જ્ઞાનનો મહિમા.


Gujarat guardian paper > Take it easy column > 10-03-2013 article no> 33

આજકાલ ઋતુઓને કોઇ ધારાધોરણો નથી નડતા. નાનપણમાં સ્કુલમાં ધ્યાન દઈને ભણતાં ગ્રહણ કરેલું,

‘ભારત ખેતીપ્રધાન દેશ છે અને એની  મુખ્ય ત્રણ ઋતુઓ છે -શિયાળો,ઉનાળૉ અને ચોમાસું.  શિયાળામાં ચાર મહિના ઠંડી પડે, ઉનાળામાં ચાર મહિના ગરમી અને ચોમાસામાં વરસાદ.’

પણ આજે સમજાય છે કે એ સઘળું જ્ઞાન મિથ્યા હતું. રાતે એસી ચાલુ કરવું પડે છે, વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય અને અચાનક બપોરે વરસાદ પડી જાય. ચમત્કારોની હારમાળા ! એટલે આજ કાલ કઈ મોસમ ચાલી રહી છે એના વિશે કોઇ પણ પૂછે તો બહુ મોટી દ્વિધા ઉતપન્ન થાય એવી હાલત હતી.  જોકે મારા આ ‘અતિજ્ઞાન’નો ઉપયોગ લોકોને ઋતુઓની સમજ આપવામાં નિષ્ફળ જતી હતી એની મને કોઇ ચિંતા નહતી. આમે જ્ઞાન એ પોતે જ બહુ દ્વિધાપૂર્ણ – છેતરામણો શબ્દ છે. ‘આપણે અતિ-જ્ઞાની છીએ’ એવી ધારણા મારા જેવા ઘણા અજ્ઞાનીઓ ધરાવતા હોય છે પણ ખરેખર પોતે કેટલા જ્ઞાની કે કેટ્લા અલ્પજ્ઞાની ..એવું ‘સાચું જ્ઞાન’ બહુ ઓછાને હોય છે.

‘સત્ય અને જ્ઞાનને બહુ નજીકનો સંબંધ છે.’

આ મહાન ખોજ અજાણતાં જ – કોઇ જ વિચારવાની લાંબી લાંબી પ્રક્રિયા કર્યા વિના મેં હમણાં કરી નાંખી. એ જ્ઞાનમાં થોડા ઉંડા ઉતરતા મને થયું કે આ જ્ઞાનને સમજી શકનારા, પચાવી શકનારા લોકો આ પૃથ્વી પર બહુ જ ઓછા છે એટ્લે આ વિશે મારે મૌન સેવવું જ યોગ્ય રહેશે. આમે મારા કહેવાથી કોઇ જ માનીતા-જાણીતાઓ વાત માનવાના નથી. એમને હજારો દલીલ સાથે લાંબી લાંબી ચર્ચાઓમાં જ વધુ રસ હોય છે  જ્ઞાન તો આવી ચર્ચા હેતુ લેવામાં આવતો એક પાંગળો સહારો જ છે.માનવીનો ‘અનુભવ એ જ એની સાચી મા બાકી બધા વગડાના વા.’

આ અનુભવજ્ઞાનના આધારે કેલેન્ડરમાં બતાવાતી શિયાળાની ઋતુની એક રાતે ગરમીનો અનુભવ થતા આજે ઉનાળો એવું જાણી-માનીને બહેનપણીઓને ફોન કરીને મારા ઘરના નજીકના આઇસક્રીમ પાર્લર પર ભેગા થવાનું આમંત્રણ પાઠવી દીધું. સ્ત્રીઓ પંચાત કર્યા વગર જીવી ના શકે અને અમારી પંચાતો તો નિર્દોષ – ટાઇમપાસ – ઘણીવખત તો જ્ઞાનવર્ધક મનોરંજન પણ બની જાય છે.

