પ્રેમનો પર્યાય નફરત..!


phoolchaab news paper > navrash ni pal column > 8-05-2013

કાઢવાની જીદમાં

ડાઘ

ઉપર

ડાઘ પડયો.

-સુરેશ ઝવેરી.

 

‘સંજના, એક મીનીટ. મારે તને ‌કંઈક કહેવુ છે..’

પોતાની પાણીદાર આંખો અનુજ તરફ ફેરવીને સંજના પોતાનુ એક્ટીવા ચાલુ કરતા કરતાં અટકી ગઈ.

‘બોલ અનુજ, શું હતુ ?’

જો કે સંજનાને આગળ શું બોલાશે એનો અંદેશો છેલ્લા છએક મહિનાથી આવી જ ગયેલો હતો એટલે વાતનો દોર ખુલ્લે આમ અનુજને આપતાં દિલ બે ધડકન ચૂકી ગયું.

હાથમાં રહેલ મોબાઈલમાં કારણ વગર સ્ક્રીન ખોલ બંધ કરીને અનુજે પોતાની નર્વસનેસ છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. એની બેચેનીની સાક્ષીરુપે મોબાઈલ એના હાથમાંથી છટકીને નીચે પડયો.

બે પળ એ ક્રિયામાંથી બહાર આવતા થઈ ને તરત પોતાનો ફોન ઉપાડીને ચેક કર્યો તો એના સ્કીન પર બે ચાર નાની નાની ક્રેક પડી ગયેલી.

‘આ નવા નવા સ્માર્ટ- ડેલીકેટ ફોનનો આ જ ત્રાસ છે કેમ સંજના..સહેજ પણ મજબૂત નહીં આની પહેલાંનો મારો સીધો સાદો ફોન કેટલીય વાર પછડાયો હતો પણ ક્યારેય એના પર એક સ્ક્રેચ પણ નથી આવી. બેટરી નીકળી જાય, આખો ફોન છુટો થઈ જાય પણ ફોનને કશું ના થાય..’

‘તું મને કશુંક કહેવાનો હતો એ આ જ વાત હતી કે અનુજ..?’

સંજનાએ પોતાની નજરનો દોર અનુજ સાથે મેળવતા પૂછ્યું..મનોમન એ ઇચ્છતી હતી કે આજે આ વાત કોઇ પણ હિસાબે અહીં ને આ જ ઘડીએ પતી જાય. આ ‘ટુ બી નોટ ટુ બી’ની પ્રક્રિયામાં જીવવાનું બહુ અઘરું છે.

અનુજે હતી એટલી બધી હિંમત ભેગી કરી, એના કાનની કિનારીઓ લાલ થઈ ગઈ…અને એના મોઢામાંથી ધક્કા મારીને  શબ્દોને રીતસરના બહાર હડસેલ્યા,

‘સંજુ, તું…તું..આઈમીન હું તને પ્રેમ કરું છું તું મારી સાથે મેરેજ કરીશ..?’

આટલું બોલતા બોલતાં તો એ આખો ધ્રુજી ગયો-હાથની હથેળીમાં પસીનો વળી ગયો.

સંજનાને આ જ બીક હતી અને એણે જાણે જવાબ ગોખી જ રાખેલો હતો,

‘અનુજ, આપણે બે સારા દોસ્ત છીએ એ વાત બરાબર પણ હું તારી સાથે લગ્ન નહી કરી શકું. હું રીધમને બહુ જ પ્રેમ કરું છું. મારા પપ્પાના ખાસ મિત્રનો દીકરો છે અને લગભગ છેલ્લાં બે વર્ષથી અમે બે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. આઈ હોપ તું મારી વાત સમજી શકીશ.’

અને અનુજના માથે તો જાણે આભ તૂટી પડ્યું. એની જ ઓફિસમાં કામ કરતી નાજુક નમણી, ગોરી ચિટ્ટી અને કાળા લાંબા સુંવાળા વાળ ધરાવતી સંજના સાથે એને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયેલો. એ આકર્ષણ પર કાબૂ મેળવવાના એના બધા જ પ્રયત્નો વિફળ ગયા હતાં. આ સમયગાળા દરમ્યાન સંજના પણ એની સાથે છૂટથી વાત કરતી હતી. મોર્ડન સંજનાની નિખાલસ વાતચીતને એ પોતાના તરફનો પ્રેમ સમજી બેઠો હતો. એનામાં પણ ક્યાં કશું કમી હતી..? એને તો ભરપૂર વિશ્વાસ હતો કે સંજના એને ‘હા’ જ પાડશે. આ તો ફક્ત એક પ્રપોઝલની નાની એવી ફોર્માલીટી જ પતાવવાની હતી. પણ આવો જવાબ આવશે એની તો એને સ્વપ્નમાં પણ આશા નહતી.

