saraswatichandra


સંજય લીલા ભણસાણીજી – આ હિંદી અને ગુજરાતી ડાયલોગ્સનું વિચિત્ર કોમ્બીનેશન ‘સરસ્વતીચઁદ્ર’ સીરિયલને મધદરિયે ડૂબાડી દેશે..
Sanjay ji – plz..dnt mix Hindi and gujarati language in   ‘Saraswatichandra’ serial..it  sounds okward…!
-sneha.

દુષ્કર્મ


phoolchhab paper > navrashni pal column > 27-02-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !
-રૂમી.

દામિની…આ ત્રણ અક્ષરના નામે આજકાલ રાધાના અંતરમનને ઝંઝોડી કાઢેલું.રોજ ટીવી, સમાચારપત્રો, નેટ,રેડિયોમાં એના વિશે સાંભળી સાંભળીને એના કાન પાકી ગયા હતા, રડી રડીને આંખોના અમી સૂકાઈ ગયેલા. એક સ્ત્રીને બીજી સ્ત્રીની તકલીફ વધારે સમજાય..પણ આ સમજણની તકલીફ આજકાલ હદ વટાવવા લાગેલી. રાધા આખો દિવસ બેચેન બેચેન, કોઇ વિચારોમાં ગુમસુમ રહ્યાં કરતી. ઘરના, બહારના કોઇ જ કામમાં એનું ચિત્ત નહોતું ચોટતું. એની બધી વાતો ‘દામિની’ની પીડા અને આઘાતથી માંડીને એના મરણ સુધી જઈને જ અટકતી. ઘરના સદસ્યો એને બહુ સમજાવતા પણ કોઇ જ અસર નહીં. એના કારણે ઘરમાં હવે દામિની કેસની ચર્ચા બંધ થવા લાગેલી, ટીવીની ચેનલો બદલી કઢાતી, સમાચરપત્રોમાંથી પણ એ સમાચારનું પેજ સાવચેતીથી સેરવી લેવાતું. પણ રાધા પર આ બધાની કોઇ જ અસર ના થઈ. આખો દિવસ એ પોતાની અલગ દુનિયામાં ગુમસુમ થઈને જીવવા લાગી હતી. ઘણીવાર કલાકોના કલાકો રુમ બંધ કરીને રડતી તો ઘણીવાર બારીમાંથી બહાર જોત જોતા અકારણ જ હસી પડતી. ઘરના બધાને રાધાની માનસિક સ્થિતીની ચિંતા થવા લાગી હતી… કીર્તન-એના પ્રેમાળ જીવનસાથી એ પોતાના બે માસૂમ અને સુંદર બાળકોની વાતો કરી કરીને, પોતાના લગ્નજીવનના સુંદર મજાના અવિસ્મરણીય પ્રસંગો યાદ કરી કરીને રાધાને સાજી કરવાનો પ્રયત્ન કર્યો. રાધા એની બધી વાતો ધ્યાનથી સાંભળતી અને પછી એક પણ અક્ષર બોલ્યા વિના પાછી શૂન્યાવકાશમાં મીટ માંડીને કંઈક શોધવા મથતી.

ઘરના હવે થાક્યાં..એને કોઇ સાઇકીયાટ્રીક્ને બતાવવાના નિર્ણય પર આવ્યાં.

સાઇકીયાટ્રીક પદમીનીબેને રાધાને પોતાની કેબિનમાં એકલા બેસાડી અને વાતચીત ચાલુ કરી. શરુઆતમાં તો રાધાએ એમની વાતમાં બહુ દિલચસ્પી ના બતાવી…કોઇ  જ સપોર્ટ ના કર્યો પણ જેવું એના પતિ કીર્તનનું નામ આવ્યું કે એની બોડીલેન્ગવેજ બદલાવા માંડી. ખુરશીમાં બેચેનીથી પડખાં ફેરવવા લાગી. એના મોઢા પર અકળામણની કાળી છાયા સ્પષ્ટ છાપ છોડવા લાગી અને પદમીનીને ખ્યાલ આવી ગયો કે એની ગાડી રાઈટ ટ્રેક પર જઈ રહી છે..હવે એણે એની ધારદાર પ્રોફેશનલ સ્કીલને એ જ રસ્તે ચલાવવા લાગી અને અડધો કલાકમાં તો રાધાના મનની બધી તકલીફોનો સ્પષ્ટ તાગ મળી ગયો. પરિણામ જે આવ્યું એ થોડું આઘાતજનક હતું. આ વાત એની સાથે આવેલા એના પતિ કીર્તનને કેવી રીતે સમજાવવી એ એક કોયડો થઈને ઉભી રહી. થૉડીવાર વિચાર કરીને એણે રાધાને ‘એના પ્રોબ્લેમનું શક્ય એટલું જલ્દી નિરાકરણ લાવશે’ કહીને બહાર બેસવાનું કહ્યું અને એના પતિ કીર્તનને અંદર બોલાવ્યો.

‘મિ. કીર્તન, કેમ છો?’

‘હું તો મજામાં..પણ આ રાધાનું વિચિત્ર વર્તન મને ચેન નથી લેવા દેતું.’

પદમીની વેધક નજરે બે પળ કીર્તનની સામે તાકી રહી. એની નજરમાં ના જાણે શું હતું કે કીર્તન એનો સામનો ના કરી શક્યો અને નજર નીચી ઝુકાવી દીધી.

‘તમારા લગ્નને કેટલા વર્ષ થયા..કેટલા બાળકો છે અને તમે તમારી પત્નીને કેટલો પ્રેમ કરો છો?’

વિચિત્ર સવાલો સાંભળીને કીર્તન થોડો ઝંખવાઈ ગયો પણ તરત સ્વસ્થતા કેળવીને બોલ્યો,

‘બેન, કેમ આમ પૂછવું પડ્યું..? ખેર..અમારા લગ્નને વીસ વર્ષ થયા છે અને અમારે બે સુંદર મજાના બાળકો છે. બાકી રહેલ સવાલ કે કેટલો પ્રેમ કરો છો એ કંઇક વિચિત્ર લાગે છે. પ્રેમ ના હોત તો બે બાળકો સાથે આ મારો વીસ વીસ વર્ષનો સુંદર મજાનો સંસાર કેમનો ચાલતો હોત..?’

‘જુઓ કીર્તનભાઈ, પ્રેમનો ક્યાસ  લગ્નજીવનના વર્ષો પરથી ના કઢાય.રાધાનો પ્રોબ્લેમ તમારા પ્રેમથી જ શરુ થાય છે અને ચોકકસ પણે એ તમે પ્રયત્ન કરશો તો જ પતશે-સોલ્વ થશે.’

‘મતલબ..!!!’

કીર્તનને ડોકટરની વાતમાં કંઇ જ ગતાગમ ના પડી. પોતે એવું તો શું કરી નાંખ્યુ રાધા સાથે કે એની માનસિક હાલત આ હદે કથળી ગઈ !!

‘જુઓ કીર્તનભાઈ, આમ તો પતિ પત્નીના અંગતજીવનમાં માથું મારવાનો કોઇને હક નથી હોતો. પણ તમે એક દર્દી તરીકે તમારી પત્નીને મારી પાસે લઈને આવ્યા છો એટલે મારે તમને સખેદ કહેવું પડે છે કે તમે એને જે પ્રેમ કરો છો એમાં એને શારિરીક દમન વધારે લાગે છે’

‘…………….!!!’

‘જુઓ વાત જરા વિસ્તારથી સમજાવું. રાધા હવે લગભગ બેતાળીસીએ પહોંચેલી સ્ત્રી છે. આજના જમાનામાં આ સમયે ઘણી સ્ત્રીઓમાં  ‘મોનોપોઝ’ ટાઈમની શરુઆત થઈ જતી હોય છે. એવા સ્મયે એમને શારિરીક સંબ્ધમાં પહેલા જેટલો રસ ના રહે એ બહુ જ સામાન્ય વાત છે. વળી અત્યારે એમને શારિરીક કરતાં માનસિક પ્રેમની, સાર-સંભાળની વધુ જરુર લાગતી હોય છે. રાધાની તકલીફ એ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી તમે જ્યારે પણ એની નજીક જાઓ છો ત્યારે એનું શરીર અને મન એ વાત માટે તૈયાર જ નથી હોતું અને તમે એની ઇચ્છા -અનિચ્છા પર ધ્યાન આપ્યા વગર જ એને તમારી રીતે શારિરીક પ્રેમ કરે રાખો છો. પોતાની મરજી વિરુધ્ધ બંધાતા આ સંબંધમાં રાધાને પોતાની પર બળાત્કાર થઈ રહેલો હોય એવી જ ફિલીંગ આવે છે. એણે તમને આ વિશે ઘણીવાર કહ્યું પણ છે પણ તમે એ વાતને મજાકમાં જ ઉડાવી દો છો એની તકલીફ સમજવાને બદલે હવે તું બુઢ્ઢી, સાવ ઠંડી થઈ ગઈ છું જેવા મે’ણા મારે રાખો છો..આ બેવડો આઘાત સહન કરતી રાધાએ જ્યારે દામિની વિશેના સમાચાર ધ્યાનમાં આવ્યા ત્યારે દામિનીની જગ્યાએ એ સતત પોતાની જાતને જ જુવે છે..એની તકલીફો પોતાના તન મન પર અનુભવે છે. ફરક એટલો જ કે દામિની પર બળાત્કાર કરનારા લોકોને એ જાણતી નહતી..એને સમાજમાં બળાત્કાર સ્વરુપે ગણાવી પણ શકાતો હતો જ્યારે પોતે તો પોતાના જ પ્રિય પતિ દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી આ સ્થિતીનો અનુભવ કરે છે જેમાં તકલીફ તો એટલી જ થાય પણ બળાત્કાર તરીકે સાબિત ના કરી શકાય..આમાં સમજવાનું તમારે છે કીર્તનભાઈ. રાધાને કોઇ જ દવાની નહી પણ તમારી સમજણની, તમારા સાથની, ધીરજ અને પ્રેમની જરુર છે. અત્યારે હાલ પૂરતી તો એનું મગજ શાંત રહે એના માટે હું ‘પ્રીસ્ક્રીપ્શન’ લખી આપું છું પણ એ બધું શોર્ટ ટાઈમ માટે જ અસરકારક નીવડશે. બાકી જે કરવાનું છે એ તમારે અને ફક્ત તમારે જ કરવાનું છે. રાધાની મરજીને જાણી સમજીને એને સન્માનપૂર્વક જીવાડીને પહેલાંની જેમ હસતી રમતી કરવાની છે.’

પદમીનીની આટલી લાંબી વાત સાંભળીને કીર્તન સ્તબ્ધ બની ગયો. પોતાની ધૂનમાં જ મસ્ત રહીને જીવવામાં પોતે રાધા -પોતાના બે સરસ મજાના બાળકોની માતાને -પ્રેમાળ પત્નીને કેટલો મોટો ગુનો કરી રહ્યો હતો..પ્રેમ કરતા હોય એનો આવો માનસિક બળાત્કાર કોઇ રીતે ક્ષમ્ય જ ના ગણાય..મક્કમતાપૂર્વક કંઈક વિચારીને આ ભૂલોનું પુનરાવર્તન નહી કરે એવા નિર્ધાર સાથે પદમીનીનો આભાર માની, ફી ચૂકવીને એ રાધાને લઈને એના ક્લીનીકમાંથી બહાર નીકળી ગયો.

અનબીટેબલ ઃ ઘણા મૌનના પડઘા ગગનભેદી હોય છે.

-સ્નેહા પટેલ

પ્રેમ નામે રોગ


Snap1http://gujaratguardian.in/E-Paper/02-24-2013Suppliment/index.html

gujarat guardian paper >Take it  easy – 31.> 24-02-2012

ગુજરાતી લોકો પોતાનો ‘વેલણ ખાવાનો ટાઈમ’ બચાવવા માટે ‘વેલેન્ટાઈન ડે’ ભરપૂર ઉત્સાહ ( એક્ટીંગના ખાટું પૂરેપૂરા આ લોકો) સાથે મનાવે. એની આગળ આવતા કેડબરી, ચોકલેટ,કીસ, રોઝ,પ્રપોઝ , ટેડી જેવા દિવસોએ સંનિષ્ઠતાથી પોતાની પોકેટમનીમાંથી જેટલો નીકળી શકતો હોય એટલો ફાળો પ્રામાણિકતાથી આપે. આ બધું જોઇને મને થાય છે કે આટલા વર્ષોથી લગભગ દરેક દેશ, દરેક ભાષા, દરેક જાતિએ આ પ્રેમ નામના પ્રદેશને આટઆટલો ખેડયો છે, અગણ્ય સંશોધનો થયા છે, પહેલાં જે લોકો ટીવી, સીડીમાં ફાંફા મારતા એ બધા હવે નેટ પર સર્ફિંગ કરી કરીને આ પ્રેમને સમજવામાં પોતાની એડી ચોટીનું જોર લગાવી દે છે એમ છતાં આ કેમ આટલો રહસ્યમય લાગે છે. લગભગ દરેક માનવીએ એની સંવેદના કેમ ભિન્ન ભિન્ન ! આટાઅટલી સગવડ પછી પણ આવી તકલીફો પડતી હોય તો જો એના વિશે કંઇ જ ના લખાયું હોત તો આ માનવજાતિનું શું થાત…કયા અંધારિયા કુવામાં એ ભટકતી, તરફડતી હોત..?

