વારાફરતી વારો આવે નાના-મોટા સહુનો :

http://www.gujaratguardian.in/E-Paper/11-04-2012Suppliment/index.html

 

gujarat guardian paper > ટેક ઈટ ઈઝી કોલમ – લેખ નંબર- નંબર-15

અમારા એક સંબંધી નામે રાજુભાઈ. આમ જુઓ તો એ મસ્તમજાના માણસ. આખો દિવસ બડ બડ બડ..કોઇ પણ ઘટના હોય કે નવી વાત તરત એમના જાદુઈ પીટારામાંથી ‘કોમેન્ટ’ નામનો જાદુઈ- ‘ઇન્ટેલીજન્ટ જીન’ નીકળ્યો જ સમજો ને !  સાચું કહું તો ટાઈમપાસ માટે ઘણીવાર મને મજા આવે પણ ઘણી વાર એ કોમેંટ્સની પાછ્ળનો એમનો સાચો ઇરાદો જોઇને ગુસ્સો પણ આવે. મજાકની એક હદ હોય અને એ દરેક માણસે સમજવી જ જોઇએ એવું હું બહુ જ સ્ટ્રીક્ટલી માનું છું.

તમારું હાસ્ય ક્યારેય કોઇનું દિલ દુ:ખાવાની સાથે ભેળસેળ થયું તો એવા સો ટચના સોના જેવા શબ્દો પણ મારે મન તો કથીર બરાબર જ.

સુખ – દુખ વહેંચી શકો તો જ મતલબના હોય એટલે આ તો જસ્ટ મેં પણ મારા અંતરમનની વાત આપ સૌ વિદ્વાન મિત્રો જોડે વહેંચી લીધી.

ચાલો,આપણે પાછા રાજુભાઈ તરફ વળીએ.

રાજુભાઈ એક ભયંકર માનસિક બિમારીના ભોગ હતાં. ભગવાન જાણે કેવા સ્થળ અને સંજોગો હેઠળ એમના મગજમાં એવું ભૂત ભરાઈ ગયેલું કે એક એમને છોડીને આખી દુનિયાના લોકોનું ડ્રાઇવિંગ ખરાબ અને ‘ઇનપરફેક્ટ’ જ છે. પ્રાથમિક લેવલ સમાન એમણે જ્યારે સાયક્લ ચલાવવાની ચાલુ કરેલી ત્યારે એ થોડા હવામાં જ ઉડતા હતાં. પોતાની માલિકીના પહેલાં વાહનની મજા જ અલગ હોય.એ લાગણી નાનપ –મોટાઈ જેવા માણસસહજ અવગુણોથી કાયમ ખાસ્સી દૂર જ હોય. આપણા રાજુભાઈ જે  એ વખતે ‘રાજીયો’ હતાં. નવી નવી કુસ્તી શીખીને આવેલા મલ્લની જેમ એ સાયકલ પર પણ દંડ – બેઠ્ક્વેડા કરતાં. ઘણીવાર   ધીમા-ધીમા પેંડલે ધીમી સીટીઓ મારતા દેવાનંદ સ્ટાઈલમાં સાયકલ ચલાવતા તો ઘણીવાર કઈ માતા માથે સવાર થઈ જાય રામ જાણે…સાયકલ પર વિચિત્ર રીતે અડધા ઉભા થઈને સાયકલ ચલાવવા લાગતા. સાયકલ જમણી બાજુ રાખીને શરીર આખું ડાબી બાજુ ઝૂલતા મિનારાની જેમ ઝૂલતું હોય…શરીર ડાબી બાજુ હોય ત્યારે સાયકલ જમણી બાજુરાખીને બેલેંસ રાખતા..મોઢા પર કોઇ ખૂંખાર યોધ્ધા જેવા જ ચિહ્નો દેખાય. આગળવાળાને ચપટી વગાડતાં’કને પાછળ પાડી દેવાનો બેનમૂન જુસ્સો.  પોતાની ‘હીરો’બ્રાંડની સાયકલ ચલાવતા એ પોતાને જ હીરો સમજી બેઠેલા. આખરે એક વાર રોંગ સાઈડ પર ચાલતા આ ‘ઝૂલતા મિનારા’ ને ટક્કકર મારીને એક સ્કુટરવાળાએ આખ્ખો જ ચત્તોપાટ પાડી દીધો.

