નથીનું મૂલ્ય


 

gujarat guardian paper > take it easy column > 30-09-2012 > artical no -10. http://www.gujaratguardian.in/30.09.12/magazine/index.html

 

 

‘નથી’નું મૂલ્ય.

લેપટોપ પર આંગળીઓ ધડાધડ પછડાતી હતી,શબ્દો એની ગતિ, લય પ્રોપર જાળવી નહોતા શકતા,મગજમાં  અક્ળામણ નામની ‘પોપકોર્ન’ ફાટ-ફાટ ફૂટતી હતી.એને ઠંડુ પાડવા ‘લેખન’ એક માત્ર રસ્તો હતો.

પણ આવી બધી મારા ‘બચુડીઆ’ મતલબ મારા ‘લાલુ’ મતલબ મારા ‘રાજુ’ મતલબ મારા ‘સોનુ’ મતલબ મારા ‘સોનુ બેટા’ મતલબ (અલ્ટીમેટલી ફાઈનલ)  મારા દીકરા ‘અક્ષત’ને બહુ સમજ ના પડે. એને તો હેય ને મજ્જાની લાઈફ ‘નો ટેન્શન નો અક્ળામણ.’

‘મમ્મી,એને લેપટોપ કહેવાય અને તમે જેની પર ‘બે- ત્રણ તાળી ના ગરબા’ રમો છો એને કી – બોર્ડ.’

‘મને ખબર છે. બહુ દોઢો થા મા.’

‘પણ મમ્મા, તમે કોઇને બોલતા જ ના આવડતું હોય અને એને દેશના મોટટટા…મોટટટા પ્રોબ્લેમસ આપીને એના સોલ્યુશન માટે બીજા દેશ જોડે વાટાઘાટો કરવાનું કહો તો કેવું લાગે? એક સસલાને સિંહણની જેમ દોડવાનું કેવી રીતે ફાવે ! લેપટોપનું કી-બોર્ડ એક્દમ ‘સોફ્ટ’ હોય એની ઉપર મમતાળુ હાથ ફેરવવાનો હોય નહીં તો જો એ છંછેડાશે ને તો તમે કયાંયના નહી રહો ‘

મારી આંખો 12-`13 વર્ષના નાનકડા દિમાગની આટલી મોટી મોટી વાતો સાંભળીને બે રુપિયાના સિક્કાની જેમ પહોળી થઈ ગઈ. આને નવાઈની લાગણી કહેવાય કે આઘાતની એ ના સમજાયું. જોકે અમારે બેયને સરખો પ્રોબ્લેમ હતો : ના તો એ મારી અકળામણ સમજી શકે એમ હતું કે ના હું એની સ્માર્ટનેસનો ક્યાસ પૂરેપૂરો કાઢી શકુ એવી સ્થિતીમાં હતી. છેવટે સવારના 5 વાગ્યાથી ઉઠીને પૂરી નિષ્ઠા સાથે લખતી હતી અને આને અત્યારે ‘પતાવી જ કાઢવો છે’ના  મક્કમ ઇરાદાવાળા આર્ટીકલને બાજુમાં મૂકી, લેપટોપ બંધ કરીને મન મજબૂત કરીને ઘરના કામને પ્રથમ ‘પ્રાયોરીટી’ આપવાના નિર્ધાર સાથે રસોડા તરફ વળી.

વાત એમ હતી કે આજકાલ મારી દરેક સવાર ‘નથી’ના ‘શબ્દોદય’થી જ ઉગતી હતી. એક દિવસ દૂધવાળો અડધી પડધી ઊંઘમાં દૂધની થેલી આપવાનું ભૂલી ગયો હોય તો બીજા દિવસે કચરાવાળી કચરો લેવા ના આવે. એ બેયની મતિ અને નીયત સાફ  હોય તો કામવાળી તો ગમે ત્યારે તૈયાર જ હોય રજા પાડવા. આ બધા ય સજીવ પ્રાણીઓ ‘સબ સલામત’ જેવી સ્થિતીમાં હોય ત્યારે લિફ્ટ રિસાઈ ગઈ હોય , નેટ ના ચાલે, ફોનની કમાન છ્ટકેલ હોય..આજે પાણી અને લિફ્ટ બે ય જણે સાથે વારો કાઢેલો !

‘ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં..સંગાથમાં’ બેય બહેનપણા કરીને સાથે રજા પર ઉતરી ગયા એ પણ કોઇ જ આગોતરી જાણ નહી કે પાછા ક્યારે આવવાના એની એંધાણીઓ નહીં.

આ ‘નથી’શબ્દની હવે મને એલર્જી થવા લાગેલી.સવારના પહોરમાં ચા પણ ના પીધી હોય અને ‘નથી’ શબ્દ સાંભળતા જ મારી ખોપડી પૂરા  45 અંશના ખૂણે ફરી જાય. એમાંય ત્રીજા માળે લિફ્ટ વગર પાણી વગર કેમનું જીવાય ? બે –બે ટીપા પીવાના ભરેલા પાણીથી બ્રશને ભીનું કરાય, પછી અડધો ગ્લાસ કોગળા કરવામાં કચવાતા જીવે વાપર્યું .એ પછી રોજના કરતા થોડી વધારે ‘સ્ટ્રોંગ’ચા બનાવીને પીધી અને મૂડને ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો.આગળ ટાંટીયાતોડ કસરત કરવાની હતી એની પૂર્વતૈયારીરુપે આજે જીમ –ફીમને ધરાર અવગણીને એનો સમય અને ઉર્જા ત્રણ માળ જરુરી પાણી ચડાવવાના કામમાં વાપરવાની હતી. ડીપ બ્રીધીંગ કરીને થોડું ‘રીલેક્ષેશન’કરી લીધું. ઘરના ત્રણેય સદસ્યોના માથે એક એક ફ્લોરની જવાબદારી. નીચે પતિદેવ,બીજા માળે અક્ષતભાઈ અને ત્રીજા માળે ઘરની મહારાણી (નામની જ બાકી અત્યારે તો નોકરાણીના રોલમાં હતી એવી હું.)

દરેક માનવીને ચાંસ મળે તો એની શારિરીક મહેનતની પ્રેકટીસ બહુ સરળતાથી  છૂટી જાય. મારે પણ સાવ એવું જ સમજી લો ને. જેનામાં અક્કલ ના હોય એમણે શારિરીક મહેનતના કામ કરવાનો વારો વધારે આવે આવી આપણા સમાજની જુની-પુરાણી-પ્રચલિત માન્યતાને પૂરતું માન આપનારી હું બને ત્યાં સુધી માનસિક કસરતોવાળા કામોને જ પ્રાધાન્ય આપું, રુટીન દિવસો હોય ત્યાં સુધી તો કંઈ જ વાધો ના આવે પણ આજકાલ મારા જીવનમાં ‘નિયમીતતા’ નિયમીત રીતે ‘અનિયમીત’ થઈ ગયેલી ! ના સમજાયું ને આ વાક્ય ?તો વિચારો..મારે આવી અટપટી પરિસ્થિતીને સમજ્વાની- સંભાળવાની-એ પણ રોજ રોજ !

જોકે સમાજ હવે બહુ સુધરી ગયો છે એટલે ‘પતિદેવ-દીકરા અને મને’ ત્રણેય ને પાણી ભરવાના મહાન કાર્યમાં લાગેલા જોઇને  ‘દીકરા કે વર જોડે કામ કરાવે છે’ જેવી પંચાત -‘ડાયલોગબાજી કરવાના કોઇ જ પ્રયત્નો કર્યા વગર પોતપોતાના પાણી ભરવાના કામમાં નિષ્ઠાપૂર્વક લાગેલા હતા. પતિદેવ પાણીની મોટી મસ ભૂરી ડોલ લઈને અડધે દાદરે આવ્યા તો મેં ટેવવશ  આ તાજુ અવલોકન એમના કાનમાં રેડયું :

‘આજકાલ સમાજમાં ‘સુધારા’નો પવન ફૂંકાતો દેખાય છે. લોકો પંચાતો ઓછી ને કામ વધારે કરતા દેખાય છે કેમ ?’

પતિદેવ બે મીનીટ તો બાઘા જ બની ગયા. બે જ પળમાં આઘાત કે મૂંઝવણની સ્થિતી પર કાબૂ મેળવી લીધો (એમની આ તાકાતને સલામ. બાકી મારા રોજ રોજના તાજા અવલોકનોના વરસાદની ઝડીનું શું થાત ? બિચારા જન્મતા પહેલા જ મરણ પામી જાત ને !) હા, તો પતિદેવે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવીને જવાબ વાળ્યો:

‘એ તો આપણે જેવા હોઇએ ને ‘નેહુ’ એવી જ દુનિયા દેખાય. હવે આ ડોલ ખાલી કરીને આપ એટલે હું નીચે પાછો જઈ શકું. આપણી ‘પીંક ડોલ’ વારો આવશે ને કોઇ ખસેડી લેશે તો ફરીથી લાઈનમાં મૂકવી પડશે અને બીજીવાર ડોલનો વારો આવતા તો 15 મીનીટ લાગે છે તો પ્લીઝ અત્યારે..” અને આગળનું એમનું વણબોલાયેલ વાક્ય અને એની પાછળનો ભાવાર્થ બે ય હું તરત સમજી ગઈ.ચૂપચાપ એમની આજ્ઞાનું પાલન કરીને ‘ભૂરી ડોલ’ પાછી આપીને ‘પીંક ડોલ’ની રાહ જોવા લાગી.

લગભગ 40-45 મીનીટની કમરતોડ –ટાંટીયાતોડની કવાયત પછી ઘરમાં ‘ન્હાવા-ધોવા’ જેવી જીવનજરુરિયાત પોસાઈ શકે એટલા ‘પાણીદાર’ તો અમે થઈ જ ગયા.

દીકરાને મન તો આ રમત – એક રોમાંચ હતો. જીવનમાં પહેલી વાર આમ સાહસિક કાર્ય કરેલું ને ! એ તો તરત રમવા ઉપડી ગયો. પણ મારી કમર અને વરજીના પગ બેય સાવ નીચોવાઈ ગયેલ કપડાં પેઠે ‘લૂસ’ થઈ ગયા હતા. ઘરમાં સોફા પર બેઠા બેઠા બેય જણ એકબીજાના મોઢા સામે જોઇને આંખો હી આંખોમેં ‘તુમ મેરા રંજો ગમ અપની પરેશાની મુજે દે દો’ જેવી લાગણીની આપ લે કરતા હતાં.

