દુષ્કર્મ

phoolchhab paper > navrashni pal column > 27-02-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !
-રૂમી.

દામિની…આ ત્રણ અક્ષરના નામે આજકાલ રાધાના અંતરમનને ઝંઝોડી કાઢેલું.રોજ ટીવી, સમાચારપત્રો, નેટ,રેડિયોમાં એના વિશે સાંભળી સાંભળીને એના કાન પાકી ગયા હતા, રડી રડીને આંખોના અમી સૂકાઈ ગયેલા. એક સ્ત્રીને બીજી સ્ત્રીની તકલીફ વધારે સમજાય..પણ આ સમજણની તકલીફ આજકાલ હદ વટાવવા લાગેલી. રાધા આખો દિવસ બેચેન બેચેન, કોઇ વિચારોમાં ગુમસુમ રહ્યાં કરતી. ઘરના, બહારના કોઇ જ કામમાં એનું ચિત્ત નહોતું ચોટતું. એની બધી વાતો ‘દામિની’ની પીડા અને આઘાતથી માંડીને એના મરણ સુધી જઈને જ અટકતી. ઘરના સદસ્યો એને બહુ સમજાવતા પણ કોઇ જ અસર નહીં. એના કારણે ઘરમાં હવે દામિની કેસની ચર્ચા બંધ થવા લાગેલી, ટીવીની ચેનલો બદલી કઢાતી, સમાચરપત્રોમાંથી પણ એ સમાચારનું પેજ સાવચેતીથી સેરવી લેવાતું. પણ રાધા પર આ બધાની કોઇ જ અસર ના થઈ. આખો દિવસ એ પોતાની અલગ દુનિયામાં ગુમસુમ થઈને જીવવા લાગી હતી. ઘણીવાર કલાકોના કલાકો રુમ બંધ કરીને રડતી તો ઘણીવાર બારીમાંથી બહાર જોત જોતા અકારણ જ હસી પડતી. ઘરના બધાને રાધાની માનસિક સ્થિતીની ચિંતા થવા લાગી હતી… કીર્તન-એના પ્રેમાળ જીવનસાથી એ પોતાના બે માસૂમ અને સુંદર બાળકોની વાતો કરી કરીને, પોતાના લગ્નજીવનના સુંદર મજાના અવિસ્મરણીય પ્રસંગો યાદ કરી કરીને રાધાને સાજી કરવાનો પ્રયત્ન કર્યો. રાધા એની બધી વાતો ધ્યાનથી સાંભળતી અને પછી એક પણ અક્ષર બોલ્યા વિના પાછી શૂન્યાવકાશમાં મીટ માંડીને કંઈક શોધવા મથતી.

ઘરના હવે થાક્યાં..એને કોઇ સાઇકીયાટ્રીક્ને બતાવવાના નિર્ણય પર આવ્યાં.

સાઇકીયાટ્રીક પદમીનીબેને રાધાને પોતાની કેબિનમાં એકલા બેસાડી અને વાતચીત ચાલુ કરી. શરુઆતમાં તો રાધાએ એમની વાતમાં બહુ દિલચસ્પી ના બતાવી…કોઇ  જ સપોર્ટ ના કર્યો પણ જેવું એના પતિ કીર્તનનું નામ આવ્યું કે એની બોડીલેન્ગવેજ બદલાવા માંડી. ખુરશીમાં બેચેનીથી પડખાં ફેરવવા લાગી. એના મોઢા પર અકળામણની કાળી છાયા સ્પષ્ટ છાપ છોડવા લાગી અને પદમીનીને ખ્યાલ આવી ગયો કે એની ગાડી રાઈટ ટ્રેક પર જઈ રહી છે..હવે એણે એની ધારદાર પ્રોફેશનલ સ્કીલને એ જ રસ્તે ચલાવવા લાગી અને અડધો કલાકમાં તો રાધાના મનની બધી તકલીફોનો સ્પષ્ટ તાગ મળી ગયો. પરિણામ જે આવ્યું એ થોડું આઘાતજનક હતું. આ વાત એની સાથે આવેલા એના પતિ કીર્તનને કેવી રીતે સમજાવવી એ એક કોયડો થઈને ઉભી રહી. થૉડીવાર વિચાર કરીને એણે રાધાને ‘એના પ્રોબ્લેમનું શક્ય એટલું જલ્દી નિરાકરણ લાવશે’ કહીને બહાર બેસવાનું કહ્યું અને એના પતિ કીર્તનને અંદર બોલાવ્યો.