આ વાત પરથી શેક્સપિયરના નાટકનો એક પ્રસંગ યાદ આવ્યો.

રોસેલીન્ડ નામની એક યુવતી સંજોગવશાત એક જંગલમાં પુરુષવેશ ધારણ કરીને રહેવા આવે છે. એનો એક પ્રેમી હોય છે ઓર્લેન્ડો. એ રોસેલીન્ડની પાછળ પાછળ એ જંગલમાં એને શોધતો શોધતો આવી ચડે છે, પણ એને રોસેલીન્ડના પુરુષવેશ ધારણ કરવા વિશે કંઈ જ ખ્યાલ નથી હોતો. એ તો જંગલના દરેક વૃક્ષના થડ -ડાળીઓ ઉપર પ્રેમકાવ્યો લખતો ફરતો હતો.એકવાર રોસેલીન્ડ અને ઓર્લેન્ડો મળે છે. રોસેલીન્ડના પુરુષવેશને કારણે ઓર્લેન્ડો એને ઓળખી શકતો નથી પણ રોસેલીન્ડ એની પ્રિયા એને તરત જ ઓળખી કાઢે છે.વાતવાતમાં રોસેલીન્ડ એને કહે છે કે’ ‘પ્રેમમાં વિખૂટા પડેલા લોકોની હાલત બહુ ખરાબ હોય છે. આ જંગલમાં ઓર્લેન્ડો નામનો કોઇ પાગલ પ્રેમી પોતાની પ્રિયતમાના વિયોગમાં ઝૂરતો ઝૂરતો ડાળ – ડાળ, પાન – પાન પર એના હ્રદયનીએ વ્યથા લખતો ફરે છે. મને એની બહુ દયા આવે છે. એ જો મને મળી જાય તો એની લવસીકનેસ હું દૂર કરી શકું. હું એનો ઇલાજ સારી રીતે જાણું છું.’

આ સાંભળીને તરત જ ઓર્લેન્ડો કહે છે કે,’એ પ્રેમી તો  હું જ છું.’

નવાઈમાં પોતાની વિશાળ આંખો થોડી વધારે ફેલાવીને એના દેહ પર ઉપરથી નીચે નજર ફેરવીને નવાઇનો સાગર પોતાના અવાજમાં ઠાલવીને બોલે છે ઃ

‘તું..તું ઓર્લેન્ડો..પાગલ પ્રેમી..પણ તું..તું તો એ પ્રેમી જેવો જરાય નથી લાગતો !’

‘પ્રેમી કેવા લાગે વળી?’

‘અરે, સાચા પ્રેમીના ચહેરા પર મહિનાઓની વધેલી દાઢી હોય, પ્રિયાની શોધમાં ભૂખતરસ નેવે મૂકીને રખડ્યા કરવાના કારણે ક્પડાં મેલા -ઘેલા અને ઠેકઠેકાણેથી ફાટેલા તૂટેલા હોય, ઘસાઈને તૂટી ગયેલી ચપ્પલ  પણ ફેંકી દીધી હોય એના કારણે એની પગની પાની આખી ઉંડા ઉંડા વાઢિયાથી ભરાઈ ગયેલી હોય, ગાલ પર વસંતની ગુલાબીને હડસેલીને પીળી પાનખરે કબ્જો જમાવ્યો હોય, આંખોની જગ્યાએ લખોટી રમવાની ગબ્બી જેવા ખાડા દેખાતા હોય..ટૂંકમાં સાવ બિચારો, એકલતાના જંગલોમાં અટવાયેલો શૂન્યમનસ્ક આત્મા જેવો લાગે ..જ્યારે તું તો આવો નથી લાગતો..!!’

રોસેલીન્ડની આ વાર્તાના વિચારોમાં ને વિચારોમાં હું ખૂબ આગળ વધી ગઈ. મારા વિચારો મારા હાથ બહાર તીવ્ર ગતિથી મારા મગજમાં એમનો રાક્ષસી પંજો ફેલાવતા તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ખુલ્લી આંખે દુનિયામાં મશહુર થઈ ગયેલી પ્રણયવાર્તાઓ નજર સમક્ષ તાદ્રશઃ થવા લાગી.રોમિયો – જુલિયેટ. હીર – રાંઝા, રાધા – કૃષ્ણ, લેલા – મજનૂ, સલીમ -અનારકલી…બધા અદભુત પ્રેમીઓ એકબીજાના ગાઢ પ્રેમમાં પડેલા. પડેલા એના કારણે શરીરે ઠેર ઠેરથી ઘવાયેલા. તનના ઘાવ હોય તો ડોકટરો પાટાપીંડી કરી આપે પણ આ મનના ઘાવની પીડા એ ડોકટરો જાડા ગ્લાસના ચશ્મા ઉપર પાવરફુલ દૂરબીન લગાવીને પણ શોધી ના શક્યા, જે રોગ ના દેખાય એનો ઉપચાર કેમનો થાય..? એટલે એમણે જાહેર કર્યું કે ‘પ્રેમ ફેમ જેવું દુનિયામાં કંઈ છે જ નહીં, અને હોય તો પણ એનાથી માનવીને કોઇ પીડા નથી પહોંચતી. આ તો ભગવાનમાં માનવું – ના માનવુંની જેમ શ્રધ્ધાનો વિષય છે. આ બધા હકીકતમાં પડેલા છે જ નહી, હરતા ફરતા ઘોડા જેવા છે માટે અમારા ક્લીનીકમાંથી એમને વિદાય કરો ને બીજા દર્દીઓ માટે જગ્યા ખાલી કરો’

હદ થઈ ગઈ.. આ ડોકટરની અરસિકતા – શુષ્કતા ઉપર મને જબરી ખીજ ચડી..માનવીના શરીરમાં આવેલ લાલના એક્કા જેવા લાલઘૂમ હ્રદયમાં કામદેવે છોડેલ અમોઘ તીર સમો, તીરવાળો પ્રેમ એ ફકત એક કલ્પના જ છે એવું કઈ રીતે માની શકાય..? ચિંતન -મનનનો દોર આગળ ચાલ્યો. મારા વિચારો મારા કંટ્રોલમાં નહતા..હું એમના કંટ્રોલમાં હતી.એ વિચારો મને એના હિંડોળે બહુ જ પ્રેમથી ઝુલાવતા હતા ( હું પ્રેમ નામની લાગણીમાં સ્ટ્રોંગલી માનું છું )

 

પ્રેમનો શરુઆતનો તબકકો કેવો હોઇ શકે.. અને તરત જ મારા સુપરફાસ્ટ મગજે એનો જવાબ મારી પર છુટ્ટો ફેંક્યો..

‘આ પ્રેમ નામનો રોગ થવામાં સૌપ્રથમ આંખો મહત્વનો ભાગ ભજવે છે. આંખ અને હ્રદય ભલે શારિરીક રીતે અલગ હોય પણ માનસિક રીતે એ બહુ જ ગાઢ રીતે જોડાયેલ હોય છે. આંખમાં આ પ્રેમ નામનું ઇન્ફેકશન લાગ્યા પછી આ દર્દીને કોઇનું સમોસા જેવું નાક રોમન નાસિકા જેવું લીસું અને અણીદાર લાગે છે કાં તો સંસ્કૃત સાહિત્યમાં વર્ણવેલ તેલની સીધી ધાર જેવું લાગે..હાથીકાન કોઇ શિલ્પીએ ખૂબ જ જહેમત લઈને કંડારેલ કલાત્મક લાગે અને ઓષ્ડદ્વય અમૃતકુપી જેવી લાગે.આંખનો ચેપ કાન સુધી પ્રસરે અને પ્રિયપાત્રનો ફાટેલા ઢોલ જેવો, તૂટી ગયેલા તંબૂરાના તાર જેવો અવાજ પણ અનાહતનાદની અનુભૂતિ કરાવે છે. પ્રિયપાત્રની આંખમાં કૃષ્ણના મુખમાં દેખાયેલ એવા ચૌદ બ્રહ્માંડ દેખાવા લાગે અને છેલ્લે એનો આંખના રસ્તેથી પેસારો કરી ગયેલ રોગ એના હ્રદય પર કુશળતાથી એની જ જાણ બહાર પોતાનો કોમળ પંજો જમાવી દે છે.

આ માનસિક અને શારિરીક હ્રદયરોગના ઘણા ખરા લક્ષણોમાં અમુક સામ્યતા તો ખરી. બંનેમાં હ્રદયના ધબકારા વધી જાય, બ્લડપ્રેશર હાઈ થઈ ગયું હોય એમ શરીરના પ્રત્યેક નાડી સ્થળો ઘબકવા માંડે. ‘મેરી ગો રાઉન્ડ’માં બેસતી વેળા આપણને નીચે ઉતરતી વખતે પેટમાં જે ગરબડ થઈને ગોટાળા વળવાની લાગણી થાય એવી જ લાગણી પ્રિયપાત્રને જોતી વખતે થાય. આખો દિવસ સ્વપનદુનિયામાં વ્યસ્ત રહેવાના કારણે ખાવા પીવાની ઇચ્છાઓ ઉપર પ્રેમ નામની લાગણી હાવી થઈ જાય અને એ બધાંનુ હનન કરી નાંખે પરિણામે ઉડ્ડિયા નામના યોગાસનમાં પેટ અંદર ખેંચવાની ક્રિયા કરવાની હોય એ વખતે પેટમાં જે ખાડો પડે એવો જ ખાડો ધીમે ધીમે પડતો જાય .

ભૂખ્યા પેટની અસર તળે જીભ પોતાનો સ્વાદ ગુમાવવા લાગે, લાળગ્રંથિઓ પોતાનું મૂળ કાર્ય ભૂલી જાય અને બાઘી બનીને ઠરી જાય. મોઢું ખૂલે ત્યારે એમાંથી એક જ રાગ નીકળે -પ્રેમરાગ. પ્રિયના આરઝૂના ગીતો ગવાય – જોડકણાં જેવી મહાન શાયરીઓ લખાવા લાગે, દરેક પ્રેમી પોતાની માંહ્યલી કોરમાં એક મરીઝ, બેફામ શ્વસતો અનુભવતો થઈ જાય. પ્રેમ થાય એટલે લગભગ દરેક પ્રેમી શાયરીઓ લખતો તો થઈ જ જાય – પ્રેમની એક આડપેદાશ – જે  પ્રક્રિયા થોડા પ્રેમીઓમાં આખી જીંદગી ચાલે તો અમુક પ્રેમીઓમાં પાર્ટટાઇમ ચાલે. ઘણાખરા લોકો એમ માને છે કે કવિઓએ થોડા થોડા સમયે પ્રેમમાં પડતા રહેવું જ જોઇએ તો જ કવિતાઓ લખી શકે. મૂંઝવણ એ થાય છે કે પ્રેમ થાય એટલે કવિ થઈ જવાય કે કવિ થવા માટે પ્રેમ કરવાનો હોય…..હશે હવે..આ તો બહુ ગહન ચર્ચાવિચારણા માંગી લેતો પ્રશ્ન છે એટલે અત્યારે એને બાજુમાં મૂકી દઇએ. પ્રેમ નામનો રોગ અત્યાર સુધીમાં તો એના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકયો હોય છે. એના દિલની સાથે સાથે મગજ પર પણ કબ્જો જમાવી બેઠું હોય છે. પ્રિયપાત્ર જગતના અનંતકોટિ માનવોમાંથી સાવ જ નોખું તરી આવતું અને અદભુત સર્જન છે. બર્નાડ શો એ કહ્યું છે કે -‘લવ ઇઝ અ ગ્રોસ એક્ઝારેઝશન ઓફ ધ ડિફરન્સ બીટવીન વન પર્સન એન્ડ એવરીબડી એલ્સ !’ આ જ ભાવ પર મગજ કેન્દ્રિત થાય છે. મગજ પૂર્ણતયા એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થતાં પ્રણય સિવાયના કોઇ પણ કાર્ય માટે મગજ કાર્યરત નથી રહી શકતું. બુધ્ધિ વાપરવાના દરેક કાર્યમાં એ સાવ જ નાકારા જેવો થઈ જાય છે. શારિરીક અને માનસિક ક્રિયાઓ શિથિલ થઈ જાય છે. ઘરની દરેક દિવાલો, પિકચર – ટીવી સીરીયલની દરેક હીરોઇનમાં એને ફકત અને ફક્ત પોતાના પ્રિય વ્યકિતના જ દર્શન થાય છે. આ મતિભ્રમ જેવી સ્થિતી લખતાં લખતાં મારું મગજ થોડું હેવી થઈ ગયું. મને પ્રેમમાં પડનારાઓની દયા આવવા લાગી. આ પડનારાઓને સહારો કેવી રીતે મળે, કેવી રીતે ઉભા કરી શકાય એ અંગે વિચારવા મગજને થૉડો બ્રેક આપવાનું વિચાર્યું.

કોઇ પણ ગંભીર રોગની દવા શોધવા માટે મગજ બરાબર ફ્રેશ હોય તો જ કામનું નહીંતર ગરબડ ગોટાળા કરી નાંખીએ તો રોગ વધુ વકરે…તો દોસ્તો…આવતા અઠવાડીએ આ પ્રેમ વિશે વધુ કંઈક નવી જાણકારી પીરસવાની ઇચ્છા સાથે અત્યારે તો વિરમું છું.

