લીવ ઇન રીલેશનશીપ


Smruti khodaldhaam mag. > january months articl

હમણાં જ રાજેશખન્નાના મોત પછી એની મિલકત માટે માર્કોસ ફેમિલીની ભત્રીજી –ભાણી અનીતાનો ‘કાકા’ની મિલક્તમાં હિસ્સો માંગ્યો એ વાત વાંચવામાં આવી. એની હિસ્સો માંગવા પાછળ એ બેની વચ્ચેનો સંબંધ કયો તો જવાબ મળ્યો – ‘લીવ ઇન રીલેશનશીપ’. ગયા વર્ષે મીનાકુમારીને શ્રધ્ધાંજલી આપવા અનિતા શોકસભામાં ગયેલી ત્યારે લોકોની નજરમાં એ ‘કાકાની ગર્લ ફ્રેંડ’ તરીકે લાઈમલાઈટ્માં આવી ગયેલી.

રોમાન્ટીક હીરોના આઈકોન સુપરસ્ટાર રાજેશા ખન્નાના જીવનમાં  આમ તો ટીના મુનીમ,મુમતાઝ.ડિમ્પલ,અંજુ મહેન્દ્રા જેવા નામ તો જાણમાં હતા જ પણ આ નામ નવું લાગ્યું, નેટ પર શોધતા ખ્યાલ આવ્યો કે આ તો કાકાની લેટેસ્ટ ગર્લફ્રેંડ. જોકે મારા માટે જ આ નામ નવું હશે…કારણએ દેવીજીએ તો ‘કાકા’અને પોતાના સંબંધો 33 વર્ષ જૂના બતાવ્યા છે..એ લગભગ તેર વર્ષની હતી ત્યારે કાકાએ એની મરજી વિરુધ્ધ એની સાથે દૈહિક-સંબંધ બાંધ્યા હતા અને પછી એ બેનને એકદમ જ મહાગ્યાનની પ્રાપ્તિ થઈ કે રામ જાણે શું ..એણે સામેથી કાકા જોડે’લીવ ઈન રીલેશનશીપ’ની સ્થિતી હસતા મોઢે સ્વીકારી લીધી. સાઈઠે લોકોની બુધ્ધિ નાસે ત્યારે કાકાની તો આ ઊંમરે પણ નવી નવી ગર્લફ્રેંડસ કેમ પટાવી શકાય એની બુધ્ધિ સાબૂત હતી. જો કે મજબૂત પાસુ તો એનો 200 કરોડનો આશીર્વાદ બંગલો જ  ગણાય. પછી સાચી વાત તો હરી જાણે.

આખીય વાતમાં આ ‘લીવ ઇન રીલેશનશીપ’ શબ્દ જ મને કઠ્યો.આ ‘રીલેશનશીપ’ આટલા મોટા પાયે અસ્તિત્વમાં આવવા પાછ્ળનું કારણ શું હોઇ શકે ? આ લીવ –ઇન –રીલેશનશીપ એ આપણે માનવીઓએ મારી મચડીને –પ્રેમના રોદણા રડીને પોતાની તરફેણમાં કરી લીધેલો કાયદો નથી ? સગવડીયો ધર્મ હોય એમ જ આ સગવડીયો પ્રેમ !

બાળપણમાં કંટાળ્યા હો અને  મન બહેલાવવા માટે-રમવા માટે માર્કેટમાંથી તમારી ઇચ્છાશક્તિ – ખરીદશક્તિ પ્રમાણે રમકડાંની ખરીદી કરી લેતા હો એમ જુવાનીમાં મન બહેલાવવા માટે એક પાર્ટનર શોધી લેવાનો. આજકાલ  ઉચ્ચ  શિક્ષણ મેળવીને પોતાની કેરીઅર બનાવવાના ચક્કરમાં યુવાનીયાઓથી પોતાની વધતી જતી ઉંમર, એની જરુરિયાતો ને નજરઅંદાજ નથી કરી શકાતી. પૈસો અને શારિરીક જરુરિયાત બેય એમના માટે મહત્વની થઈને ઉભી રહી જાય છે. એમાંથી પસંદગી બહુ અઘરી હોય છે. વળી આજકાલની ભણેલી ગણેલી પેઢી આત્મવિશ્વાસથી ફાટ ફાટ થતી અને પ્રામાણિક હોય છે એટલે એમને લગ્ન પહેલાં પોતાને એક જોડીદારની જરુર છે એમ સ્વીકારવામાં કે એનો સમાજ સમક્ષ સ્વીકાર કરવામાં કોઇ સંકોચ નથી થતો. મારી મચડીને દરેક તથ્યો પોતાની અનુકૂળતાના ચોકઠામાં ગોઠવીને જીવતી આ પેઢીના જીવનમાં ‘પૈસો કે પાર્ટનર’ બેમાંથી એકની પણ કમી હોય તો એમનો પહાડ જેવો આત્મવિશ્વાસ ઘડીના છઠ્ઠા ભાગમાં ચકનાચૂર થઈ જતા વાર નથી લાગતી. વળી ઉચ્ચ શિક્ષણ મેળવીને તર્કના ઢગલા પર બેઠેલી આ પેઢી માણસમાં વિશ્વાસ મૂકવાનું અને પોતાનામાં મૂકેલો વિશ્વાસ સાચવવાનું બહુ મહત્વનું નથી ગણતી. એટલે એમના માટે લગ્ન કરીને કોઇ એક માણસમાં પૂરેપૂરો વિશ્વાસ મૂકવાનું કાર્ય તો અતિ દુશ્કર જ લાગે. એટલે આવા ‘લીવ ઇન રીલેશનશીપ’માં પાર્ટનરનો ‘ટ્રાયલ એન્ડ એરર’ જેવા સ્કોપ સાથે ચાંસ લઈ લે છે. આ પેઢીમાં નૈતિક મૂલ્યો હવે એમની વ્યાખ્યા બદલી રહયા છે.

