કાગળ, પેન અને લેખ.

http://www.gujaratguardian.in/E-Paper/04-07-2013Suppliment/index.html

guj. guardian  paper > take it easy -37 >7-4-2013

Snap1

Take  it easy – 37

 

નાની હતી ત્યારે એક જોક બહુ સાંભળેલી. ત્રણ મિત્રો એક સ્કુટર ઉપર સવારી કરતા હોય છે. ત્રણ જણાની સવારી કાયદાની વિરુધ્ધમાં હોઇ એલ ટ્રાફિક સિગ્નલ પર પોલીસ એમને રોકે છે. નામ બોલો અને ડાયરી હાથમાં પકડે છે.

પહેલો મિત્ર ઉવાચ, ‘લખો”

પોલીસ લખે છે.

બીજો કહે છે.

‘ભૂંસો’

પેલો થોડી નવાઈથી એની સામે જોઇને આગળનું લખાણ ‘ભૂસી’ કાઢે છે.

ત્રીજાનું નામ પૂછતા એ કહે છે,’ફાડો’. પોલીસ અકળાઈ જાય છે અને આખી ડાયરીના ચૂરેચૂરા કરી નાંખે છે.

મિત્રો આ તો થઈ ત્રીજા ચોથા ધોરણની વાત. આ તો મને અત્યારે એટલા માટે યાદ આવી કે અત્યારે મારી હાલત લખો-છેકો-ફાડો જેવી જ હતી. આજે કેટલા બધા ટોપિક મગજમાં હતા પણ લખવા જતા બધાં અરસ પરસ મિકસ થઈને ‘ઉધિયાના શાક’ જેવા બની જતા હતાં. બે દિવસ પહેલાં જ અક્ષતનો – મારા દીકરા માટે ફૂલસ્કેપ લેવા ગઈ તો મેં મારા માટે પણ એક ફૂલસ્કેપ લઈ લીધેલો. આજના જમાનામાં લેપટોપ પર આર્ટીકલ્સ લખી લખીને થાકી જવાય તો કો’ક વાર કાગળ પેન લઈને પણ લખી શકાય ને એવી દિલની ઇચ્છા એની પાછળ કારણભૂત હતી.

આજે પહેલાં લેપટોપ લઈને બેઠી પણ ઉનાળાની ગરમીમાં એની ગરમી મારી નાજુક કાયાને દઝાડતી હતી અને લખવામાં પૂરતો જીવ નહતો પૂરોવી શકાતો. સર્જનકાર્યમાં મહાવિધ્ન !

