phoolchha-b newspaper > navrash ni pal column > 29-5-2013
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને,
વિફલ આ બને,
તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,કદીય કો ટાણે;
મુજ થકી કશુંયે નવ બને,
બસ સહનનું એવું બલ દે.
– સુંદરજી બેટાઈ
‘આ નોકરીમાં નથી ફાવતું, રોજ રોજ માનહાનિ, બદનતોડ મજૂરી ..ઉફ્ફ..શુ કરું…?’
રાજ પોતાની એસી કેબિનમા બેઠો બેઠો વિચારતો હતો. છેલ્લાં બે વર્ષથી એનો મેનેજર બદલાયો હતો ત્યારથી એની દશા બેસી ગઈ હતી. નવો જુવાન મેનેજર ખબર નહીં કેમ પણ ૧૦ વર્ષ જૂના, વફાદાર અને હોશિયાર રાજના દરેકે દરેક કામમાં કોઇક ને કોઇક મીનમેખ જરુર નીકાળતો. રાજ પોતાની એડીચોટીનું જોર લગાવી દે એમ છતાં એ મેનેજરનું હ્રદય નહતો જીતી શકતો. હવે એની હામ છૂટવા લાગી હતી. છેલ્લા પંદરે’ક દિવસમાં એણે થોડો થોડો સમય કાઢીને બીજી જગ્યાએ નોકરી પણ શોધવા માંડી હતી અને ઇન્ટરવ્યુ પણ આપેલાં. પરિણામે આજે એ બે જગ્યાએથી એ સિલેકટ થઈ ગયેલો પણ એક જગ્યાએ પગાર સારો હતો પણ મજૂરી વધારે હતી અને બીજી જગ્યાએ નવી નવી કંપની હોવાના કારણે પગાર આજની નોકરી કરતાં ઓછો હતો, જોકે એમાં આગળ વધવાના અને વિકસવાના બહુ જ સ્કોપ હતાં થોડો સમય રાહ જોવાની હતી બસ.
રાજ ‘શું કરું , શું ના કરું’ ની વચ્ચે ઝોલાં ખાતો હતો.
ત્યાં તો મેનેજરની કેબિનમાંથી ફોન આવ્યો અને ફરીથી એ જ અપમાનની વાતોનું પુનરાવર્તન.
સાત મિનીટની મેનેજરની મીટીંગથી આખા દિવસનો થાક એક્સાથે જ એના તનને ઘેરી વળ્યો એવું લાગ્યું. થાકીને ચકનાચૂર થઈ ગયો, પળભર તો આ નોકરીને ઠોકર મારીને પેલી બેમાંથી એક નોકરી પસંદ કરી લેવાનો વિચાર આવી ગયો પણ ત્યાં જ એની નજર સામે પોતાની સુંદર પત્ની અને નાજુક બે વર્ષના બાળકનો ચહેરો સામે તરવરી ઉઠયો ને અંદરથી હાલી ઉઠ્યો. નવી નોકરી કરવી એટલે વિશાળ દરિયામાં છલાંગ મારવાનુ અને સામા વ્હેણે તરવા જેવી હાલત હતી. કદાચ નવી નોકરીમાં પણ એ સેટ ના થઈ શકે એવું બને કાં તો એ ઓછા પગારમાંથી એના ખર્ચા ના નીકળે ને પોતે આ નોકરી છોડીને પસ્તાય એમ પણ બને…ઉફ્ફ..બે હાથમાં માથું પકડીને જોરથી પોતાના વાળ ખેંચી કાઢ્યા.
બાજુમાં એનો મિત્ર હેમંત એને ધ્યાનથી જોઇ રહેલો એની હાલત સમજી રહેલો એ ઉભો થયો અને કૂલરમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને એની પાસે આવ્યો.
‘લે રાજ, પહેલાં આ પાણી પી લે.’
રાજે માથું ઉંચુ કરીને હેમંતને જોયા કર્યું, પાણીનો ગ્લાસ લીધો અને ગટગટાવી ગયો. એની આંખમાં ઝળઝળિયા આવી ગયાં.હેમંત એની બાજુની ખુરશીમાં બેઠો અને એના ખભે હાથ મૂકીને બોલ્યો,
‘શું કામ આટલો જીવ બાળે છે પણ.’
‘તો શું કરું દોસ્ત…નવી નોકરીમાં પણ આવી મગજમારીઓ નહી થાય એની શું ગેરંટી. હિંમત નથી ચાલતી સાલ્લી..’
હેમંત બે પળ ખામોશ રહ્યો અને પછી બોલ્યો,
‘ આ ટુ બી – નોટ ટુ બી’ની હાલતમાંથી બહાર નીકળ. છેલ્લાં બે વર્ષથી તું હેરાન થાય છે. આ નોકરી બદલવાનું ડિસીઝન તેં કદાચ પહેલાં લઈ લીધું હોત તો કદાચ અત્યારે તો તું એ ના ફાવે તો બીજી નોકરીમાં પણ સેટ થઈ જ ગયો હોત. આખરે તું એક તરવરીયો- મહેનતુ-કાબેલ નવજુવાન છું. પણ તેં ભયના માર્યા કાલ્પનિક વિચારોના ઘોડા જ દોડાવ્યાં કર્યાં અને માનસિક ભયના થાકોડાથી હારીને એ ની એજ જગ્યાએ નોકરી કર્યા કરી. આમ તો તું આખી જીંદગી વિચલિત થયા કરે છે ને દિવસો દિવસ વિચલિત થવામાં પ્રવીણ થતો જાય છે. સમય તારા હાથમાંથી સરકી રહયો છે દોસ્ત. નવી નોકરી સ્વીકારવાનું ભૂલ ભર્યું હોવાના ચાન્સીસ પ૦% છે તો સફળ થવાના ચાન્સીસ પણ સામે એટલા જ છે ને. વળી માનવી હોય તો ભૂલો કરે…એમાં કંઈ નવી વાત નથી. એકની એક ભૂલ વારંવાર ના થાય અને એ ભૂલોમાંથી શીખતા રહેવું એ મહત્વનું છે. આમ વિ્ચારીને ભયના ઓથા હેઠળ જીવ્યાં કરીશ તો રોજ આત્મસન્માન મરતું રહેશે…એક દિવસ એ તને પણ અતિક્રમી જશે પછી કોઇ જ સફળતા કે પ્રસિધ્ધિ પણ તને સંતોષ નહી અપાવી શકે એ હદે તું તૂટી જઈશ. ઉભો થા મારા મિત્ર અને હિંમત રાખીને એક નિર્ણય કર અને એનો અમલ કર. સફળતા – શાંતિ તારાથી બે કદમ જ દૂરી પર છે…ઓલ ધ બેસ્ટ…’
અને રાજ વિચારી રહ્યો, ;હેમંતની વાત તો સાચી જ હતી. પોતે વિચાર્યા જ કરતો હતો પણ વિચારોને અમલમાં મૂકવા જેવા મહત્વના સ્ટેપને જ ચૂકી ગયો હતો.’
આભારવશ સ્મિત હેમંતની સામે ફેંકીને એણે મનોમન મક્ક્મ નિર્ધાર કર્યો…અને પોતાના વિચારના અમલની દિશામાં પોતાનું પહેલું પણ મક્ક્મ ડગ માંડ્યું.
અનબીટેબલ : જીવનમાં કોઇ તક એમ જ નથી મળતી. આપણે એને આવકારવા માટે પહેલાં એનો રસ્તો બનાવવો પડે છે.
-સ્નેહા પટેલ