http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx?site_id=2&supp_id=1
ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 24-4-2013
નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.
વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.
– મુકુલ ચોકસી
અમૃતા આજે મંથન પર બહુ જ અકળાયેલી હતી.
‘પોતાની વાત પૂરી ખુલીને, હાકોટો પાડીને બોલી કેમ ના શકાય? આ કેવો મર્દ કે એની પત્ની ઉપર આવું આળ મૂકાય અને એ ચૂપચાપ સાંભળ્યા કરે ? પત્નીના સ્વમાનની રક્ષા ના કરી શકે એવા પતિને શું કરવાનો ? ઘરની વહુ તો પારકી જણી જ કહેવાય, હું કંઈક બોલું તો વાતનું બતંગડ બની જાય. લગ્ન કરતાં પહેલાં તો કેટકેટલા મધમીઠા શબ્દોની લ્હાણી કરતો હતો – હું તારા માટે ચાંદ – તારા તોડી લાવીશ – તું કહે તો આ દુનિયા છોડી જઈશ..હમ્મ…બધા નાટકો.આ પુરુષજાતનો કદી ભરોસો જ ના કરાય.’
કેટકેટલા વિચારો આવ્યાં અને ગયાં. અમૃતાના મગજને વલોવી ગયા. મગજની નસેનસ હમણાં ફાટી જશે એવું જ લાગતું હતું. લગ્નજીવનના અગિયાર વર્ષમાં પ્રેમ ફકત શબ્દ બનીને રહી જાય એવી તીવ્ર નેગેટીવ લાગણી એના દિલને કચોટી ખાતી હતી. ત્યાં તો એના દસ વર્ષના દીકરા વલયે એને બૂમ પાડીને બોલાવી અને એનું વિચારનું તાંડવનૃત્ય અટક્યું.
‘મમ્મી, મને બસ્સો રુપિયા જોઇએ છે.’
‘બસ્સો ! એકાએક આટલા બધા રુપિયાનું તારે શું કામ પડ્યું ?’
‘મમ્મી, અમે બધા મિત્રો પિકચર જોવા જવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ ‘
‘મિત્રો એટલે કોણ કોણ ?’
‘હું, અમિત, મિત્રા, પરીના, અવિ, વિધ્યુત,પરમ, સોનાલી અને રીયા !’
‘ઓહ…આટલા બધા જણ ! પણ એક વાત કહે તો જરા, કોઇના પેરેન્ટસ સાથે છે કે તમે એકલા છોકરા અને છોકરીઓ જ છો?’
‘ના, અમે એકલાં જ. અમે બધા મિત્રો હોઇએ ત્યારે મમ્મીઓ અને પપ્પાઓનું શું કામ ? અમને કંટાળો આવે છે, અમને પણ કોઇક વખત મિત્રો સાથે એકલા ફરવાનું મન ના થાય ?’
‘પણ દીકરા, તમે ઘણા નાના છો અને વળી છોકરા અને છોકરીઓ એકસાથે આમ..’આગળ શું બોલવું એની ગતાગમ ના પડતા અમૃતા થોડી ગોટાળે ચડી ગઈ.
‘શું મમ્મી તમે પણ સાવ નાની અને દાદીઓ જેવી વાતો કરો છો. થોડા મોર્ડન બનો ‘
‘મોર્ડન મતલબ ? અરે તમે લોકો હજુ ફક્ત છ્ઠ્ઠા ધોરણમાં ભણો છો. તમારા માટે શું સારું અને શું ખરાબ એની તમને શું સમજ હોય ? હજુ તો કોઇ ચોકલેટ આપીને તમને ફોસલાવીને લઈ જઈ શકે એટલી કાચી ઉંમરના છો અને સાવ આમ એકલા તો કેમના મોકલી શકાય ? નવાઈ લાગે છે કે બીજા છોકરાઓના મા – બાપે એમને કેવી રીતે મંજૂરી આપી દીધી આવા પ્રોગ્રામની !’
‘એ બધા તમારા જેવા જૂનવાણી નથી ને મમ્મી એટલે. તમને મારી પર કોઇ ભરોસો જ નથી. અરે હું મારું સારું ખરાબ બહુ સારી રીતે સમજી શકું છું, પરિસ્થિતીઓને સારી રીતે હેન્ડલ કરી શકું છું. તમે દસ વર્ષના હતા અને અમે દસ વર્ષના છીએ એ બે જમાનામાં જમીન આસમાનનું અંતર છે પણ તમારું સંકુચિત મગજ આ વાત સમજી જ નથી શકતું.’
‘વલય બસ કર હવે, તારી જીભ બહુ ચાલે છે ને આજકાલ કંઈ. બહુ સામે બોલતો થઈ ગયો છું તું.’
‘મમ્મી, સાચી વાત કહી તો તમને મરચાં લાગ્યાંને .’
‘વલય..બસ તારી ઉંમરને અનુરુપ વાત કર, જ્યાં સુધી મારા ઘરમાં રહે છે ત્યાં સુધી તો તું અમારી સામે નહી જ બોલે ભલે અમે મા – બાપ ખોટા કેમ ના હોઇએ. અત્યારથી આ હાલત છે તો રામ જાણે તારો જીભડો ભવિષ્યમાં તો કેટલો લાંબો થઈ જશે. તારી જાતે કમાતો થાય અને પોતાનું ભરણપોષણ કરવાની તાકાત આવે ત્યારે આ વર્તન કરજે બાકી અત્યારે તો હું આ તારી ગેરશિસ્ત નહી જ ચલાવી લઉં. મા -બાપની સામે બોલતા શરમ જ નથી આવતી..અમે તો આવડા મોટા થયા પણ..’
