Gujarat guardian paper > ટેક ઈટ ઈઝી – ૨૬. 13-1-2013
http://www.gujaratguardian.in/E-Paper/01-13-2013Suppliment/index.html
તો ગયા રવિવારની મારી કરમ કહાની તરફ આગળ વધીએ મિત્રો..
બીજા દિવસનો સૂર્ય મારા માટે તકલીફોના કાળા ઘનઘોર વાદળો લઈને જ ઉગેલો. વળી ગમે એટલા ઘેરાયા હોઇએ પણ વરસાય નહી – યેન કેન પ્રકારેણ મગજની સ્થિતી કોઇ પણ સંજોગોમાં કાબૂ બહાર જઈને ગુસ્સામાં હણહણવી ના જ જોઇએ એવી કોઇ જ કરારો વગરની મૂકશરતો તો ખરી જ !
સવારના આઠ વાગ્યામાં ચાંદ જેવા ઉજળા કપડામાં કાળા ડાઘ જેવા વાનની મારી કામવાળી છોકરીએ અધખુલ્લા બારણાંને જોરથી ધક્કો મારીને એની મમ્મી સાથે મારા ઘરમાં પ્રવેશ કર્યોં. હું અને પતિદેવ આદુ-ફુદીનાની કડક મીઠી ચા સાથે છાપુ વાંચવાનો સ્વર્ગીય આનંદ માણતા હતાં એમાં આ ધડાકાએ મારા છ્લોછલ ભરેલ ચા ના કપમાંથી થોડી ચા છ્લકાવી દીધી..બે પળમાં જ મેં મારી જાતને સંતુલિત કરી અને ગુસ્સાને મગજમાંથી છલકાતા રોકી દીધો. મગ ટ્રેમાં પાછો મૂક્યો અને એ બેયને લઈને બાજુના રુમમાં ગઈ જેથી પતિદેવ એમનો ચા – નાસ્તો કોઇ જ વિધ્ન વિના પતાવી શકે.
‘મંજુ, તને ઇલુએ કોઇ વાત કરી’કે ?’
‘હા ભાભી, પણ ચેલ્લાં દહ – દહ વરસથી અમે આ સોસાયટીમાં કોમ કરીએ સ તે અમારી વિરુધમાં યેક પણ વાત જાણવા મળી હોય તો કહો…મેલડી મા ના હમ.. કોઇના ઘરનો એક રુપયો પણ ચ્યારેય આમથી ત્યમ નો કરીએ…એવો અધર્મનો યેક રઉપયો પણ અમને નો પરવડે..તમને તો અમારો આખોય રેકોરડ ખબર્ય જ છ તો પછ કેમ આમ અમારી પૂસપરસ કરવાની..?’
‘મંજુ તને લખતા તો આવડે છે ?’
‘હા પણ એ મારે બંધ થઈ ગયું છે કારણ હું લખું એ કોઇને સમજમોં જ નહોતુ આવતું તે પછ મેં લખવાનું જ છોડી દીધું..’
‘ઓહ…’આઘાતથી આ બે જ અક્ષર મારા મોઢામાંથી નીકળ્યા. આવો અઘરો કોઠો પાર કરવાનું કામ મારે જ નસીબે કેમ લખાયું ?
‘અરે હા, અમારી બધી બુનને આવા કાગળીયા મલ્યા સે..પણ એ લોકો પાસા ફોટો માંગે સ..તે બુન આ મારી જુવાનજોધ છોડીનો ફોટો પોલીસ ટેશને આપું તો કાલે ઉઠીને એના લગન ચેમના કરી શકાય..?’
એની વાતનો સંદર્ભ સમજતા મને લગભગ બે – ત્રણ મિનીટ થઈ.લોજીક હોય તો કોઇ સમજાવી શકાય પણ આમ લોજીક વગરની વાતમાં મારે શું બોલવું ને શું સમજાવવું એમાં હું ભારે ગૂંચવાણી.
