યથાર્થ.


પાનખરની  ઋતુમાં
ભૂતકાળની કડવી યાદો ખરી જઈને
નવી સુમધુર યાદો
ખુશીની લીલાશ સાથે ફૂટી નીકળે
અને વર્તમાન મહેંક મહેંક થઈ જાય..
તો જ આ વસંત યથાર્થ.
-સ્નેહા પટેલ.

સુખડું અલ્પ ને દુઃખ સાગર સમું…


Gujarat guardian paper > Take it easy – 25.

http://www.gujaratguardian.in/E-Paper/01-06-2013Suppliment/index.html

Snap1


‘જાગીને જોઉં તો

જગત દીસે નહીં

ઊંઘમાં અટપટા

ભોગ ભાસે..’

 

નરસિંહ મહેતાએ આ કયા મૂડમાં લખ્યું હશે એની તો મને જાણ નથી..પણ મને આનો આજે જાગી ત્યારથી બરાબર અનુભવ થતો હતો. વાત એમ હતી કે અમારા એરીયામાં  એકલા રહેતા વૃધ્ધ ધનવાન  કપલોને મારીને એમના ઘરમાં ચોરી કરીને ભાગી જનારા ઘરઘાટીઓનો ત્રાસ તો પહેલેથી જ હતો. પણ આજકાલ ‘જન્મીને તરત બાળપણ વિના સીધી મદમસ્ત જુવાનીમાં પહોંચી જતી મોંઘવારી’એ માણસોની હાલત એટલી ખરાબ કરી નાંખી હતી કે દરેક માણસ પોતાનું માનવપણું ભૂલવા લાગ્યો હતો..પહેલાં જીવતા રહેવા દો..! જીવન જરુરિયારતો પૂરી થશે અને જીવીશું તો ‘માનવી માનવ બને તો ય ઘણું’ થઈ શકશે.  બાકી ભૂખ્યા પેટે, ફાટેલા લુગડે અને તૂટતા ડિલ સાથે ફિલોસોફી કે કવિતા કોઇ રંગ આપણી પર ના ચઢી શકે. સમજુ, બિન-ઉપદ્રવી અને માણસો (!)ની કેટેગરીમાં માનવીઓ પણ આજકાલની મોંઘવારીમાં પોતાના મગજ અને અદવિચારો પરનો કંટ્રોલ ખોઇને પૈસા કમાવવાના બદલે મેળવવાના બને એટલા નવા નવા માર્ગો અપનાવતા થઈ ગયેલા. હવે માણસોની આ હાલત હોય તો જે પહેલેથી જ જડસુ ,જનાવરોની કક્ષામાં મૂકાતા હોય એવા ઘરઘાટીઓ કે કામવાળાઓની તો વાત જ શું કરવી..એમની પાસેથી ચારઆનાની અકક્લની અપેક્ષા રખાતી, એ ય હવે તો  અપેક્ષાનો વાડો કુદાવી ગયેલી. પરિણામે રોજ બરોજ છાપાઓમાં ઘરઘાટી દ્વારા એના માલિકની હત્યાના સમાચાર નજરે ચડતા જ સવાર સવારમાં મારી સ્ટ્રોંગ અને મીઠી ચા બ્લેક કોફી જેવી બની જતી.

આજે પણ એવો જ એક કિસ્સો ધ્યાન દોરી રહેલો ત્યાં તો મારા ઘરના દરવાજાની નીચેથી સરરર..કરતું એક ફરફરીયું ઘરમાં પ્રવેશ્યું. એ સ્વછંદી કાગળને બે પળ તો આવકારવાનું મન ના થયું…હશે..જે હશે એ..પછી નિરાંતે એને હાથમાં લઊં..પણ પવનમાં એનો ધીમોધીમો ફડફડાટ મને સતત એના તરફ આકર્ષી રહેલો…નાછૂટકે બધી આળસને ત્યજી મેં એને હાથમાં લીધું..એમાં જે લખેલું એ વાંચીને મારી બધી નિરાંતનો નશો છુ….ઉ…ઉ..થઈ ગયો.

એ એક ફોર્મ હતું જેમાં દરેક ઘરમાલિકે એના ઘરમાં કામ કરવા આવતા દરેક નોકરોની એમાં પૂરતી માહિતી અને એનો ફોટોગ્રાફ આપવાનો હતો અને બે દિવસમાં નજીકના પોલીસસ્ટેશનમાં એ વિગતોવાળું ફોર્મ જમા કરાવી દેવાનું હતું.

અત્યારની સ્થિતી પ્રમાણે આ પગલું અત્યંત આવશ્યક હતું પણ એ કાર્ય દેખાય એટલું સરળ ક્યાં હ્તું..નવના તેર થઈ જવાના હતા, ચોકકસ..!

