અસ્તિત્વની શોધ – સ્વીકાર.


fulchaab paper > navrash ni pal >  21-11-12’s article

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

-મનોજ ખંડેરિયા

રાજ આજે ખૂબ અકળાયેલો હતો. એમની ફૂટબોલની ટીમ આજે ફરીથી સ્ટેટ લેવલે હારી ગયેલી. પોતાની ટીમના બધા ડ્રો-બેક એને ખબર હતી,. વળી નવા નવા ‘અંડર14’માં આવેલા અમુક નાના છોકરાઓ એમની ‘અંડર 19’ની ટીમ હેઠળ રમવાને લાયક અને અમુક ખેલાડીઓ કરતા વધુ સ્ટેમીનાવાળા હતાં એ વાત તરફ પોતાના સ્પોર્ટસના સરનું ધ્યાન દોરવાનો અનેકો વખત પ્રયત્ન કરેલો હતો. પણ સ્પોર્ટસના સર એની  વાતને બહુ ગણકારતા નહતાં. મજાકમાં જ લઈ લેતાં અંતે દર વખતે જેનો ડર હોય એમ જ…એમની ટીમ ‘ધોયેલા મૂળા’ જેવી જ પાછી આવતી. પોતે બધું સમજી શકતો હતો, સમજાવી શકતો હતો પણ એમ છતા પોતાનાથી કંઈ જ સુધારો નહ્તો કરી શકાતો. રાજને પોતાની અદ્વીતીય ‘સ્માર્ટનેસ’ની ધાર પર ગર્વ હતો પણ લોકો એને માની નહતા શકતા, સ્વીકારી – આવકારી નહતા શકતાં. આનું સોલ્યુશન શું ? રાજ એના વિચારોમાં જ ગુમ રહેતો, બેચેન રહેતો.

—‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌———————————————————————

અવની, એક રુપાળી, તેજ તર્રાર,અસામાન્ય બુધ્ધિ ધરાવતી એક દીકરાની મા હતી. લગ્ન પહેલાં નોકરી કરતી હતી પણ દીકરાના જન્મ પછી વારંવાર ટુરીંગ પર રહેતા પોતાના પતિ અરમાન પાસે રહેતા સમયની અછ્ત પોતાના સંતાનને મા-બાપ વિનાના ભવિષ્યમાં ના ધકેલી દે..એવા વિચાર સાથે પોતાના લાડકવાયાને પૂરતો સમય ફાળવવા માટે ઘરે રહીને એનો ઉત્તમ ઉછેર કરવાનું વિચાર્યું. સમયને પાંખો આવતા 12-14 વર્ષ તો ફુર્રર્રર્ર..કરતાં’કને ઉડી ગયા. હવે દીકરાએ ધીમે ધીમે પોતાની અલગ દુનિયા બનાવવાનું ચાલુ કરી દીધેલું. બીજા બાળકનું પહેલેથી જ પ્લાનિંગ નહતું. અવનીનો આખો દિવસ સાવ ફાજલ જવા લાગ્યો. પતિદેવ બહારગામ અને દીકરો પોતાની મસ્તીમાં મસ્ત. ધીરે ધીરે અવનીએ પોતાના વર્ષો જૂના શોખ ‘સંગીત’ને યાદ કર્યો જે સમય-નાણાંને અભાવે જુવાનીમાં પૂરો નહતો કરી શકી. હવે ફુલ અવકાશ હતો.એણે શહેરના સારામાં સારા મ્યુઝિક ક્લાસ જોઇન કરી લીધા. થોડા સમયમાં તો અવની એમાં ખૂબ આગળ વધી ગઈ.એનો અવાજ પણ ખૂબ સરસ હતો. ધીમે ધીમે એને સ્ટેજ શોઝ્ની ઓફરો પણ આવવા લાગી. અવનીએ પોતાના બહુ મહેનત કરીને પોતાના જીવનનું એક મકસદ શોધી લીધેલું, પોતાના અસ્તિત્વની શોધ કરી લીધી હતી એની એને બેહદ ખુશી હતી. અવની રોજ ઘરે આવીને ઉત્સાહ પૂર્વક્ પોતાની બધી વાતો અરમાન અને પોતાના ટીનેજર દીકરા સમક્ષ કહેતી. મોબાઈલમાં ધંધાના ફોન પર લાગેલ પતિદેવ અને કાનમાં આઈપોડના ભુંગળા લગાવીને ફરતો ટીનેજરી દીકરો બેય થોડી સ્માઈલ આપતાં..બસ અવની મન મસોસીને રહી જતી.અવની અસ્તિત્વની શોધ કરવામાં સફળ રહી પણ એના  ઘરના જ અવનીના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં પાછી પાની કરતા હતા,  ટેલેંટની કદર નહતા કરી શકતાં. રાગડા તાણવામાં વળી શું ધાડ મારવાની હતી…!