‘જો મંજુ, આમાં કોઇ પોલીસ કેસ ના કહેવાય..આ એક ફોર્માલીટી..મતલબ..મતલબ..’ સવાર સવારના ચા પીધા વગર ફોર્માલીટી જેવો શબ્દ આને કઈ ભાષામાં સમજાવું એ જ નહતું સમજાતું..એટલે મેં ય લારા ચાવવા માંડ્યા.
પેલી બે ય જણી એકધ્યાન થઈને મારા ચહેરાને તાકી રહેલી જાણે મારું કહેલું બધું બરાબર સમજતી હોય એમ.
‘બુન..તમે કહો સો એ સંધુ ય બરોબર્ય…પણ…આમ જુવાન છોડીનો ફોટો ચ્યમનો…?’
‘એક કામ કર મંજુ, તું તારો ફોટો આપી દે તો પણ ચાલશે.’
‘હા એ બરોબર્ય કહો સો…પણ આમ તો અમે ચેટલા ઘરે કામ કરીએ..બધે ફોટા આપવા બેસીએ તો…અને એ પડાવવા જઈએ તો ચેટલા પૈસા…’
હું એની આગળની બધીય વાત સમજી ગઈ. પણ અત્યારે ગરજ મારે હતી.
‘એક કામ કર..આ મારો કેમેરો છે એમાં તારો ફોટો પાડી લઉં અને પછી હું મારી રીતે એની પ્રીન્ટ કઢાવી દઈશ. તું એની ચિંતા ના કર’
મંજુ તો ખુશ ખુશ થઈ ગઈ.
‘બુન..તમારી પેલી ગુલાબી બાંધણીની સાડી આપશો મને પહેરવા…વાત એમ ચે ને કે બહુ વખતથી ફોટા નથ પડાવ્યા…તે…’
‘હા..સારું …સારું…એ પહેરજે અને પછી તું લઈ જજે તને બહુ ગમતી હોય તો..’
‘અને બુન..મને પેલું તમે વાળમાં લાંબા લાંબા મશીનથી કંઈક કરો છો ને..એવું કરી આપશો…’
એનો સંદર્ભ મારા ‘હેર સ્ટ્રેટનર’ વિશે હતો..અને મને આંચકો લાગ્યો..આ વિગતોનું ફોર્મ મારી પાસે હજુ કેટલા ખેલ કરાવશે રામ જાણે..!
મેં તરત મારા કબાટમાંથી એને કપડાં આપીને બદલવા કહ્યું..પતિદેવ આ બધા ડ્રામાથી કંટાળેલા તો મને દૂરથી જ મગજ શાંત રાખીને કામ પતાવી લેજે…ઓલ ધ બેસ્ટ – થમ્સ અપ કરીને વહેલા તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા.
એટલામાં તો પેલી તૈયાર થઈને બહાર આવી. મારી પ્રિય ગુલાબી બાંધણીની સાડી પહેરાયા પછી આટલી ગંદી પણ લાગી શકે એ વાત માન્યામાં જ ના આવી. એનું દુઃખ મોઢું હસતું રાખીને ગળા નીચે ઉતાર્યું અને એને થોડા વાળ ભીના કરવાના કહ્યાં. બે મીનીટમાં તો એ આખું માથું ભીનું કરીને મારા ઘરની બધી લાદી પર એની નાજુક પાનીની છાપ પાડતી પાડતી મારી સમક્ષ આવીને ઉભી રહી.મારી સાડીનો છેડો પકડીને શાહજહાં હાથમાં ગુલાબ લઈને સૂંઘતો હોય એમ આંખો બંધ કરીને ઉભી રહી ગઈ. હું અવાચક થઈને એને નિહાળી રહી.આને શું થઈ ગયું..શિયાળામાં માથું ભીનું કરવાથી મગજનો તાવ તો નહી ચડી ગયો હોય ને…છાતીમાં ગભરામણ થવા લાગી ત્યાં તો પેલીએ એની નશાર્ત આંખો અધખુલી કરીને કહ્યું,
‘બુન…આ અત્તર તો બહુ રુપાળું..મને ઉંઘ આવી ગઈ એની ગંધથી…!’