 

ફરજીયાતપણે – ચોકકસ સમયાવધિમાં પૂર્ણ કરવાના કાનૂની કાર્યમાં મારી આળસ કે બીજા કામોની પ્રાયોરીટીને કોઇ અવકાશ નહતો. મારે ત્યાં આવતી ‘ઇલુ’ (આ મેં એનું કોઇ લાડનું નામ નથી પાડ્યું..એનું નામ જ ઇલુ છે. પણ મને એની ઉદભવકથામાં કોઇ રસ નહતો એટલે એ નામ વિશે મેં ઝાઝી ખણખોદ કરીને મારો અમૂલ્ય સમય એની પાછળ ક્યારેય નહતો બગાડ્યો..) એનો  ગિફ્ટમાં મળેલ નવો નવો ગ્રીન ડ્રેસ ચડાવીને લટક મટક કરતી પધારી. થોડા લાડભર્યા અવાજે મોટેથી સાદ પાડ્યો,

‘ભા….ભી…’ હું સામે જ ઉભી હતી એવું એને સમજાવવાનો કોઇ મતલબ નહતો…ચારઆનામાંથી આને ભગવાને એક આનો આપેલો એ પણ વચ્ચે મોટા કાણા સાથે..હું જે પણ બોલું એ બધું ય પેલા કાણાંમાંથી નીકળી જવાનું..એટલે મેં સામે એકદમ ધીમા અવાજે કહ્યું,

‘બોલ..!’  ( સામેવાળો બરાડતો હોય અને આપણે ધીમા અવાજે પ્રત્યુત્તર આપીએ તો એને પોતાના બૂમબરાડાનું ધ્યાન આવે પણ આ કેસમાં તો મેં એવી કોઇ જ આશા નહોતી રાખી.મારુ મગજ શાંત રહે અને એ મારું કામ શાંતિથી પતાવીને જાય એટલી જ આશા.) આજે તો એક વધારાનું કામ પણ કરાવવાનું હતું એનું ટેન્શન મારા માથે ગોળ ગોળ ચકરાવા લેતું હતું.

‘આ જુઓ, નવો ડ્રેસ…આને પેલું…શું કહે બળ્યું…પતિ…પતી..’

‘આને પતીયાલા કહેવાય ‘

‘અરે હા એ જ..મારી મા બહુ ગુસ્સે થાય આવું  નાનુ નાનું ટોપ પહેરીએ ને તો અને આ પહોળો પહોળો લેંઘો જોઇને મારો નાનો ભાઈ મારી હામે દાંત કાઢતો હતો કે આ શું ભરવાડોની ચોયણી જેવું પહેર્યું ચે તેં..પણ મેં તો એ કો….ઇ..ની ય વાત કાને જ ના ધરી..આ નવી નવી ફેશન છે તે લો અમને મન નો થાય આવુ બધું…તેં પહેરી લીધું..બધા ય કહે ઇલુ તું તો બહુ રુપાળી લાગે છે આમાં…તે..હેં ભાભી તમે કહો ને..કેવી લાગું છુ..?’અને પછી એનું ડોકું જમણીબાજુ ખભાને દબાવી અને ડાબેથી જમણે અર્ધવર્તુળાકારે ઘુમાવ્યું. હવે ટેવાઈ ગયેલી એટલે સમજાઈ ગયું કે આ એની લાડની, શરમાવાની સ્ટાઇલ છે એટલે આઘાત ના લાગ્યો.

દિવસે પણ સફેદ કપડાં પહેરે ત્યારે માંડ દેખાય એવા એના પાકા કાળા કલર ઉપર આ ડાર્ક ગ્રીન ડ્રેસ જોઇ મને લીલા -પીળા પટ્ટા સાથેની અમદાવાદની ઓટોરિક્ષા યાદ આવી ગઈ.

પણ ઉદારદિલે મનને ટપાર્યું..’અંધને અંધ ના કહીએ કદી..’

આમાં મારે કોઇ જ સૌંદર્યપારખુ બનીને જજ નહતું થવાનું…

‘સરસ લાગે છે’

નો દર વખતે બોલાતો એકનો એક ડાયલોગ જ ઘસડી મારવાનો હતો ને મેં એ ફરજ પતાવી દીધી અને ધીરે રહીને મારા કામનો મમરો મૂક્યો ઃ

‘ઇલુ…હું શું કહેતી હતી કે આ એક ફોર્મ આવ્યું છે. એમાં તારા વિશેની બધી વિગત..મતલબ..તારા ઘરનું એડ્રેસ, કેટલા સમયથી તું અહીંઆ રહે છે, તારું ગામ ક્યું જેવી બધી વાત સાથે તારો અત્યારનો એક ફોટો આપવાનો છે…અને મારે એને બને એટલી જલ્દીથી પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાનું છે’

‘પોલીસ-સ્ટેશન…હાય રામ..તેં બુન મેં એવું ક્યાં કંઈ કર્યું છે તે મારો ફોટો ત્યાં આપવાનો..’

