દિમાગને મારો ખંભાતી તાળું


gujarat guardian paper > Take it column -– 38 > 14-04-2013

http://www.gujaratguardian.in/E-Paper/04-14-2013Suppliment/index.html

 

‘મમ્મી, સંજયદત્તને સજા ના જ થવી જોઇએ..તમે શું માનો છો?’

રવિવારની મસ્ત રજાના મસ્ત મૂડમાં અમે મિત્રો ફેમિલીસહ ભેગા થયેલાં અને ત્યાં જ એક ૧૨ વર્ષની ઢીંગલીએ આવીને એની મમ્મીને આ પ્રશ્ન પૂછ્યો.

‘બેટા, તું શું જાણે છે આ સંજયદત્ત કેસ વિશે તો આવું કહે છે ?’

‘અરે આંટી, આ ટીવીમાં જુઓને.. કેવો દયામણો ચહેરો છે, બાજુમાં એની બેન નમ્રતા પણ કેવી ઉદાસ છે. વળી ‘ગાંધીગીરી’ના પાઠ ભણાવનાર મુન્નાભાઈને આવી આકરી સજા તો ના જ હોય ને ! થોડુ વધારે પડતું નથી થઈ જતું આ તો..માનવતા જેવું પણ કંઈ હોય કે નહીઁ !’

મનોમન મારાથી બોલાઈ ગયું..

‘ આ ટીવી જોઈ જોઇને કે સમાચારપત્રો વાંચીને લેવાતા ભોળી જનતાના નિર્ણયો હવે સપાટીની હદ પાર કરતાં જાય છે.’

સંજયદત્ત માટે દિલમાં આટલો બધો ‘પોચો ખૂણૉ – આઈ મીન સોફ્ટ કોર્નર’ ધરાવતી આ ઢબૂડીને આ કેસ વિશે કેટલી માહિતી હશે ?  બ્લાસ્ટ કેસમાં જેમણે પાર્સલ પહોચાડેલા એ ચિઠ્ઠીના ચાકર હતાં જેમાથી ઘણાંને તો એમાં વિસ્ફોટક સામગ્રી છે એનો ખ્યાલ પણ નહતો. એમ છતાં એમને જન્મટીપની સજા થઈ જ હતી ને. સંજયદત્ત મીડિયાનો માણસ એટલે માટે દયાભાવ છે બાકી એનો ગુનો જેવો તેવો તો નથી જ ને..ટી.વી વાળાઓ એનો દયામણો ચહેરો બતાવે એટલે આ બધાની લાગણીની સપાટી એની સજા નક્કી કરે. કેટલા ટકા સંવેદના અને દયા દાખવવી એ પ્રમાણ નક્કી કરે..પોતાના દિમાગની બતી તો કદી જલાવવાની જ નહીં.અપની અક્કલ તો દોડાવાની જ નહીં  !’

શું આજકાલ લોકો પોતીકી અક્કલને  કોરાણે મૂકીને જ જીવે છે કે?  બધા જ પ્રશ્નોના ઉતર આંગળીઓના ટેરવે કાં તો મોબાઈલ કાં તો કોમ્ય્પ્યુટરમાથી ચપટી વગાડતાં’કને મળી જાય છે..એ કઈ રીતે કેટલી ઝડપથી શોધી કાઢવા એટલા પૂરતી જ એમની અકક્લ દોડાવવાની એ પછી એમની  વિચારશક્તિ લગભગ લકવાગ્રસ્ત !  એમની સ્માર્ટનેસનો આટલો ઉપયોગ કરીને ઝડપથી પતાવેલા કામનો અઢળક સમય બચાવીને પછી એ સમય તેઓ ટીવી જોવામા, ગેમ્સ રમવામાં કે મોલમાં રખડવામાં – શોપિગ કરવામાં,મૂવીસ જોવામાં ‘યાની બોલે તો ફૂલ ટુ ફિનિશ લાઈફ’ જીવી લેવામાં જ કરે છે.