‘ગમ બાંટને સે કમ હોતા હૈ ગોયા…’ આ ગોયા સામે મળી જાય ને તો..જવા દોને..એનો બિચારાનો શું વાંક..વાંક તો મારી થાકેલી માનસિક – શારિરીક હાલતનો હતો. આમ એકદમ ન્યાયપૂર્વક કહું તો ખરો વાંક તો જેણે ઇલેક્ટ્રીક બીલ નહોતું ભર્યુ અને જેના લીધે ‘ઇલેક્ટ્રીક કનેકશન’ કપાઈ ગયેલું એ બીજામાળ વાળા પેલા ‘વાયડા-સુકલકડી – ભરતભાઈનો જ કહેવાય. ‘પાડાના વાંકે અમારા જેવી સુંવાળી જીંદગીઓને ડામ’!

આખરે આ ખખડધજ દાદરાતોડ કસરતના થાકના પરિણામે એ દિવસનું લંચ બહારથી જ મંગાવી લીધું.આમ આજની ‘નથી’ મને પૂરા 1000 રુપિયા’ની પડી !.

-સ્નેહા પટેલ

સંયુકત ફેમીલી


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 26-09-2012નો લેખ.

મેઘધનુષમાં મોરપીચ્છના સર્વ રંગ સાકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

– ભગવતીકુમાર શર્મા.

લોપા આજે બહુ જ ઉદાસ હતી. રસોઈ કરતાં કરતાં પણ એનો જીવ તો પોતાના ઘરથી 25મીનીટના અંતરે આવેલા પોતાના પીયરમાં- મમ્મી-પપ્પાની ચિંતામાં જ હતો.

અમદાવાદમાં લો-ગાર્ડન એરીઆમાં રહેતી લોપા -મા બાપનું એકનું એક સંતાન. પહેલેથી જ મા-બાપની લાડકવાયીના મગજમાં પોતાનું સાસરું અમદાવાદમાં જ શોધવાના કોડ હતા. લગ્ન માટે અમુક બાબતે એ બહુ જ સ્પ્ષ્ટ હતી. એમાંથી ‘અમદાવાદ શહેર’ પહેલી શરત હતી. નસીબવાન લોપાને એની ધારણા કરતા પણ વધુ સારુ સાસરું અને એ પણ અમદાવાદ શહેરમાં મળી રહ્યું. એનો પતિ દેવ એને હાથમાંને હાથમાં – ફૂલની જેમ સાચવતો હતો. વળી એના સાસુ – સસરા પણ બહુ પરિવર્તનશીલ હતા. જમાનાના કદમ સાથે કદમ મિલાવીને ચાલતા આ ઈન –મીન અને તીનના પરિવારમાં લાગણીશીલ અને સમજદાર લોપા બહુ જ સરળતાથી ગોઠવાઈ ગયેલી.

એને પોતાના પીયરે જતા કોઇ દિવસ કોઇ રોકતું નહીં. વારે – તહેવારે, સાજે – માંદે લોપા પોતાના પીયરીયાના સંબંધોને પણ આરામથી સાચવી લેતી.કમી તો કોઇ નહોતી પણ આજે આખા શહેરમાં જ્યારે વરસાદ ગાંડો થયેલો, લોપાના બંગલામાં  પાણી ભરાતા ભરાતા 3 ઇંચની સપાટીએ પહોંચી ગયેલું. જેટલો સામાન ખસેડી શકાય એટલો ખસેડી લીધેલો એ પછી ચાલુ વરસાદે કંઈ કામ કરવાનું નહોતું રહેતું. લોપા-એના સાસુ – સસરા સામ સામે બે ખુરશી ગોઠ્વીને ચૂપચાપ ઘરમાં ઘૂસતા પાણીને જોઇ રહ્યા સિવાય કંઈ જ નહોતા કરી શકતાં. દેવ હજુ ઓફિસેથી આવ્યો નહતો એની ચિંતા બધાને હતી. એની ઓફિસેથી ઘર તરફ આવવાના ‘હેલ્મેટપોલીસ ચોકી-મેમનગર’ વિસ્તારમાં 4-4 ફૂટ પાણી ભરાયાના સમાચાર જોઇને એમનો ટેન્શનનો પારો વધુ ને વધુ ઉંચે જતો હતો. લોપાને બીજી પણ એક ચિંતા હતી. એ જ એરીઆમાં આવેલ પોતાના વિજય ચાર રસ્તા પર આવેલ મમ્મી-પપ્પાના ગ્રાઉંડ ફ્લોરના ફ્લેટની. ફોન કરીને પૂછયું તો એમના ઘરમાં પણ પાણી આવી ગયેલા. પત્યું..લોપાનો મૂડ એકદમ ડાઉન. પોતે ઇચ્છવા છ્તાં પણ પોતાના મા-બાપને કોઇ જ હેલ્પ નહી કરી શકેનો ખટકો  એના દિલોદિમાગને કોરી ખાવા લાગ્યો.

67 વર્ષના મમ્મી અને 75 વર્ષના પપ્પા – બેયની તબિયત નરમ ગરમ રહેતી હતી. આજુ બાજુમાં ખાસ પાડોશી જેવું કોઇ નહોતું. હતા તો થોડા યંગસ્ટર જેમને પાડોશીધર્મ એટલે શું જેવી ઝાઝી ગતાગમ પણ નહોતી કે એના માટે સમય પણ નહતો.

લોપા પોતાની મૂંઝવણ બોલી પણ નહોતી શકતી કે સહી પણ નહોતી શકતી.એવામાં દેવની ગાડીનું હોર્ન વાગ્યું.લગભગ 2.30 કલાક પાણીમાં ફસાઈને એ માંડ માંડ ઘરે પહોંચેલો. દેવને જોઇને લોપાને એક રાહતનો શ્વાસ લેવાઈ ગયો. એને ચા – નાસ્તો કરાવીને થોડો ફ્રેશ થયો એટલે પોતાની ચિંતા કહી.

‘અરે હા લોપા, હું પણ રસ્તામાં એ જ વિચારતો હતો કે મમ્મી-પપ્પાને મારી સાથે લઈ આવું પણ પાણી એટલા બધા ભરાયેલા કે હું કશું ના કરી શક્યો.’ બોલતા બોલતા દેવે પોતાની સાસરીમાં ફોન લગાવ્યો તો ફોન ડેડ. આજુબાજુમાં પણ કોઇ ‘કોન્ટેક્ટ’ ના થઈ શક્યો. એ આખી રાત વરસતા વરસાદમાં 3-3 ઇંચ પાણી ભરાયેલા બંગલામાં એક વહુ – એક દીકરી ઘોર અજંપાના કારણે સૂઇ ના શકી.

વરસાદ બંધ થતા જ દેવે પોતાના થોડા કારીગરોને ઘરે બોલાવી લીધા એમને કામ સમજાવીને એ તરત લોપાને લઈને સાસરીમાં પહોંચ્યો. જોયું તો ઘરમાં 4-4 ઇંચ પાણીમાં ઘરડા સાસુ-સસરા એકબીજાનો હાથ પકડીને પાણીમાં ડૂબેલા સોફામાં સૂતેલા હતાં. લોપા તો એક્દમ રડી જ પડી. એના રુદનથી એના મમ્મી-પપ્પા જાગ્યા અને આખી રાતના અંધકાર પછી થયેલા સૂર્યોદયમાં વ્રુધ્ધ આંખો ખેંચી ખેંચીને પોતાની દીકરીને નિહાળવા લાગ્યાં. ચારે જણાની આંખો ભીની થઈ ગઈ. શબ્દોનો અવકાશ જ નહતો.

દેવે બે પળ વિચારીને પોતાના સાસુ –સસરાનો હાથ પકડીને કહ્યુ,

’ચાલો, આપણા ઘરે. હવેથી તમારે અમારી જોડે જ રહેવાનું છે’લોપા અને એના મમ્મી પપ્પા તો ભોંચક્કા રહી ગયા.’ના,ના દેવકુમારએમ તે કંઈ થોડુંબને…દીકરીના ઘરે કાયમ રહેવાનું અમને ના શોભે. એ તો આવી કુદરતી આપત્તિ આવે તો થોડી તકલીફ થાય. બાકી બધું હેમખેમ જ છે ને!’

‘કેમ હું તમારો દીકરો નથી ?વળી આ તો હું મારા મતલબથી કહું છું. તમારા ટેન્શનમાં મારી ધર્મ પત્ની અડધીસૂકાઈ જાય છે એ મને ના પોસાય  હકીકતે તો આ વિશે થોડા દિવસ પહેલાં જ મારે મારા મમ્મી પપ્પા જોડે વાત થયેલી અને એ લોકોએ જ મને આ રસ્તો કહેલો. આગલા અઠવાડીએ લોપાની બર્થડે પર આ વાત કરીને એને સરપ્રાઈઝ આપવાનો જ હતો. આપણે બધા એક ફેમિલીની જેમ રહીશું. મમ્મી-પપ્પાને પણ તમારી જોડેસરસ ફાવે છે. ઉલ્ટાનું તમે લોકો સાથે હશો તો અમે થોડા છૂટા થઈ શકીશું.આમ તો અમે જુવાનીયાઓ થોડા ‘સેલ્ફીશ’ખરા ને !’

‘દેવ,આ શું બોલો છો? દુનિયા-સમાજ શું કહેશે ? આ શક્ય જ..’અને દેવે લોપાના મોઢા પર હાથ મૂકીને એને રોકી દીધી.

‘લોપા, મને કે મારા ફેમીલીને સમાજની ચિંતા નથી. પોતાના માણસોની ચિંતા વધારે છે.હવે મારે કોઇ જ વધારે ડીસ્કશન નથી જોઇતું, અત્યારે જ આ ઘર આમ ને આમ મૂકી દો અને ચાલો આપણા ઘરે. બહુ બધા રુમ એમ જ ખાલી ખાલી બંધ પડ્યા કોઇ આવીને એમને  પાવન કરે એની રાહ જોવે છે. તો ચાલો, શુભ કામમાં દેરી ના કરો.’

અને હાથ પકડીને સાસુ સસરાને લઈને દેવ ઘરની બહાર નીકળ્યો. પાછ્ળ લોપા પોતાને આવો સમજદાર ઘર અને વર મળ્યા એના બદલ ભગવાનનો પાડ માનતી રડી પડી.

અનબીટેબલ :-  Do not save anything for a special occasion, being alive is a special occasion.

-સ્નેહા પટેલ.

ખુદ્દાર આંસુઓ


દિવસ વહી જાય છે પણ

રાત કેમેય વીતતી નથી.

આંસુઓ પણ મારા પાછા ખુદ્દાર..

રાતનો અંધકાર ભાળ્યા

પછી જ

ખળભળે છે.

