આપ મૂઆ વિના દિવાળીકામ ભાગ -2

Snap1

http://www.gujaratguardian.in/E-Paper/12-02-2012Suppliment/index.html

ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઈટ ઇઝી કોલમ > લેખ નંબર -20

હવે..? આ  ‘પોટલા સંકટ’ને અત્યારના સફાઈકામની વચ્ચે સાચવવાનું તો કયાં પોસીબલ હતું..પણ સામે એની સાચવણીની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી શકાય એવા સંબંધો પણ નહતા. આમ તો આ ઢબુડી આવે એટલે મારો દિવસ એની પાછ્ળ પાછ્ળ જ જાય. પણ આજની વાત અલગ હતી. મૂર્હતો જોઇ જોઇને હાથ પર ધરેલું એ કામ અધવચાલે છોડી દેવાનું બહુ વસમુ હતું.ત્યાં તો ઢીંગલીએ એનું શરારતી-મધમીઠું સ્માઈલ આપ્યું. ખલાસ.. નાના બચ્ચાંઓ જોડે સમય પસાર કરવાનું એ મારું મનપસંદ કામ કે કમજોરી પણ કહી શકાય એ મારી પર હાવી થઈ ગઈ. મારા જવાબની રાહ જોયા વિના એની મમ્મી મારું કામ અડધે રોકીને પોતાના કામ પતાવવા માટેના સ્વાર્થી અભિયાન પર નીકળી પડી !

મારી હેવાઈ એવી ઢબુડીએ હસવાનું છોડીને મને અજબ નજરથી તાકવા લાગી અને એકદમ ભેંકડો તાણ્યો. બે પળ તો મને કંઈ સમજાણું જ નહીં કે એને શું થયું પછી તરત જ મને મારા બુકાની બાંધેલા ચહેરાનું ધ્યાન આવ્યું.તરત જ મોઢા પરથી દુપટ્ટો છોડી કાઢ્યો અને ફ્રીજમાંથી  ‘ટેમ્પટેશન’ કાઢીને એને આપીને ચૂપ કરાવવાના પ્રયત્નો કર્યાં. મારી નજર સામે મારી ફેવરીટ કેડબરી આખીય ઓહીઆ કરીને ફરીથી એણે રડવાનું ચાલુ કર્યું. હવે આને શું થયું વળી..? મેં તરત એને ટેડીબીયર આપ્યું એ પણ એણે ફેંકી દીધું, ટીવીમાં કાર્ટૂન ચાલુ કરી આપ્યું તો પણ એનું ભેંકાટવાનું  ચાલુ ! હવે હું કંટાળી..મારી ધીરજ હાથમાંથી રેતીની જેમ સરી રહી હતી અને મગજનો પારો એના ઉચ્ચતમ તાપમાને પહોંચવાની તૈયારીમાં..! ટીવી બંધ કરીને  થોડા મોટા અવાજે એને ખખડાવી :

’ચૂપ થા નૌટંકી, ‘ટેમ્પટેશન’ કેડબરી ખા કે ભી રોનેવાલે કો ‘નોટંકીબાજ’ કહતે હૈ..!’

અને ઢીંગલી હબકી ગઈ. મને એની દયા આવતી હતી..થોડી થોડી અંદરથી પીઘળતી પણ હતી..પણ આ બલાની સામે ઢીલા ના પડાય..વળી એના લખ્ખણ પરથી એને ‘આ ના તું ભદ્રા:’ જેવો ‘બધી દિશામાંથી સારા વિચાર પ્રાપ્ત થાઓ ‘ જેવી કોઇ  શક્યતાઓ દેખાતી નહતી. એટલે મેં મહાપરાણે મોઢા પર કડક ભાવ રાખ્યાં. ઢીંગલી સમજી ગઈ કે હવે એના નાટકો નથી ચાલવાના એટલે ચૂપચાપ સોફા પર જઈને બેસી ગઈ અને રીમોટ હાથમાં લઈને, મોઢા પર આખાય જમાનાની માસૂમિયત ધારણ કરીને એની કાલીઘેલી ભાષામાં  બોલી,

‘નેહા, તીવી તાલુ કલુ..?’