તમે પણ આ પ્રેમ નામની બિમારીના તમારા અનુભવો શૅર કરજો. કદાચ મારા સંશોધનમાં મને હેલ્પફુલ થઈ પણ શકે.

-સ્નેહા પટેલ.

unbetable – 36


જે તટસ્થતાથી, ખુલ્લા દિલથી વખાણ કરી શકતા હોય એમનો ભૂલ બતાવવાના હકનો પ્રેમથી સ્વીકાર કરવો જોઇએ.
-સ્નેહા.

unbetable – 35


કામ બે પ્રકારે થઈ શકે છે.
૧) થોડું કામ કરીને બૂમાબૂમ (માર્કેટીંગ) કરીને દુનિયાના છેડા સુધી તમારું કામ ત્વરાથી પહોંચાડી દો.
૨) ચૂપચાપ તમારું કામ કરતા જાવ અને હજુ એ બહેતર કેમ બને, પોતાના થકી વધુ સંતોષ કેમ મળે એના પ્રયાસોમાં એ વિષયમાં વધુ ઉંડા ડૂબતા જાઓ.
પહેલાં પ્રકારના લોકો સ્માર્ટ અને પ્રસિધ્ધ કહેવાય છે બીજા ડોબા અને સફળ.
-સ્નેહા પટેલ.

unbetable-34


કોઇને પ્રથમવાર મળીએ તો…
એની સાથે આદરથી વાત કરવાની શરુઆત કરીને અપેક્ષામાં આદરસહિત વાત થાય એવી ઇચ્છા થાય.
આદર આપ્યાં પછી સામે તોછડાઈથી વાત શરુ થાય તો  બે વાત થાય
૧. જેવા સાથે તેવાનો વ્યવહાર અમલમાં મૂકાય
કાં તો
૨.એના કારણે આપણો સ્વભાવ શું કામ બગાડવોની ભાવનાસહ એની સાથે ખપપૂરતી વાત કરીને  ચાલતી પકડવાનું મન થાય.
-સ્નેહા

વલણ


foolchhab > navrash ni pal > 20-02-2012

ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,-
નહીતર એકસરખી જ વાંસ-ળી છે.

– આદમ ટંકારવી

આશ્વીનો મગજનો પારો આજે બરાબરનો છટકેલો હતો. એની દીકરી ખનક બહુ જ બેજવાબદાર હતી. એને કોઇ પણ વસ્તુ અપાવો બીજા જ દિવસે એ કાં તો ખોવાઈ ગઈ હોય કાં તો તૂટી ફૂટીને નવરી થઈ ગઈ હોય અને એ પછી આશ્વીનું લાંબુ લચક લેકચર ચાલુ થઈ જાય;

‘અઢાર વર્ષ પૂરા થઈને આવતા મહિને ઓગણીસમું વર્ષ બેસશે, કાલે ઉઠીને  સાસરે જઈશ. ત્યાં તારી આવી બેજવાબદારી કોણ ચલાવી લેશે..? સાસરીમાં તારું અને તારા માવતરનું નામ બોળવાની તું આમ તો..” આમ ને આમ અડધો કલાક લેકચર ચાલતું અને પછી આશ્વીનો ગુસ્સો માંડ શાંત થતો. એનો ગુસ્સો જોઇને ખનક ઓર ઉદ્દંડ – કેરલેસ બનતી જતી અને ઘણીવાર મમ્મીના ગુસ્સા સામે પોતે કઈ જ પ્રતિરોધ ના કરી શકતા અકળામણમાં જાણી જોઇને અમુક વસ્તુઓની તોડફોડ કરી મૂકતી.

 

આજે વાતમાં એમ હતું કે, જીદ કરીને ખનકે લેટેસ્ટ એંડ્રોઈડ્ફોન બર્થડેની ગિફ્ટ તરીકે થોડા દિવસ પહેલાંજ લઈ લીધેલી. હજુ તો માંડ અઠવાડિયું થયું હશે અને એનો ફોન દસ વાર પછ્ડાઇ ચૂક્યો હતો, એની સ્ક્રીન પરથી સ્કીનગાર્ડ નીકળી ગયેલુ અને દસબાર લીસોટા પણ પડી ચૂકેલા. વળી નવા નવા એપ્સ ડાઉનલોડ કરતા કરતા એનો ફોન હેંગ થઈ ગયો. ખનકે એને ચાલુ કરવા બહુ ધમપછાડા કર્યા પણ સફળ ના રહી અને છેલ્લે એને રીપેર કરાવવા પાછળ રુપિયા 4,000નો ખર્ચો થઈ ગયો. આટલા કિઁમતી ફોનની આવી હાલત જોઇને આશ્વીનો જીવ કળીએ કળીએ કપાઈ જતો. કેટલી મહેનત કરીને મા – બાપ પૈસા કમાય, પાઈ પાઈ કરીને રકમ જોડીને સઁતાનોને મોઁઘી મનપસંદ ગિફ્ટ અપાવે અને એ લોકો સાવ આમ બેજવાબદારીપૂર્વક વર્તે…આવું તો કેમનું પોસાય ?

‘ખનક, આજે તો તને કોઇ બરાબરની શિક્ષા કરવી જ પડશે – તો  તું સુધરીશ. તું પહેલાં થોડા પૈસા કમાતા શીખ, આ મોબાઈલની કિઁમત જેટલા પૈસા ભેગા કર અને પછી મારી જોડે આ મોબાઈલ પાછો માંગજે’

આમ બોલીને આશ્વીએ એની પાસેથી એનો મોબાઈલ પાછો લઈ લીધો. ખનકે લાખ ધમપછાડા કર્યા, મોબાઈલની સાચવણીની હજારો કસમો ખાધી..પણ  આ વખતે આશ્વી ટસથી મસ ના થઈ. ‘જે વસ્તુ સાચવી ના શકો એ વસ્તુ વાપરવાનો તમને કોઇ હક નથી. પહેલાં એ વસ્તુની જાળવણી કેવી રીતે કરવી એ શીખો પછી જ એ વસ્તુ વાપરવાને તમે હકદાર કહેવાઓ..’

એ એની આ વાત પર મકક્મ રહી.

ખનક મન મસોસીને રહી ગઈ. એની એક પણ દલીલ અસરકારક નહોતી નીવડતી. પોતાની બેજવાબદારી કબૂલ પણ સામે મમ્મીની તાનાશાહી પણ થોડી વધારે જ કહેવાય એવા વિચારોથી એની અકળામણ રોજ વધતી ચાલતી.

અઠવાડીઆ પછી આશ્વી લેપટોપમાં કામ કરી રહી હતી. એક નવું સોફ્ટવેર ડાઉનલોડ કરવા જતા એનું લેપટોપ હેંગ થઈ ગયું. બહુ મથામણ કરી પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ના થયું. અંતે એણે એના પતિ સુહાસને બોલાવ્યો,

‘સુહાસ,આj જોને લેપટોપમાં કંઈક પ્રોબ્લેમ છે..સમજાતું નથી જોઇ આપને જરા..’

સુહાસે આવીને શિફ્ટ –ઓલ્ટર –કંટ્રોલ બધીય કીનો ઉપયોગ કરી જોયો,,,છેલ્લે એણે લેપટોપ શટડાઉન કર્યા સિવાય કોઇ ઉપાય ના દેખાયો પણ એમ કરતાં આશ્વીની અમુક કામની ફાઈલો સેવ નહતી થઈ એ મિસ થવાના ભરપૂરચાંસીસ હતાં, કદાચ ઓટો રીકવરીમાં એ ડોક્યુમેંટ્સ મળે પણ ખરા…ના પણ મળે…આશ્વી બરાબરની મૂંઝાણી..એના ત્રણ –ચાર કલાકની મહેનત પર સાવ આમ શટડાઉનનું ટાઢુઁ પાણી ફરી જશે એવો તો સ્વપ્ને ય ખ્યાલ નહતો.

સુહાસે લેપટોપ ફરીથી ચાલુ કરવાનો ટ્રાય કર્યોપણ ના જ થયું છેવટે એને રીપેર કરવા આપવું પડ્યું. વાત એમ હતી કે આશ્વીના લેપટોપમાં એન્ટી વાયરસ સોફ્ટવેરની ડેટ અઠવાડીઆ પહેલાંજ પતી ગઈ હતી –એક્સપાયર થઈ ચૂકી હતી અને નવું સોફ્ટવેર ઓનલાઈન પરથી જરુરી સિક્યોરીટીસ ચેક કર્યા વિના લેવા જતાં એમાઁ કોઇ વાયરસ આવી ગયો હતો.

‘આશ્વી, જે વસ્તુ વાપરે છે એની જાળવણી કરતાં પહેલાં શીખ.આ બધા ડીવાઈસીસ જેટલા સુવિધાજનક છે એટલા જ ભારે જાળવણી માંગી લે છે. તેં ધ્યાન રાખીને એન્ટી વાયરસ ટાઈમસર નાંખી દીધું હોત તો આ પ્રોબ્લેમ ના નડત. વળી જે તે સાઈટ પરથી ડાઉનલોડ કરતાં પહેલાં એની રીલાયબીલીટી પ્રોપર ચેક કરતાં શીખ. આ બધા પાયાના જ્ઞાન વગર લેપટોપ વાપરીશ તો ભવિષ્યમાઁ આવીને આવી ભૂલો વારંવાર થશે.’

સુહાસે પ્રેમપૂર્વક આશ્વીને એની ભૂલ સમજાવી અને ઓફિસે ચાલ્યો ગયો, સામે સોફામાં બેઠી બેઠી ખનક આશ્વીની સામે એકીટશે નિહાળી રહી હતી. એની નજરની ભાષા સમજતા આશ્વી હલબલી ગઈ. એણે પણ પોતાની દીકરી ખનક જેવી જ ભૂલ કરી હતી ને..!  લેપટોપના પાયાની જરુરિયાતની, મહત્વની વાતોની કયાં દરકાર કરી હતી. પોતાની ભૂલ પર પતિ સુહાસે પ્રેમથી જ સમજાવ્યું ને…એણે પણ ગુસ્સામાં આવીને પોતે જેમ ખનકનો મોબાઈલ લઈ લીધો હતો એમ પોતાનું લેપટોપ લઈ લીધું હોત તો ..? કદાચ પોતે પણ સુહાસની જેમ પહેલેથી જ ખનકને પ્રેમથી સમજાવવાનું વલણ રાખ્યું હોત તો ખનક આટલી જીદ્દી ના પણ હોત..પોતાના ગુસ્સાના કારણે પોતાનું સંતાન ‘હાયપર’ બની ગયું હોય એ શક્યતા નકારી શકાય એમ ક્યાં હતી..!

 

આશ્વીની આંખમાં આંસુ છ્લકાઈ આવ્યાં અને ઉભા થઈને કબાટમાંથી ખનકનો મોબાઈલ કાઢીને લઈ આવી અને એને મમતાળુ આલિંગન કરી, માથા પર એક ચુંબન કરીને બોલી,

‘ખનક, મને તારી પર વિશ્વાસ છે કે હવે તું આ મોબાઈલ બરાબર સાચવીશ મારા દીકરા..’

મમ્મીના હેતાળ શબ્દોથી ખનકને પણ ભરપૂર પસ્તાવો થતો હતો અને એણે પણ શક્ય એટલી પોતાની વસ્તુઓની જાળવણી કરવાનો નિર્ણય કર્યો.

Unbeatable : દરેક ઘટનાની મુઠ્ઠીમાં નવી સમજની રેખાઓ હોય છે.

 

‘લાલજીને ગમે એ રાણી’


Snap1

Take it easy -30

શિયાળાની રવિવારની વહેલી સવાર !  આટલું લખું એટલે બધાની નજર સામે પોતાનો બેડ, પીલૉ, રજાઈ અને અલાર્મ બંધ કરીને મૂકેલા ટેબલક્લોક -મોબાઈલ યાદ આવી જાય એ નક્કી.આ સવારની એક પોતીકી અદભુત અવિસ્મરણીય અનુભૂતિ, અલગ જ મજા હોય છે . જોકે આ દિવસના વહેલી સવારની કોઇ ‘ સ્પેસીફીક ડેફીનેશન’ નથી હોતી.ઘણાની સવાર ૫ વાગ્યે પડે તો ઘણાની સાત તો ઘણાની ૧૧ વાગ્યે પણ ના પડે..બધાની પોતપોતાની ઘડિયાળ અને પોતપોતાના સમયના રાજા / રાણી ! અરે.. રવિવારની વહેલી સવાર પર લેખ લખવાનો કોઇ વિચાર નથી એટલે તમે ચિંતા ના કરશો આ તો એ સમય મને બહુ પ્રિય એટલે એના પ્રેમમાં થૉડી વહી ગઈ.

હા, તો મેઈન વાત એમ હતી કે, શનિવારની રાતે મોડે સુધી ટીવી જોઇને ‘રવિવાર નામની રજાનો પર્વ’ ધામધૂમથી મનાવવાના ઇરાદા સાથે રાતે ૩.૦૦ વાગ્યે સૂઇ ગયેલી પણ વહેલી સવારે   (મારી વહેલી સવાર લગભગ ૫.૩૦ વાગ્યે પડી હતી ) જોરજોરથી કોઇની વાતો કરવાના અવાજો મારા નાજુક કાનના પડદા ચીરીને એમાં જબરદસ્તીથી પ્રવેશી ગયા. મારો ફ્લેટ  ત્રીજા માળે છે અને તો પણ મારી હાલત આવી થઈ તો પહેલે માળે રહેનારની શું હાલત થતી હશે..? પરોપકારી જીવ હોવાથી ઉંઘમાંથી ઉઠતાની સાથે જ મને આ વિચાર પહેલો આવ્યો. એ ખતરનાક ધ્વનિના માલિકને જોવા માટે પડદો હટાવીને નીચે નજર કરી તો મારી અધખુલી – નિંદ્રાદેવીના પ્રભાવ હેઠળ રહેલી આંખો પૂરેપૂરી એની ઓરીજીનલ સાઈઝમાં ખૂલી ગઈ અને સાથે સાથે મોં પણ પહોળું થઈ ગયું જેની પર તરત મેં મારો કંટ્રોલ રાખીને બંધ કરી દીધું.