ત્યાં તો  ઉત્સાહભર્યા ઘોંઘાટનો અવાજ કાને પડ્યો. મેં નજર માંડી તો મારી નજરના ઘેરાવામાં ફેમિલીમિત્રોના ટીનેજરી છોકરાઓ આવ્યાં જે એમના ટેબલેટમાં કોઇ સુપરસ્પીડની ગેમ રમતા હતાં જેમાં અમુક જાતના અવાજો આવે એટલે એમનો ઉત્સાહ બમણો થઈ જાય. ‘વર્ચ્યુઅલ દુનિયાની વાસ્તવિક ખુશી’ જોઇને મારી આંખના ખૂણાં ભીના ભીના થઈ ગયા. અમારા જમાનામાં તો એક-બે રુપિયાનો બરફનો ગોળો ખાઈને કે પાણીપૂરી અને રગડા પેટીસ ખાઈને જ ખુશીના દરિયામાં નહાઈ લેતા હતાં. ક્યાં એક બે રુપિયાની અમારી ‘વાસ્તવિક દુનિયાની સસ્તી ખુશી’ અને ક્યાં આજ્કાલની ‘ઇલેક્ટ્રોનિક ગેજેટસની  હજારોની મોંઘેરી ખુશ’.

ડીનરનો સમય થયો હતો. અમે બધા ડાયાનિંગ ટેબલ ગોઠવતા હતા અને વળી મારા કાને ડુસ્કાંનો અવાજ પડ્યો. હું ચોંકી અને એની દિશામાં જોતા જ તમ્મર આવી ગયા. એક મિત્રની સોળ -સત્તર વર્ષની દિકરી હાથમાં ટીશ્યુ લઈને એલ ઈ ડીના સ્ક્રીનમાં આંખો ખૂંપાડીને બેઠી હતી.

‘શું થયું બેટા?’

પણ મારો એ પ્રશ્ન નિરુત્તર જ રહ્યો. એના ટીવી જોવાના એકધ્યાન પર એક પળ મને થોડું માન ઉપજી આવ્યું. પણ બીજી જ પળે થયું કે ટીવીની સીરીઅલોમા કરુણ દ્રશ્યોમાં રોજના ૫૦૦- ૭૦૦ રુપિયાના હિસાબે રોજ કામ કરતાં પાત્રો રડે અને પાછળ કરુણ સંગીત વાગે એટલે આપણી આંખો ભીની થઈ જાય છે, કોઇ હીરો કે હીરોઈન સીધા સાદા સાઈકલના અકસ્માતમા ઘવાઈને હોસ્પિટલમાં દાખલ થઈ જાય અને એવા સામાન્ય અકસ્માતમાં એના આખા મોઢે પાટાપીંડી આવી જાય. એ ખુલે એટલે આઘાતજનક રીતે એનો ચહેરો બદલાઇ ગયો હોય. આપણું દિમાગ હજુ તો વિચારે કે કાલે જેનો એક્સીડન્ટ થયેલો એ તો અલગ જ ‘બિંદુ / સાવન’ જ હતો તો આ કેવી રીતે..? અને ત્યાં તો એ પાત્રને બાજુમાં ઉભેલા એના સગાવ્હાલા એના નામથી બોલાવે ‘બિદુ /સાવન’..હાશ…આપણું મગજ પોતાની બધી ય વિચારવાની પ્રક્રિયાની મહેનતમાંથી મુક્તિ મેળવી લે છે. હવે આપણે આ બદલાયેલા પાત્ર(મોડેલ) ને જ ‘બિદુડી કે સાવનિયો’ સમજવાનો. મગજને સહેજ પણ તસદી આપવાની જ નહીં ને. જે રીતે આપણી સામે પિકચરો મૂકાય આપણે એ ફ્રેમોમાં જ સેટ થઈ થઈને જીવવાનું.

ઓશો કહે છે એમ, ‘તરો નહીં, વહો’.. વિચારશક્તિ વપરાયા વગરની આમ જ અખૂટ – અમર રહો.

ડીનર પત્યું અને ટીવીમાં  કોમેડી શૉ ચાલુ થયો. હવે અમે મોટેરાંઓ પણ સોફામાં ગોઠવાઈ ગયા.પર્સનલી હું મિત્રોની કે સગા સંબંધીઓની હાજરીમાં ટીવી જોવાની પ્રખર વિરોધી પણ આજકાલ મિત્રો અને સંબંધીઓ સામેથી કહે કે,

‘ કેટલા વાગ્યા..? જુઓને..ટીવીમાં ફલાણો પ્રોગ્રામ આવતો હશે..તો મૂકો ને.’

