અડધા બિસ્કીટની ગજબ કહાની :


 

http://www.gujaratguardian.in/E-Paper/11-14-2012Suppliment/index.html

ગુજરાત ગાર્ડીઅન પેપર > દિવાળી સ્પેશિયલ વિશેષાંક> ટેક ઈટ ઇઝી કોલમ લેખ નંબર -17.

આજે સવાર-સવારમાં કોલેજમાં જવાનું હતું..ના..ના..બહુ ના વિચારશો મિત્રો, ફરીથી કોલેજમાં જઈને કોઇ નવો – જૂનો કોર્સ કરવાનો મહાન ઇરાદો આ મગજમાં પોપકોર્નની જેમ નહતો ફૂટતો. કોલેજોને એ બધી સજાઓમાંથી ક્યારની મુકત કરી દીધેલી..કોલેજ માટેનો પ્રેમ ,આકર્ષણ ખોદી – ખોદીને આ દિલમાંથી કાઢી નાંખેલા. હું તો મારી સિંગલ ગ્રેજયુએટની ડીગ્રી સાથે જ સંતોષપૂર્ણ જીવન વિતાવતી હતી અને ભવિષ્યમાં એ સિંગલની ડબલ ડીગ્રી કરવાના કોઇ જ ઓરતા હતા નહી. આ તો મારે મારી એક સહેલી જોડે એના દિકરાના કોલેજના એડમીશન માટે જવાનું હતું. એ એકલી હતી ને હું એદિવસે નવરી તે બેયનો મેળ પડી ગયો ને અમે પહોંચ્યા શહેરથી દૂર બે કલાકના અંતરે આવેલ આર્કીટેક્ટની સારામાં સારી કોલેજમાં.

મારા દીકરાની સ્કુલે જવાના પ્રસંગો તો વારંવાર બને પણ આ ‘કોલેજ નામની જગ્યા’એ પગ મૂક્યે વર્ષો થઈ ગયા હતાં. 10-20 વર્ષોમાં દુનિયા કેટલી હદ સુધી બદલાઈ શકે છે ! અમારી વખતની કોલેજ તો જાણે પહેલાંની બ્લેક એંન્ડ વ્હાઈટ મૂંગી ફિલ્મો જેવી જ્યારે આજની કોલેજ એટલે હોલિવુડ –બોલિવુડને પણ ટક્કર મારે એવા બ્રાંડેડ કપડાં-એસેસરીઝ –વાહન – એટીટ્યુડ સોનેરી રેપરોમાં વીંટળાયેલી રુપેરી જુવાનીયાઓની લેટેસ્ટ ટેકનોલોજીવાળી એકશન – કોમેડી- રોમાંસથી ભરપૂર થ્રીડી ફિલ્મો. સાલ્લું..આ રોજ રોજ મારે ‘અમારી વખતે તો આમ ને અમારી વખતે તો તેમ’ બોલ્યા પછી વિચાર આવે કે એમ તો આપણે એવા કેવા જૂના-ભંગાર થઈ ગયા કે દર વખતે ‘અમારી વખતે’ જેવા શબ્દો વાપરવા પડે છે..આંગળીનાવેઢે ગણીએ તો પણ માંડ 10-15 વર્ષનો ગાળો અને તોય આપણે તો સાવ ગમાર….! આ દર પાંચપાંચ વર્ષે ‘અમારા વખતે’ નું નવુનક્કોર પૂંછ્ડું લગાડવાનું..! શું જમાનો આવી ગયો છે..?

કોલેજના ગાર્ડનમાં બેફિકરાઈથી હાથમાં હાથ પરોવીને,  માથામાં માથું ઘસી ઘસીને ચાલતા લવરીયાઓને બિંદાસ કોઇ જ જાતની બીક – શરમ વગર ઘૂમતા જોઇને કોલેજ- કમ – કોઇ પિકચરના શૂટીંગ માટેના સેટ્સ જોતી હોવાની એક અનોખી લાગણી સાથે અમે બંને સખીઓએ એકબીજાની આંખોમાં આંખ નાંખીને જ પોતાના સંતાનોની દશાનો તાગ મેળવી લીધો અને કશું જ ના કરી શકવાની લાચારીનો ઉંડો શ્વાસ ફેફસામાં ભરીને પ્રીન્સીપાલની ઓફિસ શોધવાનો ભગીરથ પ્રયાસ આદર્યો.

