foolchhab paper > Navrash ni pal column > 24-10-2012 artical
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’.
સુનિધી..એક મમતાળુ અને હસમુખી સ્ત્રી. કાયમ દરેકને મદદરુપ થવાને તૈયાર.પરિણામે એનું સખીવૃંદ, ચાહકવર્ગનું પ્રમાણ વધારે. બધાંયને એની કંપની બહુ જ ગમે. એ વધતો જતો ચહીતાઓનો ગ્રાફ સુનિધીનું શે’ર શે’ર લોહી વધારતું. અંદરો-અંદર એના જીવને શાંતિ – સંતોષ આપતું. જોકે એના પતિ વૈભવના મનમાં તો હંમેશા લોકો સુનિધીની ભલમનસાઈનો ગેરફાયદો ઉઠાવે છે એવી જ લાગણી ઉદ્બભવતી.
આજે સુહાસના-સુનિધીની ખૂબ જ નજીકની સખીના સસરાના આંતરડાનું ઓપરેશન હતું. કાલ રાતના એમને હોસ્પિટલમાં એડમીટ કરી દેવાયેલા. લગભગ આઠ દિવસ હોસ્પિટલે મુકામ હતો..સુનિધીએ રોજ સવારના ટીફીનની જવાબદારી સામેથી ચાલીને માંગી લીધી જેનો થોડી ના-નુકર પછી સ્વીકાર કરવામાં આવ્યો.
બે દિવસ તો બધુ બરાબર ચાલ્યું પણ ત્રીજા દિવસે સવારે સુનિધીને શરીર બહુ જ દુ:ખતું હતું..થર્મોમીટરમાં તાવ માપ્યોતો પારો સીધો ’3’ નો આંક બતાવતો હતો. હવે સુનિધી થોડી ગભરાઈ. ફટાફટ વૈભવ – પતિદેવનું ટીફીન પતાવી અને બાજુની સોસાયટીમાંજ આવેલા એના ફેમિલી ડોકટરને ત્યાં ગઈ અને દવા લઈ આવી. મેલેરીયાનો શરીરતોડ તાવ..ઘરમાં બે છોકરાઓની જવાબદારી અને કામ કરનારી એ એકલી. એમાં વળી આજે એક નવી જવાબદારી ઉમેરાયેલી. સુહાસના ટીફીનની. બને એક વાર તો મન થયું કે સુહાસને ના પાડી દે કે મારાથી નહી આવી શકાય તું બીજાને ટીફીનની જવાબદારી સોંપી દે..પણ પછી મન ના માન્યું અને મન કઠ્ણ કરીને જેમ તેમ કામ પતાવી એના પતિ વૈભવની સાથે ટીફીન હોસ્પિટલ પહોંચાડ્યું.
લગભગ બે કલાક પછી વૈભવનો ઓફિસેથી ફોન આવ્યો. અવાજ થોડો અકળાયેલો હતો.
‘સોનુ, આજે થોડુ મોડું થયું ટીફીનમાં તો એ લોકોએ બહારથી ખાવાનું મંગાવીને ખાઈ લીધેલું.’
‘ઓહ..’સુનિધી વિચારવા લાગી…આમ તો વાત સાચી હતી. આજે ટીફીન મોકલવામાં લગભગ કલાકે’ક મોડું થઈ ગયેલું અને આવા વખતે તો દર્દીની તબિયત સાચવવા માટે એને સમયસર ખાવાનું આપવાનું બેહદ જરુરી હોય છે.
‘ઠીક છે વૈભવ. છોડ એ બધી વાત હવે. તારુ મગજ શાંત રાખ અને તારા કામ પતાવ હવે.’
‘સોનુ,તારો આ સ્વભાવ જ મને નથી ગમતો. એક તો તું એમના સમય સાચવે, હદપારના કામના બોજા ઉપાડે અને એ લોકો બે શબ્દો સારા બોલવાને બદલે તારી સામે ‘બેજવાબદારીપણા’ની આંગળી ચીંધે..આવું તો કેમ ચલાવી લેવાય…તારે એમને સમજાવવું તો જોઇએ જ કે એ જે કરે છે એ બરાબર નથી.’
‘જો વૈભવ, અત્યારે એ લોકોની માનસિક કે શારિરીક હાલત એવી નથી કે એમને આવી વાત કરી શકાય. સુહાસને હું બહુ સારી રીતે ઓળખું છું, દિલની ખરાબ નથી.’
‘પણ સોનુ, તને તાવ આવે છે એમ છતા તે આ જવાબદારી પૂર્ણ કરવાનો પ્રયત્ન તો કર્યો જ ને…તારો વાંક ક્યાં આમાં..આ દુનિયામાં બોલીએ નહી તો સામેવાળાને આપણા કરેલાની કોઇ કિંમત નથી હોતી. તારે પણ બોલવું જ જોઇએ..સમજાવવું જોઇએ એમ હું દ્રઢપણે માનું છું.’
‘વૈભવ,કામ કર્યા પછી એના વિશે બોલીએ તો એ સાવ જ એળે જાય. કામ કરવું હોય તો કરો ના કરવું હોય તો ના કરો પણ કોઇ દિવસ કામ કરીને એના વિશે સામેવાળાને એનો અહેસાસ કદી ના કરાવો કે મેં તારા માટે આમ કર્યું..તેમ કર્યું…સામેવાળાને જાતે જ એ વાત સમજાય એ જ મહત્વનું..બાકી કામ કરીને એના ગુણગાન ગાવાનો પ્રયત્ન કરશો તો દુનિયા તમને એનો જશ ક્યારેય નહી આપે…’
અને વૈભવને એક જ મિનીટમાં પોતાની ભૂલ સમજાઇ ગઈ. અત્યાર સુધી પોતે પોતાના સંબંધોમાં જીવ રેડીને સાચવવાનો પ્રયત્ન કરતો હતો અને નસીબે કાળી ટીલડી જ કેમ લાગતી હતી એનું ધ્યાન આવ્યું. મનોમન એના મનમાં પોતાની પત્નીની સમજ માટે માન વધી ગયું અને એક હળવા સ્મિત સાથે ફોન મૂક્યો.
અનબીટેબલ : Knowing others is intelligence but knowing your-self is wisdom.