ત્યાં યાદ આવ્યું કે પેલો રુપાળો ફુલસ્કેપ કયા દિવસે કામ લાગશે ? મનમાં હરખની હેલી ઉઠી ફટાફટ લેપટોપ બંધ કર્યુઁ અને ફુલસ્કેપ લઈને લખવા બેઠી. બહુ સમયથી પેન પકડવાનો – લાંબું લાંબુ લખવનો અભ્યાસ નહતો રહ્યો. બે ચાર પેનો તો ચેક કરવામાં જ ગઈ. લગભગ 15 મીનીટના એ મહાકાર્ય પછી મુખ્યકાર્યનો શુભારંભ કર્યો. બે પેરેગ્રાફ સુધી તો પેન સડસડાટ ચાલી ત્યાં તો એક ફોન આવ્યો અને લિઁક તૂટી ગઈ. ફોન પતાવીને પાછી લખવા બેઠી તો પેલી ‘બૈરન લિઁક’ મારી સાથે સંતાકૂકડી રમવા લાગી. વળી બહુ વખતે મારા સુંદર મજાના કીડી મંકોડા જેવા હસ્તાક્ષર કાગળમાં અંકાયેલા જોઇને બે પળ હું એની પર મોહિત થઈ ગઈ. કેટલા બધા બદલાઈ ગયા હતા મારા અક્ષર ! દર  વર્ષે ‘હેંન્ડ રાઈટીંગ કોમ્પીટીશન’માં મને પહેલું ઇનામ નિર્વિવદપણે મળતું હતું ..શું આ એ જ મારી સ્કુલની ફ્રેંડસ અને ટીચરોમાં લોકપ્રિય થઈ ગયેલા અક્ષરો હતાં કે ? શોકના એ ધરખમ આંચકા પચતા થોડી વાર લાગી.આજે મને ભાન થયું કે સતત પ્રેકટીસ – કાળજી વગર સુંદર અક્ષરો પણ એની સુંદરતા ગુમાવી બેસે છે. જીવ થોડો ખાટો થઈ જતાં મેઁ એ પેપર ફાડી કાઢ્યું અને એનો ડુચો વાળીને રુમમાં દૂર એનો ઘા કર્યોં. વળતી પળે જ ભાન થયું કે ડસ્ટબીન તો બાજુમાં જ હતું પણ હવે તો તીર બાણમાંથી છૂટી ચૂકેલું ! હિઁમત ભેગી કરી લેખ ફરીથી સ્ટાર્ટ કર્યો. થોડું લખાયું ને ડોરબેલ વાગ્યો. આજે મૂર્હત જોયા વગર જ લખવા બેઠેલી..! બાજુવાળા નયનાબેન હતાં જે ‘કુકર’ માંગવા આવેલા. પડોશી ધર્મ નિભાવી ફરીથી મારું સ્થાનગ્રહણ કર્યું, ફરી તૂટેલી લિઁક બૈરન બની ગઈ. ફરીથી લખો -ફાડો અને ફેઁકોની પ્રક્રિયા રીપીટ થઈ. મગજ હવે એની સહનશક્તિની તીવ્રતમ સપાટી વટાવી ચૂકેલુ અને આવા ગરમાગરમીના માહોલમાં વિચારો પીઘળવા લાગ્યાં..અકળામણમાં બાષ્પીભવન થઈને માથા પરથી પરસેવારુપે ગાલ પર દદડી આવ્યાં અને ધીરે ધીરે એ જમીન પર ટપકવા લાગ્યાં. જમીન પરના ટીપાં પગની પાનીને ભીંજવતા ચાલ્યાં..

શું આને જ ‘પગ તળે રેલો આવ્યો’ કહેવાય કે?

માથું જોરથી હલાવીને આવા ગાંડાઘેલા વિચારોને મગજમાંથી હડસેલીને ફરીથી લખવા બેઠી. રુમમાં એસી ચાલુ કરી દીધું પણ પેલા હાથતાળી આપીને ચાલ્યા ગયેલા વિચારો જાણે આજે બળવો પોકારવાની નેમ લઈને જ બેઠેલા. કાગળ પર શિસ્તબધ્ધતાનું નામોનિશાન નહીઁ. રુમની દસે દિશા કાગળના ‘ડુચિયારું’થી છલકાવા લાગી. ફુલસ્કેપનો છેલ્લો કાગળ આવીને ઉભો રહ્યો અને મને ભાન થયું કે આ તો એક લેખ લખવામાં કમાવા કરતાં ગુમાવાનું વધુ થઈને ઉભુ રહ્યું.સ્વભાવે ખૂબ જ કંજુસ એવી મારો આખો ફુલસ્કેપ ખાલી થઈ ગયો, છેલ્લા કલાકથી એસી રુમના ટેમ્પરેચરને કન્ટ્રોલ કરવાના ચકકરમાં ઘણઘણાટી બોલાવતું હતું અને ગુજરાતી લેખકોની હાલત તો હવે ક્યાં કોઇથી અજાણી છે ? લેખનને લોકો વ્યવસાય જ નથી માનતા. સમાજસેવાનું રુપાળુ ટેગ મારી દેવાનું અને થોડી વાહવાહીના બોલ લેખકના કાનમાં સરકાવી દેવાના,  બહુ બહુ તો એનાથી આગળ વધીને એકાદ ફંકશનમાં લેખકને સ્ટેજ પર બોલાવી ખભા પર શોલ ગોઠવી અને એકાદ પ્રમાણપત્ર જેવું પકડાવી દેવાનું.. હે યને લેખક મહાશય હરખપદુડા થઈ જાય..! મારા જેવા અવ્યવહારુ અને કંજૂસ લેખકોને એમાં કંઈ મજા ના આવે. ‘ઘર બાળીને તીરથ થોડી કરાય ?’

