‘હા…ક…છી…!’


Snap2

Gujarat guardian paper > ટેક ઈટ ઈઝી – લેખ નંબર -૨૭

http://www.gujaratguardian.in/E-Paper/01-20-2013Suppliment/index.html

વર્ષના આ છેલ્લા મહિનામાં વહેલી સવારે એકાએક જ મારા નાસિકાયુગ્મમાંથી ‘સી…અ….સ….સી…અ…સ…ટપ..ટપ..ટપાક’  કરતાં જલકણ મંદ ગતિએ ગરવા માંડ્યા. આમ તો છેલ્લાં પંદરે’ક દિવસથી શહેરમાં ચારેબાજુ આ ‘કોમન કોલ્ડ’ જેવી વ્યાધિનો ત્રાસ હતો. પણ હું મારી ‘ઇમ્યુનીટી સિસ્ટમ’ પર ગર્વ કરતી કરતી મારી ચારે બાજુના લોકો એમના નાકને રુમાલથી ફરજીયાત કવર કરવું પડે એવી સ્થિતીમાં મૂકાઈ ગયેલા એમની દયા ખાતી હતી. અભિમાન તો રાજા રાવણનું ય નહોતું ટ્ક્યું.એ જીવતો હોત તો આજે કદાચ એ પણ એના દસે દસ નાકને એના વીસ હાથ વડે રુમાલથી લૂછ્તો હોત, એના દસ માથાને વિકસ લગાવતો હોત અને દસ માથા માટે દસ તપેલીઓ ભેગી કરીને ગરમ પાણીનો નાસ લેતો હોત. મને એક વિચાર એમ પણ આવી ગયો કે એ રાવણભાઈને નાસ લેવો હોય તો દસ સગડીવાળો ગેસ બનાવડાવત કે બે બર્નરવાળા ગેસની સગડી પર પાંચ પાંચ તપેલીઓ વારાફરતી ગરમ કરત…વળી વારાફરતીમાં તો અત્યારે છે એવી ઠંડી છે એવી ઠંડી હોય તો તો છેલ્લી પંગતનો વારો આવતા આવતા તો પહેલી પેરની બે તપેલીઓનું પાણી તો ઠંડુ થઈ ગયું હોત..પછી રાવણ આ  પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા એક સ્પેશિયલ મંત્રીમંડળની મીટીંગ બોલાવત અને આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી આપનારને  જોરદાર ઇનામ જાહેર કરત..ત્યાં તો ‘પર્ણોથીય વાદળકણૉ ટપ ટપ ગરે’ જેવા મારા નાકની હાલતે મને રાવણ-પંચાતમાંથી બહાર આવવાને મજબૂર કરી દીધી.

કડકડતી ઠંડીમાં મારા નીચલા જડબાએ જાણે ઉપરના જડબા જોડે અબોલા લઈ લીધેલા..કેમે કરીને એ બેનો મિલાપ થતો નહતો. એમના અબોલા કેમના છોડાવવા એના વિશે એમના પાડોશી જેવા મારા દાંત અંદરો અંદર ચર્ચા વિચારણા કરતા હોય એમ કકડ કકડ કરતા હતા. અંગે અંગ પર એ ચિબાવલી શરદીએ પોતાની બિહામણી જાળ પાથરી હતી અને એ માયાજાળના પ્રતાપે જોડ્જોડ તૂટતું હતું..દુઃખતું હતું. મારા ગુમાની શરીરે પણ એની સામે બળવો પોકારવામાં બધી તાકાત વાપરી કાઢી હતી અને એ લડાઈના પરિણામરુપે ગુસ્સાથી એ પણ ગરમ લાહ્ય થઈ ગયું હતું. પથારીમાંથી ઉભી થવા ગઈ તો ગરમ લાહ્ય જેવા શરીરના પગ સાવ પાણી પાણી. નાકમાં ગલીપચી થતી હતી. ગલીપચી એટલે લોકોને હસાવવા માટે થતી એક ક્રિયા એવા સામાન્ય જ્ઞાનને આજે આ ગલીપચી ખોટી ઠેરવતી હતી અને નાકમાં કઈ જગ્યાએ કઈ ક્રિયા કરવી તો આ અકળામણ, મીઠી ચળ મારો પીછો છોડે એ નક્કી નહતી કરી શકતી.ત્યાં તો મોબાઈલ રણક્યો.

સવાર સવારમાં આ કોણ નવરું પડી ગયું..મોબાઈલ હાથમાં લીધો અને ખ્યાલ આવ્યો કે મારી સવાર પડતાં આજે ૯.૩૦ થઈ ગયેલી.

ગ્રીન બટન દબાવ્યું

‘હલો..’

