શબ્દ


 

પટેલ સુવાસ મેગેઝિન > થોડામાં ઘણું સમજજો કોલમ > ઓક્ટોબર મહિનાનો લેખ નંબર -4

આપણી આટલી મોટી જીંદગીમાં આ અઢી અક્ષરનો બચુકડો  ‘શબ્દ’ ઘણું મહત્વ ધરાવે છે. ઘણા લોકો ‘ના બોલ્યામાં નવ ગુણ’ને અનુસરીને આખી જીન્દગી ચૂપચાપ વીતાવવામાં માનતા હોય છે તો ઘણા ‘બોલે એના બોર વેચાય’ને અનુસરીને આખી જીન્દગી  જરુરિયાત વગરનું બોલી બોલીને બક બક કર્યા જ કરે છે.

શબ્દો –વાચા એ ભગવાને મનુષ્યજીવને આપેલી એક અદભુત – અનોખી ભેટ છે. માનવી જન્મના એકાદ વર્ષમાં જ એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે છે. સમય વીતતા એમાં સમજણ , અનુભવોના રંગ ઉમેરાય છે. વ્યક્તિ વ્યક્તિએ એ બધાના રંગ અલગ અલગ જોવા મળે. અમુક માણસો ચૂપચાપ પોતાનામાં જ આખું વ્યક્તિત્વ સમેટીને જીવતા હોય છે. એને પોતાની લાગણીઓ કોઇની જોડે બોલીને વહેંચવાની ઇચ્છા જ થતી નથી. એની આડઅસર રુપે એ કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા જેવા સારા અને જરુરી કામમાં પણ શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરતો થઈ જાય છે. પરિણામે એનું વર્તન લોકો માટે રહસ્યમય બની જાય છે. એની નજીકની, લાગણીથી જોડાયેલ એકા’દી વ્યક્તિ જ એને ભરપૂર પ્રયાસો કર્યા પછી એના વર્તન થકી એમને સમજી – ઓળખી શકે છે.  કોઇ પણ માનવી એની પર વિશ્વાસ મૂકતા કે એની નજીક જતા પણ અચકાઈ જાય છે અને પરિણામે એ માનવીને સાવ જ એકલા જીવવાનો વારો આવે છે. એકલતાના ડીપ્રેશનો સહન કરવાનો વારો આવે છે.

તો અમુકને વાતે વાતે શબ્દોની જરુર પડવા લાગે છે. દરેકે-દરેક વાતમાં નકરું બોલ બોલ કર્યા જ કરે.કર્યા જ કરે..શબ્દોના અર્થ શું નીકળતા હોય અને કયા સમયે એ બોલાય છે એવી કોઇ જ સમજ એમનામાં વિકસતી જ નથી. લગભગ પોણા ભાગની જીંદગી શબ્દોનો (ભરપૂર કરતા બેફામ શબ્દ કદાચ વધુ યોગ્ય રહેશે ) ઉપયોગ કરીને એના વેડફાટમાં જ ગાળે છે. છેવટે લોકો એનાથી કંટાળીને એને સાંભળવાનું – એના શબ્દોને માન આપવાનું છોડી દે છે.

પરિણામના બેય છેડા અંતિમ !

સમજવાનું તો ફક્ત શબ્દોના મહત્વને જ હોય છે ને. એક શબ્દથી ચાલતું હોય ત્યાં એક પાનું ભરીને લખવાથી તમે જાતે જ પોતાનું મહત્વ ગુમાવો છો અને જ્યાં જરુર હોય ત્યાં સાવ જ ચૂપ રહીને કે યોગ્ય શબ્દોનો વપરાશ ના કરીને તમે તમારા નજીકનાનો રોષ, અજંપો વ્હોરો છો.

સાચી સ્થિતી તો ત્યારે કહેવાય જ્યારે માનવી સ્થિતીને બરાબર સમજે અને એને અનુકૂળ શબ્દોનો ઉપયોગ કરે અને જ્યારે જરુર લાગે ત્યારે મૌન રહીને અમુક સ્થિતીઓથી બચીને ચાલે.

શબ્દોથી તમે કોઇ પણ વ્યક્તિને પ્રોત્સાહિત કરી શકો છો, મરવા પડેલા માનવીઓને પણ ઘણીવાર શબ્દોના જાદુથી પથારીમાંથી ઊભા થયેલા જોયેલા છે. શબ્દો પ્રેમ –નફરત – ગુસ્સો દરેક પ્રકારની લાગણી માટે અતિઅનિવાર્ય છે, બહુ જ તાકાતવાળા હોય છે.

ભગવાને આપણને આપેલ આ અમૂલ્ય શબ્દોના વરદાનનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય માત્રામાં વપરાશ કરતાં દરેક માનવીએ શીખવું જ રહયું. આ બધા માટે કોઇ પણ ભાષાનો ઉંડો અભ્યાસ કરવો પડે એવી પંડિતાઈની કોઇ જ પૂર્વશરતો નથી હોતી. સમજણના આંખ – કાન ખુલ્લા રાખીને જીવો તો ક્યાં શું બોલવું ને શું નહી તરત જ સમજાઈ જશે. જીવનમાં સમતુલા જાળવવા માટે આ કાર્ય કર્યા સિવાય છૂટકો જ  નથી.

તો દોસ્તો..શબ્દોને,એના અર્થને બરાબર સમજીને એનો સાચો ઉપયોગ કરવામાં રાહ કોની જુઓ છો ?

-સ્નેહા પટેલ.