સ્ટાઈલીશ સ્વપ્ન

ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઈટ ઇઝી કોલમ > લેખ નંબર – 9 > ૧૬-૦૯-૨૦૧૨

http://www.gujaratguardian.in/16.09.12/magazine/index.html

સ્ટાઇલીશ સ્વપ્ન :

બેલ વાગ્યો અને મેં આંખો ચોળતા ચોળતા દરવાજો ખોલ્યો. સામે ‘સ્પાઈક’ વાળ, એક કાનમાં ડાયમંડની બુટ્ટી પહેરેલ, જાળી વાળી લાલ બંડી ઉપર સરસ મજાનું લિવાઈસનું બ્લ્યુ ઝેકેટ, પોલીયેસ્ટરનું ફ્લોરોસેંટ ગ્રીન પેન્ટ પહેરેલ બાવીસે’ક વર્ષનો છોકરો ઉભો હતો. એના ખભા પર ‘બેક પેક’ લટકતું હતું .

‘ગુડવાલા મોર્નિંગ મેમસાબ, વો ક્યા હૈ ના કી મેરા ચાચા આજ બિમાર હય તો આજ મેરે કુ ભેજેલા હૈ દૂધ દેનેકે વાસ્તે, બોલે તો આપકો કિતની થેલી દૂધ ચાહીએ ?’

આટલું બોલીને  મારા ઘરની બારીના કાચમાં પડતા એના પ્રતિબિંબને ડાબે – જમણે ફેરવીને જોતા જોતા – જમણા હાથની પહેલી આંગળી મોઢામાં નાંખી થૂંકવાળી કરી અંગૂઠાની સાથે એની ચપટી બનાવીને એના ‘સ્પાઈક’કરેલા વાળમાં ફેરવી.

સવારના 5.30 વાગ્યાના સુમારે અધખુલ્લી આંખે એકવીસમી સદીનો ‘લેટેસ્ટ પીસ’ ઘરના આંગણે પધારેલો જોઇને મારું મોઢું અચરજથી આખે આખું ‘બરગર’ એક કોળિયામાં સીધું ગળામાં ઉતરી જાય એટલી બખોલ સાથે પહોળું થઈ ગયું. સવાર સવારમાં આવી ખતરનાક ભાષા અને સ્ટાઈલ આઇકોન ! ‘ઓલિમ્પીક’માં કોમ્પીટીશન હોત તો મારી આંખો અને મોઢાનું કોમ્બીનેશન ચોક્કસ ‘ગોલ્ડમેડલ’  લઈ આવત. માથાને એક ઝાટકો મારીને આંખોને મહાપરાણે પૂરેપૂરી ખોલીને બને એટલી સ્વસ્થતા સાથે જવાબ આપ્યો,

‘ત્રણ થેલી ‘

પેલા ‘લેટેસ્ટ પીસે’ સ્ટાઈલથી પીઠ પરથી ‘બેક પેક’ને હળ્વો ઝાટકો આપીને આગળ લાવીને જમણા હાથે પહેલી, બીજી અને ત્રીજી એમ ત્રણ આંગળીમાં ત્રણ દૂધની થેલી પકડીને મારી સામે ધરી. એના હાથમાં પહેરાયેલ સ્ટાઈલીશ  સીલ્વર કડાની ડિઝાઈન જોઇને પળભર તો મને અડધી ઉંઘમાં પણ કોમ્પ્લેક્ષ થઈ ગયો. એની જેમ ત્રણ થેલીઓ પકડવાનો પ્રયાસ કર્યો પણ વિફળ ગયો અને થેલી હાથમાંથી છ્ટકીને નીચે..પણ હજુ તો એ ભોંય પર પટકાય એ પહેલાં તો પેલા છોકરડાએ ત્વરાથી એને પકડી લીધી અને એને નીચે પડતા બચાવી લીધી હું હજુ કંઇ બોલુ એ પહેલા તો;

’ઇટ્સ ઓકે મેડમ, બોલે તો હેપીવાલા ડે’

કહીને ‘બેકપેક’ ફરીથી પીઠ પર ગોઠવી માથા પર ‘બ્રાઉન રીબોક’ ના સિમ્બોલવાલી કેપ ડાબી જમણી બાજુ અમથી અમથી ફેરવીને સરખી કરી ને મસ્તીના મૂડ સાથે હળવી સિસોટી વગાડતો વગાડતો લિફ્ટમાં ઘૂસી ગયો.