નીચે લગભગ ૨૦-૨૫ માણસોનું ટોળું હતું જે ધીરે ધીરે મારી બાજુની બિલ્ડીંગના બીજા માળે શિફટ થઈ રહ્યું હતું.

‘મૂયો આ બીજો માળ, જ્યારથી અમે અહીં રહેવા આવ્યા છીએ ત્યારથી દર છ મહિને ત્યાં નવા નવા ભાડૂઆતો બદલાયા જ કરે છે. હજુ તો પહેલા ભાડૂઆતના ચોકઠાથી આપણે માંડ ટેવાયા હોઇએ ત્યાં તો બીજો નમૂનો આવી ગયો હોય..’વિચારીને મેં પડદો બંધ કર્યો અને ફરીથી સૂવાનો પ્રયત્ન કરવા લાગી.

ત્યાં તો  બીજા માળે ખુરશીઓ ખસવાના અવાજ આવવા લાગ્યાં..પ્લાસ્ટીકની ખુરશીઓ હતી એટલે ટર્રર..ર…ર..ચ..જેવા વિચિત્ર સ્વરમાં અવાજ આવતા હતાં.બેડમાં બાજુમાં પડેલો નાનો પીલો લઈને કાન પર દબાવીને હું વિચારવા લાગી કે એવી તો કેટલી ખુરશીઓ સામાનમાં લઈને આ લોકો આવ્યાં હશે…ચોકકસ બહારગામની પાર્ટી લાગે છે નહીંતર અમદાવાદની પાર્ટી પોતાની અને બીજાની ઉંધ આમ સવાર સવારમાં તો ના જ બગાડે નિરાંતે ૧૦ વાગ્યે સવાર પડવાની રાહ જુએ.

મારા જેવા શાંતિપ્રિય માણસોને વસવાટ લાયક આ ધરા પર યોગ્ય સ્થાન જ નથી..મારે હવે પેલા સ્પેસ- એકસ કંપનીવાળા ‘એલન મસ્ક’ માર્સ કોલોની ડેવેલોપમેંટ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાની સરકારની મદદથી મંગળ પર રહેવા માટેનો રેસિડેન્સીયલ પ્લાન વિચારે છે એમાં વહેલી તકે એક ઘરનું બુકિંગ કરાવી દેવું  છે. મંગળ પર રહેવામાં આવા ‘ કચકચીયા પાડોશી’ નામના ગ્રહો તો ના નડે..એ તો અહીં પૃથ્વી પર જ નડે..વહેલી સવારના મારું મગજ એની સુપરસ્પીડમાં વિચાર કરતું હોય…પૂરેપૂરા ફોર્મમાં કાર્યાવિન્ત હોય પણ આ અડધી ઉંઘના ઘેનમાં આજે એ થોડી બહેકી ગયેલું અને વિચારોના આડાઅવળા રસ્તે ચઢી ગયેલું.

ત્યાં તો એ ભાડૂઆત વાળા ફ્લેટમાંથી નાના છોકરાંઓના અવાજ આવવા લાગ્યા..

‘હેય..આ મારી લોલીપોપ છે, મારી મમ્મીએ અપાવેલી’હળન

‘તું મારો ભાઈ નહી’ નાની ૫-૬ વર્ષની છોકરી જેવા અવાજમાં પ્રષ્નના રેપરમાં ઇમોશનલ બ્લેકમેઈલ વિટાળીને ફેંકાયું.

‘તમે બે ય જણ મને મૂકીને લોલીપોપ ખાઓ છો ને..હું કાકીને જઈને કહી આવ્યો..’ આ વળી એક નવો અવાજ..

હવે હું ચમકી..આ કેટલા ફેમિલી એકસાથે રહેવા આવ્યાં છે આ ઘરમાં..! ત્યાં યાદ આવ્યું કે મેં લગભગ ૨૦-૨૫ માણસો જોયેલા એ બધાં કઈ ભાડૂઆત તો ના જ હોય..મારે અડધી ઉંઘમાં એ સીનને સમજવામાં કંઈક લોચા વાગ્યા ચોકક્સ.

આંખો મસળી, રજાઈમાંથી બહાર નીકળવાની હિંમત ભેગી કરીને પીલોને મોઢા પરથી હટાવીને હું ઉભી થઈ. મોઢું ધોઈને હવે પડદા પાછળની બારીના બદલે દરવાજો ખોલીને ગેલેરીમાં જઈને જ એ ઘર તરફ જોવાનો નિર્ણય લીધો અને કડકડતી ઠંડીમાં ગેલેરીમાં જઈને ઉભા રહીને પાલન કર્યું.  ઉતાવળમાં સ્લીપર્સ પહેરવાના ભૂલી ગયેલી તો કાલના માવઠાની અસરમાં આવી ગયેલી ગેલેરીની ટાઇલ્સ પર પગ મૂકતાં જ એક ઠંડું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું.. નીચે એક મસમોટું આશ્ચર્ય મોઢું ફાડીને ઉભેલું જોવા મળ્યું.

ખાલી ઘરની રોડ સાઈડ પડતી ગેલેરીમાં ઠેર ઠેર શેતરંજી પથરાયેલી હતી, ઉપર તકિયા અને કવર થોડા થોડા અંતરે ગોઠવાયેલા, એક બાજુ ગરમ ધાબળાની થપ્પી કરેલી હતી, બારણાની પાસે એક મોટા લોખંડના તગારામાં ચા પીને કરાયેલ કપ – રકાબી અને ફાફડા -ગાંઠીયાની ઉજાણીની ચાડી ખાતા મરચા અને કાચા પપૈયાની છીણની ડીશોનો ખડકલો હતો. બાજુમાં ગોળાકારે બેઠેલા ૬-૭ પુરુષો નજરે પડયાં. આ ટોળું વળીને શું કરતા હશે..સવાર સવારમાં ચાની સાથે પત્તાની મહેફિલ જમાવી હશે કે શું..? આંખો ઝીણી કરીને જોતાં ખ્યાલ આવ્યું કે એક્ ભાઈ એમનો બેલ્ટ લઈને બેઠેલા અને બાકીના એના પર કંઈક સંશોધન કરી રહેલા…એવું તો શું હશે એ રેક્ઝીનના સાદા એવા બેલ્ટમાં..પંચાતિયા મગજે બહુ વિચાર્યુ પણ એનો કોઇ સંતોષજનક ઉત્તર ના મળ્યો.. ત્યાં તો એ ઘરની બીજી અંદરની બાજુ પડતી ગેલેરીમાં નજર પડી તો ત્યાં ૫-૭ સ્ત્રીઓ નજરે પડી. એકના વાળ હમણાં જ ધોઈને બહાર આવેલી એ સ્પષ્ટ દેખાતું હતું..અટલી ઠંડીમાં વાળ ધોવાની કલ્પનાથી જ મને અચાનક વધારે ઠંડી લાગવા માંડી. થોડી બેનો કિંમતી સાડીમાં ફરતી હતી અને બીજી ઘરેણાં પહેરીને તૈયાર થતી હતી. બીજી બે બેન વાતો કરતી હતી એમાંથી એક બેન સતત અંદરના રુમમાં એની નજર ફેરવતી ધીમે ધીમે બોલતી હતી ..કદાચ અંદર રહેલી કોઇ વ્યક્તિની કૂથલીની મજા માણી રહી હશે..એક માજી હાથમાં ખાલી ‘મરુન ડિઝાઈનનું ક્રીમ ‘કલરનું કવર લઈને એમના દીકરા જેવડા છોકરા જોડે ઉભા ઉભા કંઇક મોટી અવઢવમાં પડેલા દેખાતા હતા – દીકરાના હાથમાં પર્સ હતું એ જોઇને મને લાગ્યું કે કદાચ કવરમાં મૂકવાની રકમ નક્કી થઈ રહી હશે..બધી અટક્ળોવાળા પ્રસંગોના ટુકડાં જોડતાં એમાં મને કોઇ શુભ પ્રસંગની એંધાણીઓ વર્તાઈ.

આપણા ભારત દેશમાં ધાર્મિક પ્રસંગોએ રાતના ૩ વાગે પણ જોર જોરથી ઢોલ પીટવા પર પાબંદી નથી. ધર્મના નામે બધું ય ચાલે..ના ચાલે તો ય કોઇની એની સામે ચૂં કે ચા કરવાની હિંમત ના થાય.થોડી બારીકાઈથી આજુબાજુના ઘરોનું ઓબઝર્વેશન કરતાં ધ્યાન પડ્યું કે ડાબી બાજુનો ચોથા માળનો ફ્લેટ પણ આવી જ તૈયારીઓથી ધમધમી રહેલો.ત્યાં તો મારા કર્ણપટલ પર જાણીતા  શબ્દો અથડાયા,

‘નાણાવટી રે સાજન બેઠું માંડવે..’

ઓહ…આ તો કોઇના લગ્ન લાગે છે..પણ કાલે તો કોઇ ચહલ પહલ નહતી અને આજે એકાએક આ બધું..? સસ્પેન્સના વમળોમાં ઘુમરીઓ ખાતી ખાતી હું હવે કડક મજાની ચાના ડોઝ વગર વધારે કંઈ નહી વિચારી શકું એવી પાકી ખાતરી થતાં બ્રશ કરીને ચા મૂકીને પેપર લઈને બેઠી. બહુ વખત પછી મારા ઘરમાં રવિવારે ૭ વાગ્યામાં ચાની સુગંધી ફેલાઈ. ત્યાં તો પતિદેવ ઉઠ્યા અને મારી પાસે આવીને બેઠા..મારા હાથમાંથી પેપર લઈને એમાંથી વચ્ચેના પાના એમણે લઈ લીધા ઃ’તું તારે વાંચ પેપર શાંતિથી…હું પછી વાંચીશ..આ તો જરા વચ્ચેના પાના પર નજર ફેરવી લઉં..’

સામે જવાબ આપવા જવાની ઇચ્છાને તીવ્રપણે રોકીને એમની સામે જોયું..આંખોને આંખોમાં જ ઓલમોસ્ટ બધી વાત પતી ગઈ .

કહેવાતું હાથમાં આવેલું છાપું વાંચીને એક મોટું બગાસું ખાઈને પતિદેવ ઉવાચઃ

‘સ્નેહા..તને ખબર છે..આપણી સામે ચોથા માળે પેલી લબ્ધી રહેતી હતી ને…૧૮-૧૯ વર્ષની છોકરી..?’

‘હા..તો એનું શું ..’

‘આજે એના લગ્ન છે..એણે જાતે કોઇ છોકરો પસંદ કરી લીધેલો અને એના ઘરના માનતા નહતા… કાલે રાતે એનાઘરમાં મોડે સુધી ચર્ચાઓ ચાલેલી..અને આજે એકાએક એના લગ્ન લેવાનો નિર્ણય લેવાઇ ગયો..’

ઓહ..તો વાત એમ હતી.બધી સમસ્યાઓની ગુથ્થી સુલઝી ગઈ અને સસ્પેન્સમાં અટવાતા મારા પંચાતિયા મગજને થોડી રાહત મળી. શરીરે થોડી(!) હેવી કહી શકાય એવા- સ્વભાવ -સ્ટાઈલમાં બિલ્કુલ ગામડીયણ નમૂનાને સહન કરવાની તાકાત કયા માઈના લાલમાં ભગવાને મૂકી હશે..મનોમન મારાથી એ વધેરાઈ જનારા, વણદેખેલ ‘લાલ’ની દયા ખવાઈ ગઈ.

‘લાલજીને ગમે એ રાણી’

આપણે એમાં શું કરી શકવાના હતા અને કોઇ ‘ રાણી’ નું ભલુ થતું હોય તો આપણે દોઢડહાપણ પણ શું કામ કરવું જોઇએ. ભગવાન બે યને સુખી રાખે !

