થઈ ગયેલો એટલે મારું અવલોકન કમ નિર્દોષ પારકી પંચાત વૃતિ ત્યાં જ અટકાવી દીધી અને દીકરાને લઈને ફટાફટ થિયેટરમાં પ્રવેશી ગઈ.

બહાર ૪૩ ડિગ્રીની ગરમીમાં પરસેવે રેબઝેબ તનને થિયેટરના એસીની ટાઢકથી પરમ તૃપ્તિ થઈ. ટિકીટના પૈસા જાણે ત્યાં જ વસૂલ થયાની અનુભૂતિ થઈ ગઈ.

ત્યાં તો મારી જમણીબાજુમાંથી એક સુગંધનું ઝોંકું શ્વાસમાં પ્રવેશ્યું…અહાહા, આ તો હમણાં જ ક્યાંક સુગંધેલુ. જોયું તો બહાર ભટકાયેલ અતિઆધુનિક સન્નારી અને પેલી સામાન્યદેખાવવાળી સ્ત્રીનું વિચિત્ર કોમ્બીનેશન ! ઓહોહો, તો આ લોકો આ જ પિકચર જોવા જ આવેલા એમ ?

મૂવી ચાલુ થયું એટલે મેં ધ્યાન ત્યાં પૂરોવ્યું. થોડીવાર થઈ ત્યાં તો મારી બાજુમાં બીજું મૂવી ચાલુ થઈ ગયું.  લાલ- લીલી સાડીધારીની નોનસ્ટોપ રેકોર્ડ્ વાગવા લાગી. પહેલાં તો ધ્યાન ના આપ્યું ને ટીકીટના પૈસા વસૂલવા મહાપરાણે ધ્યાન મૂવીમાં જ પરોવ્યું. પણ એક દર્શક પર એક પંચાતિયા લેખકજીવનો વિજય થઈને જ રહ્યો.

‘બુન, તમને ખબર છે, મારો ભુરિયો બહુ પ્રામાણિક. કાલે એની રીક્ષામાં એક બુનનો અછોડો બટકાઈને પડી ગયેલો. એણે તો હાથ પણ ના લગાડ્યો. બોલો’

અતિઆધુનિક નારી ‘શું બોલું – ના બોલું’ ના ચકકરમાં ફસાઈને આખરે બોલી,

‘હમ્મ્મ..પછી ?’

‘પછી શું, એ બુનનો ફોન આવ્યો મારા ભુરિયા પર :

‘ભુરીયાભાઈ, એ અછોડો મારો છે, હું આવીને લઈ જઊં છું. ત્યાં લગી એને સાચવજો. બીજુ કોઇ આવે તો આપી ના દેતા ‘

લીસાવાળવાળી સ્ત્રીએ એક ફીક્કું મજબૂરીનું હાસ્ય મારી સામે ફેંક્યું અને પેલી સ્ત્રીની વાતચીતમાં પરાણે રસ લેતાં બોલી,

‘એ બુન આઈમીન બેન જોડે ભુરિયાભાઈનો નંબર ક્યાંથી આવ્યો ?’

બે મીનીટની ગહન ચુપ્પી.

‘ઈ તો વાતવાતમાં એણે સાંભળ્યો હશે તે યાદ રહી ગયો હશે. મારો ભુરિયો બહુ મળતાવડો – રસ્તામાં પેસેંજરો જોડે વાત કરવાની ટેવ ખરી ને !’

‘ઓહ…એમકે, સાચ્ચે તમારો દીકરો બહુ ઇમાનદાર ! ‘

‘હોવ રે, મારો ભૂરીયો તો ભૂરીયો જ છે, બહુ બુધ્ધિશાળી. થોડા સમય પહેલાં એની રીક્ષામાં કોઇ પેસેન્જરનું લાલ કલરનું  ચાંદીના ગણપતિ હીંચકાવાળું બોકસ રહી ગયેલુ. આજકાલ પ્રામાણિકતાનો જમાનો જ ક્યાં છે, તે કોણ એના માલિકને શોધવા જાય  ? રાખી લીધા અમે ઘરમાં જ. હેયને, રોજ મારો પોતરો જયેશીયો એને લાડથી ઝુલાવે છે, રમે છે, હવે કોને ખબર એ કોનું બોકસ હશે ? આપણે  ડાહ્યા થઈને કોઇને આપી દઈએ અને બીજુ એની ઉઘરાણી કરતું આવે તો આપણે ક્યાં જવાનું હેં બુન ?’

બુન શું બોલે ?

‘અહ્હ…હ…હા..હા..બરાબર .’

‘પ્રામાણિકતાનો જમાનો જ ક્યાં રહ્યો છે ?  કૉઈનુ સારુ કરવા જતા આપણે જ ક્યાંક ભરાઈ જઇએ..એના કરતા બહુ દોઢ -ડાહ્યુ નહી થવાનું. વળી આપણે ક્યાં કંઈ ચોરી કરવા ગયેલા હે…આપણા મનમાં ક્યાં કંઈ મેલ છે ? નહીં જ ને..તો શું ચિંતા કરવાની’

અંગ્રેજી મૂવી હતું એટલે આટલી વાતચીત થઈ ત્યાં સુધીમાં તો ઇન્ટરવલ પડી ગયો.

‘લાવો બુન, પૈસા આલો એટલે હું બહારથી પેલી ગરમ ગરમ ઘાણી લઈ આવું, બીજું કંઈ લાવવું હોય તંઈ બોલો હેંડો. ‘

‘ના, આટલું જ. લે આ ૫૦૦ની નોટ છે. ધ્યાનથી પૈસા ગણીને પાછા લાવજે.’

પેલી સ્ત્રી બહાર ગઈ અને લીસા ચમકદારવાળ વાળી સ્ત્રી મારી સામે જોઈને મારા માંગ્યા વગર જ સફાઈ આપતા બોલી,

‘મારી કામવાળી છે. મારી દીકરીના લગ્નમાં એણે બહુ મદદ કરેલી એ વખતે મે એને એક મૂવી બતાવવાનો વાયદો કરેલો. બહુ જ ભલી અને માયાળુ બાઈ છે, ક્યારેય થિયેટરનો દાદરો પણ નથી ચડી. કોઇના મોઢે આ અંગ્રેજી ૩-ડી મૂવીના વખાણ સાંભળેલા તો આ જ મૂવી જોવાની જીદ્દ લઈને બેઠેલી. પણ નસીબમાં પથરા હોય એને મૂવી શું ને ટીવી શું…! એને કંઈ ગતાગમ નથી પડવાની, પણ ઠીક છે એના જીવને સંતોષ મળી રહે એ હેતુથી જ આજે એને મૂવી જોવા લઈ આવેલી. સોરી, એ  આમ ધડમાથા વગરની અવિરત વાતો કરીને તમને ડીસ્ટર્બ કરે છે એ બદલ.’

‘ઓહ..ઇટ્સ ઓકે. ડોન્ટ વરી.’

વિરોધી કોમ્બીનેશનનું રહસ્ય છતું થઈ જતાં મારો પંચાતિયો જીવ સંતોષાઈ ગયો અને અતિઆધુનિક સ્ત્રીમાં આવો પરગજુ અને માયાળુ જીવ વસે છે એના સાનંદાસ્ચ્ર્ય સાથે ચાલુ થઈ ગયેલ મૂવીમાં પૂરોવાઈ ગયો.

 

-સ્નેહા પટેલ.