શાર્ક


ખુશીઓના હિલ્લોળા લેતા ઉંડા સમંદરમાંથી
અચાનક એક  ડરામણી શાર્ક
મોઢું ફાડીને
મારી તરફ  ધસમસતી આવે છે.
એના તીક્ષ્ણ દાંતની ધારીને હુ સ્તબ્ધતાથી નિહાળી રહુ છું.
તન – મનમાં શૂન્યાવકાશ ફેલાઈ જાય છે.
ધીરે ધીરે એ મારી તરફ આગળ વધે છે
અને હું….
હું  ઇચ્છવા છતાં કશું જ નથી કરી શકતી.
હાથ-પગની ની જગ્યાએ
જાણે લોહી નીંગળતા માંસના બે લોથડાં ના લટકાવી દીધા હોય..!
શ્વાસ મંથર ગતિએ આવ – જા કરી

શરીરના થોડા હલન-ચલન સાથે
મારા જીવતા હોવાની સાબિતી આપતો હતો.
શાર્કે થોડી આળસ મરડીને
વિજેતાની સ્ટાઈલમાં હસીને પોતાના જડબા પહોળા કર્યાં.
હું તો હજુ પણ એના
જડબા – તીક્ષ્ણ દાંતોની ધારથી મઢેલા વિશાળ  વિશ્વને
અચંભિત થઈને જોયા જ કરતી હતી.
અંતે,
એ માંસભક્ષીએ સ્વભાવાનુસાર પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યું.

-સ્નેહા પટેલ