ત્યાં મારી નજર એક ક્લાસરુમની બારી પર પડી. બધા જ કોલેજીયનો બેંન્ચીસની ઉપર-નીચે મનફાવે એમ બેઠેલા અને મોટે મોટેથી હા-હા-હી-હી કરી કરીને એક બીજાના ખભે – બરડે ધબ્બાં મારી રહેલાં. મારામાં રહેલી જીજ્ઞાસાવૃતિ સતેજ થઈ ગઈ (જેને તમે ‘પંચાત’ના લુખ્ખા-સૂકા નામથી પણ નવાજી શકો છો) હા, તો મારા આંખ – કાનને બારી વાળી દિશા તરફ પૂરેપૂરી સજાગતાથી વાળ્યાં. મારી સહેલી મને બરાબર જાણતી હતી અને મારી આ કાબેલિયતની મસમોટ્ટી ‘ફેન’ પણ હતી એટલે એણે પણ દીકરાના એડમીશનના કામને થોડું પાછ્ળ હડસેલીને એની તાકાત અનુસાર મારી સાથે એ પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કર્યો.

‘હું જ્યુરીમાં જઈને પાછી આવું ત્યાં સુધી તું મારી રાહ ના જોઇ શકે ?’

બ્લ્યુ જીંસના મીની સ્કર્ટ અને યલો સ્પગેટીધારક 17-18 વર્ષની છોકરી એની સ્લીવલેસ કુર્તી અને ટાઈટ જીંસમાં સજ્જ બહેનપણી પર જોરજોરથી બૂમ – બરાડા પાડી રહી હતી.

‘અરે,પણ એક બિસ્કીટ ખાધું એમાં આટલી બધી બૂમા-બૂમ કેમ કરે છે ?’ કુર્તીધારી યુવતી ઉવાચ…

‘સવાલ એક બિસ્કીટનો નથી. સવાલ તેં મને મૂકીને એકલા એકલા એ બિસ્કીટ ખાઈ લીધું એનો છે..!’

‘ અરે, પણ આ મારું બિસ્કીટ નથી’

‘તો…’

‘આ તો પેલા નિહારે એ ખાતો હતો એમાંથી મને ઓફર કર્યુ અને મેં એમાંથી એક બિસ્કીટ લીધું..બસ.’

‘ઓહ…તો તને ફક્ત તારો જ વિચાર આવ્યો એમ..એવું હોય તો બે બિસ્કીટ ના લેવાય તારાથી?’

‘તું કેવી પાગલ જેવી વાત કરે છે સાવ..’

‘હા, હવે તો હું તને પાગલ જ લાગીશ ને ! ચાલ એક બિસ્કીટ લીધું તો પણ એમાંથી મારા માટે અડધું બાકી ના રખાય,,,હું જ્યુરીમાંથી થોડીવારમાં પાછી જ આવવાની હતી ને..મને પણ ભૂખ લાગી હોય એવો વિચાર પણ ના કર્યો તેં..હુમ્મ…યુ હર્ટ મી અ લોટ..મેં તને એકલી મૂકીને મસાલામાંથી વરિયાળી સુદ્ધાં નથી ખાધી અને તું આખ્…ખું બિસ્કીટ એકલી ખાઈ ગઈ !’

અમેરિકાનું સેંન્ડી  થોડીવાર અહીં વિરામ લઈને ગયું હશે..એના ભયાનક ગોળ ગોળ વંટૉળો ચારે દિશામાં એની માયાજાળ પાથરી રહેલા.

‘વાતનું વતેસર ના કર.’

‘હા..હવે તો તને એમ જ લાગવાનું ને..તારા આવા ખાઉધરા અને એકલપેટા સ્વભાવના લીધે જ તારા બીજા નંબરના બોયફ્રેંડે તારી સાથે બ્રેકઅપ કર્યું.પણ તું હજુ ક્યાં સુધરે છે ? એક તો મંદીના સમયમાં તને માંડ લેટેસ્ટ બાઈકવાળો લલ્લુ  (બોયફ્રેંડ) મળેલો જેને તે આવા જ સ્વભાવથી ગુમાવી દીધો’

હવે પેલી કુર્તીવાળી છોકરીમાં ‘રાઉડી રાઠોડ’નો આત્મા ઘૂસી ગયો હોય એમ એ બોલી ઉઠી..