-સ્નેહા પટેલ.

ગર્વીલુ ઘડપણ


 પટેલ સુવાસ મેગેઝીન – ‘થોડામાં ઘણું સમજજો ‘કોલમ– લેખ નં -3 .

‘હેય બેબ્સ, ડોંટ કોલ મી આંટી. હજુ તો મારી ઉંમર જ શું છે ! કોલ મી રેખા – બડી- પણ આંટી..નો વે પ્લીઝ ‘ કહેતાં કહેતા સ્કીન ટાઈટ જીંસ-સ્લીવલેસ ડાર્કરેડ ટોપ, હાથમાં એને મેચિંગ નેલપોલિશ, કાનમાં લાંબા ઝુલતા ‘રેડ સ્ટોન’ના લટકણિયા લટકાવેલ 65 વર્ષના રેખાબેને પોતાના નેચરલ બ્રાઉન ડાઈ કરેલા – બોયકટ વાળમાં સ્ટાઈલથી હાથ ફેરવ્યો.

રેખાબેનની પોત્રી ઉર્વીની સહેલીઓ બે ઘડી એમને તાકી જ રહી. દરેકના મગજમાં એક જ વાક્ય રમવા લાગ્યું ’બુઢ્ઢી ઘોડી લાલ લગામ.’

ઉર્વીને હંમેશા પોતાના દાદી રેખાબેનના ‘અધૂરા ઘડા’ જેવા વર્તનથી શરમમાં મૂકાવું પડતું. ઘણીવાર એને એમ લાગતું કે દાદી કરતાં તો આ ઉંમરે પોતાનામાં વધુ સમજ, ધીરજ છે. એને દાદી પર બહુ ગુસ્સો આવતો પણ ઘરના સંસ્કારોને કારણે ચૂપચાપ એ કડવા ઘૂંટડા ગળે ઉતારી જતી.

આપણે પણ આપણી આજુબાજુની દુનિયામાં આવા લોકો નથી નિહાળતા ? ગરવા ઘડપણને  બોટોકસના ઇંજેક્શનો ,સ્કીન પીલીંગ, લેટેસ્ટ કપડા – હેરસ્ટાઈલ જેવા આભાસી વાઘાથી સજાવી -સજાવીને એની ગરિમા ઝાંખી કરતા પ્રૌઢોને જોઇને બહુ દુ:ખ થાય છે. આવું થવા પાછળનું કારણ ?

કારણ તો એક જ કે આપણે બધા ‘ઘડપણ’ નામના પાનખરથી બહુ ડરીએ છીએ. કુદરતની પાનખરમાં તો ‘પાનખર પછી વસંત’નો નિયમ લાગુ પડે છે પણ આપણી આ પાનખરમાં તો સીધું મોત. ધમાલિયણ,માસૂમ, બેજવાબદાર બચપણ, જોશીલી- નશીલી જુવાનીમાં જીવતો માણસ આવી ચડેલા અણગમતા ઘડપણની લાચારીની,અશકત અવસ્થા સ્વીકારી જ નથી શકતો.

ઘણા લોકો આખી જીંદગીની દોડધામ પછી પણ ધારેલી મંજિલ સુધી નથી પહોંચી શકતા ત્યારે પોતે જેને લાયક હતા એ વસ્તુ નથી મેળવી શક્યા અને હવે તો બુઢાપો – મરવાનો સમય આવી ગયો એટલે એ મંજિલ તો હવે ક્યારેય નહી મેળવી  શકાય એટલે , ‘હાય રે, આખી જીંદગી પાણીમાં જ ગઈ’ના વસવસામાં તરફડતા દેખાય છે. પણ એ લોકો પોતે જુવાનીમાં એ મંજિલની દેશા ખોટી પકડી હશે કે જોઇતા પ્રમાણમાં મહેનત નહી કરી હોય એવી વાસ્તવિકતા નથી સ્વીકારી શકતા. એ વસવસામાં એમના વર્તનમાં એમની ઊંમરને ના શોભે એવી નાદાનીયત ડોકાય છે. જેના કારણે એ પોતાના દીકરાઓના ગુસ્સા, શરમના કારણ બને છે. આ જ કારણથી ઘરડા અને બાળકો બેય એક સરખા કહ્યા છે. ઘડપણ આપણને પરિસ્થિતીનો સ્વીકાર કરવાનો મહામૂલો મંત્ર શીખવે છે એ દરેક માનવીએ શીખવો જ રહ્યો. સ્વીકાર માનવીના અસંતોષ, દુ:ખ-દર્દનો સર્વોત્તમ અને સચોટ ઉપાય છે.

મોટા મોટા ભડવીર પણ બુઢાપાથી ડરતા જોવા મળે છે પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે ઘડપણ પણ ગર્વિલુ હોય છે. આખી જીંદગીના ખાટા – મીઠા-તૂરા-કડવા અનુભવોનું જે પોટલું બાંધ્યુ હોય છે એ ખોલીને આરામથી જોવાનો – સમજવાનો સમય ઘડપણમાં જ મળે છે. એ અનુભવોએ આપેલી ધીરજ, સમજ, સ્વીકાર કરવાની તાકાત બધાની મજા માણવાનો સમય એટલે ઘડપણ.જુવાનીમાં વિક્સાવેલી સર્જનાત્મકતાથી ભરપૂર ફોટોગ્રાફી, પેઇન્ટીંગ, લેખન,સંગીત જેવી કલાને કોઇ પણ જાતના આર્થિક ઉપાર્જનના ટેંશન વગર ફકત આત્મ સંતોષ માટે માણવાનો સમય એટલે ઘડપણ, જુવાનીમાં કસરત, ખાવાપીવાની ‘હેલ્ધી ટેવો’નું  નિયમિત રીતે રોકાણ કર્યુ હોય તો એનો અમૂલ્ય શિરપાવ મેળવવાનો સમય એટલે ઘડપણ,પૈસા કમાઈ કમાઈને થાકી ગયેલ ટેંશનીયા તન-મનને વિસામો આપવાનો સમય એટલે ઘડપણ, લોકોની ઇર્ષ્યા, હરિફાઇ કરી કરીને ખરાબ થયેલા મગજનો તાર શાંત ચિત્તે પ્રભુ ભક્તિમાં જોડવાનો- સમતા ધારણ કરવાનો સમય એટલે ઘડપણ.

સતત નવું નવું શીખવાની ઘગશ ધરાવતા, અઢળક મિત્રોના વૈભવ ધરાવતા, નવરાશને જતનથી શણગારતા,સતત બધા માટે કંઇક કરી છૂટવાને તત્પર, ચહેરાની કરચલીઓમાં આત્મ સન્માનનું તેજ ભરનાર વ્રુધ્ધ કયારેય બોજારુપ નથી લાગતા. સતત આનંદ-સંતોષમાં મસ્ત રહેતા વૃધ્ધને જોઇને એમની આજુબાજુ શ્વસનારી જીંદગી પણ ઘડપણથી ડરવાને બદલે તંદુરસ્ત મન સાથે ઘડપણને આવકારી શકવાને સમર્થ બને છે.આખી જીંદગીની દોડધામના પરિણામે પામેલ સતત વ્રુધ્ધિનો સંતોષ વુધ્ધાવસ્થામાં શાંતિથી બેસીને માણવા જેવા હોય છે – શાંતિથી વિચારી જોજો.

-સ્નેહા પટેલ.

પૂજા


તારે રમવું હોય તો રમ,

અમે તો

લાગણીની પૂજા કરીએ છીએ.

-સ્નેહા પટેલ.

શ્રાપ


મારા વ્હાલસોયા સપના
જન્મ લેતાની સાથે જ

તારા શિરે

કાયમ અધૂરા રહેવાનો
આ કેવો
શ્રાપ લખાઇને આવેલું..!

-સ્નેહા પટેલ.

પાનખરી વસંત


ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > 19-09-20124નો લેખ.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

કેવી અનહદ મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.

કિસ્મતની વાત :
મને મારી પોતાની પાછી મિલ્કત મળી !
મને મારી સાથે જીવવાની ફુરસદ મળી.
– સુરેશ દલાલ.

કલ્પનાબેન –આશરે 47 વર્ષની આસપાસની સામાન્ય દેખાવની ભારતીય – ઘરરખ્ખુ સ્ત્રી. સંતાનમાં બે દીકરીઓ એક 18 વર્ષની અને બીજી 16 વર્ષની. વિધવા સાસુમા અને પતિદેવ..આ હતો એમનો ઘરસંસાર.

દીકરીઓ ભણવામાં બીઝી, સાસુમા ધર્મ ધ્યાનમાં. પતિ સુરેશભાઈ ઘરે રહીને કંપનીઓના એકાઉંટ્સ લખતા હતા. સવારે જઈને બેંક ને પાર્ટીઓના કામ પતાવીને ઘરે આવીને કોમ્પ્યુટરરુમમાં ભરાઈને બેસી જાય. પછી ત્યાંથી જ ઓર્ડરો છૂટે,

‘કલ્પના,ચા આપજે તો,સાથે પેલા ખારી બિસ્કીટ પણ લેતી આવજે, ઠંડુ પાણી તો પીવડાવ, આ રુમનો પંખો થોડો ફાસ્ટ કરજે તો, પેલી પાર્ટીની ફાઈલ નથી મળતી અહીં આવીને જરા શોધી આપને. દીકરીઓના કોલેજ –સ્કુલના સમય સાચવવામાં, સાસુમાના ધર્મ ધ્યાનમાં કોઇ તકલીફ ના પડે એ રીતે રસોઇ અને એમનો સમય સાચવવાની સાથે સાથે કામઢા- ભણેલા નહી પણ ગણેલા બહુ બધુ એવા  કલ્પનાબેનને પાસબુક –ચેકબુક-ઉધાર-જમા ની વિગતો સહજતાથી સમજમાં આવી ગયેલી. ધીમે ધીમે સુરેશભાઈની સાથે બેસીને નવરાશની ઘડીઓમાં ‘ટેલી’નો પ્રોગ્રામ પણ શીખી લીધેલો. હસતા હસતા સવારે છ વાગે એમનો દિવસ ઉગે તે છેક રાતના અગિયાર સુધી એ જ અવિરતપણે કામની વણઝાર ચાલુ ને ચાલુ. ઘરની બહાર નીકળવું, ફરવા જવુ કે પોતાના કોઇ શોખ માટે વિચાર સુધ્ધા કરવાનો એમને સમય નહતો મળતો.