‘સંજુ, પ્લીઝ. હું તારા વગર એક પળ પણ નહી જીવી શકું. હું તને દુનિયાની દરેક ખુશી આપીશ. મારામાં વિશ્વાસ રાખ. મારા જેટલો પ્રેમ તને કોઇ ના કરી શકે.તું સમજતી કેમ નથી..તું ..તું મને નહી મળે તો હું આત્મહત્યા કરી લઈશ યાદ રાખજે આ વાત..’

‘સોરી અનુજ, પણ મારી મજબૂરી છે.તું બહુ સારો માણસ છું, મિત્ર છું..પણ લગ્ન…સોરી…’

એ પછી બે જણાં એક પણ શબ્દની આપ – લે વિના છૂટા પડ્યાં.

એ પછીના થોડા સમય દરમ્યાન અનુજનું સંજના પ્રત્યેનું વર્તન એકદમ જ બદલાવા લાગ્યું. નવી નવી અપોઈન્ટ થયેલી સંજનાની મોટી મોટી ભૂલો ચલાવીને એને સુધારી લેનારો અનુજ હવે સંજનાના પૂર્ણ કાર્યક્ષમતા સાથે પૂરા થયેલા કાર્યમાંથી પણ મતલબ વગરની ભૂલો શોધી કાઢતો હતો. પાણીમાંથી પોરા કાઢવા જેવી વાત હતી. એને અપમાનિત કરવાનો એક પણ ચાન્સ એ છોડતો નહતો. એક અઠવાડીઆમાં તો સંજના એનાથી કંટાળી ગઈ.

એક દિવસ સવારે ઓફિસે આવીને સીધી જ એ અનુજની કેબિનમાં ઘૂસી ગઈ.

‘અનુજ, આ બધું શું છે..? શું કામ તું મારી સાથે આવું વર્તન કરે છે..?’

અને અનુજ ચૂપચાપ એની સામે જોઇ રહ્યો, પછી એકાએક હસીને ,

‘તુમ અગર મુજકો ન ચાહો તો  કોઇ બાત નહી…તુમ કીસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી..’ ગીત ગાવા લાગ્યો અને સંજના એનું આ રુપ જોઇને સ્તબ્ધ થઈ ગઈ.

શું આ એ જ અનુજ હતો જે એને જી-જાનથી પ્રેમ કરતો હતો એની પાછળ જાન આપી દેવા તૈયાર હતો. પ્રેમનું આમ ચપટી વગાડતાં’કને જ નફરતમાં રુપાંતરીકરણ થતું જોઇને એ આભી બની ગઈ.

‘અનુજ, પ્રેમ અને આપણાં કામને શું લેવા દેવા.? મેં તારું શું બગાડયું છે..? વળી તમે જેને જી-જાનથી પ્રેમ કરવાનો દાવો કરતા હોય એ જ વ્યક્તિ તમારો પ્રેમ ના સ્વીકારે એટ્લે એનાથી તમને નફરત થઈ જાય એ કેવી સ્વાર્થી વાત છે. પ્રેમને ફક્ત શબ્દની જેમ જ લેવાનો..એની સાથે આપણા ઇમોશન્સ જેવું કશું જ ના જોડાયેલું હોય કે..? હું તો જેને પ્રેમ કરું એને કદી નફરત ના જ કરી શકું. એ ભલે મારો પ્રેમ સ્વીકારે કે ના સ્વીકારે..મને મારા પ્રેમની ઇજ્જત રાખતા આવડે છે અને એ જીવનભર એને એકપક્ષી પ્રેમ કરીને પણ પૂરી કરું. પ્રેમ ના હોય એટલે નફરત કરવાની વાત જ કેવી ધૃણાસ્પદ છે..ફટ રે ભૂંડા  તારો પ્રેમ…સારું થયું કે મારી જીંદગીમાં પહેલેથી જ એક સારો અને નિખાલસ-પ્રેમાળ સાથી છે નહીંતર હું તારા જેવા સંકુચિત મગજના પ્રેમીની જાળમાં ફસાઈ ગઈ હોત.’ આટલું બોલીને એ કેબિનની બહાર નીકળી ગઈ.

પાછળ છોડી ગઈ કાતિલ ખામોશી. અનુજની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. જેને આટલો પ્રેમ કર્યો એને આમ હેરાન પરેશાન કરીને એ શું સાબિત કરવા માંગતો હતો..? પોતે આટલો મતલબી કેમનો થઈ ગયો…? પોતાની ભૂલ પર પસ્તાવો થતાં એ આંખ લૂછતો લૂછતો સંજનાની માફી માંગવા એની કેબિનમાંથી બહાર નીકળ્યો.

અનબીટેબલ:  નફરતના વાડામાં બંધાઈને કોહવાઈ જવા કરતાં મુકતમને પ્રેમના વહેણમાં વહી જઈને અસ્તિત્વને નેસ્તનાબૂદ કરી દેવું વધુ સારું.