વાત હતી વાત કહેવાની !


15-05-2013 navrash ni pal column > phulchhab newspaper

અંતર મમ વિકસિત કરો અન્તરતર હે,

નિર્મળ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,

મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર.

અદિતી ખૂબ જ સ્વમાની સ્ત્રી હતી. નાનપણથી જ એને પોતાના બધા કામ જાતે સફળતાપૂર્વક પતાવી લેવાની ટેવ હતી.પણ આજે એની – એના પરિવારની સ્થિતી અલગ હતી. એનો પરિવાર એટલે બે ટીનેજરી દીકરીઓ – સુહાની અને ક્ષમા અને એનો પતિ ધૈવત. ધૈવતે અથાગ પરિશ્રમ કરીને પાર્ટનરશીપમાં ટેક્ષટાઈલ્સનો ધંધો સફળતાપૂર્વક ઉભો કરેલો. સારી એવી કમાણી હતી, સોશિયલ વર્તુળ પણ ઘણું સરસ હતું, દીકરીઓ પણ ડાહી ડમરી,સંસ્કારી અને ભણવામાં તેજસ્વી હતી..બધાની શારિરીક – માનસિક તંદુરસ્તી સુંદર હતી..બીજું શું જોઇએ..અદીતીનું જીવન સુખી સુખી હતું.

પણ છેલ્લાં બે વર્ષથી ધૈવતનો ધંધો ધીમે ધીમે ઢગલાબંધ હરિફાઈના કારણે, પાર્ટનરોની દગાખોરી, પાર્ટીઓની પેમેન્ટ ચૂકવણીમાં બેશરમી- આ બધા કારણોથી પડી ભાંગવાના કગાર પર હતો. પેમેંટ આવતા નહતા અને બેઁક -લેણદારો વગેરેના ફોન પર ફોન ઉઘરાણી કરે રાખતા હતાં. બે છેડા ભેગા કરતા ધૈવતને આંખે પાણી આવી જતા હતાં. એક વર્ષ સુધી સતત આવી હાડમારીનો સામનો કરીને થાકેલા ધૈવતે આખરે ધંધો બંધ કરીને બીજો કોઇ ધંધો કે કામ કરવાનો નિર્ણય લીધો. બધું સમેટતા સમેટતા સિલકમાં રહ્યાં ફકત એક લાખ અને બાવીસ હજાર રુપિયા . અદિતી અને ધૈવતને ધોળે દિવસે તારા દેખાઈ ગયા. એમના ઘરનો માસિક ખર્ચો જ ખાલી સાઈઠ હજારને પહોંચતો હતો જેને તાણીતૂસીને  ગમે એટલી કરકસર કરીને પણ ચાલીસ હજારથી ઓછો તો કોઇ પણ સંજોગોમાં થાય એમ નહતું.

હવે..? યક્ષપ્રષ્ન.

અકળામણનો પારો મે મહિનાની લૂ વરસાવતી ગરમી કરતાં પણ જલ્દીથી ઉપર જતો હતો. છેવટે ધૈવતે એમના થોડા નજીકના આર્થિક રીતે સધ્ધર સગા વહાલાઓની પાસેથી અમુક રકમ ઇછીની લઈને ઇલેક્ટ્રોનિકનો નવો ધંધો શરુ કરવાનું વિચાર્યું. સગાવ્હાલાઓ પાસેથી રકમ લેવાય એટલે વ્યાજ તરત જ ચૂકવવાનું ટેન્શન તો નહીં .. ધંધો સેટલ થતા ચૂકવી શકાશે ..એવી હૈયાધારણ પણ એની પાછળ હતી. ત્યાં અદિતીનું સ્વાભિમાન આડે આવ્યું.

‘ના, રહેવા દે ધૈવત. મને આ પગલું યોગ્ય નથી લાગતું.’

‘કેમ, આપણા સગાઓ – દોસ્તારો પાસેથી જરુરના સમયે પૈસા ઉછીના લેવા એમાં ખોટી વાત શું છે વળી..?’