અને હું ચમકી…આ મારા ગળામાંથી આટલો આર્દ્ર અને ભીનો-ભીનો અવાજ કોનો નીકળ્યો ! મારા ગળાનું અપહરણ થઈ ગયેલું. કોઇ આસુરી શક્તિ એના પર કબ્જો જમાવીને બેસી ગયેલી અને મારું ગળું દબાવી દબાવીને મારો અવાજ જાડો કરી કાઢ્યો હતો.કોઇ અજાણ્યો જણ સાંભળે તો હું સવાર -સવારના જ કાં’ક પી-બી ને બેઠી હોઇશ એવું ધારી લે. અડધી જાગુ ને અડધી ઉંધુ જેવી હાલતમાં મગજ પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય નહતું કરી શકતું..એને એક ગરમ – આદુ ફુદીનાની ચાનો કડક ડોઝ જોઇતો હતો. મોબાઇલમાં રોંગ નંબર હતો એટલે ફટાફટ એને કટ કરી બાજુમાં મૂકી મક્ક્મ નિર્ધાર કરીને રસોડામાં ગઈ અને ઢગલો આદુ -ફુદીનો નાંખીને ચા બનાવવા મૂકી. ત્યાં તો બહાર પેસેજમાંથી બૂમ સંભળાઈ,

‘ભા…ભી…’

અને હું ચમકી. આ ‘ભાભી’ વિશેષણ ખરેખર કયા ‘ભાભી’ માટે વપરાયું હશે ? ભાભી વિશેષણ જોડે ભાભીનું નામ જોડી દેવાયું હોય તો મારા મગજને બહુ વિચારવાની તસ્દી ના લેવી પડત પણ આ વિશેષણે શરદી જેવા મહાન રોગમાં પણ વિચારવંતુ કરી દીધું. આમ તો થોડા ઘણા યોગના અભ્યાસથી હું એટલું તો સમજી શકી હતી કે આપણી બે નાડી હોય છે એક પિંગળા અને બીજી ઈડા અને કાયમ એમાંથી એક જ નાડી કાર્યવંતિ હોય છે પણ શરદીમાં તો બેય નાડી બંધ થઈ જાય એટલે ગરમપાણીની વરાળનો નાસ લેવો પડે અને મહામહેનત કરીને એકાદ નાડી ચાલુ કરવાના મહાન પ્રયત્નો કરવા પડે. એટલે મારો વિચાર ચા મૂકીને બાજુમાં એ મહાઅભિયાન હાથ પર ધરવાનો હતો પણ એ ઓઝોનમાં આ ‘ભાભી’ની બૂમે મોટુંમસ ગાબડું પાડી દીધું હતું.ડ્રોઅરમાંથી વિકસ ઇન્હેલર શોધીને  સૂંઘતા સૂંઘતા ‘એ બૂમ મારા માટે તો નથી ?’ ને એ વિચારતા વિચારતા દરવાજો ખોલીને બૂમ સંભળાયેલી એ દિશામાં નજર દોડાવી.

નીચે સફેદ ઝગારા મારતી સફેદીવાળી પાઘડી બાંધેલ અને ઝભ્ભો અને ધોતિયું પહેરેલ  નજરે પડયાં. એક હાથમાં પતરાની બેગ હતી અને બીજા હાથમાં મોબાઈલનું ડબલું. પાઘડી કરતાં લગભગ ૧/૩ ભાગ જેટલો ત્રિકોણાકાર ચહેરા પર એમના કપડાંની સફેદી જોડે હરિફાઈ કરતી સફેદ મોટી મૂછો હતી જે છેડેથી કળાત્મક રીતે વાળેલી હતી, એક કાનમાં મોટામસ ડાયમંડવાળી બુટ્ટી પહેરેલી હતી. ગોળ ગોળ લખોટી જેવી લાલઘૂમ આંખો, આસ્ચ્ર્યજનક રીતે એ ચહેરા પર સહેજ પણ સૂટ નહોતું થતું એવું નાજુક સુરેખ નાક અને સફેદ જથ્થાબંધ દાઢી મૂછવાળા ચહેરા પર વધેલી જગ્યા પર એક મોટો મસ કોફી કલરનો મસો જગાપૂરણી કરતો હતો. આખો ચહેરો ભરચક..!

મેં નીચે જોઈને ઇશારાથી પૂછ્યું…’કોનું કામ છે?’

બે પળ મારી સામે બીજા ગ્રહના પ્રાણીની દ્વિધાથી મને જોઇ રહ્યાં અને પછી એમણે પણ મને ત્રણ આંગળીઓ ઇશારામાં બતાવી. મારી તો નાકમાંથી નીકળતા જલપ્રવાહની અને બેસી ગયેલા સાદની મજબૂરી હતી પણ એમને શું તકલીફ હતી તે આમ ઇશારાથી વાત કરતા હશે..! કદાચ મને બહેરી મૂંગી ધારી લીધી હશે કે શું…? ફટાફટ મેં ઇન્હેલર બાજુમાં હટાવી અને બને એટલા જોરથી પૂછ્યું, ‘કાકા…કોનું કામ છે?’ આટલું બોલતા બોલતા તો મારો મારી શ્વસનક્રિયા પરનો કંટ્રોલ જતો રહ્યો અને મોઢામાંથી છ્વ્વીસ માઈલની ઝડપે એક છીંક બહાર ધકેલાઈ ગઈ.. મારા હાથમાંથી ઇન્હેલર છ્ટકીને સીધું એ કાકાના માથા પર જઈને એમની પાઘડીમાં સંતાઈ ગયું.

