ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > 19-09-20124નો લેખ.
http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx
કેવી અનહદ મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
કિસ્મતની વાત :
મને મારી પોતાની પાછી મિલ્કત મળી !
મને મારી સાથે જીવવાની ફુરસદ મળી.
– સુરેશ દલાલ.
કલ્પનાબેન –આશરે 47 વર્ષની આસપાસની સામાન્ય દેખાવની ભારતીય – ઘરરખ્ખુ સ્ત્રી. સંતાનમાં બે દીકરીઓ એક 18 વર્ષની અને બીજી 16 વર્ષની. વિધવા સાસુમા અને પતિદેવ..આ હતો એમનો ઘરસંસાર.
દીકરીઓ ભણવામાં બીઝી, સાસુમા ધર્મ ધ્યાનમાં. પતિ સુરેશભાઈ ઘરે રહીને કંપનીઓના એકાઉંટ્સ લખતા હતા. સવારે જઈને બેંક ને પાર્ટીઓના કામ પતાવીને ઘરે આવીને કોમ્પ્યુટરરુમમાં ભરાઈને બેસી જાય. પછી ત્યાંથી જ ઓર્ડરો છૂટે,
‘કલ્પના,ચા આપજે તો,સાથે પેલા ખારી બિસ્કીટ પણ લેતી આવજે, ઠંડુ પાણી તો પીવડાવ, આ રુમનો પંખો થોડો ફાસ્ટ કરજે તો, પેલી પાર્ટીની ફાઈલ નથી મળતી અહીં આવીને જરા શોધી આપને. દીકરીઓના કોલેજ –સ્કુલના સમય સાચવવામાં, સાસુમાના ધર્મ ધ્યાનમાં કોઇ તકલીફ ના પડે એ રીતે રસોઇ અને એમનો સમય સાચવવાની સાથે સાથે કામઢા- ભણેલા નહી પણ ગણેલા બહુ બધુ એવા કલ્પનાબેનને પાસબુક –ચેકબુક-ઉધાર-જમા ની વિગતો સહજતાથી સમજમાં આવી ગયેલી. ધીમે ધીમે સુરેશભાઈની સાથે બેસીને નવરાશની ઘડીઓમાં ‘ટેલી’નો પ્રોગ્રામ પણ શીખી લીધેલો. હસતા હસતા સવારે છ વાગે એમનો દિવસ ઉગે તે છેક રાતના અગિયાર સુધી એ જ અવિરતપણે કામની વણઝાર ચાલુ ને ચાલુ. ઘરની બહાર નીકળવું, ફરવા જવુ કે પોતાના કોઇ શોખ માટે વિચાર સુધ્ધા કરવાનો એમને સમય નહતો મળતો.
એક દિવસની સવાર કલ્પનાબેન માટે અપશકુનનો સૂરજ ઉગાડી લાવી. સવારના ચાર વાગ્યાના પરોઢમાં સુરેશભાઈને અચાનક ડાબા હાથમાં તેજ સણકા વાગવા લાગ્યા. દર્દથી કણસતા કણસતા એમને કલ્પનાબેનને ઉઠાડ્યા.આંખો ચોળતા કલ્પનાબેન ઉઠયા અને હજુ તો પોતાની આસપાસની સ્થિતીનો પૂરતો તાગ મેળવે એ પહેલાં તો ઘડી બે ઘડીના છેલ્લા શ્વાસ ગણીને સુરેશભાઈનું પ્રાણપંખેરુ ઉડી ગયું.
કલ્પનાબેન અને ઘરના લોકોના માથે તો આભ તૂટી પડયું, ઘરના હપ્તાથી માંડીને બે દીકરીઓને ભણાવવાથી માંડીને પરણાવવાની જવાબદારીની તલવાર લટકતી હતી.