.એટલે મારે નાછૂટકે મહેમાનગતિના પ્રોગ્રામમાં ટીવીના પ્રોગ્રામો સામેલ કરવા પડે.  વાતચીત વચ્ચે થોડા ઘણા પ્રોગ્રામના ડાયલોગ કાને પડી જતાં હતાં. પ્રોગ્રામમાં લોકોના હસવાનો અવાજ આવે એટલે અમને પણ અભાનપણે હસવું આવી જ જાય. એ વાતમાં કે સીનમાં શું હતું એ સમજવા માટે દિમાગના બારણા હવાચુસ્ત રીતે બંધ..એમાં વિચારવાનું કે સાંભળવાનું શું..એમણે હાસ્યના ટ્રેક કોના માટે મૂક્યા છે..આપણા જેવાઓ માટે જ ને. એમાં હાસ્ય સંભળાય એટલે હસી લેવાનું.અમારા હોઠની રેખાઓ એ અવાજની સાથે ‘ઓટોમેટીકલી સેટ’ થઈ  ગયેલી. બે યનું અદભુત સાયુજ્ય !

એ પછી આઇસ્ક્રીમ ખાતા ખાતા અવોર્ડ ફંક્શનના એંકરોના વાનરવેડા અને  પ્રખ્યાત થઈ ગયેલા ( જે ગીતોમાં અશ્લીલ શબ્દો હોય, દ્વિઅર્થી વાત હોય અને હીરો હીરોઇન શરમને શરમ આવે એવી હરકતો કરી કરીને ડાન્સ કરતાં હોય એવા ગીતો એટલે આજકાલના પ્રખ્યાત ગીતો.! .જે આજકાલના ટપુડિયાઓ શબ્દોના મતલબ સમજ્યા વગર જ સંગીતના તાલે ફેવીકોલ બેવીકોલ જેવું બહુ જ હોશથી ગાઈ ગાઈને નાચતા હોય અને એમના મા બાપ એમની એ હરકતો ઉપર ખુશ થતા હોય ) ગીતો ઉપર ઓછા કપડાંની હરિફાઈ સાથે હીરો હીરોઈનોના ડાન્સ ચાલુ થયા. અમુક મારા જેવા જૂનવાણી વિચારોવાળા, ગીતના શબ્દોનો અર્થ સમજવાની પિષ્ટપીઝણીયા ટેવવાળા પેરેન્ટસને એ જોઇને શરમ આવતી હતી અને વારે ઘડીએ ટીવીમાંથી નજર હટાવી લેતા હતાં જ્યારે મોર્ડન અને ફોરવર્ડ મિત્રો તાલથી તાલ મિલાવીને એની ભરપૂર મજા માણતા હતાં.

વચ્ચે વચ્ચે પેલો મદારી જેવો ‘ જંપીંગ જપાક જંપીગ જપાક’ જેવું ડમરું વગાડીને બધાને થોડા નચાવી પણ જતો હતો.

વચ્ચે વચ્ચે પબ્લીક ડિમાંડ પર ચેનલો બદલાતા રીઆલીટી શો પણ નજરે પડતા હતાં. એમાં પણ આ જ હાલત. દિમાગને નેવે મૂકીને દિલથી જ જીવવાનું. ડાન્સ કોમ્પીટીશન હતી અને એક  કલાકાર આંધળો હતો એના કારણે ત્યાંની ઓડિયન્સના દિલ-દરિયામાં ભરતી આવી ગઈ. પ્રોગ્રામના જજીસ પણ એના અંધાપાને ઉદ્દેશી ઉદ્દેશીને હેરાન પરેશાન કરી મૂકતા હતા.એના અંધાપાને બાજુમાં મૂકીને તટસ્થતાથી પ્રોગ્રામ જોવા ના દે. આપણા ઇમોશન્સ પર ટીવીનો પૂરેપૂરો કંટ્રોલ. ડાન્સમાં એકાદ બે ભૂલો કરે તો પણ ‘એ તો આંધળો છે ચાલે’ અને એના કારણે બીજા ટેલેન્ટેડ કલાકારોને અન્યાય થાય એ ખુલ્લી આંખે  પણ ના દેખાય કારણ દિમાગ તો બંધ હોય આપણે તો દિલથી કાર્યક્રમો જોનારા ! કીચન શો કોમ્પીટીશન, સીંગીગ કોમ્પીટીશન્સમાં કે કૌન બનેગા કરોડપતિ જેવા પ્રોગ્રામમાં  કોઇ સ્પર્ધક એના જીવનની સ્ટ્રગલ કે કરુણ કહાની સંભળાવે તો આપણી હમદર્દી આખા પ્રોગ્રામ દરમ્યાન એને અપાતા વોટીંગના કાર્ય સાથે જોડાયેલી રહે. એની ભૂલો તરફ આપણે આંખ આડા કાન કરી નાંખીએ છીએ.લાગણીમાં તણાઈને  આપણા મત, એસ એમ એસનો મારો એ ‘કન્ટેસ્ટન્ટ’ સાથે આપણા ધ્યાન બહાર આખા પ્રોગ્રામ દરમ્યાન જોડાયેલો રહે છે.