-સ્નેહા પટેલ.

only sneha…


કાલે એક ફેસબુકના ‘ફ્રેન્ડલિસ્ટમાં રહેલ વ્યક્તિ’ને મળવાનું થયું એણે બહુ જ ઇનોસન્ટલી કહ્યું કે મને ‘વાહ, ઑસમ’ એવી બધી કોમેન્ટ્સ કરતાં નથી આવડતું એટ્લે હું તમારામાં કોમેન્ટ્સ નથી કરતો પણ મારી એક મિત્ર તમારા બહુ વખાણ કરે છે. મને એક મિનીટ હસવું આવી ગયું પછી થયું કે આજકાલ લેખકોની – કવિઓની આવી છાપ છે કે તમે કોઇ પણ વ્યક્તિને મળો એટલે તમારી રીડરલોબી વધે? આ તો બહુ વિચિત્ર અને મારા જેવા સીધાસાદા મગજમાં ના ઉતરે એવી વાત..અલ્યા ભાઈ, હું તારો ફોટો જોઇને તને ઓળખી શકી અને તને હાય હલો કર્યું એમાં કોઇ સ્વાર્થ નથી. મારું લખાણ વાંચવું…કોમેન્ટ કરવી એ બધું એફબીમાં જ મૂકીને આવો તો કેવી મજા…

મને એક સીધી સાદી ‘સ્નેહા’ જ બની રહેવું ગમે છે..ને મને એવી રીતે જ લોકોને મળવાનું પણ ગમે છે..હું ભીડમાં ભળી જનારી માણસ છું નહી કે સ્ટેજ પર જઈને અલગથી બેસીને લોકોથી અલગ પડનારી સ્નેહા…

કોમેન્ટ્સ કે વાહવાહી ઉઘરાવવાના કોઇ જ પ્રચારો  મે કોઇ પણ પ્રકારે ચાલુ નથી કર્યા. લોકો એમની મરજીથી મારું લખાણ વાંચે અને સારું લાગે તો કોમેન્ટ કરે એના માટે મારે એમની ચાપલૂસી કરવી, વળતામાં કોમેન્ટીયા સંબંધો વધારવા એવી કોઇ જ જરુર નથી લાગતી.
-સ્નેહા પટેલ.

નથી…


હેત છે કે હૈયામાં માતુ નથી,

એ ય સાચું છે કે છલકાતું નથી.

 

સાંભળ્યાં બહુ સૂર સાતેસાત પણ,

રાગ જાણીતો કોઈ ગાતું નથી.

 

હેમથી શણગારી છે આ પાંખને,

ઉડવું છે પણ ક્યાંય ઉડાતું નથી.

 

જેની ચાહતમાં રગેરગ રિકત થઈ,

પ્રેમનું અમૃત તે પાતું નથી.

 

માર્ગ પણ કેવો મળ્યો અચરજ ભર્યો

ચાલવા માટે ય થોભાતું નથી.

-સ્નેહા પટેલ.

મેન્ટાલીટી


મેન્ટાલીટી

phoolchhab paper -janamabhoomi group > Navrash ni pal column > 13-02-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;

વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,

વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !

-વિવેક મનહર ટેલર

 

અમ્રુતા – લગભગ પચાસીએ પહોંચવા આવેલી વીસ વર્ષના દીકરાની મા હતી. આદ્યાત્-મ એનો પતિ એક મોટો બિઝનેસમેન હતો જેને કામકાજાર્થે  બહારગામની ટ્રીપ વધારે રહેતી હતી.

અમૃતાનો સૂર્યોદય રોજ સવારના પાંચ વાગ્યે થતો. દીકરાની કોલેજ બહારગામ હતી એથી એને રોજ બે કલાક અપડાઉન કરવું પડતું. કોલેજની કેન્ટીન બરાબર ન હોવાથી કમ્પલસરી એના માટે આખું ભાણું ટીફીન બનાવવાનું રહેતુ. વળી દીકરાને સવારે છ વાગ્યે ઉઠાડવાનો હોય…એ એક જ વારની બૂમમાં ઉઠી શકતો નહતો એથી અમૃતાએ એને વારંવાર ૧૦ -૧૦ મિનીટના અંતરાલે ઉઠાડવા એના પહેલા માળે આવેલા બેડરુમમાં જવું પડતું. સવાર સવારની ધમાલમાં સારી એવી એકસરસાઈઝ થઈ જતી. વચ્ચે પતિદેવ ઘરે હોય તો એમને  ઉઠાડવાની જવાબદારી પણ ખરી..ઘણીવાર આદ્યાત્મને સવારના ચાર વાગ્યે બહારગામ જવાનું હોય તો એના માટે ચા-નાસ્તો બનાવવા ઉઠવું પડે..આગલી રાતે જમ્યા પછી આદ્યાત્મ માટે થોડો ઘણો સાથે લઈ જવાનો નાસ્તો બનાવીને થાકી પાકી એ રાતના ૧૨-૧ વાગ્યે સૂતી હોય..સવારે ચાર વાગ્યે ઉઠે..પાછી સૂઇ જાય…પાછી અડધો કલાકમાં દીકરાની કોલેજનો સમય સાચવવા માટે ઊઠવાનું.. એ પછી સાસુ -સસરાની ચા -નાસ્તો અને છેલ્લે પોતાનું ટીફીન ભરીને દસ વાગ્યામાં તૈયાર થઈ ઘર સરખું કરીને દોડાદોડ કરતાં ઓફિસે ભાગવાનું. મેનેજમેન્ટ લેવલે રહેલ એનું કામ  એને ઓફિસમાં  પણ શાંતિનો શ્વાસ નહતું લેવા દેતું..રોજ રોજની ઓફિસ સ્ટાફના પ્રોબ્લેમસ સોલ્વ કરવાના, એ બધાની વચ્ચે પોતાની મહત્વની ફાઈલો મેનેજ કરવાની..ઘણીવાર તો લંચ લેવાનો સમય પણ નહતો રહેતો અને એનું ટીફીન એમનું એમ પાછું આવતું.

 

કાલે રાતે આદ્યાત્મ બહારગામથી રાતના બે વાગ્યે આવેલો અને અમૃતા એને એરપોર્ટ પર લેવા ગયેલી.સૂતા સૂતા લગભગ ૪ વાગી ગયા હતા. આજે પાંચ વાગ્યે ઉઠવાનુંહતું…દીકરાના એક મિત્ર માટે પણ ટીફીન બનાવવનું હતું એટલે કમ્પલસરી પાંચ વાગે ઊઠવુ પડે એવી હાલત હતી. જેમતેમ બધું કામકાજ પરવારીને ઓફિસે પહોંચી અને ઓફિસમાં પણ કકળાટ..આખો દિવસ માથું સખ્ખત દુઃખતું હતું. જેમ્તેમ કરીને દિવસ પસાર કર્યો.

સાંજે ઘરે પહોંચતા રસ્તામાંથી શાકભાજી, કરીયાણું જેવી રોજબરોજની ખરીદી કરતા કરતા સમયસર ઘરે પહોંચીને સાંજનું જમવાનું સમયસર બનાવવાનું ટેન્શન સતત એના શિરે તોળાયા કરતું.

ત્યાં તો ગાડી ચલાવતા ચલાવતા અચાનક અમૃતાને ચકકર આવતા હોય એમ લાગ્યું.  ફટાફટ ગાડીને સાઈડમાં ઉભી રાખીને સ્ટીઅરીંગ પર બે મીનીટ માથું મૂકીને એ બેસી રહી. થોડીકળ વળતાં એણે પોતાના મોબાઈલમાં સ્પીડ ડાયલમાંથી આધ્યાત્મને તરત ફોન લગાવ્યો અને પોતાની ખરાબ હાલત વિશે જણાવ્યું. નસીબજોગે આધ્યાત્મ ત્યાં નજીકના વિસ્તારમાં જ હતો એથી એ તરત ત્યાં આવી શક્યો અને અમૃતાને સાચવીને ઘરે લઈ ગયો. આદ્યાત્મએ અમૃતાને ઘરે જઈને લીંબુનુ શરબત પીવડાવ્યું અને એને આરામ કરવાનું કહીને ફેમિલી ડોકટરને ફોન કર્યો. ડોકટર એનો મિત્ર હતો એથી ફોન કરતા’કની સાથે જ બધા કામ બાજુમાં મૂકીને  થોડીવારમાં એના ઘરે પહોંચી ગયો.

થોડીવારના આરામ પછી હવે અમૃતાને સારું લાગતું હતું. ડોકટરે આવીને એને ચેક કરી તો ખાસ કંઈ ચિંતાજનક નહતું પણ એનું બ્લડપ્રેશર ૧૧૦-૧૭૦ની સપાટીને સ્પર્શતું હતું. ઘરમાં બધાને નવાઈ લાગી. આટલા વર્ષોની આટલી એક્ટીવ લાઈફ જીવનાર હસમુખી, તાજગીસભર અમૃતાએ ક્યારેય માથું દુખવાની સુધ્ધા કમ્પ્લેઈન કરી નહતી. બધા પોતાના કામકાજ નો ભાર અમૃતા પર સરળતાથી નાંખીને પોતે બિન્દાસ લાઈફ જીવવાને ટેવાયેલા હતા અને અમૃતાએ પણ એ બધો ભાર હસતારમતા પોતાના નાજુક ખભા પર ઉપાડી લીધેલો. પણ ડોકટરે બધાની લાડલી અમ્રુતાને મેન્ટલ અને ફ્ઝિકલ બેય રીતે એના કામકાજ અને સ્ટ્રેસથી દૂર રાખવાની વાત કહીને ઘરનાને ચિંતામાં મૂકી દીધા હતાં. ઘરમાં બધાને પોત-પોતાના કામ સમયસર પતાવવા  ‘અમૃતા’ નામના સપોર્ટની ટેવ પડી ગઈ હતી.

 

આદ્યાત્મને કાલથી ચાર દિવસની ટુર પર જવાનું હતું અને એના માટે એણે સવારે સાત વાગ્યે નીકળવાનું હતું. એણે મોબાઈલમાં, ટેબલ ક્લોકમાં બધે એલાર્મ મૂકી દીધું અને સવારે જાતે ચા નાસ્તો કરીને નીકળશે એવો નિર્ણય કરીને અમૃતાને આરામ આપવાનું નક્કી કર્યુ. દીકરાએ સ્વેચ્છાએ જાતે ઉઠીને તૈયાર થવાનું, જાતે આવડે એવું ટીફીન બનાવી લેવાનું અને છેલ્લા ઉપાય તરીકે કેન્ટીનનું બોરીંગ ખાવાનું ખાઈ લેવાનો નિર્ણય કરી લીધો. સાસુમાએ સવારની ચાનાસ્તાની જવાબદારી સાથે સાથે બને એટલું રસોડામાં મદદ કરવાની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી. બધાના કારણે અમૃતાને રોજ ૭-૮ કલાકની સાઉન્ડ સ્લીપ મળવા લાગી. થોડા દિવસ નોકરીમાં પણ પાર્ટટાઇમ કરવાનું વિચારી લીધું. મહિનામાં તો અમ્રુતા એકદમ બરાબર થઈ ગઈ. ઘરમાં બધાને એની બિમારીના કારણે વેઠવી પડતી તકલીફથી એ મનોમન દુઃખી થતી હતી.

 

એક દિવસ એણે ચા પીતા પીતા આદ્યાત્મને કહ્યું,

‘આદ્યા, હવે હું પહેલાની જેમ કામ કરી શકીશ એમ લાગે છે. બહુ રેસ્ટ કરી લીધો..તમને બધાને બહુ તકલીફ પડે છે મારા લીધે કેમ..?’

અને આદ્યાત્મ બોલ્યો,’ના અમી, અમને બધાને તકલીફ નથી પડતી પણ અમારા કામ જાતે કરવાની આદત પડવા લાગી છે. અમે બધા કાલે જ વાત કરતા હતા કે આપણે અમૃતા પર કેટલો બધો કામનો બોજો નાંખી દીધેલો…દરેકના સમય સાચવવામાં તારી શરીરની ઘડિયાળ બગાડી કાઢેલી. તારે પણ હવે તારી એ મેન્ટાલીટી બદલવાની જરુર છે કે ઘરની વહુ એટલે બધા કામ અને બધાના સમય સાચવવામાં જ જીંદગી ખતમ કરવાની…હવે જે રીતે બધા ટેવાઈ ગયા છે એ બરાબર જ છે. દીકરો પણ એનું ખાવાનું,દૂધ નાસ્તો જાતે કરવાનું શીખી ગયો છે. જ્યારે શક્ય હોય ત્યારે મમ્મી કે હું પણ એને હેલ્પ કરી લઈએ છીએ..તને સમય મળે ત્યારે તું પણ ઘરના કામો કરી લેજે..પણ બધી જવાબદારી તારી એકલીની નથી જ..બધાએ પોતાની શક્ય એટલી જવાબદારી જાતે ઉપાડવાની વૃતિ કેળવવી જ જોઇએ. તારે પણ તારી જુની પુરાણી ‘ફરજોના લિસ્ટ’ સંભાળવાની મેન્ટાલીટીમાંથી બહાર આવવાની જરુર છે. માનવી પોતાના કામ પોતે કરે એ ગર્વની બાબત છે એમાં તું ગિલ્ટી ફીલ ના કર. જીંદગીનો થોડો સમય તું તારા માટે પણ જીવ.

અને અમૃતા વિચારી રહી , ‘ આદ્યાની વાત પર ગંભીરતાથી વિચારવા જેવું છે.’

 

અનબીટેબલ :  પોતાના જીવનમાં બદલાવ લાવવા સૌ પ્રથમ સ્ત્રીઓએ પોતાની જુનીપુરાણી મેન્ટાલીટીમાંથી બહાર આવવાની જરુર છે, એ પછી સમાજ સામેથી  તમારી વાતને ત્રણ ‘સ’ – સન્માન,સમર્થન અને સ્વીકાર આપશે.

unbetable – 33


ઘણીવાર મારામાંનો વિવેચક તીવ્ર રીતે મારા મનોમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે, એને હું મારી સર્જનાત્મકતાની આણ આપીને ધીરજથી પાછો સાચા રસ્તા પર લઈ આવું છું. મારું કામ ફકત નવું નવું સર્જનાત્મક કાર્ય કરવાનું છે..લોકોની ખોડખાંપણો કાઢીને નીચા બતાવવાનું મહાન કામ કરીને મારે મારો રસ્તો ભૂલીને મારી મંજિલથી દૂર નથી થવું.