‘મિ. કીર્તન, કેમ છો?’

‘હું તો મજામાં..પણ આ રાધાનું વિચિત્ર વર્તન મને ચેન નથી લેવા દેતું.’

પદમીની વેધક નજરે બે પળ કીર્તનની સામે તાકી રહી. એની નજરમાં ના જાણે શું હતું કે કીર્તન એનો સામનો ના કરી શક્યો અને નજર નીચી ઝુકાવી દીધી.

‘તમારા લગ્નને કેટલા વર્ષ થયા..કેટલા બાળકો છે અને તમે તમારી પત્નીને કેટલો પ્રેમ કરો છો?’

વિચિત્ર સવાલો સાંભળીને કીર્તન થોડો ઝંખવાઈ ગયો પણ તરત સ્વસ્થતા કેળવીને બોલ્યો,

‘બેન, કેમ આમ પૂછવું પડ્યું..? ખેર..અમારા લગ્નને વીસ વર્ષ થયા છે અને અમારે બે સુંદર મજાના બાળકો છે. બાકી રહેલ સવાલ કે કેટલો પ્રેમ કરો છો એ કંઇક વિચિત્ર લાગે છે. પ્રેમ ના હોત તો બે બાળકો સાથે આ મારો વીસ વીસ વર્ષનો સુંદર મજાનો સંસાર કેમનો ચાલતો હોત..?’

‘જુઓ કીર્તનભાઈ, પ્રેમનો ક્યાસ  લગ્નજીવનના વર્ષો પરથી ના કઢાય.રાધાનો પ્રોબ્લેમ તમારા પ્રેમથી જ શરુ થાય છે અને ચોકકસ પણે એ તમે પ્રયત્ન કરશો તો જ પતશે-સોલ્વ થશે.’

‘મતલબ..!!!’

કીર્તનને ડોકટરની વાતમાં કંઇ જ ગતાગમ ના પડી. પોતે એવું તો શું કરી નાંખ્યુ રાધા સાથે કે એની માનસિક હાલત આ હદે કથળી ગઈ !!

‘જુઓ કીર્તનભાઈ, આમ તો પતિ પત્નીના અંગતજીવનમાં માથું મારવાનો કોઇને હક નથી હોતો. પણ તમે એક દર્દી તરીકે તમારી પત્નીને મારી પાસે લઈને આવ્યા છો એટલે મારે તમને સખેદ કહેવું પડે છે કે તમે એને જે પ્રેમ કરો છો એમાં એને શારિરીક દમન વધારે લાગે છે’

‘…………….!!!’

