કપડાંની રામાયણ .


 

 

http://www.gujaratguardian.in/E-Paper/10-14-2012Suppliment/index.html

Gujarat guardian paper > Take it easy column > artical no – 12


મૂંઝવણના કાળા રંગના વાદળ મારા વદન પર એની શ્યાહી ઢોળી રહયા હતા, નિરાશા તડાકા-ધડાકાની ગર્જના સાથે ગરજતી હતી અને અકળામણ મન મૂકીને વરસી પડી.

અરે, કંઈ આડું-અવળું ના વિચારતા. તમે ગુજરાત ગાર્ડીઅનની રવિવારની પૂર્તિમાં ‘ટેક ઈટ ઇઝી’કોલમ જ વાંચી રહ્યાં છો. કોઇ કવિતા – બવિતાની બીજી નવી કોલમ ચાલુ નથી થઈ ગઈ.

આ તો શું છે કે હું રહી થોડી સર્જનાત્મક સ્વભાવની માણસ.

 ‘હું પાણી પીવું છું’ જેવું સીધું સાદું બોલી કાઢીએ તો આપણી અને વાંચકો વચ્ચે ફર્ક શું રહે? એટલે આપણું મહત્વ ( અહીં આપણુંને ‘મારું’સમજી લેવાય એવી વાંચકોના માથે વણકહેવાયેલી જવાબદારી !) વધારવા માટે થોડું મઠારીને કહીએ કે,

‘ચકચકીત સપાટીવાળા ગ્લાસમાં ભરાયેલા શીતળ જળથી મેં મારા સહરાની પ્યાસથી સળગતા કંઠને થોડો ભીનો કર્યો !’

કેવું સરસ લાગે છે ને !

આમ થોડા થોડા સમયે આપણુ (!) મહત્વ ધારદાર કરતા રહેવું પડે નહીં તો વાંચકરાજ્જા આપણને ભૂલી જાય. ‘તું નહી ઓર સહી..તારા જેવા તો કેટલાય લખનારા પડ્યા છે’ જેવી માનસિકતા વિકસવા લાગે એટલે ‘સમય વર્તે સાવધાન’ રહી જવામાં જ આપણી ભલાઈ સંગોપાયેલી છે.

તો મુદ્દાની વાત એમ હતી કે આજે મારો મૂડ બરાબર નહતો. કારણમાં તો કંઈ ખાસ નહીં બસ મારે ઘરની બહારના કામ બહુ બધા ભેગા થઈ ગયેલા અને હું ‘ઘરકૂકડી’ ! વરજી અને દીકરા પાસે થાય એટલા કામ તો એમને પટાવી પટાવીને કરાવી લઉં પણ હવે એક હદ આવી ગયેલી અને અમુક શોપિંગ કરવા માટે મારે જાતે જ જવું પડે એવી હાલત હતી. એટલે નો ઓપ્શન જેવી સ્થિતી થઈને ઉભેલી. એમાં ય આજકાલ લોકોની ગાળૉ ખાઈ ખાઈને ગુસ્સે થયેલા મેઘરાજા બરાબરના વરસી પડેલા. પડેલા તો પડેલા પણ ઉભા થવાનું નામ જ નહોતા લેતાં. રોજ રોજ મૂશળધાર, સાંબેલાધાર..બધે બધી ધાર કાઢીને ધોધમાર માર મારે જ રાખતા હતાં. ઘરની બહાર ચારેબાજુ કાળા-કાળા કીચડ, દેડકાંઓને તરવા જેવા ખાબોચિયાઓનું સામ્રાજ્ય ફેલાઈ ગયેલું.

એક તો બહાર જવાનો કંટાળો આવતો હોય અને એમાં ય વરસાદ. એની પર કવિતાઓ લખવાનું કે બારીમાંથી હાથ બહાર કાઢીને હથેળીમાં એને ઝીલવાનો બહુ ગમે પણ શરદીના કોઠાવાળી નાજુક તબિયત સાથે વરસતા વરસાદમાં કામ કરવા જવાનું કામ મારા માટે બહુ અઘરું. ઘરની બહાર નીકળવામાં આળસુડાઓની હરિફાઈ યોજાય તો તમતમારે બેઝિઝક આપણું (!) નામ એમાં નોંધાવી જ દેજો..ઇનામની અડધી રકમ તમારા નામે બેંકમાં જમા થઈ ગઈ જ સમજજો ને ! એક તો ધડાધડ કરીને ઘરના કામ કરીને નીકળવાનું હતું એમાં વર્ષારાણી ‘જરા જમકે બરસી’ રહેલા અને એ બધા ઉપર છેલ્લાં બે દિવસથી મારે કપડાં ધોવાનો વેંત જ નહતો પડતો.

