http://gujaratguardian.in/E-Paper/04-28-2013Suppliment/index.html
gujarat guardian paper > take it easy column > article no – 40
‘તમારા જેવા લેખકજીવથી બચીને રહેવું જ સારું..ખબર નહીં ક્યારે આપણા જીવન ઉપર કે સીધી-સાદી વાતો ઉપર કોઇ વાર્તા કે લેખ લખાઈ જાય.’
થોડા સમય પહેલાં જ એક મિત્રએ હસતાં હસતાં આવી કડવા કારેલાં જેવી હકીકત હિંમત રાખીને મોઢામોઢ કહી જ દીધી.
‘હા, આમ તો તમારી વાત સાચી છે. અમારું કામ જ ઓબ્ઝર્વેશન – એનાલીસીસ અને રાઈટીંગનું. જોકે હું ક્યારેય કોઇ પણ પાત્રના નામ સાથે વાત નથી લખતી. વળી મારી વાતો થોડી ભેળપૂરી જેવી હોય છે. સેવ અહીંથી લીધી હોય,મમરાં બીજેથી તો ગળી ચટણી ત્રીજી જ કોઇક જગ્યાએથી..હા, તીખી ચટણીનું ધ્યાન રાખવું પડે, કોઈક કોઇક વાર તો અચરજરુપે લસણ જેવી દુર્ગંધયુક્ત ચટણી કોઇ ચુસ્ત સ્વામીનારાયણ કે જૈન મિત્રો પાસેથી પણ મળી જાય. બસ પછી થોડો છાપા પેપરની તાજા ખબરોનો રગડો નાંખીને ભેળ – રગડાપેટીસ જેવા લેખ બનાવી નાંખુ, આવા પ્યોર વેજીટેરીયન લેખોમાં તો હવે માસ્ટરી આવી ગઈ છે. હા કોઇ નોનવેજની આશા રાખે તો એ બિચારા બહુ નિરાશ થાય એ ચોકક્સ !’
એક લીટીની સાચી હકીકત એવી ચચરી કે મારાથી એની સામે ૫-૬ લાઈનની દલીલ ફટકારાઇ ગઈ. અમુક હકીકતો ચચરે બહુ પણ એના સોળ ના દેખાય. કોની પાસે આવા દુઃખડા રોઈએ રે..! જે તમારા ભાગે આવી એ હકીકત પચાવ્યે જ છૂટકો. મારી તીવ્ર વેગવાળી વિચારધારાને તરત જ બ્રેક વાગી..કારણ બહુ નવાઈ ભરેલું..
એ જ મિત્રની શ્વેત કુર્તી અને ટાઈટ બ્લ્યુ ડેનિમધારી, મોઢા પર નિખાલતા અને બુધ્ધિની ચમકના વિરોધાભાસી સંગમનું તેજ ધરાવતી કોલેજીયન છોકરી બહારથી ઘરમાં પ્રવેશી અને મને જોઇને એની લાગણી પર કાબૂ ના રાખી શકતાં ભેટી પડી.
‘અરે વાહ, સ્નેહા આન્ટી. આજે તો સૂરજ કંઈ પશ્ચિમમાંથી ઉગ્યો તો કે શું..? તમે અને અમારા આંગણે..સાક્ષાત કૃષ્ણ સુદામાને ઘરે..અહાહા ! મજા આવી ગઈ. તમે પાંચ મીનીટ બેસો..હું બે જ્ મીનીટમાં ફ્રેશ થઈને આવી. ‘પાંચ બેસવાની સામે એણે દસ મીનીટમાં આવી’ વાળો જૂનો પુરાણો સડેલો જોક ના માર્યો એટલે મને બહુ ગમ્યું. દિલ અને દિમાગનુ સંતુલન જાળવીને વાત કરનારી વ્યક્તિઓ મને આમે બહુ ગમે.