આ ચલણનો મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં તો રાફ્ડો ફાટયો છે. આઈટી જેવા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં યુવાનીઆઓ પોતાના શહેરને છોડીને બીજા શહેરમાં નોકરી કરવા જવુ પડે છે. ત્યાં મોંઘવારી, ઘરના ધરખમ ભરવા પડતા ભાડા આ બધું આ પેઢીને લિવ ઇન રીલેશનશીપના સંબંધ તરફ વધારે આકર્ષે છે.બેય પોતપોતાની મન થાય એ રીતે જીવે, કોઇએ એક હદથી વધારે બીજાના કામકાજમાં માથું નહી મારવાનું. બે ય જણ આમ બંધાયેલા અને આમ છૂટ્ટા. જોકે અહીં બંધાયેલ શબ્દ કદાચ અર્થહીન થઈ જાય. બંધન તો લગ્નમાં જ આવે આમા તો હરાયા ઢોર જેવા છૂટ્ટા જ ફરવાનું, મન થાય ત્યારે ચારો ખાઇ લેવાનો.

આતો થઈ અપરિણીતોની વાત..હવે પરિણીત યુગલોની વાત લઈએ તો,

મનુષ્યનું મગજ સતત બદલાવ ઝંખતુ હોય છે. એ કોઇ પણ એકની એક સ્થિતી કે સંબંધમાં બહુ સમય મનથી બંધાઈને નથી રહી શક્તો. વખત જતા એને પોતાના સંસ્કારો, લાગણી, નૈતિક મૂલ્યો આ બધું બધું લગ્નજીવનને ટકાવી રાખવામાં બહુ મદદરુપ થાય છે. ‘ટકાવી’ રાખવા જેવો શબ્દ જ કેવો વિચિત્ર લાગે છે કેમ? પણ આ હકીકત છે. સમય જતા આપણે સામેવાળા પાત્રના અસ્તિત્વમાંથી અધૂરપના કાંકરા વીણવા માંડીએ છીએ જે સમય જતા ધીરે ધીરે આપણને પહાડ જેવા મોટામસ લાગવા માંડે છે. જેના પરિણામમાં  છુપા-છુપીની રમત સાથે આવા ‘લીવ-ઇન –રીલેશનશીપ’ સંબંધો અસ્તિત્વમાં આવે છે.  જોકે આ પેઢી આજકાલના યંગસ્ટર જેટલી પ્રામાણિક કે જેવા પડશે એવા દેવાશેની વિચારધારાવાળી  બિન્દાસ કે સાવ છેલ્લી કક્ષાની અસામાજીક નથી હોતી…દૂધમાં અને દહીંમાં એમ બેયમાં પગ રાખવાનું સરળ તો નથી જ એ વાત તેઓ બરાબર જાણે છે. નવી પેઢી ભૂલો કરે છે અને એના પરિણામો પણ ખુદ્દારીથી સ્વીકારી, પચાવી જાણે છે.. છુપાઈ -છુપાઈને  લીવ ઇન રીલેશનશીપ બાંધતા પરિણીત લોકોને પણ ખબર હોય છે કે સત્ય ગમે ત્યારે ઉજાગર થવાનું જ છે.કોઇ વાત ક્યાં સુધી છુપાવી શકવાના ? એ લોકોએ થોડી પળોની અવિચારીપણે મજા માણતા પહેલાં એના જે પરિણામો આવે એ સ્વીકારવાની તૈયારી રાખતા શીખ્યે જ છુટકો.

