આર્થિક સંકટ

2 ઓકટોબર-2012 ના રોજ ફૂલછાબ પેપરના 92માં જન્મદિવસ પર  ‘જન્મદિન વિશેષ’ પૂર્તિમાં  મારો લેખ.

 

આર્થિક સંકટ

સંકટ – આ શબ્દ જ કેટલો ભયાવહ લાગે છે કેમ ? એમાં એને જ્યારે ‘આર્થિક’ નામનું લેબલ લાગે ત્યારે તો એ ભયનો સ્ક્વેર થઈ જાય છે.

આમ તો દુનિયાનો દરેક માનવી આ આથિક સંકટના વાવાઝોડાથી ઓછા -વત્તા અંશે પીડિત – પરિચીત હોય જ છે. આર્થિક સંકડામણનો મુખ્ય ‘હીરો-કમ-વીલન પૈસો’ બહુ અવળચંડો હોય છે. હંમેશા પોતાનું મહત્વ જતાવવાની એને ટેવ હોય છે અને એટલે જ એ માનવીના ખિસ્સાથી સંતાકૂકડી રમતો ફરે છે, સતત પોતાની અછ્તનો માહોલ ઉભો કરીને રાખે છે. મારી આટલી જીંદગીમાં મને કોઇ પણ માનવીને એની જરુરિયાત પ્રમાણે પૈસો મળી રહેતો હોય એવો ચમત્કાર ક્યારેય જોવા-સાંભળવા નથી મળ્યો.

ઘણા માનવીઓની જરુરિયાત દરિયા જેવી વિશાળ અને ઉંડી હોય છે. ગમે એટલા પૈસા અંદર ઉમેરાતા જાય જણાય જ નહીં. કાયમ અસંતોષી ઘૂઘવાટ સંભળાયા કરે. જરુરિયાત અને મોજશોખની સીમારેખા ના સમજી શકનારા આવા અણસમજુ લોકોના આર્થિક સંકટ પર મને બહુ દયાભાવ કે સહાનુભૂતિ ના ઉપજે. પણ ઘણાના નસીબમાં સુખ –શાંતિના નામે ધરાર પાણા જ પડ્યાં હોય છે.જીવન જીવવા માટેની અનિવાર્ય જરુરિયાત પૂર્ણ કરતાં કરતાં ભરપૂર મહેનત કરવા છતાં આંખે પાણી આવી જાય છે.એમની રોજ સવાર ‘અંતહીન સ્ટ્રગલ’ ના સૂર્ય સાથે ઉગે છે અને સાંજ કાળીમેશ નિરાશા સાથે આથમે છે. કેટલાંય માસૂમ બાળપણ – જુવાની આ જ ચક્કરમાં અકાળે ઘરડાં થઈ જાય છે..ઘણા તો ઘરડાં થઈને મોત આવે એની રાહ જોવાની ધીરજ પણ ગુમાવી ચૂક્યા હોય છે અને સામે ચાલીને મોતને વ્હાલું કરે છે. આવી લાચાર જિંદગીને કયા શબ્દોમાં સાંત્વના આપવી એ ભલભલા લેખકોના – ફીલોસોફરોના ગજા બહારની વાત છે.

આ બધી તકલીફોમાં ‘સમાજ’ નામનો ત્રણ અક્સરનો દેવના સ્વાંગમાં છુપાયેલ દાનવ વધારો કરતો આવ્યો છે.સમાજ આમ તો માનવીની સુખ – શાંતિ,આચાર –વિચાર –વર્તન પર કંટ્રોલ રાખવા માટે રચાતો હોય છે. પણ એના સદસ્યો ‘સમાજ’નો મારી મચડીને જાતજાતના પોતાને અનુકૂળ લાગતા અર્થ કાઢતો આવ્યો છે..નીતિનિયમો ઘડતો આવ્યો છે અને જાત જાતના તમાચા મારીને પણ એનું પાલન કરાવતો આવ્યો છે. સમાજમાં રહેવાને ટેવાયેલ સામાજીકપ્રાણીને એ નીતિનિયમોના પાલન કરવા માટે પણ પૈસાની જરુર પડે. જો એ પોતે એટલી કમાણી કરી શકતો હોય તો તો ક્યાં વાંધો જ છે કોઇ..પણ આજકાલના ગ્લોબલિયા વાતાવરણમાં ગરમીની સાથે સાથે મોંઘવારીનો પારો પણ ઉંચો ને ઉંચો જ જતો જાય છે. માનવી એક સાંધે ત્યાં તેર તૂટીને ઉભા હોય છે. પરિણામે માનવી પોતાના સગા-વ્હાલાઓની પાસે હાથ લાંબો કરીને – ઉછીના પાછીના કરીને સમાજના વ્યવહારો નિભાવવાનો યત્ન કરે છે અને બદલામાં ‘વ્યવહારુ’ માનવીનું મોંઘેરું બિરુદ મેળવે છે. પણ ઘણાં માનવીને બીજાઓ પાસે હાથ લાંબો કરતા પોતાની ખુદ્દારી આડે આવે છે અને એમ ના કરી શકતા વ્યવહાર નિભાવવામાં નિષ્ફળ જાય છે. ખુદ્દારીના ભોગે વ્યવહાર ના સાચવનારા આવા ‘પડતાઓને માથે પાટું’ મારવાની આદત ધરાવનાર સમાજ વર્ષોથી ‘અવ્યવહારુ-અક્ક્લવિહીન’ જેવી કાળી ટીલડીઓ ચોંટાડતો આવ્યો છે. ના બોલી શકાય ના સહી શકાય એવા આર્થિક સંકડામણથી ત્રસ્ત એ ‘અવ્યવ્હારુ માનવી’ મનમાં ને મનમાં કચવાતો રહે છે,અક્ળાતો રહે છે.