યજમાન હોવાના કારણે આઇસક્રીમ-પાર્લર સૌથી વહેલી પહોંચી ગઈ અને ‘હાઈવે ટચ’ થતો સૌથી વધુ લોકપ્રિય ઓટલો પસંદ કરીને રુમાલ-પર્સ મૂકીને ‘પંચાત હેતુ’ રોકી લીધો. દર બે મિનીટે મારી બાજુમાં આવી, બે પળ થોભીને રુમાલ, પર્સ વગેરે સામાન જોઇ, એની પાછળનો હેતુ સમજીને માણસો નિરાશવદન સાથે આગળ વધી જતા એ જોઇને મને થયું કે હવે ‘આ જગ્યા રોકો આંદોલન’માં ભાગીદારી નોંધાવવામાં કોઈ સખી જલ્દી આવી જાય તો સારું. હજુ તો આ વિચારું જ છું ને એક અવળચંડો રેડ શર્ટ અને ગ્રીન જીન્સધારી જુવાન મારો રુમાલ બાજુમાં હટાવીને આરામથી એ જગ્યાએ બેસીને એની ‘કેન્ડી’ ખાવા લાગ્યો. મેં એની સામે બની શકે એટલી ધારદાર નજરથી જોયું પણ એ મારી સામે જોવાની તસ્દી જ નહતો લેતો એટલે મારી એ બધીય મહેનત પાણીમાં ગઈ.એના ભારેખમ ચહેરાનો ભાર સહન કરીને કાન નીચેની બાજુ લબડી ગયેલા, આજના જમાનામાં લગભગ ગુમ થઈ ગયેલી પાવલી જેવી નાની નાની ગોળમટોળ આંખોની નીચે ભાવનગરી ગાંઠિયા જેવું વાંકુચૂકુ નાક અને એની નીચે કાળી અને ધોળી સ્કેચપેન એક સાથે પકડીને  ગુજરાતીમાં ‘ચોગડો’ લખવાનો પ્રયત્ન કરાયો હોય એવી વિચિત્ર શૅઈપની મૂછોની નીચે સિગરેટ પીને કાળા થઈ ગયેલા હોઠ પર એની ગ્રીન કેન્ડીનો રંગ લાગતા કાળામાં ગ્રીનના મિશ્રણથી કંઈક વિચિત્ર કલરના હોઠ દેખાતા હતા.એ જુગુપ્સાપ્રેરક દ્ર્શ્ય સહન ના થતા મેં તરત એના તરફથી નજર હટાવી દીધી. હમણાં જ મનપસંદ ભાજીપાઉં દબાવી દબાવીને ખાધેલા અને હજુ ગળા સુધી હતા એ આઘાતના ધક્કાથી કયાંક બહાર ના આવી જાય એવો છૂપો ડર મને સતાવી ગયો. એણે મને કંઈ પૂછ્યું હોત તો હું કહી શકત કે આ જગ્યા રોકેલી છે પણ આ ભાઈએ તો એવી કોઇ કર્ટસી દાખવી જ નહી. આનો સામનો કેમનો થાય એ વિચારું ત્યાં તો એ ભાઈ એમનો બીજો ખાલી હાથ હવામાં તલવાર વીંઝતા હોય એમ ડાબેથી જમણે ને જમણેથી ડાબે વીંઝવા માંડ્યા. પળ બે પળ માટે મને મારી નજર- સમજ શક્તિ પર અવિશ્વાસ થઈ ગયો.આ ભાઈને એકાએક એમના પૂર્વજોની યાદ આવી ગઈ કે એમનો કોઇ આત્મા બાત્મા એમનામાં ઘૂસી આવ્યો કે શું ?

એની નજરનો પીછો કરતા કરતાં મારી નજર સામેથી આવી રહેલ એક ‘પીળા કલરના વાંસ’ પર પડી. બે હાથમાં પીળા કલરની બે ડઝન કાચની બંગડીઓ, કાનમાં પીળા રંગના મોટા સ્ટોનવાળી ઇયરીંગ્સ, કપાળમાં મોટો ગોળ પેલાની ‘આંખની સાઈઝ’નો પીળો ચાંદલો, ઉંચી પેન્સિલહીલવાળા પીળા સેન્ડલ અને પીળું પંજાબી અને હાથમાં રહેલી પીળા કલરની કેન્ડી..ઉફ્ફ..!!   મારા અતિજ્ઞાને મને યાદ કરાવ્યું કે ‘કમળો હોય એને બધું પીળું જ દેખાય’ વાત યાદ આવી. ગભરાહટના મારી મેં તરત જ મેં મારી આંખો બરાબર ચોળી તો પણ મને મારી નજીક આવી રહેલી આકુતિ પીળી જ દેખાઈ. ત્યાં મારા સામાન્ય જ્ઞાને મને ચીંટીયો ભર્યો,

‘બાવરી.. બાજુમાં બેઠેલ લબડેલા કાનવાળો જુવાનનું શર્ટ, એની કેન્ડી એ બધાના રંગ તો તારી નજરે બરાબર પકડ્યાં..મતલબ પ્રોબ્લેમ તારી નજર કે તબિયતમાં નહી પણ સામેવાળાની ‘ડ્રેસિંગ સેન્સ’માં છે.

‘હે પરમકૃપાળુ ભગવાન, આમ જ મને અતિજ્ઞાનના શ્રાપથી બચાવીને કાયમ સામાન્યજ્ઞાનની અનરાધાર કૃપા વરસાવતો રહેજે..!’

