http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx?site_id=2&supp_id=1
16-04-2013- fulchhab paper > navrash ni pal column…
માનવી તો માનવી છે..
માન તમારે હાથ ના સોંપું,
કેમ કરી અપમાનશો ?
-કૃષ્ણલાલ શ્રીધરાણી.
અરુએ ધડામ દઈને એના ખોળામા રહેલ લેપટોપને બંધ કરી દીધું. એના નાજુક નાકના ફણા લાલચોળ થઈ ગયા અને આંખોમાં ગુસ્સાની રાતી ટશરો ફૂટી નીકળી. પ્રથમ એનો પતિ એની સામે બેસીને છાપુ વાચી રહેલો એ અચાનકના આ અવાજથી ચોંકી ઉઠ્યો. અરુની હાલત જોઇને એ બે પળ તો ભોંચક્કો રહી ગયો.
‘શું થયું અરુ? ‘
‘કંઈ નહી એ તો આ નેટની દુનિયા પર ગુસ્સો આવ્યો. જ્યાં જોઇએ ત્યાં નકરું બેફામ વર્તન, દોગલાપણું, નિર્લજજ્તાની બધી હદ વટાવી દે છે લોકો. ખબર નહી શું સમજી બેઠા છે આ સોશિયલ વેબસાઈટ્સને લોકો ? હેલ્ધી થોટ શેરિગના બદલે જ્યા જુઓ ત્યાં માણસાઈના મૂલ્યોની સરેઆમ કત્લ થતી જ દેખાય છે.’
‘અરે પણ વાત શું છે એ તો કહે અરુ ‘
‘પ્રથમ, તું તો જાણે છે મેં મારા ઓનલાઈન બૅડશીટના માર્કેટીંગ હેતુ વેબસાઈટ બનાવી અને એ જ હેતુની પૂર્તિમાં મદદ થાય, નવા નવા લોકોનો પરિચય થાય એ માટે આ બધી સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સ વાપરવાની ચાલુ કરી, એમાં પ્રોફાઈલ્સ બનાવ્યા, મિત્રો બનાવ્યા અને એમને મારી પ્રોડક્ટની જાણકારી આપી. હવે આ રીતે મારા સેલમાં તો મને ખાસી એવી મદદ મળી રહે છે પણ એના સિવાય નેટ પર આ જ્યાં ને ત્યાં જે રીતે અમુક તમુક ચર્ચાઓ અને ફેક આઈડીના દૂષણો દેખાય છે એ બધાથી ત્રાસ થાય છે. કોના પર કેટલી હદ સુધી વિશ્વાસ કરવો એ જ નથી સમજાતું..આજે બોલ્યાં ને કાલે ફરી ગયા ! આના કરતાં તો એક દુકાન લઈ અને હાથોહાથ ઘરાકને માલ વેચવો વધુ સારું રહે. કમ સે કમ આવી બધી નેગેટીવીટીઝથી તો દૂર રહી શકાય અને મગજ ઠેકાણે તો રહે.’
પ્રથમ પણ વિચારમાં પડી ગયો. અરુની વાત તો સાચી હતી. નેટ પર લોકોને બે આંખની શરમ કદી નથી નડતી. લોકો પોતાના કામમાંથી પળની નવરાશ પણ મળે તો પણ મનસ્વી વર્તન કરનારાઓનો તોટો નથી. ત્યાં એને યાદ આવ્યું કે ગયા મહિને આ જ નેટ દ્વારા સંપર્કમાં આવેલા વિશ્વાસ નામના યુવાને એ દિલ્હીમાં ફસાઈ ગયેલો ત્યારે કોઇ જ જાણ પહેચાન વગર ફકત ફેસબુકના મિત્ર હોવાના કારણે જ એને પૂરા ૨૦,૦૦ઓ રુપિયાની રોકડી મદદ કરી હતી અને એ પણ કોઇ જ જાતની સિક્યોરીટી વગર. વળી આ સાઈટસના કારણે જ અરુ પોતાના બે સંતાનો સાથે ઘરે રહીને જ પોતાનો નાનક્ડો શો ધંધો સ્વતંત્ર રીતે ચલાવી જ શકે છે ને. નેટવર્કીંગ સાઈટ્સ વિના પોતાની પ્રૉડકટનું માર્કેટીંગ કરવું, દુકાન ખોલીને એને મેઈનટેન કરવી એ બધી બહુ જ અઘરી જ નહી પણ અશક્ય જ બાબતો હતી. થોડું વિચારીને એ બોલ્યો,
‘જો અરુ, આપણે વર્ચ્યુઅલ અને રીઅલ દુનિયા એવી બે અલગ અલગ દુનિયાને બેલેન્સ કરીને જીવીએ તો કોઇ વાંધો ના આવે. વર્ચ્યુઅલ દુનિયામાં માનવીના ફાસ્ટ વિચારોને ખુલ્લો દોર મળી જાય છે અને એના થકી એ જલ્દી ઉઘાડો પડી જાય છે. બાકી રીઅલ દુનિયામાં પણ આવા માનવીઓનો તોટો તો નથી જ ને ? ફરક એટલો કે વર્ચ્યુઅલ દુનિયામાં આપણે ઇઝીલી એકબીજાના સતત સંપર્કમાં રહી શકીએ છીએ એટલે એક , બે અને ત્રણ…પછીની વાતચીતોમાં તો માનવીના વિચારો ઉઘાડા પડી જ જાય. આ પ્રોસેસમાં ફકત બે ચાર દિવસ જાય જ્યારે રીઅલ દુનિયામાં આ જ વાત થતાં બે – ત્રણ વર્ષ પણ થઈ જાય કારણ એમાં સમય, પૈસો અને આપણા સમાજમાં સ્ત્રીઓ જલ્દીથી પુરુષો જોડે વાત ના કરે એ બધી માનસિકતાઓ આડે આવે છે. મને તો એમ લાગે છે કે વર્ચ્યુઅલ દુનિયા એ હકીકતની દુનિયાને સ્પીડમાં ફાસ્ટ ફોરવર્ડ કરતી પ્રોસેસ માત્ર જ છે. તું આના થકી જ તારા ધંધાની લેટેસ્ટ માહિતીઓથી કેટલી આસાનીથી અપડેટ રહી શકે છે અને તારી પ્રોડકટ દુનિયાના કોઇપણ ખૂણે પળભરમાં પહોંચાડી જ શકે છે ને એ કેમ નથી વિચારતી ? આ ના હોત તો કદાચ તું પણ આ બાજુવાળા માયાબેનની જેમ લોકોની પંચાત કરતી એક સામાન્ય કોઇ જ હેતુ વગરની જીવતી એક માનવી જ બનીને જીવતી હોત ને..! બાકી માનવી તો માનવી જ છે. રીઅલ લાઈફમાં ઘણી માનસિકતા લાઈફટાઇમ સુધી ખુલ્લી નથી પડતી જે નેટ પર તરત ખુલ્લી પડી જાય છે. કઈ વાતનો કેટલો અને કેવો ઉપયોગ કરવો એ આપણા હાથમાં અને આપણી સમજશક્તિ ઉપર છે.’
અરુનું મગજ પ્રથમની આ બધી વાતથી થોડું ઠંડુ પડ્યુ અને એની વાતમાં દમ પણ લાગ્યો.
અનબીટેબલ : હંમેશા મગજ શાંત ના રહી શકે તો ગુસ્સામાં રહેવાની જરુર તો નથી જ.