http://www.gujaratguardian.in/E-Paper/11-14-2012Suppliment/index.html
ગુજરાત ગાર્ડીઅન પેપર > દિવાળી સ્પેશિયલ વિશેષાંક> ટેક ઈટ ઇઝી કોલમ લેખ નંબર -17.
આજે સવાર-સવારમાં કોલેજમાં જવાનું હતું..ના..ના..બહુ ના વિચારશો મિત્રો, ફરીથી કોલેજમાં જઈને કોઇ નવો – જૂનો કોર્સ કરવાનો મહાન ઇરાદો આ મગજમાં પોપકોર્નની જેમ નહતો ફૂટતો. કોલેજોને એ બધી સજાઓમાંથી ક્યારની મુકત કરી દીધેલી..કોલેજ માટેનો પ્રેમ ,આકર્ષણ ખોદી – ખોદીને આ દિલમાંથી કાઢી નાંખેલા. હું તો મારી સિંગલ ગ્રેજયુએટની ડીગ્રી સાથે જ સંતોષપૂર્ણ જીવન વિતાવતી હતી અને ભવિષ્યમાં એ સિંગલની ડબલ ડીગ્રી કરવાના કોઇ જ ઓરતા હતા નહી. આ તો મારે મારી એક સહેલી જોડે એના દિકરાના કોલેજના એડમીશન માટે જવાનું હતું. એ એકલી હતી ને હું એદિવસે નવરી તે બેયનો મેળ પડી ગયો ને અમે પહોંચ્યા શહેરથી દૂર બે કલાકના અંતરે આવેલ આર્કીટેક્ટની સારામાં સારી કોલેજમાં.
મારા દીકરાની સ્કુલે જવાના પ્રસંગો તો વારંવાર બને પણ આ ‘કોલેજ નામની જગ્યા’એ પગ મૂક્યે વર્ષો થઈ ગયા હતાં. 10-20 વર્ષોમાં દુનિયા કેટલી હદ સુધી બદલાઈ શકે છે ! અમારી વખતની કોલેજ તો જાણે પહેલાંની બ્લેક એંન્ડ વ્હાઈટ મૂંગી ફિલ્મો જેવી જ્યારે આજની કોલેજ એટલે હોલિવુડ –બોલિવુડને પણ ટક્કર મારે એવા બ્રાંડેડ કપડાં-એસેસરીઝ –વાહન – એટીટ્યુડ સોનેરી રેપરોમાં વીંટળાયેલી રુપેરી જુવાનીયાઓની લેટેસ્ટ ટેકનોલોજીવાળી એકશન – કોમેડી- રોમાંસથી ભરપૂર થ્રીડી ફિલ્મો. સાલ્લું..આ રોજ રોજ મારે ‘અમારી વખતે તો આમ ને અમારી વખતે તો તેમ’ બોલ્યા પછી વિચાર આવે કે એમ તો આપણે એવા કેવા જૂના-ભંગાર થઈ ગયા કે દર વખતે ‘અમારી વખતે’ જેવા શબ્દો વાપરવા પડે છે..આંગળીનાવેઢે ગણીએ તો પણ માંડ 10-15 વર્ષનો ગાળો અને તોય આપણે તો સાવ ગમાર….! આ દર પાંચપાંચ વર્ષે ‘અમારા વખતે’ નું નવુનક્કોર પૂંછ્ડું લગાડવાનું..! શું જમાનો આવી ગયો છે..?
કોલેજના ગાર્ડનમાં બેફિકરાઈથી હાથમાં હાથ પરોવીને, માથામાં માથું ઘસી ઘસીને ચાલતા લવરીયાઓને બિંદાસ કોઇ જ જાતની બીક – શરમ વગર ઘૂમતા જોઇને કોલેજ- કમ – કોઇ પિકચરના શૂટીંગ માટેના સેટ્સ જોતી હોવાની એક અનોખી લાગણી સાથે અમે બંને સખીઓએ એકબીજાની આંખોમાં આંખ નાંખીને જ પોતાના સંતાનોની દશાનો તાગ મેળવી લીધો અને કશું જ ના કરી શકવાની લાચારીનો ઉંડો શ્વાસ ફેફસામાં ભરીને પ્રીન્સીપાલની ઓફિસ શોધવાનો ભગીરથ પ્રયાસ આદર્યો.
