સ્મ્રુતિખોડલધામ મેગેઝીન > આચમન કોલમ > ઓક્ટોબર મહિનાનો લેખ.
હમણાં જ ‘ફેસબુક’માં એક પોસ્ટ ફરતી જોઇ :
‘આજની ‘જીન્સધારી મા’ સાડલો જ નથી પહેરતી તો પોતાના બાળકને એના આંચલનો છાંયો ક્યાંથી આપી શકવાની ! ખરેખર આજકાલના બચ્ચાઓ બહુ બદનસીબ છે’ આ પોસ્ટનો સીધોસાદો આવો જ કંઈક મતલબ નીપજતો હતો.
આ વાંચીને લોકોની માનસિકતા પર હસવું, ગુસ્સે થવું કે એમની દયા ખાવી એ તો હું બહુ નક્કી ના કરી શકી.આ વાતમાં લોજીક શું ? હદ તો એ કે ઘેટાં-બકરાંથી ભરચક દુનિયામાં પોતાના બુધ્ધિધનને ‘સેફ ડીપોઝીટ’ વોલ્ટમાં સાચવીને રાખનારાઓ લોકો પણ એ વાતના હાર્દ સુધી પહોંચ્યા વગર જ એ પોસ્ટને લાઈક પર લાઈકના બટનો દબાવીને કોમેન્ટસ ઠોકે જ રાખતા હતા એને પોતાની વોલ પર શેર કરતા અને પોતાનો ‘મા’ શબ્દ (!) પ્રત્યેનો ‘અધધ અહોભાવ’ વ્યકત કર્યે જ રાખતા હતા. શબ્દોની કિંમત કે સમજ ઉછીની થોડી મળે? પોતાના આવા વણવિચાર્યા અને ઉતાવળા ‘રિસપોન્સથી’ પોતાની ગતિવિધિને ધ્યાનથી નિહાળનાર વર્ગ પર પોતાની કેવી ઇમ્પ્રેશન પડે છે એ વિચારવવાનો સમય કે શક્તિ બેયની અછ્ત. એમને માટે તો ‘મા’ એક શબ્દ્થી વધુ કંઈ જ નથી એ સ્પ્ષ્ટપણે દેખાઈ આવતું હતું.. એક ફરજ નિભાવી દીધી, ટાઇમ પાસ કરી દીધો બસ !.
આમાંથી અડધા ઉપરના તો ટીનેજરીયા ! એમને કહેવાનું મન થાય કે પહેલાં તમે ‘મા- બાપ એટલે શું’ એ તો સમજો. એ જવાબદારી તમારી જોડેથી કેટકેટલી સમજ, સમય, ધીરજ માંગે છે એનો માત્ર વિચાર કરવાથી તમને એની ગંભીરતાનો ક્યારેય અંદાજ નહીં આવે.
ફરીથી આ લાઈન વાંચજો..અહીં મેં ‘મા –બાપ’ બેયનો સમાવેશ કર્યો છે.
એ બેયનો પ્રેમ – જવાબદારી સરખા જ હોય છે. હા ‘હાઈલાઈટ’માં થોડો ફર્ક હોય છે પણ દેખાવથી સચ્ચાઇ નથી બદલાઇ જતી.
હા તો, આપણે જીન્સ પહેરેલી આજની ‘આધુનિકા’ના માથે પહેલાની ‘સાડલાવાળી’ મા ની જેમ જવાબદારી નહીં સંભાળી શકવાનો આરોપ કેમ મૂકાય છે એની વાત કરતાં હતાં એ મુદ્દા પર પાછા વળીએ.
