http://gujaratguardian.in/E-Paper/05-05-2013Suppliment/index.html
gujarat guardian paper > take it easy -41 > 5-5-2013
ટેક ઈટ ઇઝી – 41.
આપણાં બધાંના ઘરમાં એવો ઘણો બધો સામાન હોય છે જેનો આપણે એક વર્ષ દરમ્યાન ક્યારેય વપરાશ ના કરતાં હોઇએ પણ એના પ્રત્યેની મમતા આપણને એનો સાથ ના છોડવા દેતાં આપણે એને માળિયાના હવાલે કરી દઈએ છીએ. એક સાંભળેલી કહેવત અનુસાર ‘એક વર્ષ દરમ્યાન તમે એક વાર પણ ના વાપરી હોય એવી વસ્તુઓ ભંગારમાં કાઢી નાંખવી જોઇએ નહીંતો આપણા ઘરની સમ્રુધ્ધિ અવરોધાય.’ આવું જ કંઈક આપણી લાડકી ક્રિકેટની રમત સાથે પણ થાય છે અને એના પરિણામ સ્વરુપે આખુ વર્ષ દેશ -વિદેશના ખૂણે ખાંચરે ભરાઈને બેઠેલા બિયરબાર-કલબોમાં ઝૂમતા – નવા – ઉગતા- જૂના- પુરાણા -થોડાં ઘણાં અંશે તૂટેલા ફૂટેલા – રીપેરેબલનો વિશ્વાસ ધરાવતાં ક્રિકેટરો ‘આઇપીએલ’ની જાહેરાત થતાં જ સજી ધજીને લાઈમલાઈટમાં આવી જાય છે.
આઈ પી એલ -ફાસ્ટફૂડની જનરેશનની ફાસ્ટ મેચ. આ દેખે જરા કીસ મેં કિતના હૈ દમ ! ખેલાડીનું પાણી માપવા જ્યાં પહેલાં ચાર પાંચ દિવસોની ટેસ્ટ મેચો રમાડાતી, જેનું કોઇ પરિણામ આવે પણ ખરું કે ના પણ આવે. આજે એ પ્રક્રિયામાં ફક્ત ચાર કલાક લાગે અને પરિણામની તો સો ટકા ગેરંટી. સમયની સાચી કિઁમત તો આ આઈપીએલના આયોજકો જ જાણે છે, માનવું પડે !
એક મોટા રુમમાં સામસામે ટેબલો ઉપર ગોઠવાયેલ આયોજકો દ્વારા સામ – સામા ધોકા જેવા નાનકડાં બેટ બતાવીને પોતાનો મનપસંદ પ્લેયર ઓછામાં ઓછી કિંમતે પોતાની ટીમમાં સામેલ કરવાની મંથરાવટી સાથે ‘પ્લેયર્સ-હરાજી’ થાય અને ભાઈચારાના ઉચ્ચત્તમ મૂલ્યોને સ્પર્શતી આઈ પી એલની ટીમો નક્કી થાય છે. એ પછી વારો આવે જાહેરાતો અને ટેલિકાસ્ટના હકોનો. દરેકને પોતપોતાના ભાગનું મળી જ રહે છે – કીડીને કણ તો હાથીને મણ.
આઈ પી એલ…આ ત્રણ શબ્દોના નશામાં આજકાલ ભારતનુ દરેક પ્રકારન ધન – બાળધન – યુવાધન – પ્રૌઢ અને બુઢ્ઢા ધન પોતાના અતિમૂલ્યવાન કામના ઢગલો કલાકો એમાં ‘ઓમ સ્વાહાઃ’ કરતાં જોવા મળે છે. આ બધા ધનને સ્ત્રી પુરુષ જેવા કોઇ જાતિબંધનો નથી નડતાં. ‘લાગે વાગે તો લોહીની ધાર’. મેં તો ઇનોસન્ટલી અહીંઆ ‘નાન્યેતર જાતિ’નો ઉલ્લેખ કરેલો છે. આપણાં ક્રિકેટરસિયાઓના જીવનમાં ક્રિકેટ એ હદ સુધી ગઈ છે કે દરેકને સચીન બનવાનું જ સપનું આવે જ છે, પણ વાસ્તવિકતા એવા બધા સપનાંઓની કોઇ જ શેહશરમ નથી રાખતી અને ‘સચીન’માંથી ‘સ’ ક્યારે નીકળી જાય છે ખ્યાલ પણ નથી રહેતો…રહે છે તો ફક્ત ‘ચીન’ની વસ્તુઓ વેચવાનો ધોરીમાર્ગ.
