ગર્વીલુ ઘડપણ

 પટેલ સુવાસ મેગેઝીન – ‘થોડામાં ઘણું સમજજો ‘કોલમ– લેખ નં -3 .

‘હેય બેબ્સ, ડોંટ કોલ મી આંટી. હજુ તો મારી ઉંમર જ શું છે ! કોલ મી રેખા – બડી- પણ આંટી..નો વે પ્લીઝ ‘ કહેતાં કહેતા સ્કીન ટાઈટ જીંસ-સ્લીવલેસ ડાર્કરેડ ટોપ, હાથમાં એને મેચિંગ નેલપોલિશ, કાનમાં લાંબા ઝુલતા ‘રેડ સ્ટોન’ના લટકણિયા લટકાવેલ 65 વર્ષના રેખાબેને પોતાના નેચરલ બ્રાઉન ડાઈ કરેલા – બોયકટ વાળમાં સ્ટાઈલથી હાથ ફેરવ્યો.

રેખાબેનની પોત્રી ઉર્વીની સહેલીઓ બે ઘડી એમને તાકી જ રહી. દરેકના મગજમાં એક જ વાક્ય રમવા લાગ્યું ’બુઢ્ઢી ઘોડી લાલ લગામ.’

ઉર્વીને હંમેશા પોતાના દાદી રેખાબેનના ‘અધૂરા ઘડા’ જેવા વર્તનથી શરમમાં મૂકાવું પડતું. ઘણીવાર એને એમ લાગતું કે દાદી કરતાં તો આ ઉંમરે પોતાનામાં વધુ સમજ, ધીરજ છે. એને દાદી પર બહુ ગુસ્સો આવતો પણ ઘરના સંસ્કારોને કારણે ચૂપચાપ એ કડવા ઘૂંટડા ગળે ઉતારી જતી.

આપણે પણ આપણી આજુબાજુની દુનિયામાં આવા લોકો નથી નિહાળતા ? ગરવા ઘડપણને  બોટોકસના ઇંજેક્શનો ,સ્કીન પીલીંગ, લેટેસ્ટ કપડા – હેરસ્ટાઈલ જેવા આભાસી વાઘાથી સજાવી -સજાવીને એની ગરિમા ઝાંખી કરતા પ્રૌઢોને જોઇને બહુ દુ:ખ થાય છે. આવું થવા પાછળનું કારણ ?

કારણ તો એક જ કે આપણે બધા ‘ઘડપણ’ નામના પાનખરથી બહુ ડરીએ છીએ. કુદરતની પાનખરમાં તો ‘પાનખર પછી વસંત’નો નિયમ લાગુ પડે છે પણ આપણી આ પાનખરમાં તો સીધું મોત. ધમાલિયણ,માસૂમ, બેજવાબદાર બચપણ, જોશીલી- નશીલી જુવાનીમાં જીવતો માણસ આવી ચડેલા અણગમતા ઘડપણની લાચારીની,અશકત અવસ્થા સ્વીકારી જ નથી શકતો.

ઘણા લોકો આખી જીંદગીની દોડધામ પછી પણ ધારેલી મંજિલ સુધી નથી પહોંચી શકતા ત્યારે પોતે જેને લાયક હતા એ વસ્તુ નથી મેળવી શક્યા અને હવે તો બુઢાપો – મરવાનો સમય આવી ગયો એટલે એ મંજિલ તો હવે ક્યારેય નહી મેળવી  શકાય એટલે , ‘હાય રે, આખી જીંદગી પાણીમાં જ ગઈ’ના વસવસામાં તરફડતા દેખાય છે. પણ એ લોકો પોતે જુવાનીમાં એ મંજિલની દેશા ખોટી પકડી હશે કે જોઇતા પ્રમાણમાં મહેનત નહી કરી હોય એવી વાસ્તવિકતા નથી સ્વીકારી શકતા. એ વસવસામાં એમના વર્તનમાં એમની ઊંમરને ના શોભે એવી નાદાનીયત ડોકાય છે. જેના કારણે એ પોતાના દીકરાઓના ગુસ્સા, શરમના કારણ બને છે. આ જ કારણથી ઘરડા અને બાળકો બેય એક સરખા કહ્યા છે. ઘડપણ આપણને પરિસ્થિતીનો સ્વીકાર કરવાનો મહામૂલો મંત્ર શીખવે છે એ દરેક માનવીએ શીખવો જ રહ્યો. સ્વીકાર માનવીના અસંતોષ, દુ:ખ-દર્દનો સર્વોત્તમ અને સચોટ ઉપાય છે.