બસ..ત્યારથી એ રાજીયાના મનમાં સ્કુટરવાળાઓ પ્રત્યે એક વિચિત્ર અણગમો, ગુસ્સો પેદા થઈ ગયેલો. દરેકે દરેક સ્કુટરચાલક એનો દુશ્મન. જેટલા સ્કુટરવાળા આવે એ બધા ઉપર એક કોમેંટ હોય..હોય ને અચૂક હોય જ. થોડા વર્ષો મમ્મી-પપ્પાનું સતત માથું ખાવાની  સ્ટ્રગલ કરીને એમણે પોતાનું સ્કુટર લીધું ત્યારે આ  ગુસ્સો થોડો શાંત થયો રાજીયા નામના ફુગ્ગામાં થોડી મોટાઈપણાની હવા ભરાઈ.

પોતે સાયકલ ચલાવતા જે સહન કરેલું એ બધાનો બદલો એ હવે રસ્તાના દરેક સાયકલ ચાલકને જાણીજોઇને ખૂણામાં દબાવીને..હેરાન કરી કરીને વસૂલ કરવા લાગ્યો.  કોઇ સાયકલવાળો એનાથી સ્માર્ટ નીકળે ને એને ગાંઠે નહી એટલે આ ભાઈ બરાબરના ફુંગરાય. આ નાના વાહનોવાળા ચલાવતા જ નથી આવડતુંને..રસ્તાની કોઇ પણ સાઈડથી ગમે ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે..બહુ સાચવવું પડે ભાઈ આમનાથી તો..પોતે તો મરે ને આપણને પણ મારતા જાય પછી તો…સા….થી ચાલુ થઈને આ ગાળોનો રાગ છેલ્લે ‘પ’ પર પણ ના અટકે. આ ફુંગરાયેલા રાજુભાઈ એકવાર આમને આમ જ ગુસ્સામાં સામેથી આવતી એક ગાડીની જોડે અથડાઈ ગયા..કારણ..તો કંઈ જ નહીં. રાજુભાઈને જમણી બાજુ વળવાનું હતું ને એમણે ભૂલથી ડાબી બાજુની  સાઈડલાઈટ ચાલુ કરી દીધી, જેની સામેથી આવતા ગાડીવાળાએ સાડાબારી ના રાખી..અને ધડામ… સ્કુટરવાળા ફુગ્ગાની હવા એક્દમ જ ફુસ્સ…!

‘આ મોટા વાહનોવાળા તો રસ્તો જાણે એમના બાપનો હોય એવું જ સમજે છે’ જેવી નફરતની લાગણી એમના દિલના એક ખૂણે બીજ બનીને રોપાઈ ગઈ…ધીમે ધીમે એનો છોડ બનતો ગયો..મજબૂત બનતો ગયો. આખરે એક દિવસે રાજુભાઈ પોતાની કમાણીમાંથી એક નાની ગાડી ખરીદીને જ જ્પ્યા…છોડ પર વર્ષો પછી સંતોષના ફૂલ ખીલ્યાં.