હજુ રુટીન કામકાજને વાર હતી.થોડી ઊંઘ તો ખેંચી જ શકાશેની લાલચે ‘ઓમ ધબાય નમ:’ પથારીમાં પડતું મેલ્યું. ત્યાં તો ઘેનભરી આંખોમાં દરિયો આવીને વસ્યો.

દરિયાની વિશાળ છાતી પર એક તોતિંગ વૈભવી જહાજ એની મસ્તીમાં ડોલતું હતું . આંખોને ખેંચી ખેંચીને વાંચતા વાંચતા લાલ કલરના બોર્ડમાં સફેદ અક્ષરે કંઈક ‘કીંગ’ જેવું નામ લખાયેલું . ‘રેડ –વ્હાઈટ’ લૂકથી રીચ લાગતા એ જહાજ પર હાથમાં બીયરનો ગ્લાસ લઈને માથાના અડધા પડધા ગ્રે હેર,આંખે કાળા ગોગલ્સ અને ચિબૂક પર બરાબર એકસરખું માપ લઈને વાળ ગોઠવી ગોઠવીને ઉગાડેલી હોય એવી ગ્રે દાઢી-મૂંછ્ધારી માણસ નજરે પડયો. આને તો ક્યાંક જોયેલો છે એવું લાગે છે પણ યાદ નથી આવતું.  એવામાં તો પેલાએ બીયરનો ગ્લાસ ગટગટાવી સ્ટાઇલથી એને બાજુમાં ઉછાળી દીધો. બાજુમાં રહેલ ‘બિકીની’વાળી નવયૈવનાને થોડી દૂર કરીને અને હવામાં હાથ વીંઝ્યો તો એના હાથમાં ઝગારા મારતી સફેદાઈ સાથે એક હવાઈ જહાજ આવી ગયું જે ‘ગ્રે દાઢીધારી’એ બીકીનીધારી યુવતીને ગિફ્ટમાં આપી દીધું.

સાથે જ એક જાણીતો અવાજ કાને પડ્યો.

‘કાં ભાભીજી, આજે શાકભાજીમાં શું લેશો..ઓર્ડર બોલો હીંડો ’

ઓ ત્તારીની,આ તો પશલો.મારો શાકવાળો.કોઇ જ જાતની સંબધ્ધતા વગરની આવી બે સાવ છેડાની  પરિસ્થિતીઓનો ‘હેવીડોઝ’ સહન કરવા જતા મારા રહ્યા સહ્યા હોશકોશ પણ ઉડી ગયા. ધ્યાનથી જોયુંતો શાકભાજીવાળાના હાથમાં સફેદ રંગનો અને કોફી મજબૂત બેલ્ટવાળો રોજનો થેલો જ  હતો જે મને એરોપ્લેન જેવો દેખાયેલો ! સફેદ રંગની માયા અપરંપાર !

‘ભૈયા, કિલો ટમાટર, કિલો પ્યાજ, પાંચસો ગ્રામ ભીંડી ઓર દો કિલો આલૂ દે દો..સાથમેં ફ્રી ધનિયા મીર્ચી ફુદીના આદુ ભી દેના ‘

‘ઓકે ભાભીજી અને એણે સ્ટાઈલથી શાકભાજી તોલીને કાગળની થેલીઓ ભરી અને છેલ્લે છેલ્લે ચાર કેળા અને બે સફરજન મૂક્યા.

‘અરે નહી નહી..મુજે ફ્રૂટ નહી લેના..વો તો મૈ કલ હી બાઝાર સે લે કે આઇ હુ’

‘અરે,ચિંતા નક્કો ભાભીજી, યે તો અપને વો ‘ગગન નારંગ’ને વો પહલા મેડલ જીતા ના ઓલિમ્પિકમેં ! બસ, ઉસી જીતકી ખુશાલીમેં અપનકી ઓરસે યે સબ કસ્ટમરકો ફ્રી મેં દે રહા હૂં !’

અને મારું મોઢું  નવાઈના એટેકમાં ‘બરગર’માંથી વધીને ચાર-પાંચ સ્લાઈસની ‘કલબ સેંડવીચ’ ખાઈ શકાય એટલી હદે પહોળું થઇ ગયું.