’ડોંટ એંગ્રી મી..!’.

‘તું તારા બોયફ્રેંડને સાચવીને બેસી રહે ને તો પણ બહુ છે. સમજાવી દે જે એને..જ્યારે જે ત્યારે એ મારી જોડે રોમાંટીક શાયરીઓના મેસેજીસ અને ફેસબુકમાં જાતજાતની પોસ્ટસ મૂકીને  ફ્લર્ટ કરવાના પ્રયત્નો કર્યા કરે છે..આ તો તારા લીધે એને કશું કહેતી નથી…હા…’

‘જા ને હવે…મારો રોહિત એવું કરે જ નહીં.. એ તો તને ઇર્ષ્યા આવે છે એટલે આમ બોલે છે..’

‘આ લે..જો મારા મોબાઈલમાં મેસેજ..’

બ્લ્યુ ચડ્ડીવાળીએ ઘૂઘવાતા મનથી એનો મોબાઈલ હાથમાં લઈને ‘ઇન બોક્સ’ ચેક કર્યુ તો એની સહેલી સાચી ઠરી એવું એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

ગુલાબી ચહેરો રૂની પૂણી જેવો ફીક્કો પડી ગયો..અને રીતસરનો ભેંકડો જ તાણ્યો.

એની બહેનપણીને એની દયા આવી અને એને સમજાવવા બેઠી.

‘આ છોકરાઓની જાત તો આવી જ હોય…છોડ ને હવે બધી રામાયણ..છાની રહે..ચાલ તો..ચાલ હું તને એક ‘ટેમપ્ટેશન’ કેડબરી ખવડાવું..’

ત્યાં એક સીનીયર જેવા લાગતા છોકરાએ રુમમાં એંટ્રી મારી અને એ બેયને ખખડાવ્યાં..

’તમને કંઈ ભાન બાન છે કે…કેટલી જોરજોરથી ઝગડો છો..આ તે કોલેજ છે કે તમારો બેડરુમ..ચૂપ રહો નહીતો કક્ડડ સર હમણાં આવી પહોંચ્યા જ સમજો’

કકડડ સરના નામે બેય છોકરીઓના દિમાગમાં ખતરાની ઘંટડી વગાડી દીધી અને બેય જણ ચૂપચાપ ડાહ્યાં ડમરાં થઈ ગયાં. બેય છોકરીઓ કેંટીનમાં જઈને પાંચ સમોસાની પ્લેટ અને ચા લઈ આવી અને બધાં જ જાણે કશું જ ના થયું હોય એમ ભેગા થઈને ચા – નાસ્તાને ન્યાય આપવા લાગ્યાં.

હું અને મારી સખી 5-10 મીનીટના આ મેલોડ્રામાથી હતપ્રભ થઈને એકબીજાનું મોઢું નીરખતા સ્તબ્ધ  બનીને હસવું કે ચિંતા કરવીની દ્વિધાપૂર્ણ સ્થિતીમાં ઉભા રહી ગયા.

.આ આજની જનરેશન…શું આપણા સુપુત્ર –સુપુત્રીઓ પણ ..?

અમારાથી ઉપર આકાશમાં જોવાઈ ગયું ને મનોમન બોલાઈ ગયું,

‘તારે રે ભરોસે ભવ મૂક્યો અમારો રે…તારે રે ભરોસે….!’

-સ્નેહા પટેલ.

નાજુક નાક


gujarat guardian paper > take it easy column > 11 nov.2012. artical no-16

http://www.gujaratguardian.in/E-Paper/11-11-2012Suppliment/index.html

 

મારા ભાણિયાએ આજે મને હેરાન –પરેશાન કરી મૂકેલી. આમ તો હંમેશાથી હું જ એને હેરાન કરતી હોવું છું. પણ કો’ક કો’ક વાર આપણો વારો પણ નીકળી જાય. ખરી તકલીફતો એ કે,  ‘નાના છોકરાંઓ છે એટલે એમને રાજી રાખવા માટે હું એમનાથી હેરાન થઈ જઉં છું’ ની ‘મિયા પડે તો પણ તંગડી ઉંચી’વાળી નીતિ રાખવા જવું, તો પણ એ વાકય સાંભળવાની કે એના પોકળપળા ચલાવી લેવાની ઉંમરમાંથી મારો ટીનેજરી લબરમૂછિયો ભાણિયો બહાર નીકળી ગયેલો. એટલે મન મસોસીને રહી જવું પડે.