કરેલા વાયદા મુજબ સ્વીટી – મારા મિત્રની દીકરી બે મીનીટમાં તો મારી સામેના સોફામાં ગોઠવાઈ ગઈ. હાથમાં ઠંડા પાણીની બોટલ હતી એમાંથી થોડું પાણી પીધું અને પછી મારો હાથ પકડીને બોલી,
‘યુ નો આન્ટી, તમારી સાથે વાત કરવાની બહુ મજા આવે. મારા જેવા લોકોના જીવનમાં ઢગલો વાર્તાઓ જેવી હકીકતો બનતી હોય છે. એ બધી તમારી જોડે ‘શૅર’ કરુ અને તમે એના ઉપર કંઈક લખો તો બહુ સંતોષ થાય. તમારી પાસે કલમ છે, છાપા -મેગેઝિન જેવા પ્લેટ્ફોર્મ છે એના થકી આવી બધી વાતો સમાજના મોટા એવા વર્ગની સામે આવે અને એ બધી ય પ્રક્રિયામાં અમારો થોડો ઘણો ફાળો – યોગદાન નોંધાય એનો સંતોષ થાય. તમે આટલું સરળ અને તરત જ લોકોના દિલને સ્પર્શી જાય એવું કઈ રીતે લખો છો..અમેઝિંગ રીઅલી..’
હું એ ઢીંગલી જેવી રુપાળી સ્વીટીના આ લેખની શરુઆતમાં જ એના પિતાશ્રીના મુખેથી બોલાયેલા વાક્યોથી સાવ જ ઉંધા મતલબના વાક્યો સાંભળીને એની વાત પર શું રીએક્ટ કરવું એની ગૂંચવણમાં પડી ગઈ. વળી કોઇ પણ મારા વખાણ કરે ત્યારે મને બહુ શરમ આવે એનું કારણ હજુ શોધ્યું કે વિચાર્યું નથી, પણ એ વખતે મારે સામે કેવી રીતે નમ્ર રહીને એ વખાણ સ્વીકારવા એ કાર્ય બહુ ગૂંચવાડાયુકત લાગે..બહુ વધારે પડતાં નમ્ર બની જઈએ તો પણ સામેવાળા આપણને અભિમાનીમાં લેખે અને એ વખાણ ‘એસ ઇટ ઇઝ’ સ્વીકારી લઈએ તો પણ અભિમાનીમાં ગણાઇ જઈએ..એટલે વખાણોની મને એલર્જી થતી જાય છે. વાત નાની છે પણ બહુ ગૂંચવાઇ જવાય..તકલીફ એ જ છે કે મોટી મોટી ગૂંચવણોમાં આપણે ( બહુ મૂડમાં હોઉ ત્યારે મારી જાતને બહુવચનમાં બોલવાની મારી ખામી કે ખૂબીથી આપ સૌ જાણકાર જ છો..એટલે એને સમજી જ લેશો એવી આશા રાખું છું.) ક્યારેય ના ફસાઇએ પણ આવી વિરોધાભાસી અને નાની નાની વાતોમાં ચકરાવે ચડી જઈએ. આવા સમયે કીડી અને હાથીની વાર્તા ચોકકસપણે મારા માનસપટ પર તાદ્રશ્ય થઈ જાય.
જો કે મારા જેવી જ હાલત સ્વીટીના પપ્પા અને મારા મિત્રની પણ હતી. એ જે વાત એની બધી હિંમત ભેગી કરીને મને મોઢામોઢ બોલી ગયેલો એને એની જ દીકરી સાવ ઝૂઠલાવી રહી હતી. કદાચ આવા પરિબળોમાં જ ‘જેને કોઇ ના પહોંચે એને એનું પેટ પહોંચે’ જેવી કહેવતો ઉદભવી હશે..સત્ય તો રામ જાણે.
