સ્થાનપલટોઃ


phoolchhab newspaper > navrash ni pal column > 9-1-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

Image

હજુ વાળમાં હાથ ‘મા’નો  ફરે છે

મને બાળપણ પાછું જિવાતું લાગે.

અજંપા અમસ્તા ઉધામા કરાવે

તને જોઇ  સઘળું સમેટાતું લાગે !

-હર્ષદ ચંદારાણા.

સલૂણી સાંજ હતી. સંધ્યાની લાલીમાં સુવર્ણાને એક તપસ્વીપણું દેખાતું હતું. વિધાયક સુવર્ણાનો પતિ હજુ ઓફિસેથી આવ્યો નહતો. સુવર્ણા રસોઈ – પરવારીને હીંચકા ઉપર બેઠી હતી. આભને ગેરુરંગનો સ્પ્રે કરેલ હોય એવા વાતાવરણમાં ઘરની બાજુમાં રહેલ મંદિરમાંથી ઘંટનાદ થયો અને સુવર્ણાના કાનને આનંદથી મખમલી ગલીપચી થઈ..આનંદની અદભુત અનુભૂતિથી એ છ્લકાઈ ગઇ.

આનંદના એ નશાને બમણો કરવા, પોતાનો ખાલી સમય ભરપૂર કરવા સુવર્ણા કબાટમાંથી  કેમેરામાં કંડારાયેલ પોતાના જીવનની આહલાદક ક્ષણોવાળું આલ્બમ લઈ આવી. પોતાની દીકરીના નાનપણના ફોટા નિહાળી રહી હતી. અમુક ફોટામાં ખુશ્બુ, એની દીકરી એને વ્હાલથી ચૂમી ભરતી હતી, અમુકમાં ખાલી ખાલી નાટક કરતી કરતી ગુસ્સે થતી હતી, તો એક ફોટામાં એના ખોળામાં ગોટમોટ થઈને, દુનિયાની બધી તકલીફોથી બેખબર થઈને ઢબૂરાઈ ગયેલી…સુવર્ણાને અનાયાસે જ એનું બાળપણ યાદ આવી ગયું. એના મા -બાપનું એકનું એક લાડકું સંતાન.

‘મા..’

‘શું છે બેટા..?”

‘આજે ડ્રોઈંગ કોમ્પીટીશનમાં ફર્સ્ટ આવી આ જો એની ટ્રોફી..’

‘અહાહા..મારી લાડલી..’ મા એના માથે વ્હાલથી ચૂમી ભરી દેતી.

‘મા..આ જો ને આજે મારે રૂપા સાથે ઝઘડો થઈ ગયો..સમજતી જ નથી ને કોઈ વાતે એ..’

‘હોય હવે બેટા..ચાલ્યા કરે…કાલે પાછા બહેનપણા કરી લેવાના..આવું તો ચાલ્યા કરે,દુનિયામાં બધા સરખા ના હોય..થોડું લેટ-ગો કરી લેવાનું..ચાલ ગુસ્સો છોડી જમી લે હવે.”

મા વાળમાં હેતથી હાથ ફેરવતી ફેરવતી એને જમાડતી અને એ જમીને માના ખોળામાં માથું મૂકીને દુનિયાથી બેખબર થઈને સૂઈ જતી.આખેઆખી અકળામણની પાનખર મા ના હુંફાળા ખોળામાં વસંત થઈ જાતી અને એ જાગે ત્યારે પોતાની જાતને પહેલાં જેવી જ ખુશીઓથી હરીભરી અનુભવતી. માની મમતા યાદ આવતા એનાથી એકલા એકલા મરકી જવાયું.

ત્યાં તો ઘરનો ડોરબેલ રણક્યો…

“ટીંગ-ટોંગ…”

સુવર્ણાએ આલ્બમ બાજુમાં મૂકીને દરવાજો ખોલ્યો.

અરે. આ તો મમ્મી… પણ એ સાવ નિસ્તેજ અને થાકેલી થાકેલી કેમ લાગે છે…?

‘શું થયું મમ્મી? કેમ આટલી ઊદાસ..?’

‘બસ બેટા…તારા પપ્પા જોડે થોડું બોલવાનું થયું..શરીર અને મગજ બેય સાથ નથી આપતું હવે..થાકી જવાય છે આ બધાથી. કંટાળી ગઈ છું આ જીન્દગીથી હવે..’

‘અરે મમ્મી, હોય હવે, સંસાર છે તો ચાલ્યા કરે. કાલે અબોલા તોડીને પાછા સાથે હળી-મળીને જીવવાનું..હવે પહેલાં એ કહે કે તું જમી છું કે નહીં ?’

‘ના…મૂડ જ નથી’

‘અરે..એવું થોડી ચાલે…ચાલ મારા હાથે જમાડી દઊ આજે તને…!’

અને સુવર્ણાના હાથે કોળિયા ભરતા ભરતા સુમિત્રાબેન એના ખોળામાં માથું મૂકીને દુનિયાની તકલીફોથી બેખબર થઈને સૂઈ ગયા.

પોતે ઊભી થાય તો મમ્મી જાગી જાય એટલે સુવર્ણાએ એંઠા હાથ નેપકીનથી લૂ્છી લીધા, અને બેઠી બેઠી સુમિત્રાબેનના વાળમાં હેતથી હાથ ફેરવવા માંડી…આજે એણે સંબંધોમાં સ્થાનપલટો કર્યો.

સુમિત્રાબેનની દીકરી મટીને આજે  એમની મા બની ગઈ હતી !!

અનબીટેબલ :- વરસાદ પડી જાય પછી બારી બારણાની જેમ ઉઘડી જઈએ, તો  ઉઘાડ પછીના મેઘધનુનો આનંદ માણી શકાય.

–સ્નેહા..