વાત એમ હતી કે..વાત ‘નાક’ ની હતી..મારા ‘નાજુક શા નાક’ ની ! નવાઈ લાગીને પણ આ હકીકત છે કે આ વખતે મારું નાક મારા ભાણિયાની મજાક – મસ્તીના ‘સેન્ડી’ કરતાં પણ ખતરનાક હરીકેનના ઝપાટે ચડી ગયેલું.

અમારા એક દૂરના વયોવૃધ્ધ સંબંધી મૃત્યુ પામેલા. અમારે એમના બેસણામાં જવાનું હતું. બેસણાંની જગ્યા જોઇને હવે દિલખુશ થઈ ગયું એમ કહેવા જતા જરા અતિશયોક્તિ લાગે છે પણ આજકાલના બેસણા પણ ‘હાઈ-ફાઈ’ થઈ ગયાં છે. પહેલાં તો જેના ઘરે મૃત્યુ થયું હોય એમના ઘરનો એક રુમ ખાલી કરીને શેતરંજી પાથરી દેવાની અને એક હાર ચડાવેલો ફોટૉ ધૂપ સળગાવીને મૂકી દેવાનો..રૂમ નાનો હોય તો ઘરની નીચે પાર્કિંગમાં એ વિધી પતાવાતી. પણ થોડા સોફિસ્ટીકેટેડ લોકો એમ પાર્કિંગમાં કે ઘરમાં સાંકડ –મોંકડ બેસવા કરતાં જો પોસાતું હોય તો એક સરસ મજાનો હોલ ભાડે રાખી દે છે. તમારે ફક્ત મૃતકનો ફોટો આપી દેવાનો..બાકીનું બધું જ અરેંજમેંટ એ લોકો કરી આપે.

અમારે એવા એક સોફિસ્ટીકેટેડ સંબંધીના બેસણામાં જવાનું થયું. જતાવેંત જ પીંનડ્રોપ સાઈલન્સ જોઇને દિલખુશ થઈ ગયું. સરસ મજાની ધોળીદૂધ જેવી ચાદરો – તકિયા અને છેવાડે નીચે ના બેસી શકનારાઓ માટે ખુરશીઓની સગવડથી સજ્જ હોલ, સ્ટેજની નીચે એક તિપોઈ પર તાજા ગુલાબનો હાર ચડાવેલ સ્વર્ગસ્થનો ફોટો અને આગળ બે મોટી જાડી ધૂપસળીની વલયાકારે ફરતી-ફરતી હવામાં ઉંચે જઈને વિલીન થઈ જતી ધૂમ્રસેર, સ્ટેજ પરથી ‘હે રામ – હે રામ’ અને થોડા ભક્તિભર્યા ભજનો હળવા સ્વરે રેલાઈને આખા હોલનું વાતાવરણ ભકતિમય, શાંત બનાવવામાં બહુ મોટો ફાળો આપી રહેલા. સોફિસ્ટીકેટેડ હોલ અને સોફિસ્ટીકેટેડ લોકો..ચૂપચાપ બારણામાંથી પ્રવેશે, ફોટાને પ્રણામ કરી – મનોમન એમના આત્માની શાંતિ માટે પોતપોતાના ગજા,સમજ અને આવડત પ્રમાણે પ્રાર્થના કરે..( ગજા પ્રમાણે કહેવા પાછ્ળનું કારણ એટલું જ કે ઘણાંની પ્રાર્થના બે સેકંડ ચાલે તો ઘણાં આંખો બંધ કરીને સમાધિમાં ઉતરી ગયા હોય એમ 20-25 સેકંડ..તો ઘણા જોરજોરથી હોઠ ફફડાવે પણ હરામ બરાબર એક અક્ષર એમને પોતાને પણ ખબર હોય કે શું બોલી ગયા..એટલે આ તો જેવી જેની શક્તિ – ભક્તિ)..હા, તો આટલી વિધી પતે પછી સંબંધીની જોડે બેસીને થોડું સોફિસ્ટીકેટેડલી રડીને ચૂપચાપ એક બાજુ બેસી જવાનું. કોઇ જ આડી –અવળી વાતો –ચીતો ના થઈ શકે.