થોડી સ્વસ્થ થઈ અને બોલી,
‘આમાં તો એવું છે ને દીકરા કે મારામાં મારી ધારણા – માન્યતા મુજબ પેલા ઉપનિષદકારે વર્ણવેલા ‘ દ્વા સુપર્ણા સયુજા સખાયા’ તરીકે વર્ણવેલા બે પક્ષીઓની જેમ એક સાથે બે જીવ વસે છે. એક તો પોતાના સંસારમાં રચ્યાપચ્યા રહીને સપાટી ઉપરથી બધા સામાજીક વ્યવહારો નિભાવે છે અને અંદરનો જીવ સતત બહારના એ જીવને, એની આજુબાજુની ઘટનાઓને નીરખ્યા કરે છે, એની સાથે ડાયરેક્ટ ડાયલિંગ કરતા રહીને સતત એના સંપર્કમાં રહ્યાં કરે છે.ટેક્સટ મેસેજ, ફ્રી કોલ્સ,મિસકોલ કરે એટલે કોલબેક કરવાનું જેવી સુવિધાઓની ત્યાં જરુર નથી પડતી, કોઈ નેટવર્ક ત્યાં પરેશાન નથી કરતું..એ બધું નીરખતાં રહીને પોતાની વિચારધારામાં એને ઢાળીને, મંથન કરીને ચોકસાઈથી લેખ કે વાર્તાના સ્વરુપે એને ઘડે છે. આપણા બધામાં આપણે એક બીજી વ્યક્તિ તરીકે અંદર ક્યાંક છુપાયેલા જ હોઇએ છીએ જરુરત હોય છે તો બસ થોડો સમય કાઢી એના પર ધ્યાન કેન્દ્રિત કરીને એને શોધવાની, એને સમજવાની, સ્વીકારવાની. પણ કમનસીબી કે આપણે આજની તડાફડીની લાઈફમાં આપણી પોતાની સાથે સંપર્ક રાખવામાં ઉણા ઉતરીએ છીએ અને દુનિયાને સમજવા જતાં આપણી જાતને સમજવાનું જ ભૂલી જઈએ છીએ..’
એકધડાકે આટલું લાંબુ લેકચર અપાઈ ગયા પછી આવડી નાનકડી ઢીંગલીની સામે આવું ભારે ભરખમ લેકચર ઠોકી બેસાડ્યાનો રંજ થયો..વિચાર્યું કે નાજુક નમણી સ્વીટી આટલી મોટી મોટી વાતો સમજી શકી હશે કે મને મનોમન માથું પકાવવા માટે ગાળો આપતી હશે. એના મુખારવિંદને ધ્યાનથી નિહાળતાં ત્યાં મને આનંદ આનંદનો ભાવ દેખાયો બની શકે મારો ભ્રમ પણ હોય…ત્યાં તો તાળીઓ પાડતી’કને સ્વીર્ટી બોલી,
‘હમ આપકે યું હી ઇતને બડે ફેન નહી હૈ જાની..મન થાય છે કે તમે આમ જ અસ્ખલિત પ્રવાહમાં બોલતા રહો અને હું બસ સાંભળ્યા કરું..અહાહા..’
મારા ભ્રમનો ભ્રમ ભાંગી ગયો.
અને જોરથી વળગી પડીને મારા ગાલે ચૂમી ભરી દીધી.
હવે મારું ધ્યાન મારા મિત્ર તરફ ગયું તો પણ મૂછ્માં હસતો હતો અને એકાએક બે હાથ જોડીને એનું મસ્તક મારી સામે નમાવી દીધું..
‘તું સાક્ષાત ‘મા સ્નેહામયી’ છું, પ્રણામ ! અમારા અહોભાગ્ય કે તમે અમારા જેવા પામરજીવના મિત્રવર્તુળમાં સામેલ છો…’
અને એની નાટકીટ અદાઓથી આખું વાતાવરણ હસું હસું થઈ ગયું.
-સ્નેહા પટેલ.