મારી વ્હાલી..

fulchaab paper > navrash ni pal column > 5-12-2012’s article.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

–    રમેશ પારેખ.

‘મૃદાંગી, મારી વ્હાલી..તારા વિના મને એક પળ પણ ગોઠતું નથી. તું તો જાણે છે કે હું તને કેટલો બધો પ્રેમ કરું છું…તો પછી તું શું કામ આમ વારંવાર તારા પીયર જતી રહે છે ? હજુ 6 મહિના પહેલાં જ તો પૂરા બે દિવસ માટે રોકાઈને આવી છું મારી સાસરીમાં !’

મૃદાંગી એની બદામ જેવી બે આંખોને વધારે મોટી કરતાં મર્માળુ હસીને તીર્યંચના ગળામાં પોતાના બે હાથ પૂરોવતા બોલી, ‘પ્રાણનાથ, એ વાતને પૂરા છ મહિના થઈ ગયા અને એ બે દિવસ પૂરા પણ નહતા થયા ને તમે 30 ક્લાકમાં તો મને લેવા પણ આવી ગયેલા. એક વાત કહો તો- આપણી દીકરી મહેંક અને દીકરો ફોરમ આખો દિવસ એમના મિત્રો – બહેનપણીઓના ઘરે કે મોસાળ અને ફોઇના ઘરે જાય ત્યારે તો તમને ઘરમાં ખાલીપો નથી લાગતો. ઘરની રોનક – ચહલપહલ તો સંતાનોથી વધુ હોય જ્યારે લગ્નના પંદર વર્ષ પછી પણ તમે મને બે દિવસ પીયર નથી જવા દેતાં..! બધા તમને વહુઘેલો કહે છે તમને ખબર છે?’

‘હા, મને બધું ય ખબર છે. જેને જે કહેવું હોય એ કહે પણ મને તારા વિના નથી ચાલતું, નથી ગમતું એ સૂર્ય અને ચંદ્ર જેવી  નક્કર વાત છે. ચાલ હવે, ચાનો સમય થઈ ગયો છે, મસ્ત આદુ ફુદીનાવાળી ચા બનાવ અને સાથે થોડા મમરા વઘારી લે જે. હું હીંચકા પર બહાર બેસું છું..’ અને આંખોમાં બની શકે એટલો પ્રેમ લાવીને તીર્યંચે વાક્ય પુરુંકર્યું, ‘ જલ્દી આવ વ્હાલી, રાહ જોવું છું..’

લગ્નજીવનની શરુઆતમાં તો મ્રુદાંગીને તીર્યંચ પોતાની પર આ રીતે ઓળઘોળ રહે, એની આગળ પાછળ ફર્યા કરે, નાનામાં નાની વાત માટે પોતાને આધારીત રહે એ બહુ ગમતું. એને એમ કે આ ઉભરો સમય જતા બેસી જશે..પણ તીર્યંચ આજ સુધી રત્તીભાર બદલાયો નહીં, ઉલ્ટાનો સમય જતા વધુ ને વધુ એની પર આધારીત થતો જતો હતો. એ ઓફિસે જાય ત્યાં સુધી અને ઘરે આવે ત્યારે મૃદાંગી એને ઘરમાં હાજર જોઇએ એટલે જોઇએ જ. એમ ના હોય તો એનો મૂડ સાવ જ ઓફ્ફ થઈ જાય. એના સમય સાચવવા જ મૃદાંગીએ ફુલટાઇમ જોબ છોડીને પાર્ટટાઈમ જોબ શોધવાની ફરજ પડેલી.