‘પેલાનો કુર્તો કેટલો સરસ અને પેલીની ચિકનની સાડી કે ડ્રેસ કેટલો ધોળોધફ્ફ…પેલાની રડવાની –શોક પ્રદર્શિત કરવાની તાકાત તો ગજબની..અવાજ જબ્બર નીકળ્યો પણ આંસુ હરામ બરાબર.. પેલા બેન તો જબરાં..એક સેકંડમાં તો એમને રડવું આવી ગયું..અને ધોધ તોડીને આંસુડા નીકળી પડ્યાં..ફલાણાએ તો આખી જીંદગી એમને ગાળો આપી અને આજે એનું સોગિયું મોઢું જોઇને કોઇને લાગે કે આ એ જ માણસ છે…વાહ રે દુનિયા…અજબ તારા ખેલ…! ‘ જેવા ઓબઝર્વેશનો- પંચાતોને ભોળા શંભુની જેમ હળાહળ પચાવીને  ચૂપચાપ – શાંતિથી બેસીને શોક પ્રગટ કરી શકવાની જેવી જેની તાકાત એટલો સમય બધા બેસે અને પછી પોતપોતાના રસ્તે.

હવે લોકોની વાત છોડીને હું મારી આપવીતી પર આવું તો મને જાહેરમાં  જલ્દી રડવું ના આવે..મારા લગ્ન વખતે પણ વિદાઈ વેળાએ મારી આજુ – બાજુના લોકોને રડતા જોઇને મને દુ:ખ –વેદના બહુ થાય, પણ બધું ગળાથી આગળ જલ્દી ના આવે…જોરજોરથી ધક્કા મારીને આંસુને ધકેલી –ધકેલીને એ વખતે બે-ચાર ટીપાં આંસુથી આંખો ભીની કરીને ચલાવી લીધેલું. પાછળથી લગ્નનું આલ્બમ જોતી વેળાએ આ બાબતે મારી ખાસી એવી નિર્દોષ હાંસી ઉડાવવામાં આવેલી જેની હજુ આજે પણ મને શરમ આવે છે. હવે આમ કોઇ દૂરના વયોવૃધ્ધ સંબંધીના  બેસણામાં રડવાનું એટલે મારા માટે મહા-અભિયાન. એનો મતલબ એવો નહી કે મને દુ:ખ નહોતું..પણ બસ…આંસુ આંખનો સાથ છોડવા માટે જલ્દી રાજી ના થાય એવા પાક્કા બહેનપણાં. માંડમાંડ થોડા આંસુડાં અને શોકમગ્ન ચહેરાના કોમ્બીનેશનથી એ મહાઅભિયાનની 10-15 મિનીટ પતાવી અને હોલની બહાર નીકળીને સૌથી પહેલું કામ ત્યાં ટેબલ પર મૂકાયેલ જગમાંથી ઠંડુ પાણી પીવાનું કર્યું…ત્યાં મારો ભાણિયો એની અતિતેજસ્વી નજરોથી મારી સામે જોઇને શેતાની હાસ્ય રેલાવતો બોલ્યો,

‘માસી, શું ખાલી ખાલી નાટકો કરો છો?’

અને મને ઝાટકો લાગ્યો. અલ્યા ભલા માણસ મને સાચે એ વડીલ સંબંધીના અવસાનનું દુ:ખ હતું અને જેટલો પણ સમય મેં એમના બેસણામાં વીતાવ્યો એમાં એક પણ મીનીટ મેં કોઇ જ નાટક નહોતું કર્યું., સાચા મનથી, ચૂપચાપ એમના આત્માની શાંતિની પ્રાર્થના જ કરેલી..અને આ જો મારો ટપુડીઓ..

મારા ચહેરાના ક્વેશનમાર્કસ જોઇને ભાણાભાઈને ઓર મજા આવી.ધીરેથી ત્યાંથી બહાર નીકળતા નીકળતા મારા કાનમાં એક વાક્ય  રેડયું, ‘માસી,તમે રડતાં તો હતાં..પણ તમારું નાક લાલ કેમ નહોતું થતું..?’