જોકે એ ફૂલ બારમાસી નહતા. હાઈ-વે પર ગાડી ચલાવતા મોટી મોટી – પાવરસ્ટીઅરીંગ વાળી, લેટેસ્ટ ટેકનોલોજીવાળી ગાડીઓ જ્યારે રાજુભાઈની નાનકડી નાજુક ગાડીને બાજુમાં દબાવીને સ્ટ..ટ..ટાક દઈને આગળ વધી જતી ત્યારે આ ફૂલોને  હારની વેદનાથી કાળઝાળ ગરમી લાગી જતી અને સૂકાઈને ખરી ગયા. ગયા.કોઇ જ જાતની લાગણી હવે એમને ખુશી નહોતી આપી શકતી…’જબ દિલ હી તૂટ ગયા..અબ જી કે ક્યા કરેંગે’નો આલાપ આલાપ્યા કરતાં. રસ્તે આવતા- જતા દરેક જગ્યાએ પાર્ક કરાયેલ મોટ્ટીમોટ્ટી ગાડીઓ ઉપર હસરતભરેલ નજર નાંખીને હળ્વેથી એના પર હાથ  ફેરવી લેતાં. અંદરથી ગાળોનો એક તીવ્ર ઉછાળો આવતો…થોડી મોઢામાંથી ઢોળાઈ – રેલાઈ જતી પરંતુ રાજુભાઈનો પ્રામાણિક માંહ્યલો અંદરો અંદર મોટી ગાડીના ભરપૂર પ્રેમમાં પડી ગયેલાનું સ્વીકારતો..પ્રેમ ધીમેધીમે પાગલપણામાં ફેરવાતો ગયો. એક્વાર આ જ પાગલપણામાં પોતાની બધી બચતનો કચ્ચરઘાણ વાળી દીધો..થોડા રુપિયા મિત્રો જોડેથી ઉછીના-વ્યાજે લીધા અને આખરે એમણે એક લાલચટટ્ક મોટ..ટ…ટ..ટી ગાડી પોતાના આંગણે પાર્ક કરી ત્યારે જ જપ્યા. જાણે બારમાસી ફૂલો ખીલી ગયા..હવે તો કોઇ જ મહેચ્છા માટે જગ્યા નહતી. પ્રૂર્ણ સંતોષ !

પહેલા દિવસે જ રાજુભાઈ સારામાં સારા કપડાં પહેરી- બોડી સપ્રે  કરી મોંઘીદાટ ગાડી લઈને વટભેર પોતાની ઓફિસે જતા હતા ત્યાં તો આગળની ગલીમાંથી એક સાયકલ સવાર ઝૂલતા મિનારા સ્ટાઈલમાં ઝૂલતો ઝૂલતો – મોટી મોટી સીટીઓ મારતો નીકળ્યો. બરાબર રાજુભાઈની ગાડી આગળ જ એનું બેલેંસ ના રહેતા ધડાડામ દઈને એમની ગાડીમાં ઠોકાઈ ગયો. રાજુભાઈને ’ઉહ..આહ.આઉચ’ કરવાનો પણ સમય ના મળ્યો અને એમની ‘પ્રાણાપ્ય્રારી’ લાલ ગાડીમાં મોટો મસ ગોબો પડી ગયો. ટેવવશ મોઢામાંથી ગાળો – ટોન્ટ્સનો મહાસાગર વહેવા લાગ્યો…જેને પેલો ઝૂલતો મિનારો રોડ પર પડ્યા પડ્યાં પહેલાં રોડ પરથી ઉભા થવું કે પહેલાં આમની ગાડીના ગોબા માટે ’સોરી’ કહેવું ની અવઢવમાં બાઘો બનીને ચૂપચાપ સાંભળી જ રહ્યો.

સો વાતની એક વાત અમારા રાજુભાઈ સિવાય દુનિયાના બધા ડ્રાઈવરો નકામા-બેજવાબદાર- રેઢિયાળ…આ બધાને ડ્રાઈવિંગ લાયસન્સ જ કેમ અપાતા  હશે ? નાહક અમારા રાજુભાઈને આખો દિવસ કોમેંટ્સ…ગાળોના કાદવથી ખરડાયેલા જ ફર્યા કરવાનું ને..!

-sneha patel.

2 comments on “વારાફરતી વારો આવે નાના-મોટા સહુનો :

  1. Kudos … A Way To Go …
    Good One Sneha – A perfect observation of the people who just see ‘The Opposite Person’s Faults For Their Own Failures / accidents / Mishaps” … And a very smart way to present it as comic …

    Like

  2. એકદમ બરોબર બેન અમુક લોકોની ફરિયાદોનો કોઈ અંત હોતો નથી…બીજી દ્રષ્ટિએ પોતાના કરતા કોઈને આગળ જોઈ શકતા નથી ઘણું ઘણું સમાવિષ્ટ થઇ ગયું…સરસ આર્ટીકલ છે!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s