નકરી દોડાદોડ, ધમાલિયણ જીંદગીમાં આજની નારી પોતાના સાડ્લાના છેડાં સંભાળે કે બાળકને કે પોતાના મોબાઈલ ને કે ઢગલો કામકાજના લિસ્ટ સાથે પોતાના વ્હીકલની ચાવીને ? જીન્સ પહેરે તો એના પોકેટ આ બધી સાચવણીમાં ખાસા મદદરુપ થઈ શકે છે. એ પહેલાંના જમાનાની સ્ત્રીઓની જેમ અડધી કમર દેખાય, પાલવના ઠેકાણા ના હોય અને આ બધી વસ્તુઓ બ્લાઉઝ કે કબ્જાની અંદર હાથ નાંખીને સુરક્ષિત (!) જગ્યાએ મૂકીને પુરુષોની નજર અનાયાસે જ પોતાની એ ક્રિયા તરફ આકર્ષવામાં નથી માનતી. એને તો જમાના સાથે દોડવાનું છે, પોતાના બાળકનો શારિરીક, માનસિક, ઇમોશનલ, આર્થિક બધોય બોજો પોતાના ખભે ઉપાડીને જમાનાની ઝડપી ચાલ સાથે તાલ મિલાવવાનો છે. દોટમાં પગમાં ફંટાતી સાડી એને અગવડરુપ લાગે તો એ પોતાને ‘કમફર્ટેબલ’ લાગે એવા જીન્સને પ્રાથમિકતા આપે એમાં શું ખાટું – મોળું થઈ ગયું ? આજની આધુનિકા બાળકને પાલવનો છાંયો કરવા કરતાં પોતાના બચ્ચાને પોતાની એ.સી ગાડીમાં બેસાડવાની ઇચ્છા ધરાવે છે. વળી ઈચ્છા-કલ્પના કરીને એ અટકી નથી જતી એને ફળીભૂત કરવા તનતોડ મહેનત, નોકરી-ધંધો કરીને ‘અર્નીંગ’પણ કરી જાણે છે. એના નસીબે તો ત્યાં પણ તકલીફોનો સાગર. સ્ત્રીઓનું ‘ઇકોનોમિકલી સ્વતંત્ર’ થવાનું, આગળ આવવાનું નથી ખમાતું એવા વર્ગને પોતાના કામ, સફળતા થકી જડબાતોડ જવાબ આપવાની જવાબદારીની છૂપી તલવાર પણ એના શિરે સતત તોળાતી હોય છે.સહેજ ચૂક્યા કે ખલાસ.
‘ પહેલાં જ કહ્યું હતું કે તમે બૈરાઓ સ્વતંત્રતા પચાવી જ નથી શકતા. તમારી બુદ્ધિ તો પગની પાનીએ જ.ભલા થઈને હવે ઘરમાં બેસીને ચૂપચાપ ઘર જ સંભાળો ‘ જેવા સમાજના (જેમાં સ્ત્રીઓ પણ અચૂક્પણે સામેલ હોય જ ) શબ્દ-આરોપોના-કટાક્ષોના તીર હંમેશા એની સામે તકાયેલા જ હોય છે. અહીં તો સમાજના નામે નીચું, ઉંચુ, આડે-અવળું ગમે તેવા નિશાન તાકનારને બધ્ધે બધું માફ..એમના આરોપોમાં ઉપર જેમ કહ્યું એમ કોઇ જ તર્ક ના હોય પણ ‘સો સફળતાની સામે એક નિષ્ફળતા’ એ બધાં આરોપો સાચા ઠેરવી દેવાય..કોઇ જ ચૂં કે ચા નહીં..જે આરોપ જે રીતે બોલાય એ એ જ રીતે સ્વીકારાઇ પણ જાય.
વર્ષોથી પૈસા કમાવાનું મહાન કાર્ય કરનારો આપણા સમાજનો દરેક પુરુષ ઘરબાર – બૈરા-છોકરા ને ભૂલીને ફક્ત નોકરીની જવાબદારી ઉપાડીને પણ પોતાની મંજિલ મેળવવામાં કેટલી હદ સુધી સફળ થઈ શકે છે, પોતાના કેટલા સપનાઓ પૂરા કરી શકે છે.. એવો વિચાર સમાજમાં કદી કોઇને કનડે છે કે ?
આજની નારી પહેલાંની નારી કરતાં વધુ સ્માર્ટ છે. એને પોતાના દિલ અને દિમાગ બેય ને સંતુલિત કરીને જીવવાનું હોય છે જે કોઇ પણ માણસ માટે બહુ જ અધરી પરિસ્થિતી છે. વળી સ્ત્રીના તો લોહીમાં જ લાગણી દોડતી હોય, ધમધમતી હોય, કોઇની પણ પર વિશ્વાસ મૂકી દેવો, કોઇની કાળજી લેવી આ બધા ગુણો એની મોટી કમજોરી. આ કમજોરી એ આધુનિકા ઘરની બહાર નીકળે ત્યારે મતલબી સમાજ માટે ફાયદારુપ થઈ જાય છે અને ઇશ્વરદ્ત્ત આ અમૂલ્ય વરદાન એને શ્રાપ સમા ભાસે છે.આધુનિકાને સતત પોતાની લાગણી કંટ્રોલ કરતા – કરતા જીવવું પડે છે. હવે લાગણી તો વિચિત્ર હોય છે.એને જેમ બાંધો એમ એ વધુ વકરે.રોગ થઇ પ્રસરે.એ તો પાછું કેમ પોષાય ! એણે મન મક્ક્મ કરીને આ બધા માનસિક – શારિરીક ઝંઝાવાતો સામે ઝઝૂમવું પડે છે.
સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ !
પણ તૂટવાની સત્તા નહી .! પોતાના,સંતાનના, પતિદેવના, ઘરના દરેક સભ્યોના શરીરનું, મનનું બધાંનુ ધ્યાન રાખવાની તોતિંગ જવાબદારી એના નાજુક નમણાં બાવડાં ઉપર હોય છે. પુરુષોના હક્ક – ફરજો બાબતે તો સમાજ એક્દમ સ્પષ્ટ જ રહ્યો છે. એમાં સ્ત્રીઓએ પોતાના હક્કની અરજીઓ પર સમાજની સહી સિકકા કરાવીને મંજૂર કરાવવાનો હોય છે.સ્વીકાર કરાવવાનો હોય છે.વીરાંગના બની એક સાથે બધા ક્ષેત્રે ઝઝૂમવાનુ હોય છે..જીતવાનું હોય છે. કારણ પરાજ્ય તો ‘સમૂળગું અસ્તિત્વ’ મિટાવી દેવાની કગારે મૂકી દેવાનો ! ‘આ પાર કે પેલે પાર’ –યુધ્ધ કર્યે જ છૂટકો !
આ બધી દોડાદોડમાં ‘સ્ત્રી – મા’ પોતાની સગવડ મુજબના કપડાં પણ ન પહેરી શકે ? પહેરે તો બાળકની મમતાનો હક્ક છીનવી લીધાના આક્ષેપો થવા લાગે. એક બાપના કપડાં માટે સમાજમાં કોઇ નિસ્ચિંત ધારાધોરણો છે કે એણે શોર્ટસ નહી પહેરવાની કે જાડા ખડધા જેવા જીંસ નહી પહેરવાના..આ બધાથી કોમળ બાળક્ની નાજુક ત્વચા છોલાઈ જાય !
આજનો સમાજ સ્ત્રીઓ પાસે લાગણી- સુંદરતા ઉપરાંત બુધ્ધિની અપેક્ષા રાખતો હોય તો એણે એને પોતાની બાંધી લીધેલી માન્યતાઓની વાડમાંથી છૂટી કરે જ છૂટકો.
‘વિકાસ માટે સ્વતંત્રતા જરુરી નહી અનિવાર્ય છે’
સ્વતંત્રતાની માંગણી તો પોતે જેને લાયક નથી હોતું એવું નાનું છોકરું પણ કરે છે..એને પણ પડવાની, આખડવાની સત્તા અપાય છે…પરિણામે પોતાની ભૂલોમાંથી શીખી શીખીને એ પોતાનો રસ્તો શોધતા શીખે છે – વિકાસ સાધે છે.પીંજરામાં પંખીને પૂરી રાખીને દુનિયાની જોડે તાલ મિલાવવાનું કહો એ ક્યાંનો ન્યાય ! વળી એને બહાર કાઢ્યા પછી પણ સતત દિશાસૂચન કર્યા કરો, એની ગતિના વેગ નોંધ્યા કરો, ઠપકો આપ્યાં કરો- આ બધી ભાંજગડમાં પંખી પોતાના સપનાની મંઝિલ સુધી ક્યારે અને કઈ રીતે પહોંચવાનું ? પોતાનું મહત્વ પંખીને પોતાને જ સમજવા નથી દેવાતું તો એનો સ્વીકાર એ સમાજ જોડે કઈ રીતે કરાવવાનું !
આમ ને આમ એડીચોટીના જોર પછી પણ ધારી સ્થિતી ના પામી શક્તા આધુનિકાની લાગણીઓ બાંધ તોડીને એક સાથે બળવો પોકારી ઉઠે છે..પોતાના સ્વીકાર માટે એ પછી આંધળૂકીયા કરતાં પણ નથી અચકાતી.જેને વળી પાછું સ્વછંદતાનું લેબલ લગાવી દેવાય છે.દરેકે દરેક વાત-ક્રિયા-પગલાંઓમાં ચંચૂપાતો !
‘પ્રિય સમાજ’ સ્ત્રીને હાશકારાનો એક શ્વાસ ફેફસામાં ભરવા દો, સ્વતંત્રતાનો ઓક્સિજન માણવા દો. જેવું જીવન મળશે એ મંજૂર પણ એની મરજી મુજબની બે ઘડીનું જીવન તો જીવવા દો, પ્લીઝ એની દરેક બાબતે ‘ચંચૂપાતો’ કરવાનું છોડો..એને વિકસવા દો.
સ્નેહા પટેલ