ટેક ઈટ ઇઝી – લેખ નંબર – ૨૪.
http://www.gujaratguardian.in/E-Paper/12-30-2012Suppliment/index.html
સંગીત વિશે મને બહુ ખાસ કંઇ જાણકારી નથી પણ સંગીત સાંભળવું મને બહુ ગમે. જો કે એમાં મારા ‘મૂડ સ્વીંગસ’ આગળ પડતો ભાગ ભજવે.જેવો મૂડ એવું મ્યુઝિક..અમુક વખત લાઈટ, રોમેન્ટીક તો અમુક વખતે ધમાલિયું..અમુક વખતે સુગમ તો અમુક વખતે શાસ્ત્રીય સંગીત સાંભળવાના દોરા પણ પડી જાય. ‘સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત’ એટલે કે ઉત્ત્મ રીતે ગાવું એ સંગીત..કે કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં કહેલું કે ‘ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે’ ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને ‘સંગીત’ કહેવાય’ એવી બધી ઉચ્ચ કક્ષાની અપેક્ષાઓ મને ખાસ કંઈ પજવે નહીં. સુગમ સંગીતમાં આપણી થોડી ઘણી ય ચાંચ ડૂબે – ખબર પડે કોઇ ગાયક મારું બહુ ગમતું ગીત ગાય કે જે મેં કાનમાં આઈપોડના ડટ્ટાઓ મારીને ધ્યાનથી સાંભળેલા હોય તો હું તરત કહી શકું કે ફલાણાએ આ લય કે તાલમાં કોઇ ફેરફાર કર્યો કે ભૂલ કરી..પણ શાસ્ત્રીય સંગીતમાં રાગની બહુ ઓછી જાણકારી ધરાવતી હોવાથી નાછૂટકે ‘જ્ઞાતા’ના બદલે ફકત ‘ભાવક’ બની રહેવાનું જ મારા ભાગે આવે. જો કે મારા મતે તો જે મારા દિલના દ્વારને એક્ધારી આનંદભરી રીધમમાં ટકોરા મારે અને હું એના નશામાં ‘ડીપ બ્રીથીંગ’ સાથે તણાવરહીત હાલતનો અનુભવ કરી શકુ એ સાચું સંગીત.
આમે મારું એવું માનવું છે કે (મારી ધારણાઓ ફક્ત મારા પૂરતી જ અનામત રાખું છું પછી તો જેવી જેની મરજી ) કોઇ પણ વાતને તમે સંપૂર્ણ રીતે જાણી લો તો પછી આખો વખત તમે એનામાં સંપૂર્ણતા જ શોધ્યા કરો…એનો આનંદ તમારાથી જોજનો દૂર જ રહે.એટલે ‘માઇક્રોસ્ક્રોપ’ના બદલે ‘સાદી સમજના ચશ્મા’ પહેરીને જ આવા પ્રોગ્રામ નિહાળવાના અને એમાંથી બેક્ટેરીયા -ફેકટેરીયા શોધવાની ઝંઝટથી દૂર રહેવાનું.
અમદાવાદમાં દર જાન્યુઆરી માસના અંતમાં ‘સપ્તક’ નામનો આખા અઠવાડીઆનો સરસ મજાનો સંગીતનો પ્રોગ્રામ થાય છે. મારા ઘણા મિત્રો અને સખીઓ એ આઅખો પ્રોગ્રામ અચૂક અટેન્ડ કરે જ અને એક આખું અઠવાડીયું લાગલગાટ રાતના ૩-૪ વાગ્યા સુધી ઉજાગરા કરે. નવરાત્રી પછી આ એક બીજો ‘રતજગાનો તહેવાર’ ! મને પણ બહુ મજા આવે પણ મારી પ્રીયા – મારી નીંદ્રા મને એટલા બધા વિરહની રજા ના આપે એટલે ના છૂટકે મારે અમુક સીલેક્ટેડ આર્ટીસ્ટવાળા સિલેક્ટેડ દિવસોએ જ જવાનું શક્ય બને. આ વખતે પણ મારા મનપસંદ આર્ટીસ્ટવાળો એક દિવસ નક્કી કર્યો અને ઉપડી પ્રોગ્રામમાં.
શરુઆતનો અડધો કલાક તો બધાને સરસ જગ્યા શોધીને સેટ થવામાં જ ગઈ. હજુ તો માંડ કાર્યક્રમ માણવાની શરુઆત જ થઈ ને સંગીતના અતિજ્ઞાની એવા એક મિત્રએ એની જ્ઞાન- વર્ષા ચાલુ કરી..પરીક્ષા આપવા બેઠા હોય એમ એકદમ ધ્યાનથી દરેક રાગ સાંભળે અને પછી તાનમાં આવીને બાજુમાં આપણા હાથ પર હાથ મારીને, ‘અરે.. આ તો આશાવરી..આ તો કેદાર રાગ…!’ દરેક રાગ પારખવાની હરિફાઈ જોઈ લો..ના એ ધ્યાનથી કંઈ સાંભળે કે ના આપણને એક્ધ્યાન થઈને મજા માણવા દે…પોતાની પાસે જેટલું હોય એનાથીય બમણું લોકોમાં વહેંચી દેવાની એમની ધગશને મારાથી સલામ થઈ ગયા.