‘જુઓ વાત જરા વિસ્તારથી સમજાવું. રાધા હવે લગભગ બેતાળીસીએ પહોંચેલી સ્ત્રી છે. આજના જમાનામાં આ સમયે ઘણી સ્ત્રીઓમાં  ‘મોનોપોઝ’ ટાઈમની શરુઆત થઈ જતી હોય છે. એવા સ્મયે એમને શારિરીક સંબ્ધમાં પહેલા જેટલો રસ ના રહે એ બહુ જ સામાન્ય વાત છે. વળી અત્યારે એમને શારિરીક કરતાં માનસિક પ્રેમની, સાર-સંભાળની વધુ જરુર લાગતી હોય છે. રાધાની તકલીફ એ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી તમે જ્યારે પણ એની નજીક જાઓ છો ત્યારે એનું શરીર અને મન એ વાત માટે તૈયાર જ નથી હોતું અને તમે એની ઇચ્છા -અનિચ્છા પર ધ્યાન આપ્યા વગર જ એને તમારી રીતે શારિરીક પ્રેમ કરે રાખો છો. પોતાની મરજી વિરુધ્ધ બંધાતા આ સંબંધમાં રાધાને પોતાની પર બળાત્કાર થઈ રહેલો હોય એવી જ ફિલીંગ આવે છે. એણે તમને આ વિશે ઘણીવાર કહ્યું પણ છે પણ તમે એ વાતને મજાકમાં જ ઉડાવી દો છો એની તકલીફ સમજવાને બદલે હવે તું બુઢ્ઢી, સાવ ઠંડી થઈ ગઈ છું જેવા મે’ણા મારે રાખો છો..આ બેવડો આઘાત સહન કરતી રાધાએ જ્યારે દામિની વિશેના સમાચાર ધ્યાનમાં આવ્યા ત્યારે દામિનીની જગ્યાએ એ સતત પોતાની જાતને જ જુવે છે..એની તકલીફો પોતાના તન મન પર અનુભવે છે. ફરક એટલો જ કે દામિની પર બળાત્કાર કરનારા લોકોને એ જાણતી નહતી..એને સમાજમાં બળાત્કાર સ્વરુપે ગણાવી પણ શકાતો હતો જ્યારે પોતે તો પોતાના જ પ્રિય પતિ દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી આ સ્થિતીનો અનુભવ કરે છે જેમાં તકલીફ તો એટલી જ થાય પણ બળાત્કાર તરીકે સાબિત ના કરી શકાય..આમાં સમજવાનું તમારે છે કીર્તનભાઈ. રાધાને કોઇ જ દવાની નહી પણ તમારી સમજણની, તમારા સાથની, ધીરજ અને પ્રેમની જરુર છે. અત્યારે હાલ પૂરતી તો એનું મગજ શાંત રહે એના માટે હું ‘પ્રીસ્ક્રીપ્શન’ લખી આપું છું પણ એ બધું શોર્ટ ટાઈમ માટે જ અસરકારક નીવડશે. બાકી જે કરવાનું છે એ તમારે અને ફક્ત તમારે જ કરવાનું છે. રાધાની મરજીને જાણી સમજીને એને સન્માનપૂર્વક જીવાડીને પહેલાંની જેમ હસતી રમતી કરવાની છે.’

પદમીનીની આટલી લાંબી વાત સાંભળીને કીર્તન સ્તબ્ધ બની ગયો. પોતાની ધૂનમાં જ મસ્ત રહીને જીવવામાં પોતે રાધા -પોતાના બે સરસ મજાના બાળકોની માતાને -પ્રેમાળ પત્નીને કેટલો મોટો ગુનો કરી રહ્યો હતો..પ્રેમ કરતા હોય એનો આવો માનસિક બળાત્કાર કોઇ રીતે ક્ષમ્ય જ ના ગણાય..મક્કમતાપૂર્વક કંઈક વિચારીને આ ભૂલોનું પુનરાવર્તન નહી કરે એવા નિર્ધાર સાથે પદમીનીનો આભાર માની, ફી ચૂકવીને એ રાધાને લઈને એના ક્લીનીકમાંથી બહાર નીકળી ગયો.

અનબીટેબલ ઃ ઘણા મૌનના પડઘા ગગનભેદી હોય છે.

-સ્નેહા પટેલ

3 comments on “દુષ્કર્મ

  1. Khub j mahatvana point sathe vaat kahi..Damini nu pragat ane Radhanu apragat daman..!! Sacho p-rem sachu tunning chhe communication chhe..ane matra saririk sukh te prem nathi j..

    Like

  2. સ્ત્રીનું શોષણ વરસોથી કોઇ ને કોઇ રીતે થતું જ રહે માત્ર શારિરીક નહી, સથે માનસિક શોષણ ઍ શબ્દ અત્યારે લખી રહી છું ને શોષિત તથા શોષક વ્યક્તિઓના કેટ કેટ્લા ચહેરાઓ નજર સમક્ષ અવી ગયા.. !! ખૂબ જ સરસ રીતે મૌન પીડાને વાચા આપી સ્નેહા .. અભિનંદન ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s