અને અવનીનો બધો ઉત્સાહ પડી ભાંગતો.

———————————–

રામાનુજ..એક સાધારણ સ્કુલમાંથી 12મું પાસ કરીને નીકળેલો સામન્ય સ્થિતીનો માણસ. એક સ્કુલમાં પટાવાળાની નોકરી કરતો હતો. ભણેલો ઓછું પણ ગણેલો વધારે. રામાનુજની કોમનસેંસ.તેમ જ કટોકટીના સમયે યોગ્ય નિર્ણય લેવાની સમજ જબરદસ્ત હતી. મોટી અને અદ્યતન સ્કુલ બનાવવાની લાલચે રામાનુજની સ્કુલ શહેરથી 10 કિ.મી દૂર એક અવિકસીત એરીઆમાં જ બાંધવામાં આવેલી. એકવાર સ્કુલમાં મોટો સાપ નીકળ્યો જે એની નજીકમાં રમતા પાંચમાધોરણના વિદેઆર્થીને ડંખ મારીને ભાગી ગયો. પેલા છોકરાએ તો રાડારાડ કરી મૂકી. આખો હાથ લોહીલોહી…રામાનુજે તરત પોતાનું શર્ટ ફાડીને એનો હાથ ડંખ માર્યાની જગ્યાએથી બાંધી દીધો અને પોતાની સ્કુલમાં ઉગેલી કોઇ આયુર્વેદિક વનસ્પતિ શોધી લાવ્યો..એને વાટીને પેલા છોકરાના ઘા પર લગાવવા જ જતો હતો અને પ્રિન્સીપાલે કડક શબ્દોમાં આવા ઊંટ્વેદ્યા કરવાની  મનાઈફરમાઈ દીધી.એમ્બ્યુલંસ બોલાવી સીધો છોકરાને હોસ્પિટલ ભેગો કરી દીધો અને રામ આંખો ફાડીને પોતાના હાથની વનસ્પતિ તાકતો ઉભો રહી ગયો. લગભગ કલાક પછી ખબર પડી કે એ છોકરો બચ્યો નહતો. એને સ્કુલથી હોસ્પિટલ સુધી લઈ જવામાં લગભગ અડધો કલાક લાગ્યો એ સમય દરમ્યાન ઝેર આખા શરીરમાં ફેલાઈ ચૂકેલું. રામાનુજને પોતાની લાચારી પર રડવું આવી ગયું..કમ સે કમ એક ચાંસ તો મને આપ્યો હોત..મારી અક્કલ પર આટલો તો વિશ્વાસ કર્યો હોત તો આજે હકીકત કદાચ અલગ પણ હોઇ શકત..પોતાની આવડત પર પોતાને પૂરો ભરોસો હતો પણ દુનિયા એને સ્વીકારે નહી ત્યાં લગી તો બધું નક્કામું..!

અનબીટેબલ :- માનવીના ‘અસ્તિત્વની શોધ’ જેટલી જ મહત્વની પ્રક્રિયા એના ‘અસ્તિત્વના સ્વીકાર’ની પણ છે.