મારો બધોય ગુસ્સો વરાળની જેમ ઉડી ગયો. એને ખોળામાં બેસાડીને વ્હાલથી એના ગુલાબી ગોળમટોળ ગાલ પર પપ્પી કરીને કહ્યું,

’ કલો ..કલો..’

બે મીનીટની આસ્ચ્ર્યજનક શાંતિ..અને ઘર પાછું ઢીંગલીની ડીમાન્ડોથી ધમધમવા લાગ્યું.

‘મમલા આપો.’

મેં એને દૂરથી મમરાનો ડબ્બો બતાવ્યો અને કહ્યું,

’પેલો ડબ્બો રહ્યો..જા જાતે લઈ લે, હું અત્યારે ઉભી નથી થવાની.’

કતરાતી નજરે મારી સામે જોઇને એ શેતાન ઉભી થઈ અને ડબ્બો લેવાનો પ્રયત્ન કરવા લાગી. માંડમાંડ એના ધ્યેય સુધી પહોંચ્યા પછી છેતરાઈ ગઈ હોય એવી નજરે મારી સામે જોવા લાગી.

’શું થયું બેટા..અહીં આવ. વાટકીમાં મમરા કાઢી આપું..’

‘ના, આ..નહીં..’

એના અધૂરા અધૂરા વાક્યો સમજવાની મને બહુ ફાવટ હતી નહી અને એનો ‘ઈન્ટરપ્રીટર’ એવી એની મમ્મી હાજર નહતી..મૂંઝાણી..આને શું જોઇતું હશે? એવામાં એ ફરી બોલી, ‘નેહા, આ.. મમલા….નહીં’

મેં સામે અટકળોનો દોર પ્રશ્નોમાં પૂરોવવા માંડ્યો.

‘તો કેવા..પેલા જાડા મમરા આવે છે એ..’

‘ના..ના..ના.’ એકાએક મને બ્રહ્મગ્યાન લાધ્યું..એને કદાચ મોળા મમરા નહી ખાવા હોય..વઘારીને આપ એમ કહેતી લાગે છે..મેં ફટાફટ થોડા મમરા વગારીને વાટકીમાં એને આપ્યાં. એખુશ થઈ ગઈ અને મને ગળે વળગીને વ્હાલી કરીને મસ્કા મારવા લાગી..બે પળમાં પાછું એને વાંકુ પડ્યું. ‘ચણા…શીંગ..’ અને મને યાદ આવ્યું કે છેલ્લે એ મારા ઘરે આવેલી ત્યારે મેં અને મમરામાં દાળિયા અને શીંગ નાંખીને વઘારી આપેલા, એમાંથી દેવીજી શોધી શોધીને બધું ખાઈ ગયેલા અને મમરા ચારેબાજુ વેરી દીધેલા.

‘હે ભગવાન, તેં આ ટપુડીને આટલું બધી યાદશક્તિ કેમ આપી દીધી ?’

હજુ તો હું મમરામાં જ અટવાયેલી અને એ ઉભી થઈને ફ્રીજ તરફ ચાલી.

’દુધ્ધુ..’  ઓર્ડર છુટયો.

ફ્રીજમાંથી દુધ કાઢીને પાછી ફરી, ત્યાં મારી પાછ્ળ ચૂપકીદીથી આવીને ગોઠવાઈ ગયેલી ઢીંગલી ‘ડીપફ્રીજ’ ખોલીને આઇસક્રીમ કાઢવાના ચકકરમાં હતી એ ધડામ દઈને અથડાઈ. એ જગ્યાએ થોડું સાબુનું પાણી ઢોળાયેલું જે લૂછવા માટે આ મહામાયાએ મને સહેજ પણ સમય નહતો આપ્યો. પરિણામે અમે બેયે સંતુલન ગુમાવ્યું અને ફર્શ પર લપસ્યાં. દૂધની તપેલી સાચવું, ઢીંગલીને સાચવું,આઇસક્રીમને કે મારી જાતને..?’જોકે મારી ઇચ્છા તો બધાય ને સહીસલામત રાખવાની હતી પણ હરીઇચ્છા બળવાન. સબકોંસીયસ માઈંડે ઢીંગલીને પ્રાયોરીટી આપી જ દીધેલી અને એને સાચવવાના ચકકરમાં હું, દૂધ તપેલી અને આઇસક્રીમનું બોકસ..બધાંય જમીનદોસ્ત..ત્રણે ય એકબીજાના રંગમાં રંગાઈ ગયા.ઢીંગલી સહેજ પણ ઇજા પામ્યા વગર સીધી જમીન પર બેસી પડી અને મને જોઇને ખડખડાટ હસવા લાગી…’ડોટર ઓફ સરદારની(મીનુબેન પંજાબી)’ ની ઉપર ગુસ્સો આવી ગયો પણ શું થાય ? આ તો પારકાનું સંતાન એટલે એના પ્રેમથી રખોપા જ કરાય..બહુ ખખડાવવા જઊં તો  વળી પાડોશીધર્મ લાજે અને માથે રઈશભાઈના