એક દિવસની સવાર કલ્પનાબેન માટે અપશકુનનો સૂરજ ઉગાડી લાવી. સવારના ચાર વાગ્યાના પરોઢમાં સુરેશભાઈને અચાનક ડાબા હાથમાં તેજ સણકા વાગવા લાગ્યા. દર્દથી કણસતા કણસતા એમને કલ્પનાબેનને ઉઠાડ્યા.આંખો ચોળતા કલ્પનાબેન ઉઠયા અને હજુ તો પોતાની આસપાસની સ્થિતીનો પૂરતો તાગ મેળવે એ પહેલાં તો ઘડી બે ઘડીના છેલ્લા શ્વાસ ગણીને સુરેશભાઈનું પ્રાણપંખેરુ ઉડી ગયું.

કલ્પનાબેન અને ઘરના લોકોના માથે તો આભ તૂટી પડયું, ઘરના હપ્તાથી માંડીને બે દીકરીઓને ભણાવવાથી માંડીને પરણાવવાની જવાબદારીની તલવાર લટકતી હતી.

સમય બધા ઘાવનો મરહમ. કલ્પનાબેને હિંમત રાખીને બધી જ પાર્ટીઓને વાત કરી અને પોતાને એકાઉન્ટનું કામ ઘરે જ મળી રહે તો એ ઘરે બેસીને ઘર –દીકરીઓને-સાસુમાને સાચવવામાંથી થોડો સમય મેનેજ કરીને એ કામ ઘરે જ પતાવી શકે. વેપારીઓને કોઇ વાંધો નહતો. વળી કલ્પનાબેને ગામથી પોતાના કામનો ભાવ ખાસો ઓછો રાખેલો. વેપારીઓ સાથે સાલસ અને સૌમ્ય સ્વભાવના કારણે સારા – તંદુરસ્ત સંબંધ વિકસી ગયા. કલ્પ્નાબેને મોટી દીકરીને સી.એ નું ભણાવતા ભણાવતા પોતાની સાથે એકાઉંટ શીખવવા લાગ્યા. પોતાના કોલેજ જતા બે ભાણિયાઓને પણ ટેલીના આંકડાની એંટ્રી કરતા શીખવી દીધુ અને પોતાને પરવડી શકે એટલા પૈસા પણ આપતા હતા. ભાણિયાઓને તો ટાઇમપાસ જ હતો. કંઈક શીખવા મળતુ અને પૈસા પણ એટલે એમને પણ હોંશ હતી.

બે વર્ષના ટૂંકાગાળામાં તો વેપારીઓ સગા સંબંધીઓના સહકારથી કલ્પનાબેને મોટી દીકરીને એના મનગમતા પાત્ર સાથે રંગે ચંગે પરણાવી દીધી અને નાની દીકરીને એના શોખ મુજબ બ્યુટીપાર્લરનો કોર્સ કરાવી બ્યુટી પાર્લરમાં નોકરીએ લગાવી દીધી. મોટી દીકરીની સુવાવડ,જીયાણું બધ્ધેબધું રંગેચંગે પતી ગયું.

દરેક સારા નરસા પ્રસંગોએ સુરેશભાઈની યાદ આવતી પણ હવે એની તીવ્રતા ઓછી થતી જતી હતી. હવે કલ્પનાબેન પોતાની નવી નવી બહેનપણીઓને મળવા જવા માટે સમય કાઢી શકતા હતા. એમની જોડે મળીને કીટી પાર્ટી બનાવી એમાંથી નિતનવા પ્રોગ્રામ બનતા જેમા એક મહિને હોટલમાં ફરવા જવું, પીકનીક ગોઠવવી  ઉપરાંત બર્થ ડે – મેરેજ એનીવર્સરી પર તો ભેગા થવાનું જ. જીવનમાં પાનખર પછી જાણે વસંત ખીલી ઉઠી. કપડા, રહેણી કરણી, બોલવા ચાલવામાં પણ અદ્વિતીય આત્મવિશ્વાસ છ્લકવા લાગેલો. સુરેશભાઈની છાયામાં ઉછરતી કલ્પના નામની વેલ હવે  તકલીફોની ગરમીમા ગરમાળાની જેમ ખીલી ઉઠી. લઘરીવઘરી કલ્પના હવે બ્રાંડેડ કપડામાં લેટેસ્ટ હેરકટ અને કલર કરાવીને ફરતી થઈ ગઈ. જીંદગીનો ભરપૂર આનંદ ઉઠાવતી હતી.

સહજીવનમાં અકાળે મૂરઝાઈ જતા કુમળા ફુલો વધારે સારા કે જીવનની પાછલી અવસ્થાએ પૂરબહારમાં ખીલી ઉઠેલું આ એકલવાયું જીવન વધારે સારું ?આપણા સમાજમાં ઢગલો ફૂલ જવાબદારીના ઢગલાના ખડકલા, પરાધીનતાની નાગચૂડમાં સપડાયેલ હશે  એમના નસીબમાં આવી સ્વતંત્રતાની સમજ સાથેની સાચી વસંત ક્યારે આવશે એનો વિચાર કોઇને આવતો હશે કે ?

અનબીટેબલ :- પ્રેમ – તક – સમજણ – સ્વતંત્રતા- વિકાસનો લ.સા.અ એટલે સુખ.

સ્નેહા પટેલ.

વિદાઈ


થોડા વર્ષો પહેલાં

ઘરમાંથી એક વિદાઈ થઈ હતી

કન્યા-વિદાઈ.

જેમાં

કંઇક ગુમાવ્યા સામે કંઇક મેળવ્યાના

દુ:ખ સાથે ખુશીના રંગોનું

અદભુત ‘કોમ્બીનેશન’ હતું.

થોડા વર્ષો પછી

એ જ ઘરમાંથી એક ઓર  વિદાઈ થઈ

મા-વિદાઈ.

કાળો ઘેરો રંગ..

ફક્ત ગુમાવ્યાની

ખાલી થઈ જવાની અનુભૂતિ સાથે

પળ – બે  પળમાં

જિંદગી ઉજ્જ્ડ બની ગઈ.

-સ્નેહા પટેલ.

વાતમાં કંઈ જ નહોતું


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૧૭-૦૯-૨૦૧૨નો લેખ.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

કાંઈ ખોયું નથી :

તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
પાત્ર જોયું નથી.

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં
બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી.

-મકરંદ દવે

‘ના, હું નથી જવાની એના લગ્ન – પ્રસંગમાં. મને એવા દેખાડાના સંબંધોમાં કોઇ જ રસ નથી. કોઇ જાતની લાગણી તો છે નહી સંબંધમાં, બસ પ્રસંગ આવે એટલે ભીડભાડના દેખાડા કરવાની ગરજે એક ફોન કરીને બે મીઠા શબ્દો બોલી ‘ઇનવાઈટ’ કરી દેવાના અને આપણે એ ચાસણીમાં ઝબોળાઈને હરખપદુડા થઈને એમના પ્રસંગો સાચવવા દોટ મૂકવાની. બસ , બહુ થયા હવે આ દેખાડા બધા ‘

આજે ભૂમિનો પારો સાતમા આસમાને પહોંચેલો હતો.વાતમાં એમ હતું કે રોમીના ‘કઝીન’-એના દીયર ‘વિપુલ’ના છોકરાની બર્થડે હતી અને એમણે રોમી અને ભૂમિને એમાં આવવા માટે આમંત્રણ આપેલું. આ  એ જ કઝીન હતો કે જેણે રોમીને ગયા મહિને ધંધામાં 50,00 રુપિયાની સખ્ખત જરુર હતી અને એ સમયે ‘સોરી’ કહીને મોઢું ફેરવી લીધેલું. ભૂમિનો ગુસ્સો અસ્થાને નહતો. વિપુલની આર્થિક સ્થિતી પ્રમાણમાં ઘણી સારી હતી. એ ઇચ્છત તો 50,000 રુપિયા તો એના માટે ચણા – મમરા ફાંકવા જેવી સામાન્ય બાબત હતી. પણ એણે અણીના સમયે જ મોઢું ફેરવી લીધું હતું

ભૂમિ નિષ્કપટ –નિખાલસ અને ભડભડીયણ સ્ત્રી હતી. ‘ઇસ હાથ દે ઉસ હાથ લે’ જીવન જીવવાની એક્દમ સિમ્પલ ફોર્મ્યુલા.પ્ણ જીંદગી એમ કદી સીધી ને સટ ક્યાં હોય છે ? દર બીજા દિવસે ભૂમિને આ સંબંધોની લેતી –દેતીના સમીકરણો ઉકેલવાનો વારો આવે. ગૂંચો કાઢે જ રાખે…કાઢે જ રાખે, જરુર પડે તો દોર કાપી પણ નાંખે. સંબંધોની આ સુલઝામણીની પ્રક્રિયાઓમાં જ એની અડધી જીંદગીસમાપ્ત થઈ ગયેલી. હદ વગરની નીચોવાઈ જતી એ. રોમી એની આ બધી મથામણો સમજતો હતો એટલે સમય સાચવીને એ એકલા હાથે અમુક પ્રસંગ સાચવી લેતો. એ વખતે પણ ભૂમિને તકલીફ. વિપુલ પાછો આવે એટલે એજગ્યા-પ્રસંગની ઝીણામાં ઝીણી વિગતો પૂછી પૂછીને રોમીનું માથુ ખાઈ જતી. રોમીનાજવાબો પરથીએને એમ લાગતું કે એના વગર તો પ્રસંગમાં કોઇ જ જાતની કમી ના રહી. પ્રસંગ તો રંગે ચંગે પતી જ ગયો. આ તો વળી ઓર દુ:ખદ વાત. વળી પાછી ભૂમિ હેરાન થતી.

ચિત્ત ભી દુ:ખ – પટ્ટ ભી દુ:ખની એની આ સ્થિતીનો કોઇ જ ઉપાય નહતો.

આજે રોમીએ વિપુલના પ્રસંગમા જવા માટે તૈયારી કરવા માંડી અને ભૂમિ અંદરો અંદર અકળાતી હતી.

‘તને તો કયાં કંઈ ફરક પડે જ છે મારા આવવા – ના આવવાથી ? ખાટલે મોટી ખોટ તો આપણા માણસને જ આપણી કદર ના હોય તો દુનિયાની શુ ચિંતા? વળી એણે પૈસા ના આપીને તારું કહેણ નહોતુ રાખ્યું પણ તને તો ક્યાં એની કોઇ જ ખબર પડે છે’ અને અકળામણના ચરમ શિખરે એ રડી પડી.