પત્યું..મારી કવાયત ચાલુ..

‘અરે, આ તો એક ફોર્માલીટી ્છે, બધાંય કામવાળાઓ પાસેથી આ વિગત લેવાશે. ‘ મેં મગજ પર પૂરતો કંટ્રોલ રાખીને બને એટલી સરળ ભાષામાં એને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડી ઘણી વાત એના ભેજામાં ઉતરી…વળી એની બીજી બહેનપણીઓને પણ આવો અનુભવ થયેલો એટલે થોડી ઘણી વાત એની સમજ મુજબ ખ્યાલમાં હતી.

‘તે બુન..મારી ઉંમર તો મને નથી ખબર…કદાચ સોળ – બાર વર્ષ હશે..!’

ચાર ચાર વર્ષનો ભેદ ઉકેલવામાં મને કોઇ ગાજર ખાતો કરમચંદ જાસૂસ કે કીટી મદદરુપ નહતા થવાના.

‘તારો ભાઈ તારાથી મોટો છે ને..’

‘હા..’

‘એ કયા ધોરણમાં ભણે છે ?’

‘એ તો…આ આપણા અક્ષતભાઈ જેવડો જ..અક્ષતભાઇ ક્યા ધોરણમાં ભણે..?’

‘આઠમામાં’

‘બસ તો એ પણ દસમામાં જ છે !’ હાથની મુઠ્ઠી ભીડાઈ ગઈ..કંટ્રોલ !

‘તું કેટલા વર્ષ નાની એનાથી..?’

‘મને બહુ ખ્યાલ નથી એવો બધો..પણ લગભગ ત્રણ ચાર વર્ષ હોઇશ..’

મનોમન હિસાબ લગાવ્યો..લગભગ બાર – તેર વર્ષ થાય…પણ એ કોઇ પણ સંજોગોમાં એટલી નહતી લાગતી.

‘ઇલુ..મને લાગે કે તું સોળ વર્ષની ઉપરની હોવી જોઇએ.’

‘હોવ રે..તે એટલા તો હશે જ ને મને…શું તમે ય તે..જોકે આ આપણા અક્ષતભાઇ કરતાં નાની..એ તો જુઓ ને તમારાથી ય બેં વેંત ઉંચા છે. અરે હા..મારો નાનો ભાઈ છે એની ઉંમર લગભગ પંદર -સોળ વર્ષની હશે..તમને ખબર..મને અને મારા ભાઈને એક સાથે તાવ આવેલો ને તો હંગાથે હોસ્પિટલમાં દાખલ કરેલા. એ મોટ્ટા મોટ્ટા અંજેક્શનો ઠોકે..એની ને મારી દવા પણ સરખી..હું તો પછી છે ને દવા જીભ નીચે સંતાડી રાખું..અને પાણી પી જતી. બધા જતા રહે પછી મોઢામાંથી કાઢીને બારી મંઈથી બા’ર ફેંકી દેતી..પછી તો અમારી બાજુના પલંગ પર  ‘માસી’ આવેલા..બોલો..!’

આઘાતમાં મારાથી બોલાઈ ગયું..’તારા માસીને પણ તાવ આવેલો કે..?’

અને એ ખડખડાટ હસી પડી.’શું ભાભી તમે ય..માસી એટલે જ હમજતા નથ..માસી એટલે કે..’

અને મને એકદમ એનો સંદર્ભ ખ્યાલ આવ્યો

‘ઓહ ..ઓકે..ઓકે..’

‘તે પછ..અમે તો રુમ બદલાવી કાઢ્યો…એમ માસીઓ જોડે ચ્યમનું ફાવે હે..?’

‘હા ના જ ફાવે..’

મને થયું કે હવે આને વધારે પૂછ પરછ કરીશ તો હું કદાચ મારા દીકરાની ઉંમર ભૂલી જઈશ.

 

‘શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી,

સુખડું અલ્પને

દુઃખ સાગર સમું…’

 

રમ્યા વગર જ હાર માની બેઠેલા યોધ્ધાની પેઠે મેં એને કહ્યું,

‘તું અત્યારે કામ પતાવ..અને સાંજે તારી મમ્મી કે પપ્પાને લઈને આવજે. હું એમની જોડે વાત કરી લઈશ..’

‘એ હારું બુન…’

 

-વધુ આવતા અંકે.

-સ્નેહા પટેલ