બાકી કોઈ કોઇને કદી કયાં સમજાવી શક્યું છે ? બેટર છે કે…

તમે ધીરજ , પ્રેમ અને સમજણ રાખીને શાંતિથી – પ્રેમથી જોડે ના રહી શકતા હો તો સંબંધમાં બંધાયેલ માણસને છેતરો નહી, પવિત્ર અને સુંદર સંબંધોની છબી ના બગાડો અને છૂટાછેડા લઈને ગરિમાપૂર્વક અલગ થઈ જાઓ.

આપણા સમાજના લગ્નજીવનની ‘લીવ ઇન રીલેશનશીપ’ ની જેમ આ ‘ફરજીયાતપણે સંબંધ ટકાવી રાખવા’ એ પણ એક અતિ દુ:ખદ સ્થિતી છે .  આપણે જોતા આવ્યા છીએ કે આપણા સંતાનો આપણી વાતો કરતા આપણા વર્તનને જોઇને વધુ શીખે છે. શું સંતાનોને આપણો ભવ્ય વારસો આવો જ હશે ?  આવનારી પેઢીના જ્યાં દરેક યુગલમાં સ્ત્રીનો પહેલા પતિનો પુત્ર અને બીજા પતિની પુત્રી કાં તો પુરુષનો પહેલી પત્નીનો પુત્ર અને અત્યારની પહેલી—બીજી—ત્રીજી—લીવ ઇન રીલેશનશીપવાળી  (આને પત્ની તો ના જ કહેવાય / કાં તઓ અંદરખાનેએકાંતમાં મન મનાવવા કહેતા હોય તો ખબર નહી…આ બહુ  જ કંફ્યુઝીંગ વાત છે એટલે એને અહીં જ છોડી દઈએ )   કે ઓફિશીયલ સાત ફેરા ફરીને પરણેલી સ્ત્રીઓના સંતાનો અંદરો અંદર પ્રેમમાં પડે – લીવ ઇન રીલેશનશીપ બાંધે કે છેલ્લે પરણી પણ જાય એવી સ્થિતિ ઉતપન્ન થાય તો નવાઈ ના પામતા..!

-સ્નેહા પટેલ.

હીરાની વીંટી


યાદ તારી સાચવી શકુ એવી
એક દાબડી દઈ દે
.
.
.
મને એક હીરાની વીંટી લઈ દે !

-સ્નેહા પટેલ.

કમાણી


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

phulchhab paper > Navrash ni pal column > 1-2-2013

 

નવો મારગ મેં કંડાર્યો હતો મારા પગલાંથી

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાઓથી.

-ખલીલ ધનતેજવી.

 

મૃણાલ એક સુંદર મજાની નાજુક અને નમણી 25 વર્ષની યુવતી હતી. એક ખાનગી કંપનીમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરતી હતી. એના મધ્યમવર્ગના પરિવારમાં એક નાનો ભાઈ અને મમ્મી પપ્પા હતાં પપ્પાની કમાણીમાંથી ઘરનું પાલનપોષણ આજની મોંઘવારીમાં દુ:ષ્કર હતું. નાનો ભાઈ હજુ  બારમા ધોરણમાં ભણતો હતો. મૃણાલની નોકરી પછી એના ઘરની સ્થિતીમાં ખાસો એવો ફરક પડ્યો હતો.સામાન્ય મધ્યમવર્ગમાંથી એમનો પરિવાર ઉચ્ચ મધ્યમવર્ગની કક્ષાએ પહોંચી શક્યો હતો.

મૃણાલની મા સિવાય બધાંય ઘરમાં હાશકારાનો શ્વાસ ભરતા હતાં. મૃણાલના મમ્મી લતાબેનને મૃણાલની વધતી જતી ઉંમરની ચિંતા થતી હતી. વળી છેલ્લા 5 વર્ષથી એ અને પર્યાંક ગળાડૂબ પ્રેમમાં હતાં તેની લતાબેનને એકલાને જ જાણ હતી. એમની મૃણાલ આજના જમાનાની ઉછાંછ્ળી છોકરીઓ જેવી નહતી પણ જુવાનીનો નશો ભલભલા ડાહ્યા માણસોને પળમાં ભાન ભૂલાવી શકે છે એ લતાબેન બરાબર જાણતા હતાં. એમનો જીવ સતત ઉચાટમાં રહેતો. આખરે એમણે આટલા વર્ષોથી મનમાં ધરબેલી વાત પતિ રમેશભાઈને કહી. રમેશભાઈ બે ઘડી તો સૂન્ન જ થઈ ગયાં.પછી જ્યારે એમને ખબર પડી કે પર્યાંક સારા ઘરનો સંસ્કારી છોકરો છે અને લતાબેન એને સારી રીતે જાણે છે ત્યારે એમને થોડી રાહત થઈ. કમાઉ દીકરીને હવે પરણાવી દેવી પડશે..માંડ માંડ થોડો રાહતનો શ્વાસ લઈને પોરો ખાતા હતા ત્યાં તો ‘દીકરી પારકી થાપણ’ ની ક્રૂર વાસ્તવિકતા વિશાળ અજગર સમી એમની સામે મોઢુ ફાડીને ઉભી રહી. પોતાના મનમાં ઉઠેલ વિચારની ફેણ તરત દબાવીને મનમાં પાછો ધરબી દીધો.

