ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 7-11-2012નો લેખ.
કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
– રઈશ મનીઆર
ગૌતમ એક નિર્ભય અને આખાબોલો પત્રકાર હતો. એની કલમમાં હંમેશા શાહીના બદલે કાયમ અગ્નિ ભરેલો હોય એમ એના શબ્દો સળગતા જ નીકળે. આ કારણોથી એનો વાંચક-ચાહક વર્ગની સંખ્યામાં કાયમ જુવાનીયાઓ વધારે રહેતા. એના એક એક શબ્દોને જન્મઘુટ્ટીની જેમ પી જવા,પચાવી જવા તત્પર રહેતા. જે વિચારતો એ જ પ્રામાણિકપણે શબ્દોમાં વહાવી દેતો આ પત્રકાર પોતાના સ્ફોટક લખાણ દ્વારા સતત પોતાની જાતને જુવાન અનુભવ કરતો.સતત એ કોલેજીઅનોના ટોળાઓમાં જ ઉઠતો બેસતો દેખાતો. ધીમે ધીમે ઘડપણ તરફ પ્રયાણ કરી રહેલ અવસ્થાને એ યુવાનીમાં કરાતી ભૂલો,નાદાનીયત કરી કરીને સતત જુવાનીના અમી સીંચવાના ફીફાં ખાંડતો દેખાતો. પોતાના પ્રિય લેખકને પણ પોતાના જેવી ભૂલોમાં ડૂબેલો રહેતો જોઇને જુવાનીયાઓની હિંમત ધીમે ધીમે ખૂલવા લાગેલી. એ લેખક કરી શકે તો આપણે પણ કરી જ શકીએ. આ લેવલની બુધ્ધિ-પ્રતિભા ધરાવતો લેખક ખોટો તો ના જ હોય ને…! ‘જોઇતુ હોય ને ઢાળ મળી ગયા’ જેવા એના લેખોથી પ્રેરાઈને જુવાનીયાઓ ધીરેધીર સ્વતંત્રતાના નામે સ્વછંદતાની કેડી પર ડગ માંડવા લાગેલા.
‘ફેનકોલોની’નો વધતો જતો આંકડો એ ગૌતમનો નશો બનતો જતો હતો.એને ટકાવી રાખવા માટે એ પોતાની ધારદાર કલમ, તીવ્ર બુધ્ધિ અને બેજોડ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરી કરીને સડેલા સમાજના નીતિનિયમોને ફગાવી દેવા જોઇએ, સારું સંતોષજનક પાત્ર ના મળે ત્યાં સુધી ગર્લફ્રેંડસ બદલ્યા કરવી, લીવ- ઇન – રીલેશનશીપ્સ તો આધુનિક જમાનાને ભગવાનનું વરદાન છે એને અપનાવવામાં કંઇ ખોટુ નથી. જૂની માનસિકતાઓ એ બદલાવી જ જોઇએ જેવા તેજાબી લખાણો દ્વારા એણે પોતાની બધી કળા ફક્ત સ્ત્રી – પુરુષ – સેક્સ ધીરેધીરે એનું લખાણ એના વિચારો એના વર્તનમાં ઘૂસવા માંડયા..એ પણ ભૂલો કરવા લાગ્યોએનુંઘડપણ એનો કાન મચડીને એ તરફ ધ્યાનદોરતું તો બે ઘડી એ સમસમી જતો…જાહેરમાં પોતેઆવી આવી ભૂલો કરી બેસે છે એમ સ્વીકારી પણ લેતો અને ગિલ્ટની ભાવનાથી મુકત થઈ જતો. એ બરાબર સમજી રહેલોકે પોતે શું કરી રહ્યો છે. પોતાની આવડત, ભગવાને આપેલી બેનમૂન કળાથી નવી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યો હતો પણ હવે એને પોતાને ઉનમુક્ત –ઉરછૃખંલ વિચાર-વર્તનની ટેવ પડવા લાગેલી. ભારતમાં રહીને એને ફોરેનીયું કલ્ચર સતત આકર્ષતું રહેતું. જીંદગીતોએક જ છે …તળીયા સુધી જીવી – માણી લેવી જોઇએ. એમાંને એમાંવળી પાછી કોઇ ભૂલો કરતો…પાછું જાહેરમાં સ્વીકારીને પોતાની જાતને પ્રામાણિક અને બહાદુર સાબિત કરી દેતો….જે કંઇ કરું છું એ ડંકેની ચોટ પર કરનારો બાંકો શૂરવીર છું…છિપકલી નહી કે કોઇના બાપથી ડરીને જીવું કે કોઇના કોઇ પણ ઉલટા સૂલટા પ્રશ્નોના ઉત્તરો આપતો ફરું.એ એકલો જ ખોટા રસ્તા પર પ્રયાણ કરતો હોય તો કોઇ વાંધો નહતો..તકલીફ તો એની પાછ્ળ આંખ-કાન-મગજ બંધ કરીને ક્ષણિક આવેશમાં બે પળના સુખ માટે ફાંફા મારતી સેંકડો યુવાની ગુમરાહ થતી જતી હતી એની હતી.
કોઇ પણ ભૂલનો પ્રામાણિકતાથી સ્વીકાર કરી લેવાથી તમને ફરીથી એની એ જ ભૂલ કરવાનો પરવાનો નથી મળી જતો. વળી પોતાની સર્જનાત્મકતાનો આવો દૂરઉપયોગ કરીને લાખો કરોડો પોતાને બેહદ પ્રેમ કરતા લોકોના ભવિષ્ય જોડે પણ એ રમત રહી રહ્યો હતો. આવી વાસ્તવિકતા એને કોણ સમજાવે? જે બદલાવા તૈયાર હોય, સમજવા તૈયાર હોય ભૂલોનો સ્વીકાર કરવાની સાથે એ ભૂલ છે તો બીજી વાર નહી થાય એવી માનસિકતા સાથે કટિબધ્ધ થાય તો એનો કોઇ સમજુ, નજીકનો હિતેરછ્ક કાને બે શબ્દો પણ નાંખે. પણ આ તો પ્રસિધ્ધિની ટોચ પર બેઠેલા મહારાજ..! તળેટીમાંથી ગમે એટલા બરાડા પાડો પાછા જ આવે.
‘સમયની લપડાક’ વગર આનો કોઇ રસ્તો નહતો.
અનબીટેબલ : પ્રસિધ્ધિ ના પચે તો ઝેર સમાન હોય છે.
-સ્નેહા પટેલ.