થોડો સમય વીત્યો ને મારી કામવાળીએ એંટ્રી મારી. બ્લેક વેલ્વેટ લોન્ગ-સ્લીવ બ્લાઉઝ અને ક્રીમી લહંગો, ગ્રે દુપટ્ટો. જાણે અનારકલી જ જોઇ લો. કાળા ભમ્મર વાળનો ફ્રેંચ રોલ વાળીને  વાળની જમણીબાજુએ   મોતીની સેર લટકાવેલી, નાકમાં નથ અને કાનમાં લટકતા ઝુમ્મર..સ્ટાઈલથી દુપટ્ટાને  કમર ફરતે વીંટાળી ને છેડો છેલ્લે કમરમાં ખોંસ્યો. આ ક્રિયાથી એની ‘સોનાક્ષીસિંહા’ છાપ કમર વધારે  ઉજાગર થઈ ગઈ. હાથમાં ઝાડુ લઈને ગોળ ગોળ ફેરવતી એ બેડરુમ તરફ વળી અને મને યાદ આવ્યું કે એ રુમમાં તો પતિદેવ ન્યુઝપેપર વાંચી રહેલા અને મારી સ્ત્રી તરીકેની ‘સિક્સથ સેન્સ’ ત્વરાથી એના કામે લાગી ગઈ.

‘અરે..અરે, તું રહેવા દે. હજુ મારે ઝાપટઝૂંપટ કરવી છે તો એ રુમ હું જાતે જ સાફ કરી લઈશ. તું હોલ કીચન અને બાબાનો રુમ સાફ કરી લે..’

‘જેવી તમારી મરજી મેમસાબ’ અને સ્ટાઈલથી કમર લચકાવતી એ બહારના રુમોમાં કચરા પોતા કરવા લાગી. એનું કામ જલ્દી પતી જાય એવી મનોમન પ્રાર્થના કરતી કરતી ઉંચા જીવે હું એની સામે ને સામે જ ઉભી રહી. કામવાળીનું કામ પતે ત્યાં સુધી પતિદેવ આ રુમમાં એંટ્રી ના પાડે તો સારું, કારણ આજે એની કામ કરવાની સ્ટાઈલ ‘જરા હટકે’ જ હતી. જેને શબ્દદેહ આપવાની માનસિક તાકાત અત્યારે હું ગુમાવી ચૂકેલી.

એ ગઈ પછી થોડો રાહતનો શ્વાસ લઈને નાનુ  મોટું કામ પતાવી બાકીના પરચૂરણ કામ પતાવવા માટે ઘરની બહાર નીકળી. ગાડી ચાલુ કરીને સોસાયટીના ગેટ સુધી પહોંચી તો ત્યાં રાઉડી રાઠોડના અક્ષયકુમાર જેવી મૂછો વધારનાર, લાલ પેન્ટ અને ગળી કલરની સફેદ બોર્ડર વાળી બંડી ઉપર મોટીમોટી લાલ-વાદળી-ધોળી લાઈનીંગવાળું શર્ટ પહેરેલું જેના બધા બટન ખુલ્લા રાખેલ અને શર્ટના છેવાડે બેફિકરાઇ દર્શાવતી ગાંઠ મારેલી એવો ચોકીદાર નજરે પડ્યો. એની કેબિનમાં ’ચિંતા..તા…ચીતા..ચીતા..’ કરતો મચ્છર મારતો હતો અને  સાથે સાથે ત્યાંથી પસાર થતી છોકરીઓની કમર પર બાજ નજર રાખતો દેખાયો. આઘાતના માર્યા મારો પગ બ્રેકના બદલો એક્સીલેટર પર  દબાઇ ગયો આગળ મોટો બમ્પ હતો એ ના દેખાયો અને ગાડી સારી એવી હાઈટ પર ઉછ્ળી ગઈ. મોઢામાંથી એક રાડ નીકળી ગઈ,

’ઓહ માય ગોડ…!’

‘શું થયું , કેમ સવાર સવારના રાડારાડ કરે છે. જઈને દરવાજો ખોલ તો જો ને કોઇ બેલ મારી રહ્યું છે.કદાચ આ સમયે તો દૂધવાળો જ હશે.’ પતિદેવ મને ઉઠાડી રહેલા. ઘડિયાળ, 5.30 નો સમય બતાવી રહી હતી.

‘ઓહ, સપના પણ આવા સ્ટાઈલીશ આવે !!’

-સ્નેહા પટેલ.

2 comments on “સ્ટાઈલીશ સ્વપ્ન

  1. દિલથી ઘણા મુવી જોયા હોય એટલે આવું થાય !!! રાઉડી, એક થા ટાઇગર, દબંગ, સિંઘમ અથવા રોહિત શેટ્ટીના બધા જ મુવી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s