-સ્નેહા.

unbetable -32


સંબંધોમાં ભૂલ કાયમ બીજા પક્ષની જ હોય છે.આ બીજો પક્ષ એટલે કોણ એના પર ધ્યાનથી વિચારાય, ખુલ્લા દિલથી હકીકતોનો સ્વીકાર થાય તો બધી સમસ્યાઓનો ઉપાય હાથવેંતમાં જ હોય છે.
-સ્નેહા પટેલ.

સમજદારની સમજણ


 phoolchhab paper > panchmrut poorti >Navrash ni pal column > 06-02-2013

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,

એમના ઘરમાંય બારી જોઈએ.-

-મુકેશ જોષી.

 

રાજીવ  પાંત્રીસે’ક વરસનો સરળ -પ્રામાણિક અને સમજદાર વ્યક્તિ હતો.એના સંસારમાં માતા -પિતા,સરળ-વિવેકી-સાલસ પત્ની રુચા અને બે રુપકડાં બાળકો અર્થ અને પ્રાપ્તિનો સમાવેશ થતો હતો. ઉંમર તો નાની હતી પણ આ પાંત્રીસ વર્ષોમાં રાજીવે જીવનની દરેક મોસમના કડવા -મીઠા ફળો ચાખી લીધેલા. હંમેશા બધી વાતમાંથી સારું શીખી અને ખરાબને વિદાય કરવાની એની વૃતિએ સદૈવ પોઝીટીવ વાતો શીખવેલી. આટલી નાની ઉંમરે પણ ઘરના નાના મોટા દરેક જણ કોઇ પણ મહત્વની વાતનો નિર્ણય લેતા પહેલાં રાજીવની જોડે ચર્ચા વિચારણા જરુરથી કરતાં અને એની વાત પર ધ્યાનથી વિચાર કરીને માન્ય પણ રાખતાં.

 

આજકાલ રાજીવ બહુ ઉદાસ રહેતો હતો. એક બાજુ ધંધામાં મંદી – દિન-પ્રતિદીન વધતી જતી હરીફાઈ અને બીજી બાજુ મોંઘવારી – આ બધું ય ભેગા થઈને એની કમર તોડી કાઢતા હતાં. જેટલું વધારે કમાય એટલા ખર્ચા વધતા જતા હતાં. પિતાજીનું પેન્શન આવતું પણ એ તો સાવ ચણા – મમરા જેવું જ લાગતું. છ સભ્યોના કુટુંબને એક માણસની કમાણીમાંથી પોસવા એ લગભગ અશક્ય જ હતું પણ રાજીવ પોતાની આ હાલત કોઇને કહી શકતો નહતો અને અંદરો અંદર મૂંઝાયા કરતો હતો. હંમેશા એણે લોકોની તકલીફોમાં સાથ આપેલો, એમના પ્રોબ્લેમ સોલ્વ કરીને એમાંથી બહાર કાઢવામાં મદદ કરી હ્તી પણ આજે પોતાની સમજણ પોતાને જ કામ નહતી લાગતી. એની હાલતનો થોડો ઘણો અંદાજ એની પત્ની રુચાને આવતો હતો પણ એ સાલસ સ્વભાવની સ્ત્રી પોતાના ગજા અનુસાર પતિ સાથે વાત કરતી અને એને હૈયાધારણ આપતી. રાજીવ એની લાગણી સમજી શકતો હતો પણ લાગણીથી એની કમાણીમાં કોઇ ભરતી આવે એવા ચમત્કાર તો થવાના નહતા.

રુચાના બેન અને બનેવી બેય રાજીવની ખાસી નજીકની વ્યક્તિ હતાં. એ લોકો ઘણા વખતથી રાજીવનો આ સંધર્ષ જોતા હતા અને રાજીવના બોલ્યા વગર પણ એની તકલીફ સમજી શકવાને સમર્થ હતાં. રાજીવના ધંધામાં દિન -બ-દિન હરીફાઈઓ વધતી જતી હતી અને રોજ નવા નવા ભણેલા ગણેલા યુવાનો એમાં બાપદાદાના કરોડોના ઇનવેસ્ટમેન્ટ્ સાથે ઉમેરાતા જતા હ્તા. જેની સામે રાજીવ પોતાના પગ પર ઉભો થયેલો એક સામાન્ય ઘરનો છોકરો ઝીંક નહતો લઈ શકતો.મહેનત કરવામાં ક્યારેય પાછી પાની નહતી કરી કે ક્યારેય વિપરીત સંજોગોમાં હાર પણ નહોતી માની. પણ વર્ષોથી એકની એક સ્થિતી અને માર પડે રાખતા રાજીવ હવે થોડો થાકયો હતો. એના માટે હવે એક જ ઓપ્શન હતું કે એ આ ધંધો છોડીને કોઇ સારી કંપનીમાં સારા પગારે નોકરી સ્વીકારી લે.  રુચાના બેન બનેવીએ એકાદ બે વાર આડકતરી રીતે આ વાત રાજીવના કાને નાંખવાનો પ્રયાસ કરી જોયો પણ રાજીવના ગળે એ વાત ઉતારી ના શક્યા. રાજીવ મકક્મપણે વિચારતો હતો કે અત્યારે ભલે ધંધામાંથી રેગ્યુલર ઇન્કમ નહતી થતી પણ એમાં પોતાનું સ્વમાન તો સચવાતું હતું. પહેલેથી ધંધાની ટેવ પડેલી તો હવે કોઇના હાથ નીચે નોકરી કરવાનું કદાચ પોતાને ના ફાવે અને આટલા વર્ષોની મહેનતે જમાવેલો ધંધો પણ ખોવાનો વારો આવે તો પોતે ના ઘરનો રહે કે ના ઘાટનો..ધંધામાં તો આવો સમય આવ્યા કરે…અત્યારે પોતાની જમાવેલી શાખના  પ્રતાપે થોડી બેંક લોન, ક્રેડીટ અને મિત્રો પાસેથી થોડા ઘણા નાણા ઉછીના પાછીના કરીને ધંધો સાચવી લેશે અને જ્યારે તેજી આવશે ત્યારે બધું સારા વા’ના થઈ રહેશે..આમે મળી મળીને પોતાને ૧૦,૦૦૦ – ૧૨,૦૦૦ થી વધારેની નોકરી ના મળી શકત.એનાથી પોતાના કયા દહાડા ભરાઈ જવાના હતા ? એના કરતા ધીરજ રાખીને થોડો સમય કાઢી લેવો વધુ સારો..

 

આ થોડો સમય ધીમે ધીમે  મહિનાઓ અને પછી વર્ષ અને અત્યારે વર્ષોમાં ફેરવાતો ચાલ્યો હતો. હવે ઘરના દરેક સદસ્ય રાજીવના ધંધાની હાલતથી માહિતગાર થઈ ગયેલા. દરેકની લાઈફ સ્ટાઈલ પર એની અસર વર્તાવા લાગી હતી. ખાનદાન, પ્રેમાળ અને સંસ્કારી સદસ્યો પોતપોતાની જરુરિયાતો બને એટલી ઓછી કરવાની તજવીજમાં રચ્યા પચ્યા રહેતા પણ રાજીવને શિખામણ આપવાની – સમજાવવાની કે સીધી ચર્ચા કરવાની કોઇની હિંમત નહતી થતી. બધાને રાજીવ માટે અનહદ લાગણી અને વિશ્વાસ હતો. એ ભલો માણસ એના ઘર માટે જ જીવે છે અને પૂરતી પ્રામાણિકતાથી ઘરના બે છેડા ભેગા કરવાના પ્રયત્નોમાં રચ્યો પચ્યો રહે છે એ વાતથી દરેકે દરેક માહિતગાર હતા.વળી એની સમજશક્તિ પર બધાને અનહદ માન હતું એટલે એને કંઈ જ અલગ સમજાવવાનું તો કોઇને સ્વપ્ન પણ ના આવે..રાજીવ જે કરે છે એ બરાબર જ કરે છે. આપણા કરતા એણે વધારે દુનિયા જોયેલ છે. આપણે તકલીફનો આ થોડો સમય પસાર કરી લઈને બને એટલા એકબીજાને સાચવી લેવાના છે ..બસ.એ લોકો આટલી જ વાત સમજી શકતા હતાં.

 

બે છેડા ભેગા કરવાના પ્રયાસોમાં વિફળ જતા રાજીવ રાતોની રાતો ઉંઘી નહતો શકતો..સતત તાણ અનુભવતો..આ ડીપ્રેશન દૂર કરવા માટે રાજીવ સિગારેટ અને શરાબની લતે ચડી ગયેલો..રુચા એકલી જ આ વાત જાણતી હતી. પોતાના શરીર સાથેની રાજીવની આ રમત એનાથી સહન નહતી થતી પણ તકલીફ એક જ હતી કે એ આ લત છોડવાનું પણ નહતી કહી શકતી. રાજીવનું ડીપ્રેશન દૂર કરી શકવાની એનામાં અત્યારે ક્ષમતા નહતી. પોતાના ગજા અનુસાર ઘરકામમાંથી પરવારીને આજુબાજુના છોકરાઓને ટ્યુશન્ કરાવીને થોડું ભરત ગૂંથણ કરી કરીને કમાણી કરવાના પ્રયત્નો કરતી. પણ મસમોટી ખાઈમાં આ પુરાણ કંઈ જ કામ નહતું કરતું. એના બેન બનેવી સતત રુચાને કહેતા કે રાજીવને સમજાવે કે ધંધો બદ્લી કાઢે કાં તો નોકરી શોધે…એમની નજરમાં ૩-૪ સારી નોકરી પણ હતી. પણ તકલીફ એ હતી કે રાજીવને આ વાત સમજાવે કોણ..એ તો પહેલેથી જ સમજદાર હતો. એ જે કરે એના પર બધાને વિસ્વાસ હતો. પોતાના દરેક પ્રોબ્લેમ્સમાં રાજીવની સલાહ કામ કરતી હતી એ જ રાજીવને સલાહ  આપવાનું વિચારે પણ કોંણ..?

 

આજે રુચાથી એક નિસ્વાસ નંખાઈ ગયો,

‘ જે બધાથી ઉપર છે, જે બધું જ સમજે છે એને એની ભૂલ સમજાવે કોણ.?’

 

અનબીટેબલ ઃ  આપણા જીવનમાં કમ સે કમ એક વ્યક્તિ તો એવી હોવી જ ઘટે કે જે આપણને સમજદારી -પ્રેમ-આત્મીયતાથી સમજાવી શકે, જેની વાત આપણે વિશ્વાસપૂર્વક માની શકીએ.

-sneha patel.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ભાર


નાજુક આંખોમાં
મોડી રાતે પધારેલા
અને
સવાર પડી જવાની બીકમાં
ઉતાવળે
અડધા પડધા જોવાયેલા
અતૃપ્ત સપનાઓનો
ભાર સળવળે છે.
-સ્નેહા પટેલ.

delhi gang rape


 

ધારવાની તાકાત નથી એમ છ્તાં ધારો કે…

અત્યારે આખા દેશની જીભે જે છોકરીનું નામ સૌથી વધારે બોલાય છે એ નામ કયું ? દસ વર્ષના બાળકને પૂછીએ તો પણ એના મોઢેથી એક ત્વરિત જવાબ મળી જાય -દામિની.

દિલ્હીની છ – છ રેપીસ્ટ દ્વારા જેના પર બર્બરતાપૂર્વક બળાત્કાર થયો અને જાનવરને પણ શરમાવે એવી હરકતો દ્વારા ઇજાઓ  પામીને  મોત સામે હિંમતપૂર્વક અડધા મહિના જેવું ઝઝૂમીને જીવ ગુમાવનારી બાવીસ- ત્રેવીસ વર્ષની નિર્દોષ યુવતી.

ધારોકે એનો જીવ બચી ગયો હોત અને આંતરડા વગર જીવવાની અઘરી સજા ભોગવવાનું એના શિરે આવ્યું હોત તો શું થાત..?

 કલ્પના કરીએ કે આપણા સમાજે બહુ પ્રગતિ કરી છે અને દામિની સાથે સન્માનપૂર્વક એક સામાન્ય છોકરી જેવું વર્તન જ કરે છે ..!! તો ભાવિના પિકચરનો એક રંગ આવો પણ હોઇ શકે.

‘દામિની…આ તારા માટે આખા દેશમાંથી દરેક જાતિના યુવાનો તરફથી સન્માનપૂર્વક માંગા આવે છે, ક્યાં સુધી આમ એ ઘટનાને મનસપટલ પર રાખીને જીવીશ ? તારો મિત્ર હતો એ તો તારી પાછળ ભૂખ હડતાળ કરીને તને ન્યાય અપાવવા મોતને ભેટ્યો નહીંતર આપણે એની સાથે જ તને પરણાવત. ક્યાં સુધી તું તારા ગુનેગારોને સજા થાય એની રાહ જોયા કરીશ ? મારું ચાલે તો એ બધાને તારી સામે લાવીને મૂકી દઊં ને કહું લે..આ રહ્યાં તારા આરોપી..તારે જે સજા કરવી હોય એ કર. પણ હું એક સામાન્ય માણસ…મા ભગવાનની સમકક્ષ ગણાય પણ એમ માની લેવાથી એ સુપરપાવર ધરાવતી ભગવાન થોડી બની જાય છે..જીદ્દ મૂકી દે અને હવે આમાંથી કોઇ એક યુવાનને પસંદ કરીને નવું જીવન સ્ટાર્ટ કર દીકરા…જીવનને એક બીજી તક આપ..’