થોડીવાર પછી એનાથી તદ્દન વિરોધી મિત્રનો સામનો કરવાનો વારો આવ્યો. સાંધાનીય સમજ ના પડતી હોય પણ એમની જાણ બહાર જ વારે વારે તાનમાં આવી જઈ ને સાવ સીધું સાદું ગવાતું હોય ને ‘વાહ વાહ..ક્યા બાત ક્યા બાત’ કરવા લાગ્યો…એમાં ને એમાં ખુરશીમાંથી લગભગ અડધી વેંત જેવડો ઉભો થઈ જાય..પાછ્ળનો દર્શકવર્ગ એમની અકળામણનો પારો માંડ માંડ કંટ્રોલ કરીને આવા નમૂનાને સાથે લાવીને મોટો ગુનો કર્યો હોય એવી નજરથી અમારી સામે તાક્યા કરતો હતો..અમે પેલાને હાથ ખેંચીને બેસવા કહ્યું તો ઉપકાર કરતો હોય એવા ભાવ સાથે એક હાથ હવામાં તલવારની જેમ વીંઝતો અતિઉત્સાહના કારણે ખુરશી પર ધમ્મ દઈને પછડાયો..સીટે ‘વિશ્રામમાંથી જૈસે થે’ ની સ્થિતીમાં આવતી વખતે વળી એનો પોતાનો આગવો રાગ આલાપ્યો .. એ જ વખતે સ્ટેજ પરથી પેલો કલાકાર એનો મધુર સ્વરસમૂહ લગાડવા એડી ચોટીનું જોર લગાવતો હતો એ જ ના સાંભળી શકાયું. પાછળવાળા શ્રોતાના ગુસ્સાનો ફરીથી સામનો કરવાનો વારો આવ્યો.. આટલી મોંઘી ટીકીટ લઈ, રાતોના મહામૂલા ઉજાગરા કરીને કોઇ જ કારણ વિના ગુસ્સો સહન કરવાનું થોડું આકરું લાગ્યું..નાનપણમાં મમ્મીએ શીખવેલું ‘ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહી પણ માંદો થાય’ એ વાત આજે બરાબર સમજાણી.
થોડા શાંતિના વિરામ પછી એક્ નવો પ્રોબ્લેમ સામે આવ્યો. અમારી આગળની સીટમાં સંગીતની થોડીઘણી સમજ ધરાવતો અતિઉત્સાહી દર્શક જાહેરમાં કાર્યક્રમ જુએ છે એ વાત ભૂલી ગયો હોય એમ લાગ્યું. પોતાના કારણે બીજાઓ હેરાન થાય છે એની કોઇ ચિંતા કર્યા વગર જ દરેક તાન ઉપર જોરજોરથી પોતાના પગ પર..પોતાની ખુરશી પર..હળવી થપાટો સાથે પોતાનો અલગ આગવો પ્રોગામ ચાલુ કર્યો. જેમાં ક્યારેક એની આજુ બાજુ વાળાનો ખભો અને હાથ પણ થપાટની ઝપટે ચડવા લાગ્યો..આ બધાની સાથે એ મહાશયે આંખો બંધ કરીને ધીરે ધીરે પોતાનું માથું ડાબેથી જમણે..જમણેથી ડાબે હલાવવાનું ચાલુ કર્યું..પછી તો કઈ દિશામાં અને કેટલી ડિગ્રીએ ધુણાવે છે એ નક્કી કરવો પણ એક અઘરો કોયડો બની ગયો. એના ડોકાની, શરીરના ઊંટ જેવી અઢારે અંગ વાંકા જેવી હલનચલન ક્રિયા સાથે મારી આંખો અને ગળાની દિશા સેટ કરી કરીને અડધો કલાકમાં માથું દુઃખી ગયું..! ત્યાં તો થોડે દૂર એક સીટ ખાલી થઈ અને ભગવાન મળ્યા જેવું અનુભવતી હું એ જગ્યાએ ‘શિફ્ટ’ થઈ ગઈ.’હરી તારા નામ છે હજાર, કીયા નામે તને લખવી કંકોત્રી’ જેવી તીવ્ર લાગણી દિલમાં ઉમટી આવી.
ત્યાં મારી બાજુના કપલમાં પત્નીને સંગીતમાં જરાય રસ ના હતો ( રસ ના હોવો અને ગતાગમ ના પડવી બે ય અલગ વાત છે ) તો પણ ઇમોશનલ બ્લેકમેઈલીંગ કરી કરીને એમના પતિદેવ પોતાની સાથે પરાણે ઘસડી લાવેલા.એણે ચાલુ પ્રોગ્રામે બગાસાઓ ખાતા ખાતા જાતજાતની કોમેન્ટ્સ કરી કરીને પોતાની અકળામણ કાઢવા માંડી. એક તો માંડ થોડી સમજ પડતી હોય અને એમાં આવું ધ્યાનભંગ..મૂડ સાવ જ મરી ગયો.