‘ગેમ્બલિંગનુ લીગલાઈઝ – ગ્લેમર સ્વરૂપ !’
આ ગ્લેમરથી આકર્ષાઈને લોકો આઈપીએલના રસ – હોજમાં તરબોળ થતાં જોવા મળે છે. આમ તો આ ઉનાળાની સીઝન.મને લાગે છે કે આ સીઝનમાં ‘સિધ્ધિ’ નામધારી છોકરીઓના લગ્ન સૌથી વધારે થતા હશે .કારણ..? પેલી કહેવત છે ને , ‘ સિધ્ધિ એને જઈને વરે જે પરસેવે ન્હાય.’ હવે કેવી રીતે – કોણે ક્યાં ન્હાવું – પરણવું એ દરેકનો પોતપોતાનો અંગત રસ અને મરજીનો વિષય છે. તકલીફ એ છે કે રસના કુંડા હોય હોજ નહીં પણ આપણે તો બહુ ઉત્સાહી અને નિસ્વાર્થ પ્રજા – ઉત્સાહના અતિરેકમાં લાગણીના હોજમાં ખાબકી જ પડીએ ને ! ગમે એ દેશનો પ્લેયર હોય દરેકની એકે એક સિક્સર પર આપણે આપી જ દઈએ. દાદ તો મફત જ આપવાની હોય ને…આપે રાખો બોસ !
એક જ ઘરમાં એક સદસ્ય એક ટીમને સપોર્ટ કરતો હોય તો બીજો બીજી ટીમને. કારણ પૂછીએ તો ખાસ કંઇ ના હોય..બોસ, એમાં સચીન રમે છે..સચીન, પેલી ટીમમાં તો આપણો ધોની સિકસરો પર સિકસરો ફટકારે છે…યુ નો, આપણો ધોની ! જાણે ધોની એટલે એનો બારણાંને અડીને આવેલા ફ્લેટમાં રહેતો પાડોશી !
ગેમમાં એક્વખત ભજ્જી જોશના અતિરેકમાં હોશ ખોઈ બેઠો અને નીતા અંબાણીને ઉંચકીને મદમસ્ત હાથીની જેમ ઝૂલવા લાગ્યો હતો. બીજા દિવસે જેવો લોકોના આશ્રર્ય વચ્ચે નીતાબેનનો હાથી -દીકરો જે ખરેખર તો બે સીટમાં બિરાજમાન હોય પણ આપણને એક સીટનો ભ્રમ પેદા થાય એવી સીટ પર દ્રશ્યમાન થાય અને ગોસિપની સટ્ટાબજારી ગરમ. આવી અનેકો ઘટનાઓથી બધાં જ પ્રકારના ‘ઓટલાપંચાતો’ ના માર્કેટ ગરમ થઈ જાય.
બે મિત્રો વચ્ચે આવી ગરમીનો એક કાલ્પનિક સંવાદ ઃ
‘બોલ, મારવી છે શરત ? આ ‘મુકા’ એ…અરે આપણો ‘મુકો’…ના ઓળખ્યો ? હું મુકેશ અંબાણીની વાત કરું છું, શું તમે પણ ! હા તો આ આપણાં ‘મુકા’એ નીતાભાભીની સુરક્ષા માટે ખાસ આ ‘મુક્કેબાજો’ની વ્યવસ્થા કરી છે.