રોમી બે પળ ચૂપચાપ એને જોઇ રહ્યો. પાણીનો ગ્લાસ લઈને એને આપ્યો અને બોલ્યો,

’ભૂમિ, એકચ્યુઅલી તું વાતને સમજતી જ નથી. વાતમાં ‘ઇશ્યુ’કરવા જેવું ખાસ કોઇ તત્વ જ નથી. સંબંધો માનવી પોતાના શુકુન, પોતાની શાંતિ માટે નિભાવતો હોય છે. હું ત્યાં જઈને મારા બીજા બે સંબંધીઓને મળીશ, વાત-ચીત કરીશ તો મારું મન હલકું થશે.મને સારું લાગશે.વળી મારા ત્યાં નહી જવાથી કોઇને કશું જ ફરક નથી પડવાનો.કોઇના વગર દુનિયા કદી અટકી નથી જતી. તું ત્યાં આવીને, એમનો સામનો કરીને હેરાન થતી હોય તો તું ના આવીશ. તારા સ્વભાવને એ માફક આવે છે. પણ મને લોકોને મળવુ ગમે છે. સાવ ‘આઈસોલેટેડ’થઈને આમ એક્લો એકલો હું ના જીવી શકું.બસ આ એક જ કારણ છે આ પ્રસંગમાં જવા માટે. તું ના કહીશ તો નહી જઊં. બોલ, શું કરું ?’

અને ભૂમિના મગજમાં બધી કાળાશ હટીને એક અજવાશ થઈ ગયો.

‘હા, રોમીની વાત તો સાચી છે. તો મારે એને રોકીને એને દુ:ખી કરવાનો શું મતલબ ?

‘ઓ.કે. તું જા રોમી. મને કોઇ વાંધો નથી. તું સાચો છે’

રોમી  સ્મિત કરતો’કને ભૂમિની પાસે આવ્યો અને એના ખભે હાથ મૂકીને બોલ્યો,

‘સાવ પાગલ જ છે મારી ‘વાઈફ’. ચાલ, હવે હું ભાગું. હાજરી પૂરાવીને જલ્દીથી પાછો આવી જઈશ અને હા, જમવાનું ના બનાવીશ આપણે બહાર સાથે ડીનર લઈશું’

અનબીટેબલ :- સંબંધો આપણે આપણી જરુરિયાત, ખુશી માટેનિભાવવાના હોય છે.

-sneha patel

સ્ટાઈલીશ સ્વપ્ન


ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઈટ ઇઝી કોલમ > લેખ નંબર – 9 > ૧૬-૦૯-૨૦૧૨

http://www.gujaratguardian.in/16.09.12/magazine/index.html

સ્ટાઇલીશ સ્વપ્ન :

બેલ વાગ્યો અને મેં આંખો ચોળતા ચોળતા દરવાજો ખોલ્યો. સામે ‘સ્પાઈક’ વાળ, એક કાનમાં ડાયમંડની બુટ્ટી પહેરેલ, જાળી વાળી લાલ બંડી ઉપર સરસ મજાનું લિવાઈસનું બ્લ્યુ ઝેકેટ, પોલીયેસ્ટરનું ફ્લોરોસેંટ ગ્રીન પેન્ટ પહેરેલ બાવીસે’ક વર્ષનો છોકરો ઉભો હતો. એના ખભા પર ‘બેક પેક’ લટકતું હતું .

‘ગુડવાલા મોર્નિંગ મેમસાબ, વો ક્યા હૈ ના કી મેરા ચાચા આજ બિમાર હય તો આજ મેરે કુ ભેજેલા હૈ દૂધ દેનેકે વાસ્તે, બોલે તો આપકો કિતની થેલી દૂધ ચાહીએ ?’

આટલું બોલીને  મારા ઘરની બારીના કાચમાં પડતા એના પ્રતિબિંબને ડાબે – જમણે ફેરવીને જોતા જોતા – જમણા હાથની પહેલી આંગળી મોઢામાં નાંખી થૂંકવાળી કરી અંગૂઠાની સાથે એની ચપટી બનાવીને એના ‘સ્પાઈક’કરેલા વાળમાં ફેરવી.

સવારના 5.30 વાગ્યાના સુમારે અધખુલ્લી આંખે એકવીસમી સદીનો ‘લેટેસ્ટ પીસ’ ઘરના આંગણે પધારેલો જોઇને મારું મોઢું અચરજથી આખે આખું ‘બરગર’ એક કોળિયામાં સીધું ગળામાં ઉતરી જાય એટલી બખોલ સાથે પહોળું થઈ ગયું. સવાર સવારમાં આવી ખતરનાક ભાષા અને સ્ટાઈલ આઇકોન ! ‘ઓલિમ્પીક’માં કોમ્પીટીશન હોત તો મારી આંખો અને મોઢાનું કોમ્બીનેશન ચોક્કસ ‘ગોલ્ડમેડલ’  લઈ આવત. માથાને એક ઝાટકો મારીને આંખોને મહાપરાણે પૂરેપૂરી ખોલીને બને એટલી સ્વસ્થતા સાથે જવાબ આપ્યો,

‘ત્રણ થેલી ‘

પેલા ‘લેટેસ્ટ પીસે’ સ્ટાઈલથી પીઠ પરથી ‘બેક પેક’ને હળ્વો ઝાટકો આપીને આગળ લાવીને જમણા હાથે પહેલી, બીજી અને ત્રીજી એમ ત્રણ આંગળીમાં ત્રણ દૂધની થેલી પકડીને મારી સામે ધરી. એના હાથમાં પહેરાયેલ સ્ટાઈલીશ  સીલ્વર કડાની ડિઝાઈન જોઇને પળભર તો મને અડધી ઉંઘમાં પણ કોમ્પ્લેક્ષ થઈ ગયો. એની જેમ ત્રણ થેલીઓ પકડવાનો પ્રયાસ કર્યો પણ વિફળ ગયો અને થેલી હાથમાંથી છ્ટકીને નીચે..પણ હજુ તો એ ભોંય પર પટકાય એ પહેલાં તો પેલા છોકરડાએ ત્વરાથી એને પકડી લીધી અને એને નીચે પડતા બચાવી લીધી હું હજુ કંઇ બોલુ એ પહેલા તો;

’ઇટ્સ ઓકે મેડમ, બોલે તો હેપીવાલા ડે’

કહીને ‘બેકપેક’ ફરીથી પીઠ પર ગોઠવી માથા પર ‘બ્રાઉન રીબોક’ ના સિમ્બોલવાલી કેપ ડાબી જમણી બાજુ અમથી અમથી ફેરવીને સરખી કરી ને મસ્તીના મૂડ સાથે હળવી સિસોટી વગાડતો વગાડતો લિફ્ટમાં ઘૂસી ગયો.

હજુ રુટીન કામકાજને વાર હતી.થોડી ઊંઘ તો ખેંચી જ શકાશેની લાલચે ‘ઓમ ધબાય નમ:’ પથારીમાં પડતું મેલ્યું. ત્યાં તો ઘેનભરી આંખોમાં દરિયો આવીને વસ્યો.

દરિયાની વિશાળ છાતી પર એક તોતિંગ વૈભવી જહાજ એની મસ્તીમાં ડોલતું હતું . આંખોને ખેંચી ખેંચીને વાંચતા વાંચતા લાલ કલરના બોર્ડમાં સફેદ અક્ષરે કંઈક ‘કીંગ’ જેવું નામ લખાયેલું . ‘રેડ –વ્હાઈટ’ લૂકથી રીચ લાગતા એ જહાજ પર હાથમાં બીયરનો ગ્લાસ લઈને માથાના અડધા પડધા ગ્રે હેર,આંખે કાળા ગોગલ્સ અને ચિબૂક પર બરાબર એકસરખું માપ લઈને વાળ ગોઠવી ગોઠવીને ઉગાડેલી હોય એવી ગ્રે દાઢી-મૂંછ્ધારી માણસ નજરે પડયો. આને તો ક્યાંક જોયેલો છે એવું લાગે છે પણ યાદ નથી આવતું.  એવામાં તો પેલાએ બીયરનો ગ્લાસ ગટગટાવી સ્ટાઇલથી એને બાજુમાં ઉછાળી દીધો. બાજુમાં રહેલ ‘બિકીની’વાળી નવયૈવનાને થોડી દૂર કરીને અને હવામાં હાથ વીંઝ્યો તો એના હાથમાં ઝગારા મારતી સફેદાઈ સાથે એક હવાઈ જહાજ આવી ગયું જે ‘ગ્રે દાઢીધારી’એ બીકીનીધારી યુવતીને ગિફ્ટમાં આપી દીધું.

સાથે જ એક જાણીતો અવાજ કાને પડ્યો.

‘કાં ભાભીજી, આજે શાકભાજીમાં શું લેશો..ઓર્ડર બોલો હીંડો ’

ઓ ત્તારીની,આ તો પશલો.મારો શાકવાળો.કોઇ જ જાતની સંબધ્ધતા વગરની આવી બે સાવ છેડાની  પરિસ્થિતીઓનો ‘હેવીડોઝ’ સહન કરવા જતા મારા રહ્યા સહ્યા હોશકોશ પણ ઉડી ગયા. ધ્યાનથી જોયુંતો શાકભાજીવાળાના હાથમાં સફેદ રંગનો અને કોફી મજબૂત બેલ્ટવાળો રોજનો થેલો જ  હતો જે મને એરોપ્લેન જેવો દેખાયેલો ! સફેદ રંગની માયા અપરંપાર !

‘ભૈયા, કિલો ટમાટર, કિલો પ્યાજ, પાંચસો ગ્રામ ભીંડી ઓર દો કિલો આલૂ દે દો..સાથમેં ફ્રી ધનિયા મીર્ચી ફુદીના આદુ ભી દેના ‘

‘ઓકે ભાભીજી અને એણે સ્ટાઈલથી શાકભાજી તોલીને કાગળની થેલીઓ ભરી અને છેલ્લે છેલ્લે ચાર કેળા અને બે સફરજન મૂક્યા.

‘અરે નહી નહી..મુજે ફ્રૂટ નહી લેના..વો તો મૈ કલ હી બાઝાર સે લે કે આઇ હુ’

‘અરે,ચિંતા નક્કો ભાભીજી, યે તો અપને વો ‘ગગન નારંગ’ને વો પહલા મેડલ જીતા ના ઓલિમ્પિકમેં ! બસ, ઉસી જીતકી ખુશાલીમેં અપનકી ઓરસે યે સબ કસ્ટમરકો ફ્રી મેં દે રહા હૂં !’

અને મારું મોઢું  નવાઈના એટેકમાં ‘બરગર’માંથી વધીને ચાર-પાંચ સ્લાઈસની ‘કલબ સેંડવીચ’ ખાઈ શકાય એટલી હદે પહોળું થઇ ગયું.