ત્યાં મારી નજર એક ક્લાસરુમની બારી પર પડી. બધા જ કોલેજીયનો બેંન્ચીસની ઉપર-નીચે મનફાવે એમ બેઠેલા અને મોટે મોટેથી હા-હા-હી-હી કરી કરીને એક બીજાના ખભે – બરડે ધબ્બાં મારી રહેલાં. મારામાં રહેલી જીજ્ઞાસાવૃતિ સતેજ થઈ ગઈ (જેને તમે ‘પંચાત’ના લુખ્ખા-સૂકા નામથી પણ નવાજી શકો છો) હા, તો મારા આંખ – કાનને બારી વાળી દિશા તરફ પૂરેપૂરી સજાગતાથી વાળ્યાં. મારી સહેલી મને બરાબર જાણતી હતી અને મારી આ કાબેલિયતની મસમોટ્ટી ‘ફેન’ પણ હતી એટલે એણે પણ દીકરાના એડમીશનના કામને થોડું પાછ્ળ હડસેલીને એની તાકાત અનુસાર મારી સાથે એ પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કર્યો.
‘હું જ્યુરીમાં જઈને પાછી આવું ત્યાં સુધી તું મારી રાહ ના જોઇ શકે ?’
બ્લ્યુ જીંસના મીની સ્કર્ટ અને યલો સ્પગેટીધારક 17-18 વર્ષની છોકરી એની સ્લીવલેસ કુર્તી અને ટાઈટ જીંસમાં સજ્જ બહેનપણી પર જોરજોરથી બૂમ – બરાડા પાડી રહી હતી.
‘અરે,પણ એક બિસ્કીટ ખાધું એમાં આટલી બધી બૂમા-બૂમ કેમ કરે છે ?’ કુર્તીધારી યુવતી ઉવાચ…
‘સવાલ એક બિસ્કીટનો નથી. સવાલ તેં મને મૂકીને એકલા એકલા એ બિસ્કીટ ખાઈ લીધું એનો છે..!’
‘ અરે, પણ આ મારું બિસ્કીટ નથી’
‘તો…’
‘આ તો પેલા નિહારે એ ખાતો હતો એમાંથી મને ઓફર કર્યુ અને મેં એમાંથી એક બિસ્કીટ લીધું..બસ.’
‘ઓહ…તો તને ફક્ત તારો જ વિચાર આવ્યો એમ..એવું હોય તો બે બિસ્કીટ ના લેવાય તારાથી?’
‘તું કેવી પાગલ જેવી વાત કરે છે સાવ..’
‘હા, હવે તો હું તને પાગલ જ લાગીશ ને ! ચાલ એક બિસ્કીટ લીધું તો પણ એમાંથી મારા માટે અડધું બાકી ના રખાય,,,હું જ્યુરીમાંથી થોડીવારમાં પાછી જ આવવાની હતી ને..મને પણ ભૂખ લાગી હોય એવો વિચાર પણ ના કર્યો તેં..હુમ્મ…યુ હર્ટ મી અ લોટ..મેં તને એકલી મૂકીને મસાલામાંથી વરિયાળી સુદ્ધાં નથી ખાધી અને તું આખ્…ખું બિસ્કીટ એકલી ખાઈ ગઈ !’
અમેરિકાનું સેંન્ડી થોડીવાર અહીં વિરામ લઈને ગયું હશે..એના ભયાનક ગોળ ગોળ વંટૉળો ચારે દિશામાં એની માયાજાળ પાથરી રહેલા.
‘વાતનું વતેસર ના કર.’
