gujarat guardian paper > take it easy column > 17-03-2013 – article -34.
http://gujaratguardian.in/E-Paper/03-17-2013Suppliment/index.html
આખું અઠવાડીયું આપણા આદરણીય એડીટરે આપણને( પોતાની જાતને આપણે કહેવાની મારી ટેવ (કુ)થી તો હવે મારા પ્રિય, સુજ્ઞ વાચકો માહિતગાર છે જ) આપ્યું હોય પણ આપણે છીએ કે છેલ્લાં દિવસની છેલ્લી ક્ષણ સુધી લખવાનો મૂડ નથી, ટોપિક નથી, સમય નથી જેવા બહાનાઓમાં ગોળ ગોળ ફર્યા કરીએ. છેવટે નાછૂટકે હવે સમય નથી જ એટલે દુનિયા પર મહેરબાની કરતા હોઇએ એવા ભાવ સાથે લેપટોપ લઈને લખવા બેસીએ…બે ચાર બુક વાંચીને થોડો મૂડ ડેવલોપ થાય એવો યત્ન કરીએ..મગજ પર જમણીબાજુ જમણાહાથની તર્જનીથી થોડા ટકોરા મારીને આંખો બંધ કરીને વિચારોના ધ્યાનમાં ખોવાઈ જઈએ – એક્ધ્યાન થઈએ …બે ચાર કોઇએ લખેલા ના હોય એવા ટૉપિક મગજના બારણા ખડખડ કરે…અને આંખો ખૂલી જાય. આ બે મીનીટથી વધુ ધ્યાન ધરવાની આપણી તાકાત નહીં.મારા સુપરસોનીક વિચારો એનાથી વધારે એક જગ્યાએ રોકાઈ ના શકે ..એને રોકવા જઊ તો બળવો પોકારી ઉઠે અને પછી મારા ભીતરે ઉથલપાથલ મચી જાય, ધરતીકંપ આવી જાય, જવાળામુખીઓ ફાટે અને થોડી ક્ષણોમાં તો વિચારોનો લાવા બનીને વહેવા લાગે…સાવ જ નિરર્થક પ્રોસેસ..એટલે હું બને ત્યાંસુધી મારા વિચારોને બહુ છંછેડું નહીં..નાના બાળકની જેમ લાડ-પ્રેમથી સમજાવીને બીજા રસ્તે વાળવા જેટલી ધીરજ કેળવી છે એના થકી એને સુંદર મજાનો વળાંક આપીને મારી સર્જનક્રિયામાં એનો શક્ય એટલો ઉપયોગ કરી લઉં. એ પણ ખુશ અને આપણે પણ. હા તો વાત હતી કે સાત દિવસ એટલે કે સાત ગુણ્યાં ચોવીસ કલાક ગુણ્યાં સાઈઠ સેકંડ. આટલો સમય હોવા છતાં છેક છેલ્લી ઘડીનું ફરજીયાતપણાનું છૂટકો જ નથીનું ટેન્શન બિલ્ટ અપ ના થાય ત્યાં સુધી હું આળસુની પીર કશું લખી શકતી નથી.
સામાન્યતઃ ટેનશનને રોગોનું દર, રાક્ષસ કહેવાય છે પણ મારા જેવા અમુક મહાન માણસો માટે તો આ ટેન્શન એ આશીર્વાદરુપ છે. ટેન્શનથી, ફરજીયાતપણાથી સર્જનપ્રક્રિયા ઝડપી અને સ્મૂધ બને છે. જોકે ટીવીમાં બતાવાતી અમુક એડવેન્ચરસ પ્રોગ્રામોમાં જેમ ચેતાવણીઓ આપતા હોય છે કે આ એક ખતરનાક સ્ટંટ છે, એમાં જીવ પણ જઈ શકે છે એટલે દર્શકોને ખાસ વિનંતી કે એવા કોઇ અડપલા જાતે કરવા નહી એ જ રીતે મારા અંગત અનુભવોને કોઇએ મહાન વિચારકના કે સુજ્ઞ લેખિકાના મહાન વિચારો માનીને ‘ફોલો’ ના કરવા એવી નમ્ર વિનંતી. ઘણાખરાને આ ટેન્શનનો સમયગાળો માફક નથી આવતો. મારા સર્જન માટે જે થ્રીલનું કામ કરે છે એ તમારા દિલને ઝાટકો આપવાના કામ કરી શકે છે. પછી કહેતા નહી કે ચેતવ્યા નહી !