હવે મ્રુદાંગી એના અતિરેકથી કંટાળેલી. એને વારંવાર એવું પ્રતીત થતું હતું કે તીર્યંચની આ ઘેલછા પાછળ પ્રેમ કરતાં બીજું કંઇક વધુ ભાગ ભજવે છે. શું..? જવાબ શોધવા જતા જે જવાબ સામે આવતો એ એને બહુ તકલીફ આપતો હતો એટલે એ બધું પોતાની ‘નેગેટીવ થીંકીંગ’ સમજીને પોતાના પ્રેમાળ પતિ પર શક કરવા બદ્લ શરમાઈ જતી અને એ બધા વિચારોને આઘા હડસેલીને ખંખેરી દેતી.

મ્રુદાંગીની મમ્મીનું એકાએક અવસાન થતાં મ્રુદાંગી સંતાનો સાથે પહેરેલ કપડે જ પીયર જવા નીકળી પડી. તીર્યંચ બહારગામ હતો એ ત્યાંથી સીધો પોતાની સાસરીમાં પહોંચ્યો. એકાદ અઠવાડીઆ પછી મ્રુદાંગીએ તીર્યંચને બે સંતાનો સાથે પાછા પોતાના ઘરે જવાનું કહ્યું જેથી બાળકોની સ્કુલ અને તીર્યંચની નોકરીમાં બહુ દિવસો ના પડે. હજુ થોડો સમય એણે ત્યાં જ રહેવું પડે એમ હતું. ત્યાં સુધી ઘર અને બે સંતાનોને થોડો સમય તીર્યંચ સાચવી લે તો સારું એવી એની ઇચ્છા હતી.

આ વખતે  તીર્યંચ પાસે કોઇ જ શબ્દો નહતા એટલે ના છુટકે એણે મૃદાંગીની વાતમાં હામી ભરવી જ પડી અને બે સંતાનો સાથે ઘરે આવી ગયો.

લગભગ અઠવાડીઆ પછી મૃદાંગી પોતાના ઘરે પાછી ફરી તો ઘરની હાલત જોઇને અવાચક જ થઈ ગઈ. આખું ઘર ઉકરડા જેવું થઈ ગયેલું. ઘરમાં ચારેતરફ ગંદકી અને અસ્તવ્યસ્તતાનું સામ્રાજ્ય હતું. એટલામાં ફોરમ અને મહેંક સ્કુલથી પાછા આવ્યાં એમના હાલહવાલ જોઇને મૃદાંગીને ચક્કર આવી ગયાં. યુનિફોર્મ , વાળ, સ્કુલબેગ, શૂઝ..બધ્ધું જ મેલુ-ઘેલું…જાણે કોઇ ઝુપડપટ્ટીના છોકરાઓ..! તીર્યંચ બેડરુમમાં એનું લેપટોપ લઈને  ઓનલાઈન ગેમ રમતો હતો.

‘તીર્યંચ,આ શું..? આ ઘર, છોકરાંઓ…બધું સાવ આટલું ગંદુગોબરું..મેં બાજુવાળા પારુલબેનને વાત કરીને તમારા ટીફીન માટે તો વ્યવસ્થા કરાવી દીધેલી અને આપણી કામવાળીબાઈ પણ રેગ્યુલર છે..કચરાપોતા-વાસણ ટાઈમસર આવીને કરી જ જાય છે..તારે તઓ ફક્ત વોશિંગમશીનમાં કપડાં ધોવાનું કામ જ રહેતું હતું ને?’

‘જો મૃદાંગી, તું તો જાણે જ છે કે મને આ બધું ઘર –છોકરાંવ બધું સાચવવાની સહેજ પણ ટેવ નથી.તારા વગર તો આ ઘરમાં સૂરજ પણ નથી ઉગતો. કામવાળીને કપડાંનું કામ કરવાનુ કહ્યું તો એની પાસે સમય જ નહતો. મે એકાદ બે વાક્ય મોટા અવાજે કહ્યાં તો એ કામ છોડીને ચાલી ગઈ. તેલ પીવા ગઈ….બીજી મળી જશે..એની એવી ખોટી ટણી થોડી ચલાવી લેવાય ? છોકરાંઓ પણ હવે મોટા થઈ ગયા છે એટલે એમની જાતે જ તૈયાર થઈ જાય છે મારે એમનામાં ક્યાં કંઈ જોવાનું જ રહે છે ! કોઇને કંઈ જ તકલીફ નથી પડી બસ સિવાય મારા…ચાલ હવે મને એક કપ ચા બનાવી આપ. તારા હાથની ચા પીધે જાણે વર્ષો થઈ ગયા..હું નાહી લઉં..તું નહતી તો નહાવાનો મૂડ પણ નહતો આવતો..બે દિવસ પહેલાં છેક નાહ્યો હતો. તારા વિના મને સહેજ પણ નથી ચાલતું મારી વ્હાલી..હવે તું આમ મને એકલો મૂકીને ના જઈશ..’

