phoolchhab paper > Navrash ni pal column > 10-10-2012
http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx
તું ઝવેરી જ હો ખરેખર તો.
હેમ ઓળખ કથીરને ઓળખ.
તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.
-હરજીવન દાફડા.
‘પાંચસો ટામેટા અને સાથે કોથમીર મરચાનો મસાલો પણ મૂકજે હો ને ચમેલી’
‘હોવ રે બુન, તમારે વળી કહેવાનું થોડી હોય. તમારા શાકમાં તાજા શાક્ભાજી જ આવે અને મસાલો તો હોય હોય ને હોય જ. ગમે ત્યારે તમે જોઇ લેજો. ભૂલે એ બીજા હોંકે “
‘હા,મને ખ્યાલ છે એ વાત. આ તો ટેવવશ બોલાઈ જાય છે બીજું કંઇ નહી. શુ કરે તારો મોટો દીકરો ? દસમામાંછે ને..બરાબર વાંચે છે કે નહી ? ભણવામાં – સમજવામાં કોઇ પ્રોબ્લેમ હોય તો મારે ત્યાં મોકલી દેજે. હું ભણાવી દઈશ એને અને તારા ઘરવાળાનો પેલો ’છોટાહાથી’ નો એક્સીડંટ થયેલો તો વીમો પાસ – બાસ થયો કે નહીં ?’
‘હા બુન બધું ય બરાબર છે હોં કે. તમે સહેજ પણ ચિંતા ના કરત.આ લો તમારી શાકભાજીની થેલી.’
આસ્થાનો મૂડ હવે બરાબર બગડવા લાગેલો. આજે એ પ્રેરણા –એની મમ્મીને પોતાની ગાડીમાં શાકમાર્કેટ લઈને આવેલી. ત્યાં પ્રેરણા શાકભાજીવાળી બાઈની જોડે દરવખતની જેમ એના છોકરાછૈયાંની પંચાત કરવા બેસી ગયેલી અને એના કારણે આસ્થાને કોલેજ જવાનું મોડું થતું હતું.
‘મમ્મા, ફર્સ્ટ લેકચર ‘મીસ’ થઈ જશે મારે.ચાલોને હવે પ્લીઝ.’
અને પ્રેરણાને પરિસ્થિતીનું ભાન થતા જ તરત શાકભાજીની થેલીઓ ઉચકીને પેલી બાઈને સ્માઈલ આપીન ‘આવજો’ કહીને ગાડી તરફ ચાલવા લાગી. આસ્થાએ મમ્મી જોડેથી થોડી ‘બેગ્સ’લઈ લીધી અને બોલી:
‘મમ્મી,તમે પણ ખરા છો. જેની ને તેની સાથે વાતો કરવા – ખપાવવા બેસી જાઓ છો. એ શાકવાળીને વળી આટલો ભાવ આપવાની શું જરુર હતી?’
‘અરે દીકરા, એમાં વળી ભાવની વાત જ ક્યાં છે ! જસ્ટ ‘કેમ છો – કેમ નહી-છોકરા છૈયા મજામાં કે નહીં બસ.’
‘પણ મમ્મા, એના છોકરાને વળી આપણે શું લેવાદેવા ! વળી તમે તો આપણે ત્યાં કામવાળી આવે કે દૂધવાળો કે ગાડી સાફ કરનારો..બધાંયને હસી હસીને ‘કેમ છો – મજામાં ને’ પૂછ્યા કરો છો તો તમને નથી લાગતું કે તમે કંઈક વધારે પડતા લાગણીશીલ છો ‘
‘જો બેટા, વર્ષોથી એની પાસેથી શાકભાજી લઈએ છીએ, રોજ એને મળવાનું તો એક જાતના સંબંધ બંધાઈ જ જાય એને કોઇ જ નામ કે કારણો ના હોય. આપણે ત્યાં જે દૂધવાળો આવે કે કામવાળી-એ બધાંય સૌપ્રથમ એક માણસ છે. એક નાની સરખી બિલાડી કે ચકલી જેવા પશુ – પંખીઓને પણ એક ‘પર્સનલ અટેન્શન ઝંખતા હોય છે, એમને પણ સાચી લાગણીની હૂંફ’ની સમજ પડતી હોય છે તો આ તો આપણા જેવા બે હાથ – બે પગવાળા માનવીઓ. એમનું નસીબ કે એમણે આવા કામ કરીને પૈસા કમાવા પડે છે પણ એ લોકો નાના બાપના નથી થઈ જતા. મહેનત કરીને ખુદ્દારીથી પૈસા કમાય છે. એ એમની તાકાત મુજબ કમાય અને આપણે આપણી અક્ક્લ મુજબ. અંતે તો બધાય આ પેટ ભરવાની વેઠમાં જ હોઇએ છીએ ને ! રોજ રોજ જેની જોડે કામ લેવાનુ હોય એમના ખબર અંતર પૂછતાં એ લોકોને પોતે આપણા માટે થોડા સ્પેશિયલ છે એવી લાગણીનો અનુભવ જ થાય અને છેવટે એ લાગણીનો તેઓ આપણા કામ વધુ સારીરીતેકામ કરીને બદલો પૂરો પાડે. થોડા હુંફાળા શબ્દોની- થોડું પર્સનલ અટેન્શન દરેક માનવીને અસાધારણ પ્રેરણા પૂરી પાડી શકે છે. વગર મહેનતે થતા આ કાર્યમાં હું ક્યાં ખોટી..બોલ હવે ?’
અને આસ્થા બે પળ પ્રેરણાને તાકી રહી અને એના ગળે વળગીને ગાલ પર એક ચૂમી ભરીને બોલી:
‘મારી પ્રેમાળ મમ્મી, તું હંમેશા સાચી જ હોય છે!
અનબીટેબલ :- The single finger which wipes our tears during our failure is much better than the ten fingers which come together to clap for our victory.