થોડા સમય પહેલાં અમારા એક સંબંધીને ત્યાં વહેલી સવારે ( લગભગ ૧૦.૩૦ વાગ્યે) મળવા જવાનું થયું. એ આજે થોડા મોડા ( રોજ ૯ વાગ્યે ઉઠનારો મહાનજીવ આજે ૯.૨૦ વાગ્યે ઉઠ્યો) ઉઠવાના કારણે એમની હાર્ટબીટ ૨૦ ગણી રફ્તારમાં કામ કરતી હતી અને એમાં હું જઈને બેઠી હતી એ કામ પણ મહત્વનું હતું એટલે એમાં ઉમેનારી હાર્ટબીટની સ્પીડનું ટેન્શન એના ગુલાબી ચમકતા ચહેરાની ચમક ફીકી પાડીને એના ચહેરાનું તેજ છીનવીને એને ફીક્કી ફસ કરતું હતું. મને એક પળ તો મારા આ સમયે એમના ઘરે જઈ ચડવા બદલ થોડું દુઃખ થયું પણ કામ મહત્વનું હતું. એ ભાઈએ મારા કામના જરુરી કાગળૉ મને આપીને કહ્યું કે ‘આની પર સહેજ નજર નાખતા થાઓ હું પાંચ મિનીટમાં નાહીને આવું ‘ કહીને બાથરુમમાં ભાગ્યાં. હું મારું કામ કરતી થઈ અને બરાબર ૪.૩૦ મિનીટે પેલા ભાઈ બાથરુમની બહાર નીકળીને તૈયાર થઈને બેગ ઝુલાવતા મારી સામે હાજર.
એમને જોઇને ભગવાનના ‘વાણીપ્રભુત્વ’ ના મારા વરદાનને મૌનનું સીલ વાગી ગયું, પણ મારું ‘મૌનસીલ’ કોઇની ઇજજતને સરેઆમ ઉછાળી શકે એમ હોવાથી મહાપ્રયાસે ગળામાંથી ધક્કો મારીને મારા શબ્દોને બહાર ધકેલ્યાં,
‘તમે આવી રીતે જ બહાર જશો..?’
હવે પેલા ભાઈ ચમક્યાં…અને ત્યાં તો મહાપરાણે દબાવી રાખેલ મારો હાસ્યનો ફુવારો છુટી ગયો. હું પણ કાળામાથાની માનવી આખરે..!
સંબંધી બોખલાઈને મને નિહાળી રહ્યાં.એક તો ઉનાળો, એમાં ય ટેન્શન નામનું તત્વ શરીરનું ઉષ્ણતામાન વધારી રહેલું..એમાં મારું આવું અટ્ટહાસ્ય એમને હાર્ટએટેક આવી જશે એ ભીતિએ મેં તરત મારા હાસ્ય પર બ્રેક મારીને મોઢું ગંભીર બનાવી દીધું.
‘ભાઈ, તમે પેન્ટના બદલે ભાભીજીનો….’ આગળનું વાક્ય અધ્યાહાર રાખીને એમને વધુ શરમમાં ના મૂકવાની મારી ઇચ્છા હતી. પણ એ નિખાલસભાઈ તો પોતે ઉતાવળમાં પેન્ટના બદલે પોતાની પત્નીનો ચણિયો પહેરીને બહાર આવી ગયા છે એ જોઇને ‘ભફ્ફાક’ દઈને હસી પડયાં અને બધું ટેન્શન છોડીને મારી સાથે સોફા પર બેસી પડ્યાં.
‘મારું બેટું, કપડાંના સ્ટેન્ડ પરથી ઝપ્પ કરતું પેન્ટ લીધું – બુશ્કોટ પહેર્યો ને પેન્ટમાં ટાંટીયો આમ લાઈખો ને બીજો ટાંટીયો આમ..ડ્રોઈંગરુમ લગી પોંચતા’ક થયું તો ખરું કે આજે મોકળાશ વધારે છે..!! ત્યાં લગર તો મેં’કું મને હમજ જ નો પડીકે તમે આટલું કેમ અહો છો..પણ ધ્યાનથી જોતાં ચણિયા અને પેન્ટની મહાન ભૂલ હમજાણી. આજથી કાન પકડું સું’કે હવે ટેન્શન -ઉતાવળમાં કોઇ ‘ઇમ્પોર્ટન્ટ’કામ નહી કરું.’ ત્યાં તો પાછળથી એમના પત્ની સહાસ્ય રુમમાં પ્રવેશ્યા અને બોલ્યાં,
‘આ જનમે તો હુધરવાથી રહ્યા..જાઓ જાઓ…હવે જરા હરખા થઈને આવો..ભૂંડા લાગો’સો..બેન તો સરમમાં તમને કાંઈ બોલતા નથ.. એટલો એમનો આભાર..બીજું શું તંયે..!’