મોટી તકલીફ એ કે હું જો કામ માટે બહાર નીકળું અને કપડાં બહાર દોરીએ સૂકવાયેલા હોય તો એ તો પલળી જાય અને ઘરમાં દોરીએ સૂકવીને નીકળું ને વરસાદ ના આવે તો આખા રસ્તે એક ઘેરો અજંપો મનને ઘેરી વળે- વિચારો ચેનથી ખરીદી જ ના કરવા દે. અરેરે…હું પણ કેવી મૂર્ખી, અક્કલની કોથમીર..આટલો સરસ મજાનો તડકો હતો તો પણ કપડાં ગેલેરીમાં અંદરની બાજુએ સૂકવીને નીકળી..વગેરે વગેરે. રહેવા દે એના કરતા આજે કપડાં જ નથી ધોવા. ના રહેગા બાંસ ના રહેગી બાંસુરી. પણ ત્યાં યાદ આવ્યું કે દીકરાના બે ય યુનિફોર્મ ધોવામાં હતા એટલે કપડાં ધોવાનું ભગીરથ કાર્ય આજે પતાવ્યે જ છૂટકો.

મારા ચહેરા પરના જાતજાતના ભાવોની અવરજવર જોઇ રહેલા પ્રેમાળ પતિદેવ આખરે બોલ્યાં, (હાશ ..)

‘શું વાત છે ? કેમ આટલી અકળાયેલી લાગે છે?’

‘ કંઈ નહીં એ તો બહાર જવું પડે એમ છે અને મૂયા આ ઘરના કામો..પતતા જ નથી ને’

ટીપીકલ ડાયલોગ્સ !

‘અરે,એમાં શું મોટી વાત છે..ચાલ હું તને મદદ કરું. આજે આમે ગુરુવાર છે અને મારે સ્ટેગરીંગ. તો હું ઘરે જ છું.’

આ તો બગાસું ખાતા પતાસું આવી ગયું.

‘કંઈ નહી વોશિંગ મશીન ચાલુ કરવાનું છે (મને ખબર છે મિત્રો કે મશીનમાં કપડા ધોવામાં પણ મારે આટલી મોટું ટેન્શન થાય એનો તો તમને અંદાજ જ નહી હોય. તમે તો મારી હૈયા વરાળ વાંચીને મારે હાથે જ કપડાં ધોવાના હોય એવી ધારણા બાંધી હશે. શું તમે પણ..મને ઓળખો છો તો પણ કંઈ પણ ધારી લો છો.)

‘એમાં વળી શું મોટી ધાડ મારવાની, અત્યારે વરસાદ નથી પડતો તો તું ફટાફટ નીકળી જા. ‘વૉશીંગમશીન’ તો હું ચાલુ કરી દઈશ , એમાં વળી શું ધાડ મારવાની છે ?  મારે તો મારી તકલીફ સમજાવવાની જરુર જ ના પડી. પતિદેવ મારા મનની બધીય વાત જાણે..મારા અંતર્યામી સખા ! ભવોભવ મને આ જ ભરથાર મળે ભગવાન..

ફટાફટ મનોબળ મજબૂત કરીને હું ઘરની બહાર નીકળી જ ગઈ. જોકે  જે જગ્યાએ –જે સમયે હોઇએ એ જ જગ્યાએ સો એ સો ટકા રહેવાના રોજના મક્કમ નિર્ધારને આજે એક દિવસ પછી એનું બરાબર પાલન કરીને પાછો ઠેલ્યો. તન બહાર અને મન ઘરમાં જ ભટકતું હતું, અધ્ધરજીવે થોડા થોડા અમીછાંટણા જેવી ઝરમર ઝરમરમાં પણ શોપિંગ પતાવીને એક મહાન કામ કરીને હું ઘરે પાછી આવી ત્યારે ઘરમાં આશા વિરુધ્ધ પીનડ્રોપ સાઇલન્સ હતું,

