આપ મૂઆ વિના દિવાળી કામ ના થાય :- ભાગ-1.


gujarat guardian paper >  Take it easy column > article no: -19.

નવરાત્રીનો થાક હજુ ઉતરતો નહતો અને દિવાળી માથે આવીને ઉભી રહી, પણ કામ હતા કે  કુબેરનો ખજાનો..! પતતા જ નહોતા. આવા અઢળક કામો મોઢે રાખવા જેટલી યાદશક્તિ પાવરફુલ ના હોવાથી મારે આવી કટોકટીમાં કમ્પલસરી  કામના ટાઈમ-ટેબલો બનાવવા જ પડે.રોજ રાતે ટાઈમટેબલ બનાવું – કાલે ગાદલા- ગોદડાં તડકે નાંખી, પડદાં – બેડશીટ્સ ધોઈ કાઢું, એ પછી  માળિયું લઈ લઊં, પછી દિવાલો, બારીબારણા, પંખા-ટયુબલાઈટનો વારો કાઢી દઉં .એ પછી કીચન..આટલું પત્યા  પછી તો દિવસો જ ક્યાં રહેવાના…નાસ્તા –મિઠાઈની તૈયારીઓ, શોપિંગ, પાર્લર..અને સૌથી મોટું કામ તો દરજીને ત્યાં આંટા મારવાના.

મેં સૌથી પહેલાં દરજીનું કામ પતાવવાનું જ પસંદ કર્યું. દિવાળીના ટાણે આ કામ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું કામ હતું. દુનિયાના ગમે તે ખૂણે કોઇ પણ દરજી હોય (પછી એ ભલે ને મોટા ડ્રેસ ડિઝાઈનરના નામે પંકાયેલ હોય કહેવાય તો દરજી જ) શરત મારી લો એ ક્યારેય સમયસર એના કસ્ટમરના ડ્રેસ સીવીને આપે જ નહીં. મારા દરજીએ  કહેલા દિવસથી રોજ એની દુકાને નિયમીતપણે મારા બે ધકકા થતા હતાં અને બદલામાં એ જ એનો નકાર સાથેનો એનો નિર્લજ્જ ચહેરો જોઇને સમસમી જવાય, પણ પછી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ યાદ કરીને સહેજ પણ ગુસ્સે થયા વિના પરાણે મોઢું હસતું રાખીને અવાજમાં બને એટલું મધ ભેળવીને કહું ’સારું સારું…સાંજે ફરી આંટો મારું છું, હવે ધક્કો ના ખવડાવતો હોં કે ભઈલા (ગરજે દરજીઓને પણ ભાઈ કહેવું પડે છે. હળાહળ કળજુગ ભૈ’સાબ ! ) આ તો શું છે કે તમારી સિલાઈ અને ડિઝાઈન ફાવી ગઈ છે તો તમારા સિવાય હવે કોઇ દરજીને કપડાં સીવવા આપવાનું મન જ નથી થતું’ (પછી ભલે ને મનમાં ને મનમાં એનાથી વિરુધ્ધની વાતોનું ગાળોના ઘોડાપૂર સાથે ધમાસાણ યુધ્ધ ચાલતું હોય) જેવા વાક્યો બોલીને એનો દાદરો ઉતરી જઉં.

હા, તો મારા ટાઈમટેબલ પર પાછી વળું તો આ દરજીના વાયદાબજારીને લીધે મારા ટાઈમટેબલની વાટ લાગતી હતી. પ્રસંગ વેળાએ જ ડ્રેસ તૈયાર ના હોય તો આપણા મૂડની કેવી પથારી ફરી જાય ..એ ડીપ્રેશનના નાના મોટા આઘાતોનો અનુભવ લગભગ બધી બહેનોને હશે જ!

દરજી પછી બીજા નંબરે વારો આવ્યો કામવાળીનો.રોજના એના નવા નાટકો.