અને એકાએક અમૃતાની જીભ અટકી ગઈ.
આગળની વાત એણે દીકરાને કહેતા પહેલાં જાતે સમજવાની જરુર છે એવી લાગણી થઈ. મંથન નાનપણથી જ માતા-પિતાની સામે એક પણ અક્ષર બોલતો નહતો. સંસ્કાર જ એવા હતાં. એ સાચો હોય તો પણ ગુસ્સો ગળી જઈને ચૂપ રહી જતો પણ સામે એક હરફ ના ઉચ્ચારતો. એ સંસ્કાર હજુ આજે પણ જયારે પોતાના બચાવપક્ષ તરીકે બોલવાના હોય ત્યારે આડે આવતા હતાં. કોઇ પણ મા – બાપને પોતાનું સંતાન સામે બોલે એ ક્યારેય ના જ ગમે ભલે ને પોતાની ભૂલ હોય તો પણ. આજે આ વાત એણે ખુદ અનુભવી. વલય પોતાની સામે બોલે એ એનાથી આજે પણ સહન નહતું થતું તો વૃદ્ધાવસ્થામાં જ્યારે પોતે એની પર શારિરીક -માનસિક બધી રીતે આધારિત હશે અને લાગણીઓ એકદમ નાજુક કાચ જેવી થઈ ગઈ હશે ત્યારે એની વહુ માટે પોતાની સામે બોલશે તો કેવી હાલત થશે ? મંથન આમ તો ખોટો નહતો. હા એણે ક્યારેક પોતાની વાત સારા શબ્દોમાં લાગણીથી પોતાના મા બાપને સમજાવવાનો પ્રયત્ન કરવો રહ્યો પણ પોતે માને છે એવી છેલ્લી કક્ષાની અવહેલના તો નથી જ કરતો. માનો ના માનો પણ પોતાની વિચારધારા પણ ક્યાંક તો ખોટી હતી જ.
અનબીટેબલ : સમસ્યાને વાસ્તવિકતા તરીકે સ્વીકારતા ચોકકસપણે એના ઉપાયો શોધી શકાય છે.
-સ્નેહા પટેલ.
સમસ્યાને વાસ્તવિકતા તરીકે સ્વીકારતા ચોકકસપણે એના ઉપાયો શોધી શકાય છે.,,,,,ગમ્યું
LikeLike
nice ,,,,
LikeLike
તમે દસ વર્ષના હતા અને અમે દસ વર્ષના છીએ એ બે જમાનામાં જમીન આસમાનનું અંતર છે …………. agree……. bahu j che antar…
આગળની વાત એણે દીકરાને કહેતા પહેલાં જાતે સમજવાની જરુર છે એવી લાગણી થઈ. …………..પોતાની વાત સારા શબ્દોમાં લાગણીથી પોતાના મા બાપને સમજાવવાનો પ્રયત્ન કરવો રહ્યો પણ પોતે માને છે એવી છેલ્લી કક્ષાની અવહેલના તો નથી જ કરતો. માનો ના માનો પણ પોતાની વિચારધારા પણ ક્યાંક તો ખોટી હતી જ.
LikeLike
બાળકો ને મુક્ત રીતે તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. તેમની સાથે પરીપક્વ વ્યક્તિ સાથે કરીએ તે રીતે જ ચર્ચા વિચારણા કરીને તેની ભૂલ હોય તો તેને સમજાવવી જોઈએ અને તેની જેટલી વાત સાચી હોય તે સ્વીકારવી જોઈએ…
LikeLike
એમ ન માનવું કે ફક્ત માબાપજ સંસ્કાર આપે છે, સંસ્કાર કે “કુસંસ્કાર” તો આપણામાં કે આપણાં બાળકોને આસપાસના વાતાવરણ-મિત્રો-વાંચન-ટીવી-ફીલમ, ખાસ કરીને મિત્રો, વગેરેમાંથી વધારે મળે છે…..અને જે બાળક કોઈ પણ કારણસર આડું ફંટાઈ જાય છે, તે “કુસંસ્કાર”ને આવકાર આપે છે…….. ગામડામાં હોય કે શહેરમાં, અમેરીકામાં હોય કે પરદેશમાં, નાના હોય ત્યાં સુધી માબાપ ઉપર નિર્ભર હોય, પણ, દીકરા-દીકરી જાતે કમાતા થાય ત્યારે માબાપથી જુદા રહેવાનું જ વિચારવાના…..
LikeLike
ખૂબ જ સચોટ અને હૃદયસ્પર્શી, સ્નેહાબેન!-નયના પટેલ
LikeLike
સ્નેહા બહેન સુંદર લેખ છે.
________________________________
LikeLike
યસ , દરેક સમસ્યા નાં ઉકેલ હોઈ છે। .. પેઢીઓ વચ્ચે નું અંતર વરસો થી ચાલ્યું આવે છે
LikeLike