અવસાન અને પ્રસિધ્ધિ.


Snap1

 

gujarat guardian newspaper >  Take it easy column – 42. > 12-05-2013

gujaratguardian.in/E-Paper/05-12-2013Suppliment/index.html

 

ધક..ધક..ધક..માનવીના ધડકતા દિલનું અચાનક કામ કરતું અટકી જવું, ગુજરી જવું – અવસાન પામવું એ બહુ આઘાતજનક વાત છે, પણ  ‘હાસ્યદેખા’ના અતિમૂલ્યવાન વરદાનપ્રાપ્ત એવી ‘હું’ના અનુભવના ભાથામાં એવા કરુણ પ્રસંગે પણ હાસ્ય તીરોનો ઉમેરો થાય છે એમ કહીશ તો તમે બે મીનીટ મોઢું બગાડશો. આ તો ખરી છે કોઇના મ્રુત્યુના પ્રસંગમાં હાસ્ય શોધી લેવાનું ! પણ લેખક થઈએ એટલે અંદરના લેખકજીવડાને દરેક નાની નાની ઘટનામાંથી  આવી હાસ્યની સાઈડ ઇફેક્ટ  ભોગવ્યે જ છૂટકો. આજે  મ્રુત્યુ વેળાના હાસ્યતીર છોડવા જઈ રહી છું. ચિંતા ના કરો – હાસ્યતીર કાયમ સ્વાસ્થ્ય માટે સ્ફૂર્તિવર્ધક  જ હોય છે. એટલે ગમે ત્યારે એ ખાઈ શકાય.

મોટાભાગે મને એવો અનુભવ થાય છે કે માનવી ગુજરી જાય ત્યારે અચાનક જ એ ‘ફેમસ’ થઈ જાય છે !

તમે મારી વાત સાથે એગ્રી નહી જ થાઓ, કહેશો કે ‘મૃત્યુ અને પ્રસિધ્ધિ’ ને વળી શું લેવા દેવા…બરાબર ? તો ચાલો હું તમને મારો તાજો ‘અવસાન અનુભવ’ કહું.

થોડા સમય પહેલાં જ મારા લગભગ એંસી વર્ષની આયુ ધરાવતા સંબંધી અચાનક જ વહેલી સવારે ગુજરી ગયા.એમને ઘરે ખરખરો કરવા ગઈ ત્યારે આવા સમય માટે જ નિયત કરાયેલ પ્રશ્ન મેં એમના કુટંબીજનોને પૂછ્યો,

‘શું થયેલું, બીમાર હતાં કે ?’

‘નાઆઆઆરે..ના !’

એમની વહુએ માથે ઓઢેલ સફેદ સાડલાંથી નાક અને આંખના ખૂણાં લૂછતાં જવાબ વાળ્યો.

‘સવારે એમના નિયત સમય મુજબ છ વાગ્યે તો એ ઉઠ્યાં અને બ્રશ કરીને પરવાર્યા…’

અને મારાથી અચાનક જ બોલાઈ ગયું

‘ભારે કરી હોંકે, આ ઉંમરે પણ મુરબ્બી બ્રશ કરી શકે એટલી બત્રીશી મોઢામાં સાબૂત હતી એમ ! કઈ ટૂથપેસ્ટ વાપરતાં હતાં એ ?’

આટલું બોલ્યાં પછી તરત જ આજુબાજુ નજર ફેરવી લીધી, નજીકમાં કોઇ ના હોવાથી મારો આ સવાલ બીજા કોઇના ધ્યાનમાં ના આવ્યો એટ્લો પ્રભુનો પાડ માની લીધો.

‘અરે, વોલગેટ જેવી વસ્તુની તો એમને કંઈ જ ખબર નહીં બુન.એ તો દાતણ વાપરતા હતાં ને દેશી ઘી પાયેલા દાંત એટલે બત્રીસમાંથી લગભગ સમજોને ચૌદ જેટલાં દાંત તો અડીખમ ઝગમગાટ હાસ્ય સાથે ઉભા હતા.’

વળી આંગળીના વેઢા પર કઈક ગણ્યું ને બોલ્યાં

‘બાકીના ૧૮ દાંત થોડા હાલતા હતાં ને મજબૂરીમાં કઢાવવા પડે એવી હાલત હતી પણ એ કાઢતા તો ડોકટરોને નાકે દમ આવી ગયેલો. એક એક દાંત માટે લગભગ ડોકટર ત્રણવાર બોલાવે ત્યારે એના મૂળિયા હલાવી હલાવીને માંડ કાઢી શકે. ‘

દાંત પાડવા માટેની ‘હેટ્રીક વિઝિટસ’વાળી વાત તો તરત સમજાઈ પણ એમના વાક્યની શરુઆતમાં વપરાયેલ ‘વોલગેટ’ શબ્દની  સમજ પડતાં મને લગભગ એક મીનીટ થઈ અને પછી અંદાજો લગાવ્યો કે આમની સમજ ટૂથપેસ્ટ એટલે વોલગેટ પૂરતી જ મર્યાદીત હતી. હવે બોલો,એમના એક એક દાંત પડાવવા પાછળની આ વિક્રમસર્જક્ લેવલની હેટ્રીકની સિધ્ધિ એમના મરણપછી જ ઉજાગર થઈને !