‘જો ધૈવત, બધાંય આપણી આર્થિક હાલત વિશે બરાબર જાણે છે પણ આટલા સમયમાં કોઇ જ આપણી સાથે એ વિષય પર વાત નથી કરતું. દુનિયા આખી ‘સેલ્ફ સેંન્ટર્ડ થઈ ગઈ છે. બધે હાથીના દાંત..બતાવવાના અલગ અને ચાવવાના અલગ..બધાંને આપણા જીવનની નાની નાની બાબતોમાં ચંચૂપાતો કરવાની, પંચાતો કરવાની મજા આવે છે પણ આપણી તકલીફોમાં ભાગ પડાવનારું કોઇ નથી. શું જમાનો આવ્યો છે, છેલ્લાં કેટલાંય વખતથી આપણે આટઆટલી તકલીફો સહન કરીએ છીએ તો પણ કોઇ માઈનો લાલ આપણી ખબર સુધ્ધાં પૂછવા નથી આવતો..આપણે કેટલાંય લોકોની તકલીફો ભાંગી છે એ બધાં ય જાણે બીજી જ દુનિયામાં છુ..ઉ..ઉ..થઈ ગયા છે.કોઇની પર વિશ્વાસ કરવા જેવો નથી. પાર્ટનરોના વિશ્વાસે જ વહાણો ડૂબ્યાઁ ને..તો ય હજુ તમે સમજતા નથી..!’

અદિતીનુ સ્વાભિમાનની રેખા પાર કરીને ઇગોમાં સળવળતુ હતું. હકીકતનો સ્વીકાર કરવાની તૈયારીમાં એ ઉણી ઉતરતી હતી.

‘કેવી વાત કરે છે અદિ ! આપણે ક્યારેય કોઇ પણ સગા વ્હાલાને આપણી આર્થિક સંકડામણની વાત ખુલીને કહી જ નથી તો એમને ક્યાંથી ખબર હોય ? આપણે તો બધું કામ ચૂપચાપ અને શાંતિથી પતાવ્યું છે. કોઇને બહારથી કદાચ આ વાતની જાણ થઈ હોય તો પણ એ આપણા બોલ્યાં વગર એ વાત પર ડિસ્કશન કઈ રીતે કરી શકે ? આપણે કોઇનો સાથ સહકાર જોઇતો હોય તો સૌપ્રથમ આપણે પારદર્શક થતાં શીખવું પડે.તમને શું તકલીફ છે એ તમે કોઇને કહો નહી તો દુનિયાની કોઇ પણ વ્યક્તિ તમારી એ તકલીફ હળવી કરવાનો માર્ગ કઈ રીતે બતાવી શકે કે એમાં આપણને મદદરુપ થઈ શકે..? માંગ્યા વિના તો મા પણ ના પીરસે..જ્યારે આજના જમાનામાં તો બધાં ય વ્યક્તિ પોતપોતાના અનેકો ટેંન્શનો લઈને જીવે છે એમની એ આપાધાપી વાળી જીંદગીમાં એઁમને કેવી રીતે ખબર પડે કે તમારે એમની મદદ જોઇએ છે ? વળી જાણતા હોય તો પણ ઘણાં ના બોલે કારણ એ લોકો એમ વિચારતા હોય કે આ બહુ નાજુક મુદ્દો છે આ વાત કરવા જતા ક્યાંક આપણે અજાણતાં જ સામેવાળાના સ્વાભિમાનને ઠેસ ના પહોંચાડી બેસીએ. બહુ બધા પાસા છે અદિ આ વાતના. આમાં સ્વાભિમાન કે ઇગો વચ્ચે લાવ્યા વગર થોડા નમ્ર બનીને વાસ્તવિકતા સ્વીકારવાની જરુર છે બસ. એક વાત સમજ..આપણા ધંધામાં નુકશાન ગયું એના માટે સમાજ કે આપણા સગાવ્હાલા જવાબદાર નથી. જવાબદાર છે તો ફક્ત આપણે અને આપણા નસીબ, આપણી માનવીઓને ઓળખી શકવાની અણઆવડત. એના માટે કોઇના પણ ઉપર દોષારોપણ ના કરી શકાય. આપણે કોઇનો સાથ – મદદ જોઇતો હોય તો હાથ તો આપણે જ લાંબો કરવો પડે.’

આટલી લાંબી વાત પછી અદિતી પાસે દલીલ કરવાને કોઇ જ મુદ્દો નહતો રહ્યો. એક જ વાત સમજાતી હતી અને તે એ કે સમય અને સંજોગો પ્રમાણે માનવીએ પોતાના સ્વાભિમાનની વ્યાખ્યાઓ બદલવી પડે છે. અક્ક્ડતા – જીદ દરેક સંજોગોમાં માનવીને તોડી કાઢ્યા સિવાય બીજું કશું નથી કરી શકતી.

અનબીટેબલ : જીવન ડહોળાયેલું હોય તો આપણે ધીરજ રાખીને એ સ્થિર થાય એની રાહ જોવી જોઇએ. એ પછી કાદવ બેસી જતાં પરિસ્થિતી સ્પષ્ટ દેખાય છે અને સમસ્યાનું નિરાકરણ શોધી શકાય છે.