થોડા સમય અગાઉ જ મારા એક નવા નવા નેટ-મિત્ર (આજકાલ મૈત્રી બંધાય પણ જલ્દી અને ભૂલાય પણ જલ્દી. વળી  મિત્ર તરીકે સ્વીકારી લીધા પછી એના વિશે જાણવાની ઉત્સુકતા જાગે. પહેલા  મૈત્રી પછી પરિચયની  શિર્ષાસન જેવી આ પ્રક્રિયાથી મને બહુ કંટાળો આવે, નવા નવા મિત્રો બનતા રોજ રોજ પોતાનો પરિચય આપવાની કંટાળાજનક પ્રવૃતિ ઘણીવાર મારા માથે આવી પડે છે જેનો રીસ્પોનસ તો મૂડ પર આધાર ) એક ફંકશનમાં મળી જતા એમની ઉત્સુકતાને સંતોષવાનુ કામ ચાલુ કર્યું,

‘તમે શું કરો છો ?’

કહેવા ખાતર કહ્યું,

‘હું એક હાઉસવાઈફ છું.’

‘ઓકે..’

એના માટે આ શબ્દનું કોઇ મહત્વ જ નહતું એવા ભાવ સ્પષ્ટપણે દેખાઈ આવ્યાં.

‘એ સિવાય બીજું કંઇ..’

એનો સવાલ પૂછવાનો ભાવાર્થ બરાબર સમજાઈ જતા અધવચ્ચેથી જ સવાલ કાપીને જવાબ વાળ્યો,

‘આ સાથે હું એક જીમ્મેદાર, પ્રેમાળ પત્ની -વ્યક્તિ અને એક દીકરાની મા છું ‘

‘એ તો ઠીક પણ …’

‘હું છાપા અને મેગેઝિનમાં કોલમ લખું છું..’

‘હ્મ્મ્મ…બરાબર.. પણ બીજું શું…આમ ને આમ તમારો બૈરાઓનો આખો દિવસ કેમનો વીતે ? તમારી જેમ અમારે જો કોઇ જ કામ ના હોય તો હું તો સાવ બોર થઈ જઊ !’

મારી આંખના ભવા મારા ધ્યાન બહાર જ ખેંચાઈ ગયા

‘ઓહોહો…બાય ધ વે, તમે શું કરો છો? ‘ સવાલ પૂછવાનો છેડો હવે મેઁ સંભાળી લીધો.

‘ મારી કરિયાણાની દુકાન છે જે સવારે મારા રીટાયર્ડ બાપુજી આવીને સાત વાગ્યામાં ખોલી લે એ પછી હું જમી કરીને બાર વાગ્યે આવું. સાંજે મારી પત્ની રસોઈ કરી અને છોકરાઓને ભણાવી કરીને મને દુકાનમાં બધી વસ્તુઓ ગોઠવવા, મદદ કરવા બે કલાક આવી જાય..તે છે…ક..ક…રાતે નવ વાગ્યે અમે પતિ પત્ની દુકાન બંધ કરીને ઘરે જઈએ. સમય તો પાંખ લગાડીને ક્યાં ઉડી જાય એની સમજ જ ના પડે..રાતે અગિયાર વાગ્યે થાકેલા પાકેલા પથારીમાં પડીએ ત્યારે આખા દિવસનો થાક શરીરને ઘેરી વળે. બાકી મને તો તમારા જેવી કામકાજ વગરની જીંદગીથી કંટાળૉ આવે હોઁકે..’

બે પળ એ અતિ કામઢા મિત્રની આંખોમાં આંખો પૂરાવીને તીક્ષ્ણ નજરે  જોયું..મારી નજરનો અર્થ કદાચ એ પામી ગયો હોય એમ નજર ફેરવી ગયો. આવા માણસોને હું મારા મિત્ર બનાવી બેઠી એ ઘડીને કોસતી હું એની સાથે એક પણ શબ્દ ના બોલવાનું હિતાવહ છે સમજીને ચૂપચાપ ત્યાંથી ખસી ગઈ.