મારા ફેવરીટ વિદેશી પરફ્યુમને ‘ગંધવાળું’ અત્તર કહેનારી આ અણધડ બાઈ પર મને હવે સખત ગુસ્સો આવતો હતો..મગજની નસો બરાબર ખેંચાતી હતી પણ ખેંચાયેલ કમાનમાંથી ગુસ્સાનું તીર છોડવાનું પોષાય એમ નહતું એ બરાબર જાણતી હતી. મન તો થયું કે આવા નમૂનાઓના લીધે જ ‘સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતો અસ્તિત્વમાં આવી હશે..એક વાર તો મન થયું કે આની પાનીનો ભાગ ઉપર રાખીને ખાલી યાને મગજનો ભાગ નીચેની તરફ રાખવાની ક્રિયા યાને શિર્ષાસન કરાવી દઉં..વળતી પળે એક ખતરનાક આશંકા મગજમાં ઉદભવી ઃ’આની પાનીમાં પણ અક્કલ હશે કે ?’
‘બેન..તમે પેલું સોનાક્ષી સિન્હાનું ગીત જોયું છ ને..ઈમાં એના વાળ્ય કેવા સીધ્ધા ને સટ્ટ ચમકતા હોય સ..મને એવી વાળની હેર-ઈસ્ટાઈલ કરી આપજો હોં’કે..!
‘ઓકે’
એક માહિતીપત્રકે મને એક બ્યુટીશીયન બનાવી દીધી અને એ પણ મારી કામવાળીની -એ પણ મફતિયા…સાચ્ચે…એક સરખા દિવસો કોઇના કદી જાતા નથી ! આજના કળયુગમાં કોઇની પણ સાથે કંઈ પણ થઈ શકે છે.અડધા કલાકની શારિરીક અને માનસિક મહેનતના અંતે હું એ ડામરના પીપડાને મારા કેમેરામાં થોડી ઘણી સમાવી શકું એટલી તૈયાર કરી શકી. વચ્ચે વચ્ચે એના રાજાશાહી ફરમાનો છુટતા જતા હતા જેના તરફ મેં સદંતર દુર્લક્ષ જ સેવ્યું હતું.
એ પછી ફટાફટ મેં એના એક સાથે ત્રણ ફ્રી જેવા ફોટા ક્લીક કર્યા..છેલ્લે એણે એની દીકરી સાથે ફોટો પડાવવાનું વધારાનું ડીસ્કાઉન્ટ માંગ્યુ, એ પણ આપ્યું અને ‘ફોર્મ સાંજે ભરાવીને યાદ રાખીને લેતી આવજે’ ની શિખામણ બરાબરની રટાવી રટાવીને વિદાય કર્યાં.
સાંજે ઇલુ ને ખાલી હાથે આવેલી જોઇને મને એટેક આવતા આવતા રહી ગયો..હવે આને શું થયું પાછું..?
‘ભાભી..મમ્મીએ તપાસ કરી તો બીજી કોઇ બેનોએ એમના ફોટા અને ફોરમ નથી આપ્યાં..એ લોકો આપશે પશે જ અમે આપીશું.એમ અમારા એકલાના ફોટા અને ફોરમ થાણામાં જમા કરાવીને ચ્યોં ફાયદો..?અને હા, મમ્મીએ પેલા ફોટા મંગાવ્યા સે..તે પસે યાદ રાખીને આપજો ને…’
આને સમજાવવાની મારી બધી તાકાત ખતમ થઈ ગઈ હતી. હમણાં સુધી તો પોલીસ ચૂંટણીમાં બીઝી હતી પણ હવે જેવી ફ્રી થશે અને આ માહિતીના ફોર્મની વાત યાદ આવશે તો શું થશે..? સામેની બિલ્ડીંગમાં તો એક જણને આ જ વાત માતે એક રાત માટે જેલભેગો કરી દીધેલો..ક્યાંક અમારે પણ…આગળની સ્થિતી વિચારતા મારા રુંવાડા ઉભા થઈ ગયા. બધું ભગવાનને ભરોસે..એ જેમ રાખે એમ રહીશુ બીજું શું…!
-સ્નેહા પટેલ.