સમય બધા ઘાવનો મરહમ. કલ્પનાબેને હિંમત રાખીને બધી જ પાર્ટીઓને વાત કરી અને પોતાને એકાઉન્ટનું કામ ઘરે જ મળી રહે તો એ ઘરે બેસીને ઘર –દીકરીઓને-સાસુમાને સાચવવામાંથી થોડો સમય મેનેજ કરીને એ કામ ઘરે જ પતાવી શકે. વેપારીઓને કોઇ વાંધો નહતો. વળી કલ્પનાબેને ગામથી પોતાના કામનો ભાવ ખાસો ઓછો રાખેલો. વેપારીઓ સાથે સાલસ અને સૌમ્ય સ્વભાવના કારણે સારા – તંદુરસ્ત સંબંધ વિકસી ગયા. કલ્પ્નાબેને મોટી દીકરીને સી.એ નું ભણાવતા ભણાવતા પોતાની સાથે એકાઉંટ શીખવવા લાગ્યા. પોતાના કોલેજ જતા બે ભાણિયાઓને પણ ટેલીના આંકડાની એંટ્રી કરતા શીખવી દીધુ અને પોતાને પરવડી શકે એટલા પૈસા પણ આપતા હતા. ભાણિયાઓને તો ટાઇમપાસ જ હતો. કંઈક શીખવા મળતુ અને પૈસા પણ એટલે એમને પણ હોંશ હતી.
બે વર્ષના ટૂંકાગાળામાં તો વેપારીઓ સગા સંબંધીઓના સહકારથી કલ્પનાબેને મોટી દીકરીને એના મનગમતા પાત્ર સાથે રંગે ચંગે પરણાવી દીધી અને નાની દીકરીને એના શોખ મુજબ બ્યુટીપાર્લરનો કોર્સ કરાવી બ્યુટી પાર્લરમાં નોકરીએ લગાવી દીધી. મોટી દીકરીની સુવાવડ,જીયાણું બધ્ધેબધું રંગેચંગે પતી ગયું.
દરેક સારા નરસા પ્રસંગોએ સુરેશભાઈની યાદ આવતી પણ હવે એની તીવ્રતા ઓછી થતી જતી હતી. હવે કલ્પનાબેન પોતાની નવી નવી બહેનપણીઓને મળવા જવા માટે સમય કાઢી શકતા હતા. એમની જોડે મળીને કીટી પાર્ટી બનાવી એમાંથી નિતનવા પ્રોગ્રામ બનતા જેમા એક મહિને હોટલમાં ફરવા જવું, પીકનીક ગોઠવવી ઉપરાંત બર્થ ડે – મેરેજ એનીવર્સરી પર તો ભેગા થવાનું જ. જીવનમાં પાનખર પછી જાણે વસંત ખીલી ઉઠી. કપડા, રહેણી કરણી, બોલવા ચાલવામાં પણ અદ્વિતીય આત્મવિશ્વાસ છ્લકવા લાગેલો. સુરેશભાઈની છાયામાં ઉછરતી કલ્પના નામની વેલ હવે તકલીફોની ગરમીમા ગરમાળાની જેમ ખીલી ઉઠી. લઘરીવઘરી કલ્પના હવે બ્રાંડેડ કપડામાં લેટેસ્ટ હેરકટ અને કલર કરાવીને ફરતી થઈ ગઈ. જીંદગીનો ભરપૂર આનંદ ઉઠાવતી હતી.
સહજીવનમાં અકાળે મૂરઝાઈ જતા કુમળા ફુલો વધારે સારા કે જીવનની પાછલી અવસ્થાએ પૂરબહારમાં ખીલી ઉઠેલું આ એકલવાયું જીવન વધારે સારું ?આપણા સમાજમાં ઢગલો ફૂલ જવાબદારીના ઢગલાના ખડકલા, પરાધીનતાની નાગચૂડમાં સપડાયેલ હશે એમના નસીબમાં આવી સ્વતંત્રતાની સમજ સાથેની સાચી વસંત ક્યારે આવશે એનો વિચાર કોઇને આવતો હશે કે ?
અનબીટેબલ :- પ્રેમ – તક – સમજણ – સ્વતંત્રતા- વિકાસનો લ.સા.અ એટલે સુખ.
સ્નેહા પટેલ.
જેમ જેમ શિક્ષણ વધશે અને સહુ કોઈ પગભર થતાં શીખશે તેમ તેમ પાનખરમાં વસંતો આવતી થશે..
LikeLike
ખુબ જ સુંદર વાત કહી છે આપે.
LikeLike
્સરસ
LikeLike
Dear Sneha,Jay Shree Krishna.Wish u happy n healthy day as it passes…wow!
what a beautiful thought u given?i guess more people read your story then they will
change their mentality too!!! Good inspiring story.good luck n keep it up.
LikeLike
Zahir .
સ્વતંત્રતાની સમજ સાથેની સાચી વસંત ક્યારે આવશે એનો વિચાર કોઇને આવતો હશે કે
LikeLike
Pingback: પાનખરી વસંત « swapnil10000