થોડો સમય વીત્યો ને મારી કામવાળીએ એંટ્રી મારી. બ્લેક વેલ્વેટ લોન્ગ-સ્લીવ બ્લાઉઝ અને ક્રીમી લહંગો, ગ્રે દુપટ્ટો. જાણે અનારકલી જ જોઇ લો. કાળા ભમ્મર વાળનો ફ્રેંચ રોલ વાળીને  વાળની જમણીબાજુએ   મોતીની સેર લટકાવેલી, નાકમાં નથ અને કાનમાં લટકતા ઝુમ્મર..સ્ટાઈલથી દુપટ્ટાને  કમર ફરતે વીંટાળી ને છેડો છેલ્લે કમરમાં ખોંસ્યો. આ ક્રિયાથી એની ‘સોનાક્ષીસિંહા’ છાપ કમર વધારે  ઉજાગર થઈ ગઈ. હાથમાં ઝાડુ લઈને ગોળ ગોળ ફેરવતી એ બેડરુમ તરફ વળી અને મને યાદ આવ્યું કે એ રુમમાં તો પતિદેવ ન્યુઝપેપર વાંચી રહેલા અને મારી સ્ત્રી તરીકેની ‘સિક્સથ સેન્સ’ ત્વરાથી એના કામે લાગી ગઈ.

‘અરે..અરે, તું રહેવા દે. હજુ મારે ઝાપટઝૂંપટ કરવી છે તો એ રુમ હું જાતે જ સાફ કરી લઈશ. તું હોલ કીચન અને બાબાનો રુમ સાફ કરી લે..’

‘જેવી તમારી મરજી મેમસાબ’ અને સ્ટાઈલથી કમર લચકાવતી એ બહારના રુમોમાં કચરા પોતા કરવા લાગી. એનું કામ જલ્દી પતી જાય એવી મનોમન પ્રાર્થના કરતી કરતી ઉંચા જીવે હું એની સામે ને સામે જ ઉભી રહી. કામવાળીનું કામ પતે ત્યાં સુધી પતિદેવ આ રુમમાં એંટ્રી ના પાડે તો સારું, કારણ આજે એની કામ કરવાની સ્ટાઈલ ‘જરા હટકે’ જ હતી. જેને શબ્દદેહ આપવાની માનસિક તાકાત અત્યારે હું ગુમાવી ચૂકેલી.

એ ગઈ પછી થોડો રાહતનો શ્વાસ લઈને નાનુ  મોટું કામ પતાવી બાકીના પરચૂરણ કામ પતાવવા માટે ઘરની બહાર નીકળી. ગાડી ચાલુ કરીને સોસાયટીના ગેટ સુધી પહોંચી તો ત્યાં રાઉડી રાઠોડના અક્ષયકુમાર જેવી મૂછો વધારનાર, લાલ પેન્ટ અને ગળી કલરની સફેદ બોર્ડર વાળી બંડી ઉપર મોટીમોટી લાલ-વાદળી-ધોળી લાઈનીંગવાળું શર્ટ પહેરેલું જેના બધા બટન ખુલ્લા રાખેલ અને શર્ટના છેવાડે બેફિકરાઇ દર્શાવતી ગાંઠ મારેલી એવો ચોકીદાર નજરે પડ્યો. એની કેબિનમાં ’ચિંતા..તા…ચીતા..ચીતા..’ કરતો મચ્છર મારતો હતો અને  સાથે સાથે ત્યાંથી પસાર થતી છોકરીઓની કમર પર બાજ નજર રાખતો દેખાયો. આઘાતના માર્યા મારો પગ બ્રેકના બદલો એક્સીલેટર પર  દબાઇ ગયો આગળ મોટો બમ્પ હતો એ ના દેખાયો અને ગાડી સારી એવી હાઈટ પર ઉછ્ળી ગઈ. મોઢામાંથી એક રાડ નીકળી ગઈ,

’ઓહ માય ગોડ…!’

‘શું થયું , કેમ સવાર સવારના રાડારાડ કરે છે. જઈને દરવાજો ખોલ તો જો ને કોઇ બેલ મારી રહ્યું છે.કદાચ આ સમયે તો દૂધવાળો જ હશે.’ પતિદેવ મને ઉઠાડી રહેલા. ઘડિયાળ, 5.30 નો સમય બતાવી રહી હતી.

‘ઓહ, સપના પણ આવા સ્ટાઈલીશ આવે !!’

-સ્નેહા પટેલ.

અર્થહીન


દરેક વાતમાંથી
સતત અર્થ શોધવાની
મથામણમાં રહેતા
જીવન
કેટલાં અર્થહીન !

-સ્નેહા પટેલ.

નાજુક નમણી પ્રિયતમા -2


ખેતીની વાત > મારી હયાતી તારી આસ-પાસ કોલમ > લેખ નં-11. સપ્ટેમ્બર માસનો લેખ

નાજુક નમણી પ્રિયતમા -ભાગ:1 વાંચવા લિંક ક્લીક કરો.

https://akshitarak.wordpress.com/2012/08/08/namani-rupani-priyatama-1/

ભાગ-2

બંધ આંખોએ મદહોશીના સાગરમાં  ગોતા લગાવીને સપાટી પર આવવા મથતા મનને પરાણે ધક્કો મારીને પાછુ અંદર ડૂબાડવાના વ્યર્થ પ્રયત્નો કરતી હતી, ત્યાં તો મારા કાને મોરનો મધુરો ટહુકાર કાને પડ્યો. મેઁ ચમકીને આંખો ખોલી.અવાજની દિશામાં કાન સરવા કર્યા તો એ અવાજ બેડરુમની ગેલેરીમા ઝુલતા ‘ટુ સીટર’ સંખેડાના હીઁચકા પરથી આવતો હોવાનો ખ્યાલ આવ્યો.

હીચકાની બરાબર ઉપર ‘વિન્ડ ચાઈમ’ બાંધેલું હતું. મંદ મંદ વહેતી હવાની થપાટોથી એમાં નાજુક રણકાર ઉતપન્ન થઈ રહ્યો હતો જે વાતાવરણમાં હળવું સંગીત રેલાવી રહ્યું હતું.  ધીમેથી ‘પર્પલ શાટીન’નો પડદો ખસેડીને બહાર નજર કરી તો સાનંદાશ્રર્યથી આંખો પહોળી થઈ ગઈ. બહાર ત્રણ ઢેલ ગેલેરીની પાળી પર બેઠેલી હતી. આ તો એમના સંવનનકાળની ઋતુ..પોતાના પ્રિયતમને પોકારી પોકારીને ઇજન આપી રહેલી. મારાથી એમની વિરહીણી – બેકરારીની હાલતની અજાણતાં જ મારી હાલત જોડે તુલના થઈ ગઈ. એમની વ્યથા સમદુ:ખિયાભાવે હું પણ અનુભવી શકતી હતી ત્યાં તો એમનો પ્રિયતમ  -પૂરા ત્રણ હાથનો રુપાળા પીંછાથી ભરપૂર – વાદળી ગળાવાળો રુપકડો મોર – પોતાની પ્રિયાઓને (!!) મનાવવા આવી પહોંચ્યો. એક સાથે ત્રણ પ્રિયાઓને રીઝવવાની !  પોતાના સુંદર ભૂરા – ભૂરા પીંછા ફેલાવીને જાણે લાંબી આળસ મરડી. એના ફેલાયેલા પીંછામાં સોનેરી કલરના ગોળ ગોળ ચકતા જેવી ડિઝાઈનમાં ‘હ્રદય; જેવો  આકાર હતો. પોતાની પ્રિયાને મનાવવા મોરે પીંછાને હળ્વો ઝાટકો આપીને પોતાનો લખલૂટ અસબાબ ખુલ્લો મૂકી દીધો અદભુત કળા કરવા માંડી. માનવીઓમાં પુરુષને રીઝવવા માટે નારીને નૃત્ય કરતી આપણે સૌ જોઇએ છીએ. મોર એક જ એવો નર છે જે પોતાની માદાને રીઝવવા કળા કરીને તનતોડ નૃત્ય કરે છે.   આ અવર્ણનીય પ્રેમ – લીલા જોવામાં હું સમયનું ભાન ભૂલી ગઈ. ત્યાં જ વૉલ-ક્લોક્માંથી પેલી અવળચંડી કોયલ બહાર ડોકાઈને 10 વાર ટહુકી ગઇ અને મને સમયનું ભાન કરાવ્યું.

સફાળી’ક બેઠી થઈને મોર-ઢેલની પ્રણય-સૃષ્ટિમાં થી બહાર નીકળી. ફટાફટ મમ્મીનો બેડરુમનો દરવાજો બંધ કર્યો અને ડ્રેસિઁગ ટેબલના ત્રણેય કાચ સેટ કર્યા. મમ્મીનું લોકર ખોલી મને ખૂબ ગમતો મોતી –જડતરનો સેટ કાઢ્યો. આખું ગળું ભરાઈ જાય એવો હાર – કાનમાં ઝુમ્મર –કાનસેર..હાથમાં બે – બે ડઝન બંગડીઓની વચ્ચે થોડા લટકતા ઝુમ્મરવાળા પાટલાં ચડાવ્યાં અને છેક આગળ મસ મોટો રજવાડી ઠ્સ્સાવાળો સેટનો પાટલો..!  મારા નાજુક ફ્લોરોસેંટ નેઈલપોલિશ ઉપર કોમ્પ્યુટરાઇઝ્ડ ડિઝાઇન કરાવેલા લાંબા નખ વાળા હાથમાં આટલી બધી બંગડીઓ જીવનમાં પહેલી વાર ચડાવી હતી . હાથને કોણીએથી વાળી 90 અંશની ડીગ્રીએ આંખોની સમક્ષ રાખીને અચરજથી જોઇ રહી. શું આ મારો જ હાથ હતો..આટલો સુંદર ? નાજુકાઇને સુંદરતાનો ઢોળ..અહાહા…આજે હોશની બધી સીમાઓ તોડીને જાણે હું ખુદ મારા પ્રેમમાં પડતી જતી હતી. બહુ જ નવાઈની વાત હતી. છેલ્લે નાજુક ઘૂઘરીઓના રણકારવાળો કંદોરો કમર પર બાંધ્યો અને પગમાં રુમઝુમ- રુમઝુમ સોનેરી નાજુક પાયલ..!

