આસ્તિક – નાસ્તિક


patel suvas mag. > થોડામાં ઘણું સમજજો – લેખ નં-  5.

ઘણાં વ્યક્તિઓ વારે ને તહેવારે બહુ ગર્વ સાથે પોતાનું મક્ક્મ સ્ટેટમેન્ટ ડિકલેર કરી દે છે કે ‘હું તો ભગવાન – બગવાન માં કંઈ માનતો જ નથીને..એ બધા તો નર્યા તૂત જ છે.  પથ્થરની મૂર્તિને પૂજ્યા કરવાનું..માળા-મણકાં જપ્યા કરવાના…આ બધું તો ખાલી દેખાડા જ છે. તમે મને નાસ્તિક કહો તો નાસ્તિક છું..જે કહો એ..આઈ ડોંટ કેર’.

જ્યારે ઘણા વ્યક્તિઓ ધર્મભીરૂ હોય છે. નાની નાની વાતમાં ભગવાનથી ડરીને ચાલનારા.એમના માટે ભગવાનની પૂજા – આરતી જીવનની દિનચર્યાનો  અતિમહત્વનો ભાગ હોય છે, જીવવા માટેનું પ્રેરકબળ હોય છે. વિશ્વાસ, શ્રધ્ધા જેવા ગુણોથી એમની આસ્તિકતા હંમેશા મહેંકતી, દમકતી, ચમકતી હોય છે. એમની દરેકે દરેક સમસ્યાનું સોલ્યુશન એમની શ્રધ્ધાના – પરિશ્રમના જોરે એમના પરમાત્મામાંથી જ મળી રહે છે. આખી ય દુનિયાને ચલાવનાર, સંભાળનાર એમનો પરમાત્મા એમને ફૂલ-નદી-ઝરણાં-પહાડો-પશુ-પંખી-માનવી…દરેકે દરેક જગ્યાએ દ્રશ્યમાન થાય છે. મનમાં સદા સંતોષ,આનંદ વ્યાપેલો રહે જેની ચમકથી એમનો ચહેરો સદૈવ તાજગીસભર, વિશ્વસનીય, લાગણીસભર દેખાય છે. કર્મ કરીશું પણ તારી મહેરબાની નહી હોય તો ફળ તો નહી જ મળે એવી અતૂટ શ્રધ્ધા એમના ઘણા બધા મુશ્કેલ કાર્યોમાં ‘શૂળીનો ઘા સોયથી સર્યો’ જેવી સ્થિતીનું નિર્માણ કરતો હોય છે અને પરિણામે એમની કદી પણ ના જોયેલા ઇશ્વર પર શ્રધ્ધા ટકી રહે છે..રોજ એમના ઘરમાં દીવાબત્તી સમયસર થતી રહે છે. પોતે સર્વોત્તમ છે એવું ગુમાન ક્યારેય એમના મગજમાં રાઈ ભરતું નથી અને તેઓ ડાઉન ટુ અર્થ રહીને સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

હવે આવીએ  નાસ્તિકતાના પૂજારીઓ તરફ. જોકે આવા લોકો પોતાની નાસ્તિકતાને જીવનની દરેક પરિસ્થિતીમાં વફાદાર રહીને દુનિયાના બીજા જીવોને હેરાન કર્યા વગર ‘જીઓ ઓર જીને દો’ જેવા ગુણોથી છ્લકાતા હોય તો એમની શારિરીક અને માનસિક શક્તિ માટે મને દિલથી માન થાય છે. પોતાને સર્વોપરી માનવાથી દૂર રહી શકતા હોય, પોતાની અંદરની સારપને ઇશ્વર સમજીને સારા-ખોટાના ભેદની તારવણી કરીને જીવન જીવી શકતા હોય તો તો અતિઉત્તમ ! આવા નાસ્તિક બની રહેવામાં કંઈ ખોટું નથી. પણ થાય છે એવું કે, જ્યાં સુધી પોતાના જીવનની ગાડીનું સ્ટીઅરીંગ પોતાના હાથમાં હોય, રસ્તા પોતાને અનુકૂળ મળે અને મનચાહી મંઝિલ મળે ત્યાં સુધી તો આ ‘નાસ્તિકતા’નો જુસ્સો જળવાઈ રહે છે. પણ જ્યાં રસ્તામાં તકલીફોના ‘બમ્પ’ આવ્યાં અને ગાડીની સ્પીડ ખોડંગાઈ કે એક્સીડન્ટ થઈ ગયા, સતત પ્રયાસ કર્યા બાદ પણ મનચાહી મંઝિલના છેડાંને અડકવાને પણ અસમર્થ થઈ જાય,ચારે કોર અંધારું ઘોર હોય અને ક્યાંય કોઇ જ આશાનું કિરણ ના દેખાય ત્યારે એ નાસ્તિક માનવી અંદરથી તૂટવા માંડે છે, સેલ્ફ-કોન્ફિડનસ, ધીરજ હાથથી છુટવા લાગે છે. આવી સ્થિતી લાંબી ચાલે તો એ જ નાસ્તિક ધીરે-ધીરે ‘આસ્તિકતા’નો છેડો પકડીને એકાએક  ધર્મમાં માનતો થઈ જાય છે, પથ્થરની મૂર્તિઓમાં જીવંત ધબકારવાળા પ્રભુજીને શોધવા માંડે છે. પોતે નાદાન હતો, અજાણતાં બહુ બધી ભૂલો થઈ ગઈ,હે પરમકૃપાળુ પરમેશ્વર તારો બાળ સમજીને માફ કર અને તારી દયા દ્ર્ષ્ટિથી મને આ મુશ્કેલીઓના મહાસાગરમાંથી બહાર કાઢ..મારો હાથ પકડ !

સવાલ એ છે કે બધું ય ગુમાવીને ડરી ગયેલા, હાર માનેલા વ્યક્તિની સગવડીયણ ભક્તિ વધારે યથાર્થ કે બધું હોવા છતાં ફક્ત શ્રધ્ધા અને વિશ્વાસના ભરોસે કરાતી નિ:સ્વાર્થ ભક્તિ ?
જવાબ તો થોડામાં ઘણું સમજી જતાં આપણાં સમજુ, વિચક્ષણ વાંચકોને ખબર જ છે..બસ સ્વીકારવાનો છે.
-સ્નેહા પટેલ.

Unbeatable


ચર્ચાઓથી પ્રખ્યાત ચોક્કસ થઈ શકાય, પણ લોકપ્રિય થવા માટે તો નક્કર પરિણામ જ જોઇએ.
-સ્નેહા પટેલ