દરેક સર્જક હંમેશા ઉત્તમ સર્જનકાર્ય નથી કરી શકતો.આ વાત સર્જકના જ હિતમાં છે જે એને હંમેશા જમીન પર રાખે છે.
-sneha patel
દરેક સર્જક હંમેશા ઉત્તમ સર્જનકાર્ય નથી કરી શકતો.આ વાત સર્જકના જ હિતમાં છે જે એને હંમેશા જમીન પર રાખે છે.
-sneha patel
phoolchhab paper > Navrash ni pal column > 16-1-2013
પ્રેમ પીડા લાગણી કંઇ ના મળ્યું
જિંદગી અર્થાતમાં વીતી ગઈ !
-મેગી અસનાની.
‘આ પણ એક અનુભવ જ કહેવાય ને..જીંદગી એક જ વાર મળી છે તો બધા રંગ ચાખી જ લેવા જોઇએ ને..’
પોતાના રુપકડા આઈફોનને પહેલી આંગળી અને અંગુઠા વચ્ચે ગોળ ગોળ ફેરવતી ઝાંઝરી સોફામાં આડી પડી પડી વિચારતી હતી. ઝાંઝરી એક ખુદ્દાર અને પ્રામાણિકતાથી છલોછલ આધુનિકા હતી. પાંચ વર્ષ જૂની નોકરી પોતાના નાજુક અહમને ઠેસ વાગતા પળના ય વિલંબ વગર છોડી દીધેલી.જોકે એના પતિ રણકારનો બિઝનેસ ખૂબ સારો જામેલો હતો. ઝાંઝરીની કમાણી ના હોય તો પણ ઘરમાં કોઇ ફર્ક નહતો પડવાનો. પણ કોલેજકાળથી કામ કરતી આવેલી ઝાંઝરીને આમ સાવ ઘરના કામકાજથી પરવારીને બપોરનો સમય સાવ ફાજલ રીતે વિતાવવાનું સહેજ પણ ગમતું નહોતું. જીવન જાણે થંભી ગયેલું…સાવ બેસ્વાદ અને ફીક્કું થઈ ગયેલું. ઓફિસમાં આખો દિવસ પોતાના સ્ટાફના મિત્રો સાથે મજાક મસ્તી અને કામકાજથી ભરપૂર દિવસ ક્યાય વહ્યો જતો ખ્યાલ પણ નહતો રહેતો.સાસુ વહુની કે સિરીયલોની ટીપીકલ ગોસિપીંગમાં એને સહેજ પણ રસ નહતો.હા, વાંચન ખૂબ ગમતું..પણ હવે તો એ વાંચી વાંચીને કંટાળી..એ નવીનતાની માણસ – ચાહક હતી. આમ સાવ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ જીવન એને નહોતું ગમતું. પંદર વીસ દિવસ તો થોડી રાહત લાગી પણ હવે એનામાં રહેલો હતપતીયો જીવ કુદ્કા મારવા લાગેલો.
આજે એ શોપિંગ માટે એક મોલમાં ગઈ હતી ત્યાં એને એની સહેલી શનાનો પતિ અસીમ મળી ગયેલો. અસીમ એકલો જ હતો. બેય જણાએ શોપિંગ પતાવીને ત્યાં જ બાજુમાં આવેલ રેસ્ટોરાંમાં લંચ લીધું. એ સમયગાળા દરમ્યાન ઝાંઝરીએ એક તદ્દ્ન નવી જ જાતનો અનુભવ ફીલ કર્યો. એની સ્ત્રી તરીકેની સિક્સથ સેન્સ એને સતત સિગ્નલ આપતી હતી કે અસીમ આજે બોલવા ચાલવામાં વધારે છુટછાટ લઈ રહેલો. શના હોય ત્યારે પણ એ ઝાંઝરીની હાજરીમાં ખીલતો હતો પણ એ મજાક મસ્તીની એક હદ સુધી જ રહેતું. આજની વાત એ બધાથી અલગ જ હતી. ઝાંઝરી ખૂબ જ સ્માર્ટ હતી..એમાં પણ એને નોકરીના કારણે આખો દિવસ જાતજાતના પુરુષવર્ગ સાથે પનારો પડતો એને હેન્ડલ કરી કરીને એ પુરુષજાતિને બહુ જ સારી રીતે સમજી શકતી હતી. ભાગ્યે જ એનું અનુમાન્, ધારણાઓ ખોટી પડતી. આજે પણ એના મગજમાં ધારણાઓ તાંડવ નૃત્ય કરી રહેલી હતી.
લંચ લઈને બેય છૂટા પડ્યાં અને ઝાંઝરી ઘરે પહોંચી.
‘નવરું મગજ શેતાનનું ઘર’ ..સામાન્ય સંજોગોમાં ઝાંઝરી આવા બધા વિષયો પર બહુ વિચાર ના કરતી અને વાતને છોડી દેતી પણ ત્યાં તો અસીમનો મેસેજ આવ્યો ઃ
‘ઝાંઝરી, તમારી સાથે લંચ લઈને બહુ જ મજા આવી. તમારા પર્સમાં મેં તમારી જાણ બહાર એક નાની લાલ ડબ્બી સરકાવેલી, એ કાઢીને જોઇ લેજો . પ્લીઝ, ગુસ્સે ના થતા અને આ વાત આપણા સુધી જ રાખશો..’