મિત્રાયણમાં થોડી વાત ફંટાઈ ગઈ પણ કહેવાનો મતલબ એમ જ કે આવક કરતા જાવક વધુ હોય એવા કામ કયારેય ના કરાય.આટલું વિચારતી હતી ત્યાં મારા એક ખૂબ જાણીતા હાસ્યલેખક મિત્રનો ફોન આવ્યો. મેઁ એમને મારી વિપદા કહી તો એ હસી પડ્યાં,

‘અરે, આમાં વિચારવાનું શું..? આપણો ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરીટ –ઇઝીલી એક્સેપ્ટેડ એવો સબજેક્ટ લઈ લે…પતિ, પત્ની ઔર વો…બસ…એના પર એક લેખ ઘસડી માર. ગમે તે સમયે ગરમાગરમ ફાફડાની જેમ હાસ્ય કે કટાક્ષની ચટણી ના હોય તો પણ વેચાઈ – વંચાઈ જાય..’

‘ના..પતિ -પત્ની ઓર વો જેવા વર્ષોથી ઘસાઈ ગયેલા વિષય હું ક્યારેય હાથમાં નહીં લઉઁ. મેં જ્યારે પણ આ વિષય પર લખવાનું વિચાર્યું ત્યારે નક્કી કરેલું. કેટલું બધું હાસ્ય આપણી ચોમેર વેરાયેલું છે, એમાંથી એક વિષય લેતા આવડવું જોઇએ. બાકી પતિ અને પત્નીનો સડેલો અને કંટાળાજનક વિષય લેવો એના કરતાં તો લેખ ના લખવો વધુ હિતાવહ.’

‘ઓહ..સોરી. હું તો આવા જ લેખ લખીને પ્રખ્યાત થયો છું એટલે મેં તને આ સીધો શોર્ટકટ બતાવ્યો પણ તું બહુ જીદ્દી ..તારી મરજી…શું લખીશ તો બોલ..?’

‘ આજકાલ ભૂતોને દાઢી વધારવાનો શોખ વળગ્યો છે, ડાકણ વેક્સિંગ કરાવવા બ્યુટીપાર્લરમાં ગઈ અને મને ભટકાઈ ગઈ..કાં તો સ્મશાનની એક અંધારી રાતે ભટકતાં ભટકતાં પોતાની સ્ટોરી માટે નવો પ્લોટ શોધતા ‘રામ ગોપાલ વર્મા’ સાથે મુલાકાત થઈ ગઈ..કાં તો ‘વેમ્પાયર’ને છેલ્લા સ્ટેજનો ડેંગ્યુ થાય અને શરીરમાંથી બ્લીડીંગ થવા લાગે તો એને પ્લેટલેસ કઈ રીતે ચડાવવા…વગેરે વગેરે.. આવા તો હજારો આઈડીઆઝ છે આ ફળદ્રુપ મગજમાં. આ વખતે તો ડેડલાઈન એની ભયજનક સપાટી વટાવી ગઈ છે એટલે જવા દે, હવે બધી વાત આવતા અઠવાડીએ !’

-સ્નેહા પટેલ

4 comments on “કાગળ, પેન અને લેખ.

 1. હવે કોમ્પ્યુટર અને લેપટોપરૂપી ટ્રેક્ટર્સ આવી ગયા હોવાથી , પેનરૂપી હળ અને કાગળરૂપી ખેતરનું ખેડાણ જાણે ભુલાઈ જ ગયું છે 😉 જ્યાં ને ત્યાં બસ , કીબોર્ડનાં આલ્ફાબેટસ જ દેખાય છે [ સપનામાં પણ ! , મારી વાત થાય છે 😀 ] . . . મારા અક્ષર તો પહેલા પણ મધ્યમ હતા અને હવે તો . . . રામ રાખે 🙂

  ચાલો ફરીથી કાગળ પર લખીએ . . . તેને અડીએ અને તેને ડૂચો વાળીને ફાડીએ 🙂

  Like

 2. પ્રિય સ્નેહા

  આપને વિષય શોધવાની જરૂર હવે નથી. કારણ કે આ પત્ર જ એક વિષય બની ગયો છે. આપનો આ લેખ મે વાંચ્યો એમ નહીં કહું. કહીશ કે મે મહેસુસ કર્યો છે.

  Like

 3. સરસ લેખ છે. તમે બરાબર યાદ કરાવી દીધું, હવે તો કમ્પ્યુટરમાં ટાઈપ કરવાની ટેવ પછી ચેક ઉપર સહી કરવા જતાં પણ બરાબર નથી થતી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s