ધ્યાનથી જોતાં દુનિયાની મોટાભાગની બિમારીઓના મૂળમાં આર્થિક સંકટનું બીજ જ દ્રશ્યમાન થશે. ભલભલા સમજદાર –ધૈર્યવાન વ્યક્તિ પણ એની નાગચૂડમાં ફસાઈને ઢીલાઢ્ફ્ફ થઈ જાય છે. પોતાની બધી માનસિક , શારિરીક તાકાત મુજબ એમાંથીરસ્તો કરવાના ફીફાં ખાંડતો રહે છે. ઘણાંને નસીબ સાથ આપે છે ને ઓછાવત્તા અંશે આર્થિક સંકટના રાક્ષસને નાથવામાં સફળ થાય છે તો ઘણાંના જીવ પર આવીને કરાયેલા પ્રયત્નોને સફળતાનો ઢોળ ના ચઢતા હિંમત હારી જાય છે, નાસીપાસ થઈ જાય છે અને ઘણીવાર ડિપ્રેશનના ઘોર વાદળો વચ્ચે ફસાઈને મોતને વ્હાલુ કરે છે.

આર્થિક સંકટના ખપ્પરમાં કેટલીય કોડીલી જીંદગીઓ હોમાતી આવી છે અને હોમાતી જશે. દુનિયામાં ગમે તેટલા સારા સંબંધો હોય તો પણ ‘પૈસો’શબ્દ આવતાં જ બધાની આંખના પાણી મરી જાય છે, સંબંધોની અસ્મિતા ગીરવે મૂકાઈ જાય છે..ઝંખવાઈ જાય છે, સંવેદનો – નૈતિક મૂલ્યોની હોળી સળગાવી દેવાય છે. આ એક બહુ જ કરુણ પણ કડવી વાસ્તવિકતા છે જેની સામે એક એવી હૈયાધારણ પણ લઈ શકાય કે આવા કટોકટીના આર્થિક સંકટના સમયે જ માનવીને પોતાના ઢગલો સાચવી રખાયેલ સંબંધોની ખીણમાંથી સાચો મદદ કરનારો સંબંધી -હીરો મળી આવે છે જેને પહેલાં એ કદાચ પથ્થર પણ માની ચૂક્યા હોય,

સો વાતની એક વાત..’જે સમય આવ્યો છે એ જવાનો તો ખરો જ – કોઇના એકસરખા દિવસ કદી નથી જતા’ વિચારીને બને ત્યાં સુધી આર્થિક સંકટના સમયે માનવીએ કોઇ જ સંબંધોની સાંકળ ખેંચવાની લાલસા રાખ્યા વગર અપના હાથ જગન્નાથ ની જેમ પોતાની લડાઈ જાતે લડી લેવાની વ્રુતિ કેળવવી જોઇએ અને પોતાના સંતાનોને પણ એજ પ્રમાણે સંસ્કાર આપીને ઉછેર કરવો જોઇએ. કારણ..છેલ્લે થવાનું તો એજ જે ઉપરવાળાને મંજૂર હશે…બસ ત્યારે ધીરજ રાખીને કર્મ કરે રાખો.

-સ્નેહા પટેલ.

 

 

2 comments on “આર્થિક સંકટ

  1. Dearest Sneha beta yes and aape Agla Lekh nu TITLE j sunder Aapyu ke : “TARAS ANE SANTOSH”…..bass aaj chene SAMAZ VANU….baki tau Lakh malya nathi ne LAKHESHARI Thyana nathi …Evu j Mottabhage…..pahelana jamanama loko bandhi MOODI ne Kamanni mathi paan VARA-PRASANGO sahte hali-malli ne aaj LAKHO NO DHUMADO ne chataye !!!????
    god bless us all Jay shree krishna
    Dadu..

    Like

  2. aarthik sankat…… nice ..ane ani sathe ladta darek vyakti e shikhvu j pade…. સો વાતની એક વાત..’જે સમય આવ્યો છે એ જવાનો તો ખરો જ – કોઇના એકસરખા દિવસ કદી નથી જતા’ વિચારીને બને ત્યાં સુધી આર્થિક સંકટના સમયે માનવીએ કોઇ જ સંબંધોની સાંકળ ખેંચવાની લાલસા રાખ્યા વગર અપના હાથ જગન્નાથ ની જેમ પોતાની લડાઈ જાતે લડી લેવાની વ્રુતિ કેળવવી જોઇએ અને પોતાના સંતાનોને પણ એજ પ્રમાણે સંસ્કાર આપીને ઉછેર કરવો જોઇએ. કારણ..છેલ્લે થવાનું તો એજ જે ઉપરવાળાને મંજૂર હશે…બસ ત્યારે ધીરજ રાખીને કર્મ કરે રાખો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s