ઝાંઝરીએ તરત જ પોતાના પર્સમાંથી લાલ ડબ્બી કાઢીને જોયું તો એમાં ડાયમંડની રીંગ હતી. આ રીંગ તો એણે પણ જોયેલી..એને બહુ જ ગમી ગયેલી અને જોઈને પાછી મૂકી દીધેલી. પણ અસીમનું મને આટલી મોંઘી ગિફ્ટ આપવા પાછળ શું કારણ હોઇ શકે? આ બધાને પોતાની તર્ક શક્તિ પર ઘસતા એક જ વાત ફલિત થતી હતી. સાંજે રણકાર ઘરે આવે ત્યારે એને વાત કરીશ..જોઉં તો ખરી એ શું કહે છે, બની શકે કદાચ મારી વિચારધારા ખોટી પણ હોય ‘
સાંજે રણકાર આવ્યો ત્યારે ઝાંઝરી લાખ ઇચ્છા છતાં પોતાની વાત રણકાર સમક્ષ ના કરી શકી અને આખી રાત એમ જ વીતી ગઈ..બીજો દિવસ એના સમયાનુસાર ટાઈમસર ઉગી નીકળ્યો.
અને અસીમનો મેસેજ આવ્યો.એક રોમાન્ટીક શાયરી હતી. એની નાદાન હરકત પર ઝાંઝરીને હસવું આવી ગયું. ત્યાં તો બીજો..ત્રીજો..ચોથો..ઉપરાઉપરી દસ મેસેજ એના ફોનમાં રણકી ઉઠ્યાં. હવે ઝાંઝરી ચમકી..એનો વહેમ પાકકો થઈ ગયો કે અસીમ માટે એ જે વિચાર કરતી હતી એ બરાબર જ છે. પોતાની જ પત્નીની બહેનપણી સાથે આમ ફલર્ટ કરનાર વ્યક્તિ પર એને બહુ જ ગુસ્સો આવ્યો.આ પુરુષ જાત….! મનોમન એણે અસીમને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું.એણે એક ચેલેન્જની જેમ જ અસીમની જોડે દોસ્તી સ્વીકારી અને રોજ રોજ એની સાથે કલાકોના કલાકો ફોન પર વાતો કરવા માંડી. પહેલાં પહેલાં તો નવીન અનુભવથી ઝાંઝરીને બહુ મજા આવી. અસીમ પણ શનાથી કંટાળી ગયો છે. ઝાંઝરીને એ દિલોજાનથી પ્રેમ કરે છે એમ જતાવતો હતો. આ ઉંમરે પ્રથમ નજરનો – આકર્ષણનો માસૂમ પ્રેમ ના હોય પણ ગણત્રીના સંબંધો જ હોય. ઝાંઝરી પણ પ્રયોગોના ખેંચાણમાં પરપુરુષ – બીજા પુરુષની પ્રેમ કરવાની રીતથી અંજાતી ગઈ. એક્સપરીમેન્ટમાં એની જાણ બહાર જ એના ઇમોશન્સ પણ ઉમેરાવા માંડયા અને ધીમે ધીમે બેય જણ પ્રેમના નામે શારિરીક સંબંધ બાંધવાની કક્ષાએ પહોંચી ગયા..એક..બે..ત્રણ..પછી તો આ સિલસિલો ચાલવા લાગ્યો. અસીમ પોતાની રોમાન્ટીક વાતોથી ઝાંઝરી માટે અનહદ ખેંચાણ છે …એ એક અદભુત સ્ત્રી છે એવું સતત ફીલ કરાવતો જેની ઝાંઝરીને ટેવ પડવા લાગેલી.
ઝાંઝરીને રણકાર માટે બહુ જ પ્રેમ હતો પણ રણકારે એની સાથે કદી આવી વાતો નહતી કરી. આ એક અલગ જ નશીલો અનુભવ હતો.. બે-ચાર મહિનાના આ સહવાસ પછી ઝાંઝારીને અસીમ પોતાના લગ્નજીવન માટે ખતરારુપ લાગવા લાગ્યો હતો. એણે અસીમના તન – મન બધાને તળિયા સુધી જાણી લીધો હતો. હવે અસીમની વાતમાં પણ કંઈ નાવીન્ય નહતું લાગતું..પોતાના ઇમોશન્સમાં આવતા ‘અપ્સ એન્ડ ડાઉન્સ’ ઝાંઝરીને કનડવા માંડેલા..પોતાની જાત પર કંટ્રોલ કરતા એને પણ તકલીફ થવા લાગેલી..આ બધાના ખતરા નજર સામે રમતા રહેતા એના ઉપાયરુપે એણે ધીમ ધીમે હવે અસીમથી દૂર રહેવાનું, એને અવોઈડ કરવાનું ચાલુ કર્યું. અસીમનો અહમ ઘવાતા એણે ખાસા એવા ધમપછાડા કર્યા…ઇમોશનલી બ્લેકમેઈલની રમતોમાં એ માસ્ટર હતો પણ ઝાંઝરીએ તો એનામાંથી બહાર નીકળી જવાનું જાણે પ્રણ લીધેલું હતું…અને ધીરે ધીરે મકકમતાથી એ બહાર નીકળી પણ ગઈ. અસીમે પણ થાકી હારીને એના હથિયારો હેઠા મૂકી દીધા.
ક્રમશઃ
અનબીટેબલ :– Nothing fools you better than the lie what you tell to yourself.