એ પછી વહુએ ફરીથી નાકને આંખના ખૂણા દબાવીને વાત આગળ ચલાવી,

‘બ્રશ કરીને ચા સાથે બે બ્રેડબટર ખાધા, આ ઝીણકી (મેં નજર કરી તો ઝીણકી લગભગ 75 કિલો વજનની 16-17 વર્ષની છોકરી હતી) સાથે થોડી વાતો કરી અને છાપું લઈને બેઠાં ને થોડીવારમાં જ તો સમાચાર વાંચતા વાંચતા જ એ જ જગ્યાએ ઢળી પડ્યાં. કોઇને કશું જ કહેવા ના રહ્યાં ( આવા વખતે માનવી શું કહીને જાય એ મારી સમજબહારની વાત લાગી પણ આ પ્રસંગ દલીલોનો નહતો. સંવેદનશીલ નાજુક મામલો હતો ને એક્વાર અવળચંડો પ્રશ્ન પૂછાઈ ગયેલો એટલે મેં હોઠ પર હોઠ દબાવીને મોઢું કચકચાવીને બંધ રાખ્યું) ને અમને આમ નોંધારા મૂકીને સાવ જ જતા રહ્યાં.’

અ ને એણે ફરીથી ઠુંઠવો મૂક્યો.

હવે બ્રશ કરવું, ચા પીવી કે પોતાની પૌત્ર્રી સાથે વાત કરવી એ સર્વસાધારણ ક્રિયાઓને એમના મૃત્યુ પછી કેટલું મહત્વ અપાયું બોલો. એ જીવતાં હતાં ત્યારે એ જ ક્રિયાઓનું કોઇ મહત્વ હતું.

ના !

એ તો એમના મૃત્યુએ એમની આ ક્રિયાઓની વ્યંજ્નાઓનો વ્યાપ વધાર્યો હતો. જાણે આખાય વિશ્વમાં આ બધીય ક્રિયાઓ ક્યારેય થતી જ ના હોય એવી અદભુત હતી !  બીજાઓ થકી એ ક્રિયાઓ અશક્ય જ હતી અને પોતે એવી મહાન સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર આ પ્રુથ્વી પર એક માત્ર લાયક માનવી હતા એવા વિચાર સાથે એ મુરબ્બીએ ચેનનો શ્વાસ ભર્યો ને ગુજરી ગયા હશે એવું જ મને લાગ્યું.

કેટલું મહત્વ…અહાહા ! હવે આને પ્રસિધ્ધિ ના કહેવાય તો શું કહેવાય ? જીવતા હતાં ત્યારે રોજ આનાથી કેટલાંય વધુ મહત્વના કામ પાર પાડયાં હશે પણ એની નોંધ સુધ્ધાં ના લેવાઈ અને આવી બ્રશ કર્યા જેવી વાતો જેટલા આવે એટલાં બધાંયને જણાવી દેવાની. ‘માઉથ ટુ માઉથ’ પ્રસિધ્ધિ જ કહેવાય ને બોલો !

ત્યાં તો વહુરાણીએ બીજી એક રસપ્રદ વાત કહી ( આ વખતે એણે નાક કે આંખ લૂછવાના બદ્લે સાડલાંનો એ જ બાજુનો છેડો મોઢા આગળ ધરીને રડવાનું મહાપરાણે અટકાવેલું જે જોઇને મને ઉલ્ટીની ફીલ આવવા લાગી) કે એમના સસરા તો પ્રભુનો જીવ એટલે જ આવી શાંતિથી મરણને શરણ થયાં.કોઇની પાસે પાણીનો ગ્લાસ સુધ્ધાં માંગવા ના રહ્યાં ને છેક સુધી નખમાં ય રોગ નહીઁ, હસતા –હસતાં ભગવાનને પ્યારા થઈ ગયા.

આખું ય જીવન દીકરા, વહુ અને પૌત્ર -પૌત્રીની અવહેલના સહન કરનારા, ‘કટકટીઆ’ના છુપા હુલામણા નામથી પ્રસિધ્ધ મુરબ્બીશ્રી અવસાન પછી  આશ્રર્યજનક રીતે  ગુણોની ખાણ થઈ ગયા હતાં. બે પળ તો મને એ ભગવાનની સમકક્ષ જ લાગ્યાં.

દોસ્તો, તમે ક્યારેય ગમે એટલાં દુષ્ટ માનવીની શોકસભામાં પણ તમે એના ગુણકીર્તન સિવાય બીજું કંઈ સાંભળ્યું છે કે ? તો પછી મૃત્યુ પછી અચાનક જ માનવી ‘પ્રસિધ્ધ’ થઈ જાય છે એવી મારી વાત સાથે સંમત થશો ને !

કેવી વિચિત્ર વાત છે નહીઁ…દુનિયામાં પ્રસિધ્ધિ મેળવવા મરી જતાં લોકોની કોઇ કમી નથી. એમને કોઇ સમજાવો કે,

‘ભાઈ, પ્રસિધ્ધિ તો મર્યા પછી જ મળે છે ને એ પણ વણમાંગી ને છલકાઈ જાઓ એ હદ સુધી !’

-sneha patel