‘બેન..તમારું રસોડું કાલે રાખીએ, આજે તો મારે ઘર ધોળાવવાનું છે એ પતી જાય પછી હું નવરી જ..’ બીજા દિવસે: ’અમારા દૂરના  ભાણાની કાકીના દીકરાને તાવ આવે છે તો ખબર જોવા જવાનું છે તો આજે તો રુટીન કામકાજ જ પતશે..આપણે રસોડું કાલે રાખીએ..’ ત્રીજા દિવસે: ‘.અરે પેલા સામેવાળા રેખાબેનને ના પાડી તો પણ એ એમનું રસોડું લઈને બેઠા છે અને સાફ કરાવવા મારી પાછ્ળ પડ્યાં છે..10 વર્ષ જૂનું કામ..ના કેમની પાડું..?  તમારું રસોડું કાલે ચોક્કસ સાફ કરી આપીશ..મારી મેલડી મા ના સમ..! ‘હું રોજ સવારના વહેલી ઉઠીને ધડાધડીમાં રસોઈ પતાવીને એ મહારાણી માટે રસોડું ખાલી કરીને બેસું અને એ રોજ નવા નવા બહાનાની ઓથ હેઠળ સાવ પાણીમાં બેસી જાય. મારા ટાઈમટેબલ અને ‘મહારાણી કમ કામવાળી’ના ટાઈમટેબલના મેળ પડવાના કોઇ લખ્ખણ દૂર દૂર સુધી ના દેખાતા બીજા દિવસે સવારે તો મેં જાતે જ સફાઇનું ‘મહાઅભિયાન’ આદર્યું.

’આપ મૂઆ વિના ઘરની સફાઈ કદી ના થાય !’નું બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.

‘અર્વાચીન’ હોટલમાંથી પંજાબી ‘ફિકસ લંચ’ મંગાવી લેવાનો ઇરાદો કરીને સવારની રસોઈ બનાવવામાં ગુલ્લી મારી. જાતે જ કામ કરવાની ‘દિશા’ પસંદ કરી એટલે મારી ‘દશા’ પણ બદલાઈ ગઈ. જુનો દુપટ્ટો માથે મોઢે બાંધીને ઘરની મહારાણી કામવાળીના રોલમાં આવી ગઈ. દિવાલો પરના જાળા પાડીને પંખા લૂછવાના ઇરાદા સાથે ટેબલ પર ચડી. ત્યાં સામેના ફ્લેટની બારીમાં મારી  જુની કામવાળી નજરે પડી. એણે મારા દીદાર જોઇને મને સ્માઈલ આપ્યું અને ટહુકી,’ કાં ભાભી, દિવાળીની સાફસફાઈ ચાલે છે કે..?’ મારા ઘરે લગભગ બે વર્ષ કામ કરી ચુકેલી એ કામવાળી કામની ચોખ્ખી હતી એનો ટહુકો જોઇને મને થોડી આશા બંધાણી અને મેં સામે બને એટલી મોં ફાડીને સ્માઈલ આપીને કહ્યું,’ હા, જોને. આ રેખાના તો ઠેકાણા નથી પડતાં તો આજે તો મેં જાતે જ કામ શરુ કરવાનું ચાલુ કરી દીધું. હવે દિવાળીને દિવસો પણ કેટલા રહયાં છે જો ને..પછી મારે નાસ્તા બાસ્તા બનાવવાના હોય કે નહીં ? તે….તું શું કરે આજ કાલ..ઘરે બધા મજામાં છે ને?’ મેં સહેતુક વાતમાં મારા મતલબની વાત જોડવાનો પ્રયત્ન કર્યો ‘હોવ’રે…બધાં ય મજા મજા. તમારે ત્યાં?’ ‘મારે ય બધા મજામાં..તો હું શું કહેતી હતી કે તને સમય હોય તો મને થોડી મદદ કરાવને…તું કહીશ એટલા પૈસા આપી દઈશ અને જમવાનું પણ અહીં જ રાખજે આજે.’ પણ મારી બેટી એ કામવાળી પણ ક્યાં કમ હતી..’ના રે બહેન..મને તો મરવાનો ય સમય નથી. મારે હજુ બે ઘરે કપડાં બાકી છે અને મારા ઘરે મહેમાન આવવાના છે..ચાલો ત્યારે આવજો’ સમુદ્રમંથન વેળાએ ભગવાન શિવે વિષપાન કરવું પડેલું એમ વધુ વાતો કરતાં ક્યાંક એને મારા રસોડાનું ‘કચરા મંથન’ ના કરવું પડે એવી બીકમાં મારા ઉત્તરની રાહ જોયા વગર જ ત્વરાથી બારીમાંથી ખસી ગઈ. એ 70 કિલોની કાયામાં માત્ર 7-10 ગ્રામ જેટલી અક્કલ ભરેલી હતી એવો મારો ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયો. ભગવાન જાણે આજ કાલ કયા ઘરની બદામ અડાવતી હશે એના વિચારોમાં ને વિચારોમાં મેં મારું અધુરું મૂકેલું મહાઅભિયાન ચાલુ કર્યું. જાળા પાડીને પંખા – ટ્યુબલાઈટો લુછીને ચમકાવી. હવે દિવાલોનો વારો ..