મને થયું કે હવે મારે આ ‘ચણિયા અને પેન્ટ’ના જગતમાંથી વેળાસરતી વિદાય લઈ લેવી જ હિતાવહ રહેશે…ફટાફટ મારું કામ પતાવી અને ત્યાંથી નીકળી અને બસસ્ટેન્ડ પર જઈને ઉભી રહી.
મગજમાંથી હજુ એ પ્રસંગ ખસતો નહતો. મગજને મહાપરાણે ત્યાંથી વાળીને સામેથી આવતી બસ મારા કામની છે કે નહી એના પર કોનસ્નટ્રેટ કર્યું. લકીલી એ મારા જ રુટની બસ હતી. મારી આગળ રહેલા કોલેજીયન છોકરાને ‘એક્સ્યુઝ મી’ કહીને આગળ વધીને બસમાં પ્રવેશી. બસમાંથી બહાર જોતાં પેલો કોલેજીયન છોકરો બેફિકરાઈથી ચ્યુંઈગમ ચાવતો ચાવતો એક હાથમાં મોબાઈલમાં ગેમ રમતો દેખાયો. બસ ધીમે ધીમે ગતિ પકડી અને ત્યાં તો મારા આસ્ચ્ર્ય વચ્ચે પેલો ચ્યુંઈંગમ ચબાઉ છોકરો મોબાઈલ ખીસામાં મૂકીને દોડતો દોડતો બસમાં ચડી ગયો. શૉકનો ઝાટકો પચતાં મેં એને પૂછ્યું,
‘ભાઈ, તારી બસ આવી ત્યારે તું આરામથી ઉભો રહેલો. ઇચ્છ્ત તો આરામથી એમાં ચડી શકત ..આમ ‘બ્રેવડા’ થવાની ક્યાં જરુર હતી?’
પેલાએ મધમીઠું હાસ્ય સામું ફટકારીને કહ્યું,
‘એમ સીધે સીધા સમયસર ચડવા જઉં તો મારું બેલેન્સ કદાચ ગુમાવી બેસત. મને ચાલુ બસમાં ચડવાની ટેવ જ છે. એ માપસરની સ્પીડ પકડે ત્યારે જ હું એમાં ચડી શકું..રીધમ જાળવી શકું..આમ છેલ્લા સમયે દોડીને બસ પકડવાની થ્રિલ જ અલગ છે…મજબૂરી છે શું થાય..?’
અનુત્તર રહ્યા સિવાય કોઇ ચારો નહતો.
બધાના થ્રીલના માધ્યમ અલગ અલગ હોય છે. મારા માટે મારું લખાણ, મારું સર્જન એક થ્રીલ છે. મનગમતું લખાઈ જાય પછી આળસ ડેરો નાંખી જાય..લખેલું વાંચીને આત્મશ્લાધા જેવી નાહકની પ્રવ્રુતિઓમાં રત થઈ જાય, ક્રીએટીવ વિચારોમાંથી મગજને વિરામ આપવાની અસહ્ય સ્થિતીમાંથી પસાર થવું પડે.લખવાનું છે એટલે લખી નાંખવાનું એવું થોડી હોય..થોડું ક્રીએટીવ ટેન્શન બીલ્ટ અપ થાય, કોઇ સુંદર મજાનો પ્રેરણાદાયક પ્રસંગ બને, અનુભવેલું બધું એની જાતે કાગળ પર ઉતરી આવે એટલી હદ સુધી અનુભવોને પ્રેશર આપી આપીને દિમાગમાં ભરી રાખવાનું..અહાહા..કેવી મજા..!
‘ટેન્શન તારા રંગ છે હજાર ‘
લખવાની બાબતમાં તો ટેન્શન મને બહુ જ મદદરુપ થાય છે. ટેન્શનોના દરિયામાં હું એક્ધ્યાન થઈ શકું છું એનાથી મારો જીવન પ્રત્યેનો લડતનો અભિગમ ડેવલોપ થાય છે. બીજા બધામાં કદાચ ટેન્શન અવોઈડ કરવાનું ગમે પણ લખવામાં ..નેવર..ભલે પધાર્યા ટેન્શન બાપા…આવ્યા છો તો થોડા દી રોકાઈ જ્જો..બીજો લેખ લખવાનો સમય થાય ત્યાં સુધી જ તો…વધારે નહી રોકું બાપલીયા..!’
-sneha patel.