મોટા મોટા ભડવીર પણ બુઢાપાથી ડરતા જોવા મળે છે પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે ઘડપણ પણ ગર્વિલુ હોય છે. આખી જીંદગીના ખાટા – મીઠા-તૂરા-કડવા અનુભવોનું જે પોટલું બાંધ્યુ હોય છે એ ખોલીને આરામથી જોવાનો – સમજવાનો સમય ઘડપણમાં જ મળે છે. એ અનુભવોએ આપેલી ધીરજ, સમજ, સ્વીકાર કરવાની તાકાત બધાની મજા માણવાનો સમય એટલે ઘડપણ.જુવાનીમાં વિક્સાવેલી સર્જનાત્મકતાથી ભરપૂર ફોટોગ્રાફી, પેઇન્ટીંગ, લેખન,સંગીત જેવી કલાને કોઇ પણ જાતના આર્થિક ઉપાર્જનના ટેંશન વગર ફકત આત્મ સંતોષ માટે માણવાનો સમય એટલે ઘડપણ, જુવાનીમાં કસરત, ખાવાપીવાની ‘હેલ્ધી ટેવો’નું  નિયમિત રીતે રોકાણ કર્યુ હોય તો એનો અમૂલ્ય શિરપાવ મેળવવાનો સમય એટલે ઘડપણ,પૈસા કમાઈ કમાઈને થાકી ગયેલ ટેંશનીયા તન-મનને વિસામો આપવાનો સમય એટલે ઘડપણ, લોકોની ઇર્ષ્યા, હરિફાઇ કરી કરીને ખરાબ થયેલા મગજનો તાર શાંત ચિત્તે પ્રભુ ભક્તિમાં જોડવાનો- સમતા ધારણ કરવાનો સમય એટલે ઘડપણ.

સતત નવું નવું શીખવાની ઘગશ ધરાવતા, અઢળક મિત્રોના વૈભવ ધરાવતા, નવરાશને જતનથી શણગારતા,સતત બધા માટે કંઇક કરી છૂટવાને તત્પર, ચહેરાની કરચલીઓમાં આત્મ સન્માનનું તેજ ભરનાર વ્રુધ્ધ કયારેય બોજારુપ નથી લાગતા. સતત આનંદ-સંતોષમાં મસ્ત રહેતા વૃધ્ધને જોઇને એમની આજુબાજુ શ્વસનારી જીંદગી પણ ઘડપણથી ડરવાને બદલે તંદુરસ્ત મન સાથે ઘડપણને આવકારી શકવાને સમર્થ બને છે.આખી જીંદગીની દોડધામના પરિણામે પામેલ સતત વ્રુધ્ધિનો સંતોષ વુધ્ધાવસ્થામાં શાંતિથી બેસીને માણવા જેવા હોય છે – શાંતિથી વિચારી જોજો.

-સ્નેહા પટેલ.

Advertisements

2 comments on “ગર્વીલુ ઘડપણ

  1. Sneha- સરસ વિચારો છે ઘડપણ અંગે નાં… પણ તમે કહો એટેલે એમને સ્વીકારી લેવાનું એમ?
    પણ જેને જીંદગી રૂઢી-ચુસ્તતા-ધર્મનાં-વાડા માં-પૈસા નાં મોહ માં લગ્ન જીવન માં ગાળ્યા હોય તેવા લોકો નાં સપના મોડે-મોડે સળવળતા હોય છે અને તેઓ એ વાત નથી સ્વીકારી શકતા કે ઉમર-ની-ગરિમા આઝોપાય છે…
    પણ એનો મતલબ એ જરાપણ નથી કે ધોતિયા-ઝભ્ભા અને સાદલાઓ પહેરો… પણ શરીર-જાજરમાન અને ચુસ્ત દેખાય તેવોજ દેખાવ ધરો… જયારે ૧૫ વર્ષ પહેલા “TShirt Tops – Tights ” એક ફેશન સ્ત્રીઓ માં આવેલી અને અહી મુંબઈ માં ૫૫+ સ્ત્રીઓની “ગોળાકાર-ભારે ડબલ ચીન-શરીરો” અને તેમને આવા કપડા પહેર્યા હોય તો રીતસર નો કોઈ મોટો “દેડકો” ઉભો હોય તેવું લાગે (નાં આમાં જરાય અતિ-શયોક્તિ નથી)…
    ચાલો પાછી પકડીએ એજ સ્ટાઈલ ની વાત… Botox, Cosmetic Surgery, વાળ ને ડાઈ કરવા … કઈ ખોટું તો નથી… મન થી નાં સ્વીકારાતું હોય તો નહિ સ્વીકારવું… કોઈ કહે અને આપણે શું કામ અટકવું?… પણ યાર, આ પ્રયત્ન ની નિષ્ફળતાઓ ત્યારે “જોરથી-વાગી-જાય-છે” જયારે રસ્તા માં કે પ્રસંગો પાત જુવાનીયાઓ જોર-જોરથી તેમને આંટી-અંકલ નું સંબોધન કરે… ત્યારે એમને થતું હશે કે આ-ધરતી-ફાટતી કેમ નથી… હજ્જારો / લાખો રૂપિયા નો ઘાણ નીકળી ગયો તોય સમય નાં અટક્યો… ધત્ત!!!…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s