થાકી ગયેલી એટલે પહેલાં ચા નામના એનર્જી ડ્રીંક અને બિસ્કીટના નાસ્તાને ન્યાય આપ્યો. ‘તારી જો હાક સુણીને કોઇ ના આવે તો તું એકલો જાજે ને..’વાળી કરવામાં હવે એકલવાયાપણું ખલવા માંડ્યું. એકલા એકલા કામ કરીએ તો સમય બમણો જાય એ મહાન સત્ય મને આજે બરાબર સમજાતું હતું. કામમાં તો ‘સંપ ત્યાં જંપ’જ વધારે સારું. પણ સંપ માટે કોઇ ના મળે ત્યારે શું કરવું? મારી નજર રુપકડી મ્યુઝિક સિસ્ટમ પર ગઈ અને હું ઉત્સાહમાં આવી ગઈ. ચીકણા ફર્શ પર લપસી ના જવાયનું બરાબર ધ્યાન રાખીને હાથ ધોયા અને રેડિયો ચાલુ કર્યો. ‘આજ કલ પાંવ જમીં પર નહી પડતે મેરે’ મારું ફેવરીટ ગીત વાગવા લાગ્યું.. ‘બોલો દેખા હૈ કભી તુમને મુજે ઉડતે હુવે’ વાળી લાઈન હકીકતમાં ના પલટાઈ જાય એ બીકે બરાબર સાચવીને ભીનું ટેબલ કોરું કર્યું, પછી સાચવીને એના પર ચડીને દિવાલને સાબુનો લેપ લગાવતી જ હતી ને બેલ વાગ્યો.”ટીંગટોંગ’. આવા સમયે જ ફોનની રીંગ અને  દરવાજાની ઘંટડીઓ વધારે કેમ વાગતી હશે નો અકળાવનારો પ્રશ્ન મગજમાં લઈને ટેબલ પરથી ઉતરીને દરવાજો ખોલ્યો તો સામે મારા પાડોશી એમની 2 વર્ષની ક્યુટડી ઢીંગલી સાથે મરકતા ઉભા હતાં.મારી ખાસ બહેનપણી-ઢીંગલીને જોઇને હું ખુશ ખુશ થઈ ગઈ..પણ એ ખુશી બહુ ઝાઝી ના ટકી:’સ્નેહાબેન, મારે થોડું શોપિંગ પતાવવાનું છે, મોલમાં જવું છે તો તમે 1-2 કલાક આ ડીકુડીને સાચવી લેશો પ્લીઝ…!’

મોટું ધર્મસંકટ્..! હવે ?

ક્રમશ :

-સ્નેહા પટેલ