‘હા..હવે તો તને એમ જ લાગવાનું ને..તારા આવા ખાઉધરા અને એકલપેટા સ્વભાવના લીધે જ તારા બીજા નંબરના બોયફ્રેંડે તારી સાથે બ્રેકઅપ કર્યું.પણ તું હજુ ક્યાં સુધરે છે ? એક તો મંદીના સમયમાં તને માંડ લેટેસ્ટ બાઈકવાળો લલ્લુ (બોયફ્રેંડ) મળેલો જેને તે આવા જ સ્વભાવથી ગુમાવી દીધો’
હવે પેલી કુર્તીવાળી છોકરીમાં ‘રાઉડી રાઠોડ’નો આત્મા ઘૂસી ગયો હોય એમ એ બોલી ઉઠી..
’ડોંટ એંગ્રી મી..!’.
‘તું તારા બોયફ્રેંડને સાચવીને બેસી રહે ને તો પણ બહુ છે. સમજાવી દે જે એને..જ્યારે જે ત્યારે એ મારી જોડે રોમાંટીક શાયરીઓના મેસેજીસ અને ફેસબુકમાં જાતજાતની પોસ્ટસ મૂકીને ફ્લર્ટ કરવાના પ્રયત્નો કર્યા કરે છે..આ તો તારા લીધે એને કશું કહેતી નથી…હા…’
‘જા ને હવે…મારો રોહિત એવું કરે જ નહીં.. એ તો તને ઇર્ષ્યા આવે છે એટલે આમ બોલે છે..’
‘આ લે..જો મારા મોબાઈલમાં મેસેજ..’
બ્લ્યુ ચડ્ડીવાળીએ ઘૂઘવાતા મનથી એનો મોબાઈલ હાથમાં લઈને ‘ઇન બોક્સ’ ચેક કર્યુ તો એની સહેલી સાચી ઠરી એવું એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
ગુલાબી ચહેરો રૂની પૂણી જેવો ફીક્કો પડી ગયો..અને રીતસરનો ભેંકડો જ તાણ્યો.
એની બહેનપણીને એની દયા આવી અને એને સમજાવવા બેઠી.
‘આ છોકરાઓની જાત તો આવી જ હોય…છોડ ને હવે બધી રામાયણ..છાની રહે..ચાલ તો..ચાલ હું તને એક ‘ટેમપ્ટેશન’ કેડબરી ખવડાવું..’
ત્યાં એક સીનીયર જેવા લાગતા છોકરાએ રુમમાં એંટ્રી મારી અને એ બેયને ખખડાવ્યાં..
’તમને કંઈ ભાન બાન છે કે…કેટલી જોરજોરથી ઝગડો છો..આ તે કોલેજ છે કે તમારો બેડરુમ..ચૂપ રહો નહીતો કક્ડડ સર હમણાં આવી પહોંચ્યા જ સમજો’
કકડડ સરના નામે બેય છોકરીઓના દિમાગમાં ખતરાની ઘંટડી વગાડી દીધી અને બેય જણ ચૂપચાપ ડાહ્યાં ડમરાં થઈ ગયાં. બેય છોકરીઓ કેંટીનમાં જઈને પાંચ સમોસાની પ્લેટ અને ચા લઈ આવી અને બધાં જ જાણે કશું જ ના થયું હોય એમ ભેગા થઈને ચા – નાસ્તાને ન્યાય આપવા લાગ્યાં.
હું અને મારી સખી 5-10 મીનીટના આ મેલોડ્રામાથી હતપ્રભ થઈને એકબીજાનું મોઢું નીરખતા સ્તબ્ધ બનીને હસવું કે ચિંતા કરવીની દ્વિધાપૂર્ણ સ્થિતીમાં ઉભા રહી ગયા.
.આ આજની જનરેશન…શું આપણા સુપુત્ર –સુપુત્રીઓ પણ ..?
અમારાથી ઉપર આકાશમાં જોવાઈ ગયું ને મનોમન બોલાઈ ગયું,
‘તારે રે ભરોસે ભવ મૂક્યો અમારો રે…તારે રે ભરોસે….!’
-સ્નેહા પટેલ.
‘તારે રે ભરોસે ભવ મૂક્યો અમારો રે…તારે રે ભરોસે….!’
hahahaha…..
LikeLike