‘ઓહોહો, તો એમ કહે ને કે આ તો પેલો આપણાં ગરીબ દેશનો દુનિયાના અરબોપતિના લિસ્ટમા ૨૨મો નંબર ધરાવતો મુકેશ અંબાણી છે. જેની સંપત્તિ આશર્રે ૨૧.૫ અરબ ડોલરની છે. જેના ૪ લાખ સ્ક્વેર ફીટના ૨૭ માળના , ૯ લિફ્ટવાળા, ૩ હેલીપેડ – એક થિયેટર-એક જીમ-એક પાર્ક-૧૬૮ કારપાર્કિંગ – ૬૦૦ રુમ – ૬૦૦ સર્વન્ટ્સવાળું ‘અંતિલા હાઉસ’ ધરાવતા ધીરુભાઈ અંબાણીનો સુપુત્ર -મુકેશ અંબાણી -આ ઘરને બનાવતા સાત વર્ષ નીકળી ગયા અને જેની કિંમત અંકાય આશરે ૪૭૦૦ કરોડ રુપિયા. વળી ઘરનુ એક મહિનાનું લાઈટ બીલ આવે છે – ફક્ત ૭૦ લાખ ! તું તો જાણે એની સાથે ‘લંગોટી પહેરીને લખોટી’ રમી હોય અને એના ખભે હાથ મૂકીને બોલતો હોય એમ આપણો મુકો..આપણો મુકો બોલ્યાં કરે છે !’
‘વારુ હવે તો ખ્યાલ આવી ગયો ને ?’
પેલો મિત્ર જવાબ આપે ત્યાં સુધીમાં આ ગેમની વિશેષતા મુજબ બીજી વિકેટ પડી ગઈ હોય. એટલે આગળની ચર્ચા બાકી રહી જાય અને બધા પાછા મેચ જોવામાં પૂરોવાઈ જાય. વિકેટ પડે એટલે ખુશીનો અતિરેક બોલરના હ્રદયમાંથી સીધો હાથપગમાં ઉતરી આવતો હોય એમ એ જાતજાતની રીતે હવામાં હાથ – પગ ઉછાળતો કૂદકા મારતો દેખાય. એ ઉછળકૂદને પાછુ નામ પણ વિશિષ્ટ અપાયું છે -ગંગમ સ્ટાઈલ. ડાન્સના પણ વિવિધ પ્રકારો હોય છે !
આઇ પી એલમાં સૌથી વધુ કેમેરામાં કોણ દેખાય બોલો ?
ના ખ્યાલ આવ્યો ને… પેલી ચિયર્સ ગર્લ્સ જ સ્તો. કોઇ પણ દેશના ખેલાડી ચોગ્ગા -છગ્ગાનો વરસાદ કરતાં હોય ત્યારે મોટાભાગે લોકોની નજર બોલ કરતાં એ ચીયર ગર્લ્સના ડાન્સ તરફ જ હોય. કોઇ અમ્પાયર આવી બધી બાબતે ક્યારેક ખોટા ડિસીઝન આપી બેઠો હોય તો પણ ખ્યાલ ના આવે. વળી આવામાં કોમેન્ટ્રેટરોના ભાગે કામ પણ બહુ ઓછું આવે..એમની કોમેન્ટરી સાંભળવા કોણ નવરું હોય. દરેક જણની નજર તો પેલી હસતી બેબી – ડાન્સિંગ ગર્લ્સ પર જ હોય. એના ઠુમકાઓ જોવામાં (બીજા બધાનો ઉલ્લેખ અધ્યાહાર રાખ્યો છે, મિત્રો પૂરતા સમજદાર છે) એકાદ ઓવરની કે એક્શન રીપ્લેની બલિ ચડાવી દેવામાં પણ કોઇને કંઇ ખાસ નુકસાનજનક નથી લાગતું. છેલ્લે બધા આયોજકો ને ખેલાડીઓ નિ:સ્વાર્થ – નિખાલસ મૈત્રીભર્યા શેકહેંડ – હગ કરીને હસી ખુશીથી છૂટા પડે છે. મનોરંજનના રસથી ભરપૂર આ મેચને સરકારે યોગ્ય રીતે જ મનોરંજન કરમાંથી મુક્તિ આપી છે. ફુલ્લી એંટરટેઈનમેંટ, નો ક્ડવાશ ઓનલી મીઠાશ !
અંત ભલા તો સબ ભલા. છેલ્લે જે પણ ટીમ જીતે કોઇ ખાસ દુઃખી થતું નથી. ખીચડી સીરીઅલના પ્રફુલ્લની જેમ ‘ ગેમની ગેમ અને..ટે..ઉં…ટે..ઉં…’. આ મેચોનો અંત ‘ખાધું પીધું ને લીલાલહેર કરી’ જેવો જ હોય છે.
આપણે ભારતીયો એટલે આપણે ભારતીયો બોસ – ઇન્ડીઅન પરગજુ લોકો -આઈ પી એલ !
-સ્નેહા પટેલ.