 દામિનીના મમ્મીનું મોઢું આટલું બોલતા બોલતા તો સાવ રડમસ થઈ ગયું.

દામિની…ખુલ્લી આંખે છ્ત પર કંઈક શોધ્યા કરતી હતી..આંખ છ્ત પર હતી પણ નજર – મગજ બધે શૂન્યાવકાશનું તીવ્ર વાવાઝોડું ફેલાઈ રહ્યું હતું. થોડી થોડી વારે એ શૂન્યાવકાશ આંખોમાંથી વહી જતો હતો. શિયાળાની ઠંડીમાં એના સૂક્કા ગાલ પર એના રેલા લૂછવાની એને કોઇ દરકાર નહતી…ગાલ પર એ રેલાનું જાળું બનતું  જતું હતું. મમ્મી -પપ્પાની કોઇ પણ વાતનો કંઇ  જ જવાબ નહતી આપતી.કદાચ આપવાને સમર્થ જ નહતી.એમના વાક્યો કાનમાં રેડાતા હતા પણ મગજ સુધી પહોંચતા જ નહતા. થોડો સમય આમનું આમ ચાલ્યું. દામિનીના શોકનું વાતાવરણ થોડું હળ્વું થતું હતું. નિર્ણય લેવાની તાકાત આવતા એણે મક્કમતાપૂર્વક વિ્ચાર્યુ કે મમ્મી પપ્પા જે વિચારશે એ મારા હિતમાં જ હશે…અને હિત ના થાય તો પણ આનાથી મોટું અહિત તો હવે મારી સાથે શું થવાનું..? એમની ખુશી માટે પણ મારે પરણી જવું જોઇએ. છેવટે એક સારા ધરના સંસ્કારી યુવક નામે ‘વિવેક પર એણે પસંદગીનો કળશ ઢોળ્યો. આજના જમાનામાં એના જેવી યુવતીને આવા ‘કળશ’ મળી રહે છે એ વિચારીને પણ એનું માનસિક દુઃખ થોડું હળ્વું થયું. લોકો એને કોઇ પાપી –અસ્પ્રુશ્ય ની જેમ નહી પણ સહાનુભૂતિ અને સન્માનપૂર્વક જોતા હતા. સમાજ ઘણો બદલાઇ રહયો છે..મારા અપરાધીઓને પણ એમના દુશ્ક્રુત્યની સજા ચોકકસ અપાશે જ.

રંગે ચંગે દામિનીને વિવેક સાથે પરણાવામાં આવી.  એના લગ્નનું ટેલીવીઝન પર આખા દેશમાં લાઈવ ટેલીકાસ્ટ રજૂ થયું. ચારેબાજુથી એના લગ્નજીવનની શુભેચ્છાઓના ઢગલા થવા લાગ્યા.દામિનીના સાસરિયામાં પણ એને પૂરતી ઇજ્જત અને માન સન્માન મળતું હતું. કોઇ ભૂલથી પણ એને એના ભૂતકાળને લઈને એક અક્ષર બોલતું નહતું..દામિની એના આઘાતમાંથી ખાસી એવી બહાર આવવા લાગી હતી. પરણી તો ગઈ પણ જ્યારે વિવેક સાથે નિકટતાના પતિ પત્નીના અંતરંગ પ્રસંગો આવતા ત્યારે દામિનીના મગજમાં છ ચહેરા એકબીજામાં ભળી જતાં અને તાંડવ નૃત્ય રમતાં. એના લમણાંની નસો ફૂલી જતી..લાગતું કે આ નિકટતાના પ્રસંગો હમણાં એનો જીવ લઈ લેશે..પણ  વિવેકની લાગણી અને પ્રેમને કારણે આ વિશે એક હરફ  ઉચ્ચારવાનું પણ મન નહોતું થતું.

 લગ્નજીવનના  વર્ષાંતે એને સારા દિવસો રહ્યાંના સમાચાર મળ્યાં.દામિનીના મગજમાં કોઇ દ્વંદયુધ્ધ ચાલવા માંડ્યું. જેની એના સિવાય કોઇને ખબર નહતી. એ યુધ્ધનું પરિણામ પણ ભવિષ્યમાં ભયંકર આવવાનું હતું..કોઇ ભાવિથી ક્યાં જાણકાર હોય છે ?

અંદરથી ફફડતી, જાત જોડે લડતી દામિની બહારથી ખુશ રહેવાના પ્રયાસ કરતી રહેતી. આખરે એ દિવસ આવીને ઉભો  જેની બધા આતુરતાથી રાહ જોતા હતાં. દામિનીને લેબરપેઈન ઉપડતાં જ એને તરત હોસ્પિટલ એડમીટ કરાઈ. એનો કેસ બહુ જ નાજુક – કોમ્પ્લીકેટેડ હતો.. સાચવીને એની ડિલીવરી કરાવવાની હતી. ડોકટરો પણ ટેન્શનમાં હતાં.  સિંગાપુરથી સ્પેશિયલ ડોકટરની ટીમ બોલાવી હતી એ લોકો પણ હથેળી મસળતા હતાં. મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવઝ અને બધા ડોકટરોએ એકબીજા સામે જોઈને નજરથી જ ‘ઓલ ધ બેસ્ટ’ કહીને પોતાનું કામ ચાલુ કર્યું.

પાંચ કલાકની ભારે જહેમત બાદ આખરે દામિનીની ડિલીવરી સારી રીતે થઈ શકી. ડોકટરોના મોઢા પર હર્ષની, સફળતાની લાલિમા છવાઈ ગઈ.ગ્લોવઝ કાઢી એક હાથે કપાળ પર ઝામેલી બૂંદો સાફ કરતા કરતા એકબીજાને ભેટીને કોન્ગ્રેચ્યુલેશન્સ કહેવા લાગ્યાં. દામિની …એના મગજમાં છેલ્લા આઠ આઠ મહિનાથી ઘુમતો ભય શબ્દોના આકારે એના મોઢામાંથી બહાર નીકળ્યો…

“ડોકટર..શું છે..બાબો કે બેબી..?’

‘અરે દીકરો છે બેન દીકરો..અને એ પણ એકદમ  તંદુરસ્ત..તમતમારે કોઇ જ ચિંતા ના કરતા. શાંતિથી આરામ કરો..!’

“ડોકટર..મારે એ સંતાન નથી જોઈતું..’

‘શું..! શું બોલો છો તમે..?’

એકદમ જ દામિનીનો પોતાની જાત પરનો કંટ્રોલ જતો રહ્યો.. એનામાં હિસ્ટીરીયાના લક્ષણો દેખાવા લાગ્યાં..

‘ડોકટર..મને બાળક તરીકે દીકરો નથી જોઇતો..કાલે ઉઠીને એનામાં કોઇ રાક્ષસ પ્રવેશે અને એ પણ..ના…ના…મારે એ સંતાન નથી જોઇતું..એને મારી કાઢો..ફેંકી દો..જે કરવું હોય એ કરો..પણ મને દીકરો નથી જોઇતો…’

‘બેન..રીલેક્ષ થાઓ..પ્લીઝ..’

દામિનીએ એના હાથમાંથી ગ્લુકોઝની બોટલની સોય કાઢી નાંખી અને એકદમ જ ઉભી થઈ ગઈ…અશક્તિના કારણે એ ત્યાં જ્મીન પર જ ફસડાઈ પડી. ડોકટરોએ  એને ઘેનનું ઇન્જેક્શન આપવાનો પ્રયત્ન કર્યો પણ એણે કોઇને મચક ના આપી. લગભગ બે કલાકની જહેમત પછી ડોકટરોએ વિવેકના હાથમાં એનો નવજાત બાળક સોંપવાની સાથે જ સમાચાર આપ્યાં કે,

‘દામિની એનું માનસિક સંતુલન ખોઇ બેઠી છે, એટલે  હવે તમારે માથે બે વ્યક્તિને સાચવવાની જવાબદારી આવી ગઈ’

વિવેકથી નહતું હસી શકાતું કે નહતું રડી શકાતું. આવી ખબર હોત તો પોતે સંતાનની ઇચ્છા જ ના રાખત !

દામિનીના ગુનેગારો હજુ  એમની સજાના ચુકાદાની રાહ જોતા જોતા જેલમાં પત્તા રમતાં હતાં !!

-sneha patel.

તમારી જોડે પણ આવું થાય છે કે..?


Snap1

http://www.gujaratguardian.in/E-Paper/02-03-2013Suppliment/index.html

Gujarat guardian paper > Take it easy column > article no : 28.  Date :03-2-2013

 

સામાન્યતઃ આપણે જાણીએ જ છીએ કે વિ-જ્ઞાન એટલે ઊંડું – ઉચ્ચ પ્રકારનું – સવિશેષ- શાસ્ત્રીય કે કોઈ પણ પ્રકારનું ભણતરનું જ્ઞાન. અંગ્રેજીમાં જે વિષયોને `સાયન્સ` કહેવામાં આવે છે તેને માટે ગુજરાતીમાં હવે ‘વિજ્ઞાન’ શબ્દ  રૂઢ થઈ ગયો છે. ‘સાયન્સ’ શબ્દનો મૂળ અર્થ ‘જ્ઞાન’ થાય છે, તેને બદલે ગુજરાતીમાં ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવા પાછળ ખાસ પ્રયોજન છે. જ્ઞાન ધ્યાન અને ચિંતનથી પ્રાપ્ત થાય છે જ્યારે વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવથી સાક્ષાત્કાર કરી શકાય. આમ વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે પ્રત્યક્ષ અનુભવ અને નિરીક્ષણથી રચાયેલું છે. પણ વિજ્ઞાન ઘણીવાર મારા જેવા વ્યક્તિ માટે  ચિંતાનું સર્જન કરે જેને અમુક મહાનુભાવો ‘ ચિંતન’ કહી મારી ચિંતાનું  ચીરહરણ કરી નાંખે છે.

સાચું કહું તો મને કદી કોઈ ઉપકરણની એવી તાતી જરૂર નથી લાગતી કે એના વગર જીવી જ ના શકાય. થોડો ખુદ્દાર સ્વભાવ ધરાવતી એવી હું દ્રઢપણે એમ માનું કે આપણી ‘ક્ષમતા’ ઓછી હોય તો જ ઇશ્વરદ્ત્ત મેઘાવી બુધ્ધિ -શક્તિ ઉપરાંત વિવિધ ઉપકરણોની આપણને જરૂર પડે. જેમ કે સરવાળા -બાદબાકી આવડતા ન હોય તો ‘કેલ્કયુલેટર’ની જરુર પડે’ પોતાની જાત પર વિશ્વાસ ના હોય અને હરપળ કોઇના ને કોઇના સંપર્કમાં રહેવાની જરુરિયાત લાગતી હોય કે કોઇની મદદની જરુર લાગતી હોય કે ટાઈમ મેનેજમેન્ટમાં કાચા હોવ તો ચોવીસ કલાક ‘મોબાઈલ’ની જરુર પડે. આ લખતી હતી ને મારા દીકરાએ એના મિત્રો સાથે મૂવીના પ્રોગ્રામમાં જતા જતા મારી પાસે મારા મોબાઈલની માંગણી કરી.’

‘મમ્મી, તમારો મોબાઈલ આપી રાખોને કંઈ કામ હોય તો સારું પડે !’

લાડકવાયાની માંગણી કઈ મા નકારી શકી છે કે હું નકારું..આજકાલ તો આમે દરેક મા – બાપ સામેથી એમના સંતાનોને કહે છે કે મોબાઈલ સાથે રાખજો જેથી અમને ધરપત રહે કે તમે ‘સેફ’ છો ! મેં પણ એક પળના વિલંબ વગર જ એને મારો મોબાઈલ આપી દીધો અને એને વિદાય કર્યો. એ પછી મારા મનમાં વિચાર આવ્યો કે અમે જયારે ૯-૧૦ વર્ષના હતા ત્યારે અમારા મમ્મી પપ્પાને અમારી કોઇ જ ચિંતા નહી થતી હોય. ? એ વખતે તો કાળાફોનના ડબલા પણ અમુક જ ઘરે જોવા મળે. મોટાભાગે તો અમે જે સમયે મમ્મીને કહીને ગયા હોઇએ એ સમયે પાછા આવી જ જઈએ.ના આવીએ એવું કોકાદ  દિવસ જ બને ..પણ એમાં એ લોકો હાંફળા ફાંફળા થઈ ગયા હોય ને પોલીસ સ્ટેશને દોડી જાય કે રડવા બેઠા હોય એવી કોઇ મહાન ઘટનાઓ ના બની જાય. અડધો – પોણો કલાકની ગ્રાન્ટ વિશ્વાસના જોરે ચાલી જ જતી..આ રીતે તો અમે આજના છોકરાઓ કરતા વધારે જીમ્મેદાર અને હિંમતવાન હતા એમ કહી શકાય. આજે તો મલ્ટીપ્લેક્ષમાં મૂવી જોવા ભેગા થવા માટે પણ મોબાઈલનો સહારો લેવાય, જ્યારે અમે તો ભગવાને આપેલી સુંદર મજાની દ્રષ્ટિનો બરાબર ઉપયોગ કરતા અને જે  વાતચીત થઈ હોય એ બરાબર યાદ રાખી ને  નક્કી કરેલ રોડસાઈનો શોધીને મિત્રોને શોધી લેતા અને ભેગા થઈ જતા. આમ તો મોબાઈલ આપણને થોડા અંશે આળસુ, બેજવાબદાર અને લાપરવાહ બનાવી દે છે એમ જ લાગ્યું.  ત્યાં તો મારા માંહ્યલાએ  ‘ઓપ્ટીમીસ્ટીક’ મને ઠપકો આપ્યો અને ખખડાવી…

‘પરિવર્તનનો પ્રવાહ એની સાથે થોડો કૂડો કચરો તો લાવે જ ને, જે સારું હોય એ સમજણ અને અનુભવોની ચાળણીથી ચાળી ચાળીને ગ્રહણ કરી લેવાનું.તું વળી ક્યાંથી આમ ‘નેગેટીવ’ વિચારતી થઈ ગઈ !’