‘ફેસવોશ’થી મોઢું બરાબર ધોઇને મોઢા પર ‘કોમ્પેક્ટ’ પાઉડર લગાવી કપાળની વચ્ચો વચ્ચ ગોળ સુંદર મજાની ડાયમંડ અને સલમાના વર્કવાળી બેબીપીંક –ગ્રીન કલરના મિશ્રણવાળી બીઁદી લગાવી. આઈ-બ્રોના બે ચાર વાળ થોડા ઊઁચા નીચા લાગતા હતા. આજે તો કોઇ જ કમી ચલાવી લેવાનો મૂડ નહતો.જલ્દીથી પ્લકર – કાતર લઈને આઇબ્રો સેટ કરી. જન્મજાત સુંદર કાળી લાઁબી પાંપણ પર મશ્કરાનો હળ્વો લસરકો માર્યો અને આસમાની ઝાંય ધરાવતી લાઈનર…ઉફ્ફ…લાઈન થોડી જાડી પાતળી થઈ ગઈ..પણ ચાલી જશે..બહુ નાની ભૂલ હતી. સરળતાથી નજરે ચડે એમ નહોતું.. પીંક આઇ શેડો – બ્લશર..ગ્રેપવાઈન અને પીંકીશ શેડ્ના મિક્ષ્ર કલરની લિપસ્ટીક… મનોમન નવાઈ લાગતી હતી…હું પ્રોફેશનલ બ્યુટીશિયન નહોતી પણ આજે બધો મેકઅપ એક્દમ ચીવટતાથી થતો હતો.

આજે મને સમજાતું હતું કે મમ્મીને હંમેશા તૈયાર થતાં આટલી વાર કેમ લાગતી હતી ! જ્યારે બહાર જવાનું હોય ત્યારે હું  હંમેશા પપ્પાની સાથે મળીને એમની મજાક ઉડાવવામાં સાથ આપતી હતી. પણ જ્યારે મમ્મી તૈયાર થઈને રુમની બહાર આવતાત્યારે પપ્પાની આંખમાં એક છૂપો પ્રશંસાનો ભાવ તરતો ચોક્કસ જોઇ શક્તી હતી અને મનોમન એ બેયના પ્રેમને – આકર્ષણને જોઇને હું અનોખો આનંદ અનુભવતી. અચાનક મારા લગ્નના 18 વર્ષ પછી મારો પરણેતર પણ મને આવા જ અદ્મ્ય આકર્ષણથી જ નિહાળે એવી ઇચ્છા મનના એક ખૂણે બળવત્તર થઇ ગઈ !

છેલ્લે વાળ ભીના કરીને ડ્રાયર મારીને વાળના લેયર્સ સેટ કર્યા. મમ્મીના ડ્રેસિઁગ ટેબલના એક ખૂણે પડી રહેલી કંકુની ડ્બ્બી તરફ આપોઆપ નજર વળી. મનમાં અરમાનોનો સમંદર ઉમટવા લાગ્યો. ના રહેવાતા ડબ્બી ખોલીને અંગૂઠા અને આંગળીની ચપટીમાં કંકુ ભરીને વાળમાં થોડી ડાબી બાજુ પડતી પાંથીમાં એને અડાડ્યું અને મનોમન એ જ્ગ્યાએ એની હાજરીની કલ્પના કરવા લાગી. બે પળનો નશો માણ્યા પછી બધું યથાવત પાછું મૂકી દીધું…લાઈટ રોમાંટીક સ્મેલવાળું બોડી સ્પ્રે લઈ બગલ..કાંડું…કાનની બૂટ..બધે સ્પ્રે કર્યું.

ચંપલમાં પગ નાંખતા ધ્યાન ગયું, ‘અરે, પગમાં નેઈલ પોલિશ બગડી ગયેલી.તરત એને રીમુવરથી સાફ કરીને ફરીથી એક હળ્વો નેઇલ-પોલિશનો કોટ લગાવ્યો.

ડ્રેસિઁગ ટેબલના બધા કાચ સેટ કરી મારી જાતને બે ફૂટ દૂર જઈ દરેક એઁગલથી ચેક કરવા લાગી.

એક છોકરી પ્રેમમાં પડે એટલે કેટલી હદ સુધી બદ્લાઇ શકે એના જીવતા- જાગતા નમૂના જેવી હું આંખો ફાડીને મારી જાતને આઈનામાં નિહાળી રહી. શું આ હું જ છું..જિન્સ – શોર્ટસ માં  શોભતી નટખટ ઉછ્ળકૂદ કરતી સુગંધી ! ના…આ તો કોઇ નવપરિણીત સોળ શણગાર સજેલી દુલ્હન હતી. જેને હું મારા જીવનમાં  સૌ પ્રથમ વાર જ મળી રહી હતી. જે છું એનાથી વધારે સુંદર દેખાવાના ..ના..ના..કદાચ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી દેખાવાના અભરખાના અંકુર આજે મનના ખૂણે ફૂટતા જતા હતા.

ત્યાં તો નીચેથી કારનું હોર્ન અને બે પળ પછી મમ્મીનો અવાજ આવ્યો…

‘સુગંધી…બેટા તારી બહેનપણીઓ આવી ગઈ…જલ્દી કર હવે.કેટલું તૈયાર થઈશ હજુ !’

‘આવી મમ્મા..એક મિનીટ..’ અને હું ઝડપથી રુમમાંથી બહાર નીકળવા ગઈ. જીન્સમાં દોડવા ટેવાયેલા પગ આજે સાડીના બંધનમાં અટ્વાઈ ગયા અને હુ એક ગડથોલું ખાતા ખાતા માંડ બચી..ઉફ્ફ…આ બધું આગળના ચાર-પાંચ કલાક કેમનું મેનેજ થશે મારાથી ? ત્યાં ‘આશુ’નો પ્રેમાળ ચહેરો નજર સામે તરવર્યો.

‘આના માટે તો બધું કરી શકાય..’

અચાનક યાદ આવ્યું કે  દાદર ઉતરતી વેળા મમ્મી કળાત્મક રીતે સાડીની પાટલીને થોડી ઊંચી કરીને ચાલતા હતા . મેં પણ હળ્વેથી મમ્મીની સ્ટાઈલમાં ચપટીમાં પાટલીને પકડીને થોડી ઊઁચી કરી. બે-ચાર વારની નિષ્ફળતા પછી થોડી ફાવટ આવી. મમ્મી જેવી નજાકત તો ના આવી પણ કામ ચાલી ગયું અને ધીમે ધીમે દાદરા ઉતરીને નીચે આવી.

મને જોઇને ડ્રોઇઁગ રુમમાં રહેલ પાંચે પાંચ જીવ..મમ્મી અને મારી ચાર સહેલીઓ…બધાંના મોઢા અચરજથી પહોળા થઈ ગયા ! મમ્મીએ તરત કાજળની ડબ્બી લાવીને મારા કાન પાછ્ળ ટીકું કર્યુ, ને બોલ્યા,

’મારીદીકરી આવડી મોટી ક્યારે થઈ ગઈ..ખબર જ ના પડી !’’

અને એને ગળે લાગીને વ્હાલ કરીને હુ ઉતાવળી ઉતાવળી બહેનપણીઓ સાથે ગાડીમાં ગોઠવાઈ.

‘શું વાત છે ..આજે હવામાં રોમાંસ જ રોમાસ ફેલાઇ રહ્યો છે ને કંઇ ! આટલા બધા સાજ શણગાર-એ પણ નેચરલ બ્યુટીની પ્રખર હિમાયતી સુગંધી…હે ય..કોઇ મને ચૂંટી ખણો તો ‘ બોલીને હળ્વેથી મારી સખી સોનમે મને એક આંખ મારી.

‘બસ કર હવે..’ ખોટાગુસ્સા સાથે મેં સખી સામે ડોળા તગતગાવ્યા..

‘સારું..અમે તો બસ કરી લઈશું પણ રુપના આ સાગરથી બીજું કોઇ બચશે કે નહી એની ચિંતા અમને બહુ સતાવે છે.’ એની વાતનો સઁદર્ભ સમજતા ગુલાબી મેકઅપની નીચેથી  કુદરતી રતાશ ગાલ પર છ્લકવા લાગી.આખા શરીરનું લોહી ગરમ થઇ ગયું ને કાનની બૂટ પર ઠોકર મારવા લાગ્યું. એ પણ લાલઘૂમ થઈ ગઈ.

‘ચિબાવલી…હવે સામે જોઇને ગાડી ડ્રાઈવ કરને નહી તો માડ હાથમાં આવેલી ગાડી ક્યાંક અથડાઈ બેસીશ અને પપ્પાની વઢ પડશે નફામાં.’

‘મારા બોલવા પર તો કંટ્રોલ કરી લઈશ પણ આશીર્વાદ આગળ શું કરીશ…’

અને આખી ગાડી જુવાન હાસ્યથી છ્લકાઇ ગઈ.એ પછી આખા રસ્તે  શરમના ભારથી લદાયેલી પાંપણો મારાથી ઉંચી જ ના થઈ શકી.

ક્રમશ:

રુદન


રડવું આવે ત્યારે
ખુલ્લા દિલથી રડવા
માટે પણ
નસીબ જોઇએ.

-સ્નેહા પટેલ

જીવંત જીવન


આવ,

ઘડી – બે ઘડી હાથમાં હાથ લઈને બેસીએ.

જીવન

વધુ જીવંત બની જશે !

-સ્નેહા પટેલ

હાથતાળી


માંગ્યા વગર

ઘણું આપી દીધું તેં

મારી પ્રિય જિંદગી.

ક્યારેક હાથ લંબાવું

ત્યારે

હાથતાળી તો નહી આપી દે ને ?

-સ્નેહા પટેલ.

પારકી મા જ કાન વીંધે ..


gujarat guardian paper– ટેક ઈટ ઇઝી કોલમ – લેખ નંબર – 8.

http://www.gujaratguardian.in/09.09.12/magazine/index.html

માનવીના ‘કાજુ’ આકારના કાનમાં ભગવાને સાંભળી શકવાની જરુરિયાત સંતોષવા માટે સરસ મજાના લખોટી જેવા કાણા આપ્યાં છે. જેને માનવી ‘ઇયર બડ,સ્ત્રીઓને વાળમાં નાંખવાની કાળી પીન (બપ્પીન) કે પછી ‘જે હાથમાં એ સાથ’માં મતલબનું કાનમાં નાંખી નાંખીને એ કાણાની યથાશક્તિ સફાઇ કરતો રહે છે. જેવો એનો વપરાશ એવી એની સાફસફાઈની જરુરિયાત.જીભ કરતા કાનનો ઉપયોગ વધારે થતો હોય એવાને રોજ સાફ કરવા પડે તો ઘણા માણસોને આશ્રર્યજનક રીતે એ વર્ષો સુધી સાફ કરવાની જરુર જ નથી પડતી !