આ વળી કેવો સવાલ..?  પણ ભાણાભાઈનું માર્કિંગ સોલીડ હોય એનો મને વિશ્વાસ. એટલે મેં આજુ બાજુ નજર દોડાવી તો જેટલા પણ ‘નાજુક નાક’  હતા એના  ટેરવાં આસ્ચ્ર્યજનક રીતે લાલ હતાં. તો મારું અતિનાજુક નાક લાલ કેમ ના થયું? રડી તો હું પણ હતી…ઉલ્ટાનું આ બધાય નાજુક નાકોને જેટલી તકલીફ ડોલભરીને આંસુડા ઠાલવવામાં નહી પડી હોય એનાથી કેટલીયે વધારે તકલીફ મને ચમચીભરીને આંસુડા વહાવવામાં નડેલી. હાય હાય…તો ત્યાં હાજર રહેલા લોકોએ મારા આંસુને સાવ ‘મગરના આંસુડાં’ જ માની લીધા હશે ને ? આના કરતાં તો મેં રડવાનો ભગીરથ પ્રયત્ન જ ના કર્યો હોત તો વધુ સારુ રહેત.. મારા લગ્નની જેમ આજે પણ કદાચ મારી મજાક ઉડાવવાનો આ મોકો મારી ટોળકી નહી જ છોડે એવા ભયે મારા દિલોદિમાગ પર ભરડો લેવા માંડ્યો અને બન્યું પણ એવું જ..મારી ટોળકીમાં દરેક વાત હવે , ‘ પણ માસી….તમારું નાક લાલ કેમ નહોતું થયું’ પર જ અટકવા માંડી..હેરાન –હેરાન થઈ ગઈ…ગુગલમાં સર્ફીંગ કરી કરીને નાક પર કેટકેટલું વાંચી કાઢ્યું..એકાંતમાં.અરીસાની સામે ઉભા રહીને નાક્ને ઉપર-નીચે-આગે-પીછેની કસરતો કરાવી કરાવીને લાલ કરવાના પ્રયત્નો કર્યા…પણ બધું ય ઘડી – બે ઘડી. વળી એ પાછું જૈસે થે ના પોતાના ઓરીજીનલ ઘઊંવર્ણા ક્લરમાં આવી જતું. મારી રાતોની ઉંઘ ઉડવા લાગી..સવાલ નાકનો હતો…શું કરવું હવે?

બહુ વિચારીને એક દિવસ ડોકટર પાસે ગઈ અને આ નાકની રામાયણ કહી. ડોકટર પણ મારી અજીબોગરીબ દાસ્તાન સાંભળીને બે ઘડી ચક્કર ખાઈ ગયો..પણ કોઇ દર્દી બનીને આવે તો એને ઉપાયરુપે કંઈક તો કહેવું પડે ને..એમણે મારી આંખ-જીભ ચેક કર્યા…અને પછી મને મારો ‘હીમોગ્લોબીન’નો રીપોર્ટ કઢાવીને આવવાનું કહ્યું.તરત મેં ત્યાંથી પેથોલોજીની વાટ પકડી અને લોહી ટેસ્ટ કરાવવા આપી દીધું. સાંજના6વાગ્યે રીપોર્ટ આવવાનો હતો ત્યાં સુધીનો સમય માંડ માંડકાઢ્યો…છ વાગ્યે રીપોર્ટ લેવાગઈ તો પેથોલોજીવાળો બીજા ગ્રહની પ્રાણી હોવું એમ મને જોઇ રહેલો..થોડી ગભરામણ વધી ગઈ…રીપોર્ટ જોયા વગર જ સીધી ડોકટર પાસે ગઈ…રીપોર્ટ જોઇને ડોકટરના મોઢા પર ‘ઇડરીઓ ગઢ જીત્યાં’ જેવું ભેદી હાસ્ય છવાઈ ગયું.

’બેન,તમારું ‘એચબી’ સાવ 8.5 % છે. હવે બોલો…આટલા ઓછા લોહીમાં નાક લાલ ક્યાંથી થાય…ચાલો..ફોલિક એસીડની દવાનો કોર્સ ચાલુ કરી દો આજથી અને ખાવાપીવાનું થોડું ધ્યાન રાખો.’

ઓહોહો…તો આ હતું મારા નાકનું રહસ્ય…! હવે એમાં કેટલા ટકા સચ્ચાઈ એ તો દવાનો કોર્સ પૂર્ણ કર્યા પછી ફરી એક વાર રડવાનું મહાન કાર્ય કરવું પડે ..ત્યારે ચકાસાય…બાકી ત્યાં સુધી તો ઓમ નમ: સિવાય !

-સ્નેહા પટેલ.