આમે પણ પ્રગતિની ઓથે એની સાઈડ ઇફેક્ટ જેવી ડેવલોપ થતી આત્મવિશ્વાસની ઉણપની વાતો કરીને એને દુનિયાના ગળે ઉતારવાના મને કોઇ મહાન અભરખા પણ નથી..આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવન સહૂલિયતભર્યુ બનાવવાને બદલે એના ગુલામ થઈ જઈએ છીએ અને કોઇ એના ગેરફાયદા સમજાવે તો ઉલ્ટાના એને ગળે જ પડીએ અને સાવ જૂનવાણી કહીને એમનો કચરો કરી નાંખીએ છીએ…દુનિયાવાલે તો બોલેગે હી …ઉનકા તો કામ હી હૈ બોલના..! એ ક્યારેય ‘મેઘાવી પ્રતિભા’ ધરાવતા વ્યક્તિત્વ સાથે ન્યાય નથી કરી શકી એ જાણું છું. બને એટલા ટેકનોલોજીના ફાયદા ઉઠાવવા અને મક્કમતાથી એના ગેરફાયદાનો સામનો કરવાનો નિર્ધાર કરીને ટેકનોલોજીના સુપરસ્ટાર જેવું કોમ્પ્યુટર છેવટે ખરીદી જ લીધું.

કશુંક શોધવા કે શીખવા નીકળીએ તો અમુક મહાન શોધો અનાયાસે જ થઈ જાય અને થઇ પણ છે. વિશ્વાસ ના આવતો હોય તો આપણો ઇતિહાસ તપાસી લેવો. જોકે  ઈતિહાસમાંથી વાંચીને ‘રેડીમેડ’ અનુભવવાણી કે  પ્રસંગો જાણીને એના પરથી શીખવાનું -સ્વીકારવાનું આપણને માનવજાતિને કદી નથી ફાવ્યું એ વાત અલગ છે. કોમ્પ્યુટર ખરીદ્યા પછી મેં પણ અમુક ગંભીર ભૂલોની શોધ કરી. પહેલીજ નજરે લાગ્યું કે આ ઉપકરણની અમુક  ભૂલો તો માણસનું કામ ઓછું કરવાને બદલે ઉલ્ટાનું  વધારી મૂકે એવી છે. મને કેટલાક પ્રોબ્લેમ દેખાયા જે સુધારાય તો માનવજાતનું આવનાર ભવિષ્ય ઉજ્જવળ બનશે એવા મહાન ઉદેશ સાથે બિલભાઈનું ધ્યાન દોરવાનું મન થયું. એ મહાન વિચારો હંમેશની જેમ તમારી સાથે શેર કરું છું.

1. કમ્પ્યુટરમાં ‘START’ બટન છે પણ ‘STOP’ બટન નથી. હવે આ ગાડું ચાલુ થયા પછી અટકે જ નહીં તો ઇલેક્ટ્રીકસીટીના બીલનું શું… આવા વિચારોમાં આપણે ગાંડા થઈ જઈએ કે નહી…!

2. મને મેનુબારમાં ‘RUN’ બટન જોવા મળ્યું. એ ‘RUN’ બટન દબાવ્યું…મને એમ કે હવે રન કરવાનું એટલે એમાંથી ઉતપન્ન્ન થતી ઉર્જાથી કોમ્પ્યુટર વર્ક કરતું હશે..એમ માનીને મારા ટ્રેડમિલ પર અડધો કલાક સ્પીડમાં  એક્સરસાઈઝ કરી..નિરર્થક અડધો કલાકનો પરસેવો વહાવ્યા પછી પણ કોઇ રીઝલ્ટ ના મળતા મને થયું કે આ ‘RUN’ બટન કાઢી ‘SIT’ બટન રાખવું જોઇએ . એમના અંગ્રેજી ભાષાના અધૂરા નોલેજના કારણે અમારા જેવાએ કેટલી તકલીફ વેઠવી પડી..કમ સે કમ ‘SIT’ જેવો સાચો શબ્દ વાપર્યો હોય તો મારા જેવા સાચો અર્થ સમજી શકે અને શાંતિથી બેસીને કોમ્પ્યુટર વાપરી શકે – સમયસર ઇચ્છિત કામ પતાવી શકે.

3. એક મોટી મુશ્કેલી. ભલા માણસો તમને  કમ્પ્યુટરમાં ક્યાય ‘RE-CAR’ જેવું ઓપ્શન ધ્યાનમાં છે? એમાં એવું છે કે મને ફક્ત ‘RE-CYCLE’ ઓપ્શન  જોવા મળ્યું, પણ મારા ઘરે ‘CYCLE’ નથી ફક્ત એક જૂની પુરાણી  ‘CAR’ જ છે. તો શું કરવાનું ?

4. કોમ્પ્યુટરમાં ‘FIND’ બટન છે પણ મને લાગે છે કે તે બરાબર કામ નથી કરતુ!  એમાં એવું છે કે હમણાં ગયા અઠવાડિયે જ મારી ઘરની ‘કી’ ખોવાઈ ગઈ અને મે ‘FIND’ કી થકી એ ‘ ઘરની કી’ શોધવા ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળી નહિ. આ પ્રશ્નનુ સમાધાન તાત્કાલિક ધોરણે થવું જોઈએ એવું નથી લાગતું. જે ‘ફેસીલીટી’ હોય એ કામ જ ન કરે તો એ વપરાશકર્તા અને સમગ્ર માનવજાતનો કેટલો બધો સમય ખોટી કરે..!

5. ‘MICROSOFT WORD’ તો આરામથી શીખી ગઈ પણ  હવે ‘MICROSOFT SENTENCE’ ક્યાંથી -કેવી રીતે શીખવું અને આગળ કેમ વધવું એ નથી સમજાતું ?

6. મે કોમ્પ્યુટર, સીપીયુ ,માઉસ અને કીબોર્ડ ખરીદ્યું. પણ સ્ક્રીન પર તો ફક્ત ‘MY COMPUTER’ આઇકોન જ દેખાય છે તો બાકીના પાર્ટ્સ ક્યાં છે? આ ગંભીર ભૂલ છે કે પછી કોઇ જાતની મોટી છેતરપીંડી !

7. મને ‘MY PICTURE’ ફોલ્ડર જોઈ નવાઈ થાય છે કે તેમાં મારો એક પણ ફોટો નથી તો પછી આ ફોલ્ડર કેમનું બનાવ્યું ?

8. આમાં ‘MICROSOFT OFFICE’ એપ્લીકેશન છે, પણ હું તો કોમ્પ્યુટર  ઘરેથી વાપરું છું.. હવે ઘરેથી કોમ્પ્યુટર વાપરવા માટે ક્યાય ‘MICROSOFT HOME’ એપ્લીકેશન જ નથી. અત્યારે ઓફિસોના તોતિંગ ભાવના જમાનામાં આ કોમ્પ્યુટર વાપરવા માટે મારે કોઇ ઓફિસ ખરીદવી પડશે કે કેમ એનું ભયંકર ટેન્શન થઈ ગયું. આનો ઉપાય તો યુધ્ધના ધોરણે શોધાવો જોઇએ.

9. ફિલોસોફી મગજે ઉથલો મારતા ‘MY RECENT DOCUMENTS’ શબ્દ મને ખૂંચ્યો..કે આમાં ‘MY PAST DOCUMENTS’ કેમ નથી બતાવતા ? ભૂતકાળ ઉપર ધ્યાન ન આપીએ તો વર્તમાનમાં નિર્ણય લઈને ભવિષ્યનો પાયો કઈ રીતે મજબુત બનાવી શકાય?  આ વાત પર ઊંડા શ્વાસ લઈને, ઉંડા મનન-ચિંતન -વિચાર વિમર્શની જરુર છે !

હજુ તો મારા પ્રશ્નોના સંતોષજનક ઉત્તરો નહતા મળતા ત્યાં મારી પાડોશીની ટીનેજર દીકરી મારા નવા નવા કોમ્પ્યુટરને જોવા આવી અને ‘માય નેટવર્ક પ્લેસીસ’ની સુવિધા પર એની આંખો અટકી ગઈ ને બોલી

‘આ લોકો ‘MY NETWORK PLACES’ સુવિધા આપે છે એવી જ રીતે ‘MY SECRET PLACES’ની સુવિધા ક્યાંય નજરે ચઢે છે ? મેં આઘાતથી એની સામે જોયું તો એ બોલી: ‘એમાં એવું છે ને કે આવી કોઇ સુવિધા હોય અને મને ખ્યાલ ના હોય તો ગરબડ- ગોટાળા થઈ જાય ને..હું  કોલેજમાંથી બંક મારીને ક્યાં – કયાં જઊં છું એ મારા પપ્પા મારા કોમ્પ્યુટરમાં આ સુવિધા દ્વારા જાણી જાય. માટે પ્લીઝ..મારું આટલું કામ કરી આપો..શોધી આપો…’

હું પણ નવી નિશાળીયણ…એને ‘ઓલ ધ બેસ્ટ’ કહીને વિદાય કરી અને મારું સંશોધન આગળ ધપાવ્યું તો હજુ એક પ્રશ્ન રહી ગયેલો જણાયો કે

આ બિલસાહેબનું નામ ‘GATES’ છે તો પછી એ ‘WINDOWS કેમ વેચે છે ?  સર્જન સાથે સર્જકના નામનો અર્થ જોડાયેલ હોય અને એ જ મહાન ઉપકરણ ગણાય એવી લોકોની સામાન્ય માન્યતાને શા માટે એ તોડવાના યત્નો કરે છે !

તકલીફો તો બહુ છે પણ સોલ્યુશન શોધવા માટે પહેલાં એ તકલીફો ખરેખર તકલીફો છે એમ સ્વીકારાવી તો જોઇએ ને.. અમુક હાર્ડવેર ‘ડોઝબેઝ’ હોય છે છે જે  ‘વિન્ડોઝ-૮’ના મગજની વાતો એક્સેપ્ટ કરી શકતા નથી!

‘સબ કો સન્મતિ દે ભગવાન’ !

તો ઓલ ધ બેસ્ટ મિત્રો, કોમ્પ્યુટર વાપરતી વેળા મારા જેવી વિચિત્ર તકલીફો તમને પણ જરુરથી પડતી હશે..એવું હોય તો ‘ આવ ભાઈ હરખા…આપણ બે ય સરખા’ જેવું વલણ રાખીને મને ચોકકસથી જણાવજો.

-સ્નેહા પટેલ.

ઉઘાડ


પૂર્ણરુપે ખીલવાની

પૂર્વશરત

એટ્લે

થોડો ઉઘાડ !
-સ્નેહા પટેલ.

unbetable -29


ગળાડૂબ પ્રેમમાં પડવું હોય તો નાકડૂબ વેદના સહન કરવાની તૈયારી રાખજો.

-સ્નેહા પટેલ.

my kavya in divya bhaskar


sneha patel

 

એક સ્ત્રી બીજી સ્ત્રીના હ્રદયને કેટલી સરળતાથી અને સુંદર રીતે સમજી શકે છે એનો એક અદભુત દાખલો. હું કદાચ મારી કવિતા પર આખી બુક ભરીને લખી શકું પણ મેં લખેલી ચાર પાંચ લાઈનના અછાંદસ કાવ્યની ગહેરાઈને બીજી સ્ત્રી આટલી કળાત્મક રીતે પોતાના શબ્દોમાં કંડારી શકે એ મારા માન્યામાં આવે એવી વાત નથી. પણ પછી જ્યારે એ નામ લતાબેન હિરાણીનું છે એ વાંચ્યું પછી તો બધા જ શક દૂર થઈ ગયા. આ કવિયત્રી, લેખિકા માટે કશું અશકય નથી. મને જેટલા અભિનંદન મારા કાવ્ય માટે મળ્યા એટલાં જ લતાબેનના કાવ્યના આસ્વાદ માટે પણ મળ્યાં. મારા કાવ્યોથી એમનો લેખ સુંદર બન્યો કે એમના આસ્વાદથી લોકોમાં મારા કાવ્યો પ્રિય બન્યા..આ સવાલને બાજુમાં મૂકી બેય એકસાથે માણતાં અદભુત વાતાવરણ ઉભું થઈ ગયું.
આટલી સુંદર રીતે મારા કાવ્યોને શણગારવા બદલ લતાદીદી આપનો ખૂબ ખૂબ આભાર.
-સ્નેહા.

Click to access 28MAD-PG4-0.PDF