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

ની જેમ

પાડોશની  છું હું વતની એટલે આ આળ લાગે છે

પ્રેમથી સાચવું ‘ઢબુડી’ને તોય ‘શંકા’ની ગાળ લાગે છે.

જેવું થઈ જાય.

છેવટે એ એની  ‘દુધ્ધુ’ની બોટલ લઈને સોફામાં એનું ફેવરીટ કાર્ટુન જોતાં જોતાં આડી પડી અને ધીરે ધીરે નિંદ્રાદેવીના ખોળે ઝૂલવા લાગી.મારો શ્વાસ જરા હેઠો બેઠો.આફતનું પડીકું સૂતું હતું  ત્યાં સુધીમાં ઘર બધું સરખું કરી નાંખ્યું. ફટાફટ આખા કોળિયા ગળચતી હોવું એમ લંચ લઈ લીધું.

‘સંઘર્યો સાપ પણ કામમાં આવે’ ની વ્રુતિ ધરાવનારા દીકરા અને પતિદેવની ક્રુપાથી માળિયા, કબાટો, ખાનાઓ ખાસ્સા માલદાર હતાં ને મારી સામે દાંતિયા કાઢતા હતા. ‘ના માંગ્યે દોડતું આવે ને, માંગ્યું નવ મળે કદી’ની જેમ એ માલમાંથી આખા વર્ષમાં જોઇતા સમયે કદી ના મળતી વસ્તુઓ મળવાની પૂરી વકી હતી એટલે એ બધા માલ પર પૂરી ચીવટથી હાથ ફેરવવાનો હતો. જેના માટે મગજ શાંત અને ફેફસાં એ ધૂળના રજકણો સહન કરી શકવા જેટલા સક્ષમ હોવા અનિવાર્ય હોવા જોઇએ જે અત્યારે મારા નહતાં. પતિદેવે મદદ કરવાનું વચન આપેલું પણ ઓફિસમાં રજાઓની અવેજીમાં ઓવરટાઈમ માથે ભટકાતા હતાં. આ ભગવાનજી માનવી જોઇને યથાશક્તિ તકલીફો કેમ નહી આપતા હોય?

ત્યાં તો મીનુબેન બારણે ડોકાયા સાથે એક નોકર જેવો લાગતો જુવાનિયો હતો.

‘ અરે સ્નેહાબેન,  હવે તમે બધી ચિંતા મૂકી દો. આ રામજીછે. મારા અને તમારા બેયના ઘરના દિવાળી કામ માટે દિવસના 800 રુપિયા પ્રમાણે પૈસા નક્કી કરીને લઈ આવી છું. ઢીંગલી સૂઈ ગઈ કે…રહેવા દો.. હમણાં એને, ઉઠે એટલે મોકલી દેજો. હું આની જોડે કામ કરાવતી થઉં છું.’

પૈસાના જોરે હજુ આપ મૂઆ વિના પણ દિવાળી કામ શક્ય છે, એ શક્યતાઓની સંભાવનાએ જ મારું બધું ટેંશન ભગાડી દીધું. ભગવાન આવા દુ:ખભંજન પાડોશીઓ સહુને આપે અને મારાથી એક ઉંડો શ્વાસ લેવાઈ ગયો.

તા.ક. પ્રિય મિત્રો, આમ તો આ લેખ મારે દિવાળી ઉપર છ્પાવવાની ઇચ્છા હતી પણ આ દિવાળીકામના લીધે થોડું લેટ થઈ ગયું..ચલાવી લેજો !

-સમાપ્ત.

-સ્નેહા પટેલ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s