કાયમ આપણું નાજુક દલડું બિચારું સંવેદનાઓમાં પલળી જાય,  પલળીને  જે -તે પાર્ટીના પક્ષમાં નમી જાય. કારણ, દિલને વિચારવાની ટેવ નથી હોતી એથી જે પણ ટીકા કે થાબડણી આવે એ દિલમાંથી જ આવે

આ બધું જોઇને બહુ જ નવાઈ ઉપજી. આપણે કેટલી હદ સુધી આપણા મગજનો કટ્રોલ મીડીઆના હાથમાં આપી દઈએ છીએ..હેય ને પ્રેક્ષક રાજ્જા..તમારે શું કામ વિચારવાની તસ્દી લેવાની, અમારું તો કામ જ લોક્લાગણીને રમાડવાનું છે. તમે બસ ટાટિયા પર ટાંટિયો ચડાવીને સોફામાં આરામથી બેસીને પોપકોર્ન ખાઓ જ્યાં હસવાનું હશે , રડવાનું હશે ત્યાં પ્રીપ્લાંડ અને મ્યુઝિકથી સજ્જ એવા અમે  તમને આગોતરી જાણ કરી જ દઈશું ને..તમારે તો બસ એમાં દિલ ખોલીને ડૂબકીઓ લગાવવાની અને પ્રોગ્રામ પતે એટલે ટીવીની સ્વીચ બંધ કરીને બેડરુમમાં જઈને સૂઇ જવાનું. દિમાગ પાસે વધારે કામ લેશો તો નક્કામું સ્ટ્રેસલેવલ વધી જશે..અકાળે ચહેરા પર રીંકલ પડી જશે અને વાળ વહેલા ખરવા લાગશે..સફેદ થઈ જશે માટે તમે ફકત અમારા ઇશારે જ તમારી સંવેદનાઓને વહાવો. દિમાગને તો ખંભાતી તાળામાં લોક કરીને સાચવી રાખવાનું. રખે ને વપરાઈ વપરાઈને ઘસાઈ જાય તો..!

કીપ ઈટ અપ ફ્રેંડસ – અનબીટેબલ


પોતાના ફીલ્ડમાં (ક્ષેત્ર) થોડા આગળ વધ્યા પછી ઘણાબધાના મગજમાં રાઈ ભરાઈ જાય છે. પોતે એ ફીલ્ડના કર્તા – ધર્તા બનીને એ ફીલ્ડનો કબ્જો જમાવીને બેસી જાય છે. એ ફીલ્ડમાં પ્રવેશ કરવાને ઇચ્છુક દરેક વ્યક્તિએ એમની સંમતિની તીક્ષ્ણ – કડક ગતિવિધીઓ, એમની બાંધેલી વાડની વિચારધારાઓમાંથી પસાર થવું પડે તો જ એમનું કાર્ય માન્ય ગણાશે. વળી પોતે તો ‘ધ બેસ્ટ’ જ છે એવું સાબિત કરવા એડી-ચોટીનું જોર લગાવીને પણ શિખર પર ઉભા રહેવા માટેના ફાંફા મારતા દેખાય છે. એમની મનાસિકતાનું તો કંઇ ના થઈ શકે..

પણ મારા દોસ્તો તમને લોકોને એક વાત જરુર કહીશ..તમે દરેક જણ તમારા પોતાનામાં અનન્ય છો. તમારી સફળતા તમારા કામ, આત્મવિશ્વાસ, લગન અને પ્રામાણિકતાથી નક્કી થાય છે નહીંકે આવા બની બેઠેલા ઠેકેદારોથી. સો કીપ ઈટ અપ. . . . એવી કોઇની સાડાબારી રાખવાની જરુર નથી.

 

આમ તો કોઇને ખાસ ઉદ્દેશીને નથી લખ્યું..પણ જેને પણ બંધબેસતી હોય કે એવી પાગડીઓ પહેરવાનો શોખ ધરાવતા હોય એ આરામથી આ પાઘડી પહેરી શકે છે.

-સ્નેહા પટેલ.