ખુશીનું કારણ હતું કે ટેન્શનની એંધાણીઓ એ નક્કી ના કરી શકી અને હળવે પગલે ડ્રોઈંગરુમમાં પ્રવેશી. નજર કોઇ જ પ્રયાસ વિના ત્યાંથી જ ગેલેરીમાં પહોંચી ગઈ. બહાર દોરી પર કપડાં જોઇને એક પળ તો શાંતિનો શ્વાસ ખેંચાઈ ગયો.ત્યાં જ ધ્યાન ગયું કે બહાર તો’રીમઝીમ કે ગીત સાવન ગાયે’ ચાલી રહેલું અને શાંતિનો શ્વાસ આઘો હડસેલાઈને અજંપામાં બદલાઈ ગયો. હાથમાંથી શોપિંગબેગ્સ પડી ગઈ અને પગ આપોઆપ ગેલેરી ભણી ઉપડી ગયા.

ઉંધા-ચત્તા-વળ ખાયેલ સીંદરીની જેમ સૂકાવાયેલ કપડાં હર્ષભેર વર્ષાની બૂંદો એની પર ઝીલી રહેલા.શ્રી હરીન્દ્ર દવેની  કાવ્યપંક્તિ  યાદ આવી,

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.
ઝાકળનાં બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.’

બે-ચાર કપડાંના ગોટા વાળીને બધાંને એક ક્લીપમાં મારી મચડીને ફીટ કરાયેલા કપડાંમાં કયું કપડું પહેલું લઉં તો બીજા નીચે ના પડે એ સમજાતું જ નહોતું. બધું જ ધારણાઓના આધારે કરવાનું. જીન્સનો એક પગ સીધો અને બીજો ઉંધો લટકતો હતો, અક્ષુનો નવો કોટન નેપકીન એના કાચા રંગની હલ્કી છાપ એના સાથીદાર એવા મારા નવા નવા વ્હાઈટ કુર્તા પર છોડી ગયેલો જે જોઇને મેં લગભગ 800 રુપિયાનું ત્યાં ને એજ ઘડીએ નાહી નાંખ્યું. ત્યાં તો કપડાં લેતા પતિદેવના ખમીસ-બુશ્કોટના ખિસ્સામાં કંઈક ઉપસેલું ઉપસેલું લાગતા હાથ નાંખીને એમની પેનડ્રાઈવ..હ્રદય બે ઘડી ધક્ક ! જેમ તેમ કરીને બધા કપડાં ઉતાવળે લેવા લાગી તો નવી નક્કોર બેડશીટનો એક ખૂણો એક બાજુના તારમાં ફસાઇ ગઈ ને ..ચર્રર..ર..ર… આઘાતના માર્યા મારા હાથમાંથી અડધા કપડાં ગેલેરીમાં નીચે ગબડી ગયા.

ગેલેરી ભીની ભીની..તરત પેલા અડધા સૂકાયેલા કપડાં પર ચિત્ર-વિચિત્ર ડાઘોની રંગોળી પૂરાવા લાગી…જેમ તેમ બધા કપડા લઈને અંદર ખુરશી પર નાંખ્યા અને સોફા પર હાથ દઈને બેસી પડી ત્યાં પતિદેવ આદુ-ફુદીનાવાળી ચા અને બિસ્કીટની ટ્રે સાથે દ્રશ્યમાન થયા. કદાચ એમણે મારી કપડાં સાથેનું ઘમાસાણ ‘માનસિક યુધ્ધ’ જોઇને પાણી પહેલાં પાળ બાંધવાનું કામ હિતાવહ લાગ્યુ હશે. જે કારણ હોય એ..પણ મારે અત્યારે આવી કડક મસાલેદાર ચાની સખખત જરુર હતી.

સખ્ખત થાકેલા હો અને વરસાદની સિઝન હોય ત્યારે ‘એક ચૂટકી સિંદુર’ની જેમ ‘એક આદુ-ફુદીનાવાળી કડક ચા’ ની કિંમત આપ ક્યા જાનો દોસ્તો..આવી ચા ના બદલે તો સો ખૂન પણ માફ !

-સ્નેહા પટેલ