મારી સમજમાં આવતા બધા કલાકારોનો વારો આવી ગયો હતો એટલે હવે મેં કાનને આરામ આપીને ફકત આંખો ઉપર ભાર આપીને નિરીક્ષણ શક્તિ પર વધુ ધ્યાન આપવાનું ચાલુ કર્યું.
સ્ટેજ પરના કલાકારો હવે માત્ર શ્રાવ્યના બદલે મારી દ્ર્શ્યશ્રાવ્યની રેન્જમાં આવી ગયા. એક કલાકાર ગાતા ગાતા વિચિત્ર રીતે ઝભ્ભાની બાંય ચઢાવીને શ્રોતાઓ સામે વિચિત્ર રીતે મોઢું તાણી તાણીને આલાપ ફટકારતો હતો. મારા જેવી સામાન્ય કક્ષાનું શાસ્ત્રીય નોલેજ ધરાવતી વ્યક્તિને એ કલાકાર જાણે ‘આવી જાઓ મેંદાનમાં’ કહીને લડાઇનું ઇજન આપતો હોય એમ જ લાગ્યો..ત્યાં તો એના સહકલાકારે હવામાં કોઇ જાદુ કરતો હોય એમ હાથ હલાવીને જાણે કોઇ કબૂતરને પકડીને સ્ટેજ પર છોડી દેતો હોય એવી ચેષ્ટા કરી….મને લાગ્યું ચોકકસ આ પેલાને ‘જા..તારાથી થાય એ કરી લેજે…તને તો હું આમ ચપટીમાં મસળી કાઢીશ’ કહીને દિલની દાઝ જ કાઢી હશે.. આ લડાઇમાં તબલચી પણ ગાયક સાથે પૂર્વભવના વેરનો બદલો લેતો હોય એમ જોડાયો. હાથની થપાટો મારી મારીને, માથાના વાળ ઝટકી ઝટકીને ‘તમને પણ આમ જ ઝટકી કાઢીશ બચ્ચુઓ..હદમાં રહો’ની ભાવના વ્યકત કરતો લાગ્યો. ગાયક બિચારો શિયાવિયા થઈ ગયો. હવે એણે થોડું ધ્યાન હાર્મોનિયમ વાળા પર કેન્દ્રિત કર્યું..આલાપ બાંધી…લચકદાર તાન લઈને એકદમ જ થોડા સૂર પેલાની ઉપર ફેંક્યા…’લે, લેતો જા..તું પણ શું યાદ કરીશ કે કોઇ દિલદાર કલાકાર સાથે પનારો પડેલો અને મારા ભાગે થોડા સૂરોની લહાણી આવી ગઈ..’ તો હાર્મોનિયમ વાળાએ ડોળા કાઢી કાઢીને એને તતડાવી કાઢ્યો..એક બાજુની બગલ કચકચાવીને દબાવીને જોર જોરથી આંગળીઓ હાર્મોનિયમ પર પછાડી…ખભાને વિચિત્ર રીતે ઝાટકા માર્યા અને માથું ઝટકીને ‘હાઉક’ કરીને ગાયક તરફ પોતાનો જુસ્સો પાછો ફેંક્યો..બૂમરેંગ..! હવામાં હાથ હલાવી હલાવીને સૂરોની સાથે થપ્પો રમતા,પગની પાનીથી જાતજાતની રીતે સ્ટેજને ઠોકતા , વિચિત્ર રીતે કમર હલાવતા ગાયકે એક હાથ હવામાં વીંઝીને એ સૂરો ફટાક દઈને પકડી લીધા અને ફ્રિજમાં છુપાવેલ આઈસક્રીમ ખાતો બાળક મમ્મીના હાથે ઝડપાઈ જાય અને મમ્મી જે મીઠા ઠપકાથી બાળકનો કાન આમળે એમ ચપટીઓ મારી મારીને મર્માળુ હસતા હસતા વીણાવાદક કલાકારબેન તરફ ઉછાળ્યા…’લો તમેય થોડો પ્રસાદ ચાખી લો..! મને હવે સ્ટેજ પર ‘સંગીત-કાર્યક્રમ’ના બદલે મહાભારતનું યુધ્ધ ખેલાતું હોય એવું ફીલ થવા લાગ્યું.
લગભગ રાતના ત્રણ વાગવા આવ્યા હતા..હવે મારી આંખ -કાન -સમજશક્તિ થાકવા માંડી..આમે ય મેં એ બધાને ગજા બહારનો ઉજાગરો કરીને બેહાલ કરેલા.એટલે મેં એમની દયા ખાઈને કાર્યક્રમમાંથી પ્રસ્થાન કરવાનું જ હિતાવહ સમજયું.
-સ્નેહા પટેલ.