હવે કાકા થોડા બાઘા બનીને માથા પર હાથ ફેરવવા લાગ્યાં..આ મારું બેટું મારા માથામાં કયો બોમ્બ આવીને ઠોકાણો?  એ કોઇ અણુબોમ્બ નહતો પણ એવા જ વિસ્ફોટ્વાળો મારો શરદીના વાયરસનો બોમ્બ હતો એ એમને સમજાવવાની મને કોઇ જ ઇચ્છા સવાર સવારમાં તો નહોતી જ.

‘એ બુન, મારે સવિતાબેનનું કામ છે…એમના ગામનો ભાઈ થાઊં..મારી પાસે એમના ઘરનો નંબર નથી…તમે એમના વિશે કાંઈ જાણો છો કે ?’

અચ્છા, આ તો પેલા  બીજામાળ વાળા સવિતાબેનની વાત કરતા હતા.

‘જુઓ ભાઈ એ બીજા માળે ૨૦૨ નંબરના ફ્લેટમાં રહે છે. લિફટમાં જઈને ૨ નંબરનું બટન દબાવજો અને બહાર નીકળીને ડાબી બાજુથી બીજા નંબરનું ઘર છે..એમના બારણે ચકલી અને પોપટનું લાલ -લીલા રંગનું તોરણ લટકે છે…દ્રવાજાની જમણી બાજુ વાંસનું ચપ્પ્લ મૂકવાનું સ્ટેન્ડ છે પણ ચપ્પલો તો નીચે જ પડી હશે એ લોકો ચપ્પ્લના સ્ટેન્ડને એકદમ ્ચોખ્ખું રાખવામાં જ માને છે…ડાબી બાજુ એક તુલસીનો છોડ છે જેમાં ૧૭-૧૮ પાંદડાવાળૉ તુલસીનો છોડ હમણાં જ વાવ્યો છે અને એમના દરવાજા પર કેસરી કલરનું પગલૂછ્ણિયું છે જેના પર વિશાળ જડબા ફાડેલ વાઘનું ચિત્ર છે…’

સવાર સવારમાં શરદીથી હેરાન પરેશાન એવી મને વધુ હેરાન કરનાર કાકાને સવિતાબેનની મસમોટી ઓળખાણ આપીને એ ભાષણની એમની પર શું અસર થઈ એ જોયા વગર જ બારણું બંધ કરીને અંદર આવી ગઈ અને મનોમન એક નિર્દોષ બદલો વાળી દીધાનો સંતોષ માણી લીધો. અંદર આવીને જોયું તો મારી ચાએ એની ઉકળવાની ક્ષમતાથી વધુ ઉકાળતા ધૈર્ય ગુમાવીને તપેલીમામ્થી બહાર નીકળીને ગેસ પર રેલાઈ ગયેલી. તપેલીના તળિયે એના અવશેષોનું ડાર્ક બ્રાઉન જાડું મલાઈવાળું પડ થઈ ગયેલું…જે થોડીવાર વધુ ગેસ પર રહે તો તપેલીના જન્મોજન્મની સાથીની જેમ ચોંટી જાત અને પછી એને સાફ કરતાં મારા નવના તેર થઈ જાય એટલે ફટાફટ મેં એ ગેસ બંધ કરી બાજુના ગેસ પર પાણીની તપેલીમાં પાણી વિકસ નાંખીને, ગરમ કરી અને માથે ટુવાલ ઢાંકીને  વરાળનો નાસ લીધો. તુલસી, આદુ,ફુદીનાવાળી ચા જેવો જ સહોદરી આનંદ શરદીથી ખળભળતા નસકોરામાં એ વિક્સયુકત વરાળપ્રવેશથી થયો, કુદરતે મફતમાં આપેલ હવા આપણા માટે કેટલી કિંમતી છે એનો અનુભવ કફના પ્રવાહી આવરણે નસકોરા પર જડબેસલાક પહેરો બાંધી દીધો હોય અને જીવ રુંધાતો હોય ત્યારે જ થાય..પરમ શાંતિ…અહાહા…મારી બેય નાડી સાથે જાગ્રુત થઈ ગઈ હતી અને એ સુષુમણા નાડીના ચાલવાથી મને એક અલૌકિક -આદ્યાત્મિક – પરમ શાંતિનો અનુભવ થતો હતો