મનોમન મારાથી બોલાઈ ગયું. અતિજ્ઞાનના મહાસાગરમાં ગોથું ખાઈ જવું, ડૂબી જવું એના કરતાં સામાન્યજ્ઞાનના ઝરણામાં નહાવું વધારે સારું. જોકે અમુક વીરલાઓ કમળપત્રનો ગુણ ધરાવતા હોય છે એમના જેવા અતિજ્ઞાનસાગરમાં ડૂબકીઓ માર્યા કરે તો એકાદ સાચું મોતી ચોક્કસ શોધી આવે એની ના નહી. પણ ક્યાં કમળપત્ર અને ક્યાં આપણે પામરજીવ ! એવા કમળપત્ર હોત તો આ ઋતુચક્રોની ફેરફારના ચકકરોમાંથી જ ના બચી ગયા હોત…ગરમી, ઠંડી, ચોમાસું..બધું ય આપણી પરથી ‘સ..ર..ર…ર’ સરકી ના જાત !

ત્યાં તો મને એક હળવો ધક્કો લાગ્યો ને મારી વિચારયાત્રા ખોટકાઈ. વિચારોની પગદંડી પરથી અચાનક વાસ્તવિકતાના રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ચડી ગઈ અને ‘જે જગ્યાએ હોઇએ એ જ જગ્યા કાયમ હાજર રહેવાનો પ્રયત્ન કરવાનો’ મારો મનપસંદ વ્યાયામ ચાલુ થઈ ગયો.( બહુ પ્રેકટીસ પછી પણ આ વ્યાયામ મને કોઠે નથી પડતો એ વાત અલગ છે.) ધક્કો આવ્યો એ દિશામાં જોયું તો પીળો વાંસ મારી બાજુમાં રહેલ પર્સ મારી નજીક ખસેડીને મારી અડોઅડ બેસી ગયેલો જેના કારણે એનો ખભો મારા ખભાને અથડાઈ ગયેલો. એની સાથે નજર મળતાં જ એણે પોતાની આ ખભાના ધક્કાની ક્રિયા તરફ સાવ જ બેધ્યાનપણું દર્શાવ્યું. હવે મારાથી બોલાઈ ગયું,

‘એક્સ્યુઝ મી, આ જગ્યા મેં મારા ફ્રેન્ડસ માટે રોકેલ છે તમે આમ સાવ કેમના બેસી શકો…?’

પીળો વાંસ ઉવાચ –

‘ બુફે ડીનરમાં કોઇ પીરસે એની રાહ ના જોવાની હોય એ તો આપણી જાતે જ મનપસંદ વાનગી લઈને આરોગવા માંડવાની હોય…એવું જ આ જગ્યા માટે પણ સમજો ને..આમ શું આ રુમાલ -બુમાલ પાથરવાની તસ્દી લેવાની…વહેલા એ પહેલા..’

બેશરમીની સ્પર્ધામાં પીળો વાંસ પહેલા નંબરે આવે કે ગ્રીન -કાળા કોમ્બીનેશનવાળો એનો મિત્ર કે પતિ ? ( આજના જમાનામાં આવી બધી ધારણાઓ મોટાભાગે ખોટી પડે છે એટલે બોય ફ્રેન્ડ – પતિ -પત્ની -ગર્લફ્રેન્ડના તર્ક- વિતર્કોમાં બહુ સમય ના બગાડવો એવું મારું દ્રઢપણે માનવું છે. પંચાત કરવા માટે એવા જુનાપુરાણા વિષય કરતા વધુ સારા બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ છે ).

કોઇ જ યોગ શિબિરો કે ગુરુના માર્ગદર્શન વગર ફક્ત આત્મખોજ દ્વારા મારાથી આજે અનાયાસે એક નવી શોધ થઈ ગઈ.

‘સામાન્યજ્ઞાન આત્મજ્ઞાનની વધુ નજીક છે બીજી તરોતાજા ખોજ !’

જ્ઞાનના વમળોમાં ફસાયેલી હતી ત્યાં તો ચારઆનીની સાઈઝની આંખોવાળા યુવાનના સ્ટ્રોંગ પરફ્યુમથી માથું ભમવા લાગ્યું. આ ટીવીવાળાઓ પણ જાતજાતની એડવર્ટાઇઝ બનાવી બનાવીને લોકોને ઉલ્લુ  બનાવે રાખે છે અને આવા નમૂનાઓ વધારે મૂર્ખા બનતા જાય છે, ‘ઇવન એનજ્લ્સ વિલ ફોલ !’ છેક મોઢા સુધી શબ્દો આવી ગયા કે,

‘અલ્યા ભાઈ, આ તારી પીળી એન્જલ ફોલ થઈ જશે તો તૂટી જશે..સાચવજે બાપલિયા..’