અને મૃદાંગીના મગજમાં પાછા ઠેલાતા ‘નેગેટીવથીંકીંગ’ના ધક્કા મારીને હડસેલી દીધેલ વિચારો પાછા આવી ગયા..’ તીર્યંચને મારા માટે અતિપ્રેમ છે એટલે નહી પણ એને એક કામવાળી બાઈની જ જરુર છે. એ માંગે ત્યારે ચા,પાણી,જમવાનું, એનું ઘર –છોકરાં-એની સુવિધાઓ સચવાય અને રાતે એના બેડરુમ…છી…આને પ્રેમ કહેવાય કે સ્વાર્થીપણુ અને પરાધીનતા..? દુનિયામાં ‘પ્રેમ-પ્રેમ’ ના રાગ આલાપીને આમ કેટલાં લોકો  એની આડશમાં પોતાની આળસ છુપાવતા હશે? પ્રેમની આડશમાં પરાધીનતા પોસાતી હોય એવા લગ્નજીવન કેટલા સમય સુધી સુખી….? આતો એક જણ વેંઢાર્યા કરે ને બીજું મહાલ્યા કરે.. તીર્યંચને તો આખો દિવસ કામના અર્થે બહારગામ જવાનું થાય છે એ વખતે પોતે બધુંજ કામ કેટલી જીમ્મેદારીથી પુરું કરે છે. એવખતે તીર્યંચને પોતાની કોઇ જ કમી નથી નડતી..ઉલ્ટાનું એ પાછો આવે ત્યારે એકદમ રીફ્રેશ થયેલો લાગે છે. વળી અમુક મહિનાઓ તીર્યંચના પગારના ઠેકાણા નથી હોતા તો પોતાના પગારમાંથી જેમ તેમ કરીને પણ ઘર ચલાવે છે જ ને..પોતાની તો એક પણ ગાડી ક્યારેય નથી અટકતી. જ્યારે આજે નાછુટકે પોતાને ઘરની બહાર જવું પડ્યું તો ઘરનું તંત્ર સાવ આવું કેમ કથળી ગયું..?દુનિયામાં બહુ ભ્રમ  જાણીજોઇને પળાતા પોસાતા હોય છે એમાંથી આજે એક પ્રેમાળ ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયેલો અને એની કરચોએ મ્રુદાંગીનું નાજુક દિલ લોહીલુહાણ કરી દીધું હતું.

અનબીટેબલ : Untold sacrifies are never valued.

-sneha patel.

2 comments on “મારી વ્હાલી..

  1. Pingback: હું તને ચાહું છું « sneha patel-akshitarak

  2. સુંદર વાર્તા…એક પુરુષ અરીકે મારું એવું માનવું છે કે જે પુરુષો પ્રેમ નો બહુ ‘શો ઓફ’ – દેખાડો કરતાં હોય એ અચૂકપણે પોતાનો સ્વાર્થ સાધતા હોય..અથવા તો જે નથી એ બતાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં હોય છે. બાકી જે પુરુષ ખરેખર પ્રેમ કરતો હોય એ વાણી-વર્તન કરતાં કર્મો દ્વારા સાચો પ્રેમ કરતો હોય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s