પર્યાંકના ઘરે બધાને મૃણાલ વિશે ખ્યાલ હતો.એ લોકોને તો છોકરી બહુ જ ગમતી હતી. શુભ દિવસ જોઈને ગોળધાણા માટેનો દિવસ નક્કી કર્યો.

મૃણાલના સમૃધ્ધ સાસરાની જાહોજલાલી જોઇને રમેશભાઈ મનોમન મૂંઝાતા હતા. છેવટે એમણે પોતાના મનની વાત લોકો સમક્ષ ઉચ્ચારી :

‘વેવાઈ,તમારી બધી વાત બરાબર પણ તમે લોકો લગ્ન વખતે અમારી જોડેથી…આઈ મીન…અમારી આર્થિક સ્થિતી તો તમે જાણો જ છો…મતલબ…તમારી ઇચ્છા…’ રમેશભાઈ એ લારા ચાવવા માંડ્યા.

મૃણાલના ભાવિ સસરા રાકેશભાઈ તરત બોલ્યા:

‘અરે,રમેશભાઈ…આ શું બોલ્યાં? આજના જમાનામાં તો છોકરા છોકરીના મન મળે એ જ સૌથી મોટું કરિયાવર. એમની વચ્ચે પ્રેમ આવો ને આવો જ તરોતાજા રહે એમાં જ આપણી ખુશી. વળી તમે તમારી દીકરીને આટલા સારા સંસ્કાર આપ્યાં છે..ભણી ગણીને આજે આટલા સારા પગારની નોકરી કરે છે..પોતાના પગ પર ઉભી છે. આવી સ્વનિર્ભર, ખુદ્દાર, સંસ્કારી અને પ્રેમાળ છોકરી સિવાય વધુ શું જોઇએ કોઈ પણ છોકરાના મા-બાપને?’

અને રમેશભાઈની આંખમાંથી આંસુ ચૂઈ પડ્યાં.તરત જ પર્યાંક આગળ આવ્યો અને રમેશભાઈ અને લતાબેનનો હાથ પકડીને બોલ્યો :

‘મમ્મી-પપ્પા, તમે દીકરી આપીને દીકરો મેળવશો..એની ખાત્રી રાખજો. વળી મૃણાલ પહેલાંની જેમ જ પોતાનો પગાર એ ઇચ્છે ત્યાં વાપરી શકે છે.એની ઇચ્છા હોય તો એ પૂરેપૂરો તમારા હાથમાં મૂકે, એની ઇચ્છા હોય તો બચત કરે, શોપિંગ કરે…એને કોઈ કંઈ જ પૂછ્નારું નથી.. મને એની સમજ્શક્તિ પર પૂરો વિશ્વાસ છે.’

‘અરે જમાઈ બાબુ, એમ થોડી હોય…દીકરી પરણી ગયા પછી એની કમાણી અમારાથી ના લેવાય..એ તો મોટું પાપ….’

એમને વચ્ચે જ રોકીને પર્યંક બોલી ઉઠ્યો,

‘એ બધા જમાના ગયા પપ્પા. દીકરો હોય કે દીકરી..દરેક માણસ પોતાની મહેનત, બુધ્ધિ , આવડતથી કમાય છે અને પોતાના પૈસા એણે કયાં વાપરવા એનો એને પૂરતો અધિકાર છે. દીકરીની ને દીકરાની કમાણી એ વળી શું ભેદભાવ..? મારા પૈસા હું મારા મમ્મી પપ્પા પાછ્ળ વાપરું તો મૃણાલ મને રોકવાની છે..? તો એને હું એના માતૃત્વનું ધ્યાન રાખતા કેમ ટોકી શકું..? તમે જરા પણ ચિંતા ના કરશો વડીલ…અમે બેય જુવાનીયા આ બેય ઘરનું બરાબર ધ્યાન રાખી શકીએ એટલા સમજદાર અને કેપેબલ થઈ ગયા છીએ. અમારી સમજશક્તિ અને પ્રેમ પર વિશ્વાસ રાખીને અમને બેયને લગ્ન કરવાની પ્રેમપૂર્વક મંજૂરી આપો,,બસ !’

અને

ત્યાં ઉભેલા દરેક જણની આંખોની કિનારીઓ પલળી ગઈ.

અનબીટેબલ : દરેક નવીન અને સાચી વાત પહેલા મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેલ્લે તેનો સ્વીકાર થાય છે. – સ્વામી વિવેકાનંદ