સ્વતંત્રતા – સ્વનિર્ભરતા :


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 31-10-2012નો લેખ.

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો-
તેઓ વસંત જેવા સભર હોય તો ય શું?

-રમેશ પારેખ.

શાંતિભાઈ સાવ જ અવાચક થઈ ગયેલા. એમના પત્ની ચંદ્રાબેનનું એકાએક મૃત્યુ પામ્યાં. નખમાં ય રોગ નહતો. ઉલ્ટાનું શાંતિભાઈના શરીરમાં હજારો રોગો ઘર કરી ગયેલા. જ્યારે પણ વાત થાય ત્યારે શાંતિભાઈ ચંદ્રાબેન પર હસતા જ હોય,

‘ચંદ્રા,થોડું સ્વનિર્ભર થતા શીખ. બેંકીગ જેવી નાની નાની વાતમાં પણ તું મારી પર આધાર રાખે છે, ફરાવા જવુ હોય કે તો પણ તમે આવો, ફલાણું- ઢીંકણુ કોઇ પણ કામ હોય તો  આ તો તમે જ કરો, મને ના ફાવે, તો કાલે ઉઠીને હું નહી હોઉ ત્યારે શું કરીશ ?’

‘અરે, શુભ શુભ બોલો. મરે તમારા કરતા તો હું વહેલી મરી જઈશ જોજો ને.’

અને શાંતિલાલ ખડખડાટ હસી પડતા,

’મારી ગાંડી ઘેલી ચંદુ, તું સાવ જ પાગલ છે. પણ એક વાત તો હું હજી પણ એટલી જ મક્કમતાથી કહીશ કે દરેક માનવીએ પોતાના કામ જાતે કરતા, સ્વતંત્ર થતા શીખવું જ જોઇએ.સારું ચાલ એક કપ ચા મૂકી દે. આદુ ફુદીનો બરાબર નાંખજે હોંકે. તારા જેવી ચા બીજું કોઇ ના બનાવી શકે !’

અને ચંદ્રાબેન હસતા હસતા ઉભા થઈને રસોડામાં ગયા.

આ તો હજુ કાલ સવારની જ વાત અને સાંજે 6 વાગ્યે તો ચંદ્રાબેન સાવ દગો કરીને એમને રેઢા મૂકીને  ચાલી નીકળ્યા.

શાંતિલાલ હજુ આ વાસ્તવિકતા સ્વીકારી નહોતા શકતા.

ચશ્મા ઉતારીને આંખો લૂછી લીધી અને સામે નાનકડા બાજોઠ પર મૂકાયેલ ગુલાબના તાજા હારવાળા ચંદ્રાબેનના ફોટાને નજરથી સ્પર્શી લીધું.

બેસણામાંથી બધા એક પછી એક વિદાય થવા લાગ્યાં. થોડા નજીકના લોકો10-12 દિવસ એમના ઘરે રોકાયા..બારમું પત્યું. બધાં ય પોતપોયાની જીંદગીમાં વ્યસ્ત.

પરદેશથી આવેલા દીકરા વહુ એ થોડા સમયમાં એમને પોતાની સાથે રહેવા બોલાવી લેશેના આશ્વાસન સાથે વિદાય લીધી. ઘરમાં શાંતિલાલ હવે સાવ જ એકલા પડ્યાં.

બીજા દિવસની સવારે એકલતાનો સૂરજ ઉગ્યો. આખું ઘર શૂન્યતાથી ભરચક . ચંદ્રાબેનની કમી દિલમાં શૂળની માફક ભોંકાતી હતી. બારીમાંથી ફેરિયાએ છુટ્ટા ફેંકેલ અખબાર ખોલીને એમાં મન પૂરોવવાનો યત્ન કર્યો. પણ બધા ય કાળા અક્ષર જાણે કોઇ બીજી જ ભાષામાં લખાયેલ હોય એવા લાગતા હતા. ‘પોતે વાંચતા તો શીખેલા ને..?’ શાંતિલાલને એક મિનીટ શંકા ગઈ. માથું હલાવીને એ શંકાને ખંખેરી કાઢીને રસોડામાં ગયા. રસોડાનો દરવાજો બંધ હતો એટલે આખા ઘરમાં એક તીવ્ર બંધિયાર સ્મેલ ઘૂસી ગયેલી. રોજ તો ચંદ્રાબેન વહેલા ઉઠીને નાહી ધોઇને ફૂલ –ધૂપથી ભગવાનની પૂજા કરીને પછી શાંતિલાલને ઉઠાડતા એટલે એમને તો ઘર આખું ય સુગંધથી મઘમઘતું જ મળતું. આવી સ્મેલની એમની ઘ્રાણેંદ્રીયને  વિશેષ જાણકારી નહોતી. બારણું ખોલીને બ્રશ હાથમાં લીધું અને બોલાઈ ગયું,

’ચંદ્રા કોગળા કરવા માટે થોડું પાણી ગેસ પર મૂકજે તો’ અને વળતી પળે જ એ ભોંઠા પડ્યા.

બ્રશ કરીને તરત ચાના પ્યાલાની ટેવ હતી. એમાં મોડું વહેલું થાય તો એમના મૂડની પથારી ફરી જતી.જેમ તેમ ચા મૂકીને છાપુ હાથમાં લીધું ત્યાં તો દરવાજાનો બેલ વાગ્યો…કચરો લેનાર ભંગી..પછી તો દૂધવાળો, ધોબી બધાંયે પોતાના વારા કાઢ્યા. એમાં ચા ઠરી ગઈ.જેમ તેમ ચા પતાવી અને દીકરો વહુ રસોઇઆની વ્યવસ્થા કરી ગયેલા એની રાહ જોવા લાગ્યા.એમાં ને એમાં એક વાગી ગયો. રસોઈઅણને ફોન કર્યો તો ખબર પડી કે એને પોતાના ઘરની નજીકમાં જ  સારુ કામ મળી ગયુ છે એટલે એ આટલે દૂર શું કામ આવે?

ઘરના નાસ્તાના ડબ્બામાંથી ખાખરા કાઢીને એની પર ઘી અને મેથીનો મસાલો લગાવીન ખાવા બેસતા બેસતા શાંતિલાલના મગજમાં વિચાર ઝબકયો,

‘પોતે આખી જીંદગી ચંદ્રાને સ્વત્રંત્ર થઈને જીવવાની શિખામણો આપતા હતા પણ એ જ વાત પોતાના માટે ધ્યાનમાં કેમ ના આવી. હજુ તો અડધો દિવસ માંડ વીત્યો છે અને આખું જીવન ઢગલો અવ્યવ્સ્થાથી ભરાઈ ગયું. શું ચંદ્રા માટે ઘરના બહારના કામ શીખવાનું જરુરી હતું તો પોતાના માટે ઘરની અંદરના કામ શીખવાનું જરુરી નહોતું ? એ પ્રેમથી મારું ધ્યાન રાખતી હતી અને હું પણ એને મારો  હક સમજીને રખાવતો હતો.  એની સ્વતંત્રતાની વ્યાખ્યાઓ ઘડતો હતો ત્યારે પોતાની સ્વતંત્રતાના શબ્દો ડિક્ષનરીમાં જ નહોતા એ ધ્યાન રાખવાનું કેમ ચૂકાઈ ગયું ?

-sneha patel.