ત્યાં તો દૂરથી મારું સખીવૃંદ આવતું  નિહાળીને હું ભાવવિભોર થઈ ગઈ. ‘હાય-હલો’ની ફોર્માલીટી પતાવ્યા પછી પાંચેય સખીઓનું ઘ્યાન અમારી ફેવરીટ જગ્યા પર ગયું. આંખો-આંખોમાં એ લોકોએ મને ઠપકો આપી દીધો જેનો મેં બે ખભા ઉંચકી,હથેળીની બધી આંગળીઓમાં મારી મજબૂરીના સંકેતો ભરી, મોઢા પર ભરપૂર લાચારીના ભાવ આણીને પરબારો જવાબ આપી દીધો.

‘યે નહી ઓર સહી’ના ભાવ સાથે અમે બીજે નજર દોડાવી.એક બાંકડો થોડો દૂર હતો પણ એ આ જગ્યા પછીની નેક્સ્ટ ચોઇસ માટે બેસ્ટ હતો એટ્લે બધાં ત્યાં જઈએ બેઠા. પોતપોતાની મનપસંદ આઇસક્રીમનો ઓર્ડર આપીને સો ટકા કરમુકત પંચાતકર્મ ચાલુ કર્યુ જેમાં સહજ્પણે નંબરવન પર પેલું કપલ જ આવે.

‘એ નંગના હાથમાં બધી આંગળીઓમાં ગ્રહોના નંગની વીંટીઓ છે જો તો..નંગને નંગની આટલી બધી જરુર પડે કે?’

‘પણ જેને આટલું મોટું પીળું ગ્રહણ લાગેલું હોય એને વળી વધારે શું નુકસાન થવાનું એની જ નવાઈ લાગે છે.’

‘હશે હવે, જેવા એના નસીબ. એકાદ બે અનુભવો થશે એટલે આપોઆપ સમજ આવી જશે કે કોઇ નંગ કોઇ ગ્રહણ ક્યારેય બચાવી શકતું નથી. જે સહન કરવાનું હોય એ તો સહન કરવું જ પડે. આપણા નસીબનું કો…ઇ લઈ જઈ શકતું નથી કે જેટલું લખેલુ  હોય છે એનાથી વધારે કોઇ કંઈ આપી શકતું નથી..આ  નંગ-ગ્રહ બધા તો ઢકોસલા છે..’

અમારામાંની એક ફિલોસોફર સખી ઉવાચ. (એની અમુક વાતો હું જીવનમાં ‘ફોલોસફર’ કરું છું અને અમુક્ વાતોને કાનના રસ્તેથી અંદર પેસવા જ નથી દેતી. બધા નિર્ણય સામાન્યજ્ઞાન – સમજશકતિ -અનુભવને આધારિત)

અમારો ઓર્ડર કરાયેલ આઇસ્ક્રીમ આવી ગયો. એ પછી અમારી અલક મલકની વાતો ચાલી..તેં કાલે શું બનાવેલું..આટલા દિવસોમાં શું નવાજૂની..તારી જોબ કેમ ચાલે છે..આજે શું જમીને આવી..કોઇ નવી રૅસીપીની મહાન શોધ કરી કે અનાયાસે થઈ કે નહી..સંતાનો શું કરે છે…પતિદેવે કેટલું શોપિંગ કરાવ્યું, કેટલા મૂવી બતાવ્યા..સાસુ-સસરાના મગજ – તેવર ઠેકાણે છે ને..નણંદ-જેઠાણી બધાંયના હાલચાલ પૂછ્યા…બધાના પાડોશીઓ મજામાં ને..પાણી બરાબર ચોવીસ કલાક આવે છે ને..કામવાળી મોંમાંગ્યો પગાર લઈને પણ તમારા કહ્યામાં છે કે નહીંની ભયંકર ચિંતા ….વગેરે વગેરે..!

એકાએક વાતાવરણમાં પલટૉ આવ્યો અને ધીમા ધીમા વરસાદના છાંટા પડવા લાગ્યાં. અમારો આઇસક્રીમ અને પંચાત બેય પતી ગયેલા એટલે અમે હવે સંતોષપૂર્વક છૂટા પડવાનું વિચાર્યું. જતાં જતાં મારાથી પેલા ઓટલા પર નજર ગઈ. હવે તો એ ખાલી હતો પણ વરસાદના છાંટામાં ભીની થઈને પેલી સ્ટ્રોંગ પરફ્યુમની સ્મેલ વધુ સ્ટ્રોંગ થઈને મહેંકી રહેલી હતી.

આવા બંજર જમીન જેવા માનવીઓમાં  ‘સામાન્ય -અતિ કે આત્મજ્ઞાન’ના બીજ કેવી રીતે વાવી શકાયના ગહન (કોઇ જ મતલબ વગરના – ફક્ત ટાઇમપાસીયા) વિચારમાં હું  મારી કાર જ્યાં પાર્ક કરેલી એ તરફ વળી.

-સ્નેહા પટેલ.