આ તો થઈ કાનની જરુરિયાતની વાત પણ આપણે તો  જરુરિયાત કરતા મોજ – શોખ, સાજ-શણગાર – દેખાડામાં વધારે માનીએ ને.એટલે આપણે (આ આપણેમાં સ્ત્રી –પુરુષ બેય આવી જાય) એની બૂટને વીંધાવીને એમાં સરસ મજાના બુટીયા લટકાવીએ.ઘણાંને એક કાણું પડાવીને સંતોષ ના થાય તો એની ઉપર બીજુ,ત્ર્રીજું મન ના ધરાય ત્યાં સુધી કાનને વીંધાવ્યા જ કરે.છેલ્લે પેલો કાન વીંધનારો પણ મૂંઝાઈ જાય કે, ‘હવે આમાં ક્યાં કાણું પાડું?’ ત્યારે એ અટકે.

મુદાની વાત પર આવું તો અમારા ઘરે આવેલ ‘ફોરેનીયા મહેમાન’ના આખા કાન ભરીને પહેરેલા હીરાના ‘ઝક્કાસ’ બુટીયા જોઇને મને પણ એવા કાન-શણગારની સૌંદર્ય-ચળ ઉપડેલી.

એણે ‘દેખાડો’ કર્યો ને મને બરાબર ‘દેખાઈ ગયો.’

સારો દિવસ અને મૂર્હત જોઇને હું પહોંચી એક ફેમસ શો રુમમાં. ચારે બાજુ કાચ જ કાચ..નકલી-અસલી  હીરા-ઝાકમઝોળ.

કાચમાં પણ માણસ જેવી જાતિ – ગુણ !

મારે કાન વીંધાવવા ત્રીજા માળે જવાનું હતું.પણ સ્વભાવે નારી –ઘરેણાંની પ્રસંશક જીવ.નીચેના બે ‘ફ્લોર’ પરની ચમક-દમકમાં જ કલાક વીતી ગયો. છેલ્લે ‘ઓરીજીનલ’ કામ યાદ આવતા બધી લાલચોને બાજુમાં હડસેલીને મન મક્ક્મ કરી સડસડાટ ત્રણ સીડીઓ ચડી ગઈ. હાંફતા શ્વાસે ઉપર પહોંચી ત્યાં તો ડાબા ખૂણામાં નજર પડી અને લિફ્ટ ઉપર આવતી દેખાઈ. ઓહ..આ તો હવે નજરે ચડી. પરસેવે લથબથ તન અને એમાં આપણી મૂર્ખામી – બેધ્યાનપણાનો બફારો ભળે પછી કંઈ કહેવાનું રહે ? .જોકે એસી  ‘ ક્યા સુપર કુલ હૈ હમ ‘ ઠંડ્ક ફેલાવી રહેલું એટલે મગજ જલ્દી ઠેકાણે આવી ગયું.

જમણી બાજુની નાનકડી કેબિનમાં પ્રવેશી. ઉદારદિલથી કરાયેલ ‘લાઈટ્સ’ના ઉપયોગના પરિણામે આંખો બે મીનીટ તો અંજાઈ ગઈ. નજર સેટ થતા કેબિનમાં એક તરફ સલમાનખાન(એક તો લાખ પ્રયત્ન કરું તો પણ આ ‘સલ્લુમિયા’ મારા ઘણા ખરા લેખમાં આવી જ જાય છે.શું થાય બચારો સારો માણસ છે, બસ નસીબનો માર્યો છે તે પિકચરો કરતા વધારે સમાચારોમાં ચમકી જાય છે) નજરે પડ્યો. એ જ હેરસ્ટાઈલ, એ જ ‘6 પેકસ’માં ગોઠવાયેલ સુદ્રઢ બોડી, શર્ટના કોલરમાં પાછળની બાજુ લટકાવેલા ગોગલ્સ અને સાથે ગર્લ ફ્રેંડ. કોઇની પ્રાઇવસીમાં બહુ ‘ડબકડોયા’ ના કરાય વિચારીને મેં મારા કામનું શો-કેસ શોધી સેલ્સમેન જોડે વાત શરુ કરી.

‘મારે કાનમાં બીજુ કાણું પડાવવું છે, નાની નાજુક કડીઓ બતાવો’

‘આઇંસ્ટાઈન-માળાછાપ’ હેયર સ્ટાઈલ ધરાવતા સેલ્સમેને મારી સામે બે મીનીટ તાક્યા કર્યું.

’આપના કાન થોડા પાછ્ળની બાજુએ છે. તમે નાનીના બદલે થૉડી મોટી કડી લેશો તો સારું રહેશે.’

‘એમ રાખો ત્યારે’

મારા સમાધાનીયા જીવે તરત એની વાત માની લીધી ને પરિણામ હંમેશની જેમ જ સુખદ !

એણે બતાવેલી કડી મને એક નજરે જ ગમી ગઈ.

‘કાણું કંઈ રીતે પાડશો? જુઓ હું ‘હેલ્થ’ની બાબતે બહુ જ સાવચેત છું.એટલે મને નવી સોય જ જોઇશે.વળી એની ધાર પણ ચકાસી લેજો.બુટ્ઠી સોય વડે કાન વીંધવા જશો તો.કદાચ એ પીડા સહન ના થતા હું અધવચાળે ઊભી થઈને ચાલી જઈશ. તમારી બધી મહેનત પાણીમાં જશે..’

‘અરે મેડમ,મારી પાસે લેટેસ્ટ ગન છે.જેમાં આ કડી ભરાવી ડાયરેક્ટ કડીથી જ કાણું પાડી આપીશ.એક જ સેકંડ.તમને કીડીએ ચટકો ભર્યો એવું જ લાગશે.બસ.’

એ એની ગન લઈને આગળ વધ્યો. ‘શોલે’નો ગબ્બરસિંઘ.!

સ્વભાવે આમ તો હું બહુ હિઁમતવાન. સ્ત્રીઓ ધારે તો શું ના કરી શકે? .ઉલ્ટાનું એ પુરુષો કરતા પણ વધુ કામ કરે છે એટલે પુરુષ કરતા એ વધુ તાકાતવાન – આવા ક્બાટૉના કબાટો ભરીને ફાંકા મારે રાખવાનું એ મારુ અતિપ્રીય કામ. જ્યારે-જ્યારે વરજી કે બહેનપણીઓ સાથે વાતોના તડાકા મારવા બેસું ત્યારે આવા મહાન ડાયલોગોનો ગોળીબાર થાય…ઢીસકાઉં..!

પણ અત્યારે તો આ ગન  જોઇને જ મારા મોતિયા મરી જતા હતા એ હકીકત હતી. કાયા થરથર ધ્રુજવા લાગી.પરસેવાની બૂંદ ક્પાળ પર છ્લકાવા લાગી.આંખો ચકળ વકળ થવા લાગી.લાલ—લીલા—પીળા બધા જ રંગ ફેરફુંદરડી ફરતા ફરતા મારી નજર સમક્ષ તાંડવ નૃત્ય કરવા લાગ્યાં.

‘પારકી મા જ કાન વીંધે’ કહેવત કેમ પડી હશે એ બરાબર ખ્યાલ આવતો હતો.

ગન હજુ તો મારા કાને અડી ત્યાં તો મારી રાડ નીકળી ગઈ.

’અરે મેડમ, હજુ તો મેં મશીન ચાલુ જ નથી કર્યું..રીલેક્સ,.આમ તો કામ કરવાનું કેમનું ફાવે?’

“જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ‘

હાથની મુઠ્ઠીઓ જોરથી વળી ગઈ,દાંત પર જોરથી દાંત જમાવી દીધા,કચકચાવીને આંખો બંધ.આખીય દુનિયાનો નકશો મારા ચહેરા પરા દેખાય એટલી કરચલીઓ પડી ગઈ..

‘આ લો એક બાજુ તો કાણું પડી પણ ગયું’

આટલી જ વાત અને હું કેટલી ભયભીત !

પેલો ટોપી વાળો મહાન વિચારક ‘પાબ્લો પિકાસો’ કહી ગયો છે ને કે , ‘’Everything u can imagine is real’ , સાવ ખોટ્ટાડો.

ત્યાં તો સેલ્સમેને મારી ચીબુક પકડી લીધી.હજુ હું મારી નારાજગી જાહેર કરું ત્યાં તો એણે મારું માથું બરાબર 90 અંશની ડીગીએ ગળા પર ગોઠવીને ડાબી બાજુના કાન પર જમણી બાજુની સમાંતર રેખાની નિશાની કરી કુશળતાથી બીજો કાન પણ વીંધી કાઢ્યો,એંટીસેપ્ટીક લગાવી દીધું.કામ ખત્મ.થોડું દુ:ખતું હતુ,પણ ધારેલું એટલું ‘ભયાવહ –મિશન’ તો નહોતું જ.ત્યાં તો,

‘સટ્ટાક’ આ શું ?પેલા સલમાનને કેટરીનાએ બરાબરની ઝીંકી દીધેલી…

‘આટલી સસ્તી ઈયરીંગ્સ આપીને તેં તારો પ્રેમ કેટલો સસ્તો છે એ સાબિત કરી આપ્યું..આવા કડકા બોયફ્રેંડનું મારે કંઇ કામ નથી.બાય ફોર એવર’

‘એક થા ટાઇગર’ ગાલ પંપાળતો ખુરશીમાં ફસડાયો.કોલરમાં પાછ્ળની બાજુએ ઝૂલતા ગોગલ્સ પ્રેમિકાના હાથના થયેલા અવર્ણનીય સ્પર્શના તડાકાથી સરકીને ખુરશીમાં પડી ગયેલા જેનો એ મજનૂજીવને સહેજ પણ અંદાજ નહતો..દિલ અને ગોગલ્સ બેય ક્ડડડભૂસ…

માર,અપમાન,ગોગલ્સ- પ્રણય ભંગ..! એ પ્રેમીની પારાવાર પીડા જોઇને મને મારી કાન વીંધાવ્યાની પીડા ભૂલાઇ ગઈ.

સ્નેહા પટેલ.

 

મારા હીરા – મોતી


તારી સાથેની એક એક ક્ષણ
મારા હીરા – મોતી.
એની માળા બનાવીને
પહેરવાના મને કોડ !

-સ્નેહા પટેલ

ક…..વિ….તા !


અંતરમાં વાવાઝોડું ફૂંકાય
ધરતીકંપ સર્જાય
સઘળું ઉથલ-પાથલ
કોલાહલ
સાવ જ ના રહેવાય
ત્યારે…
તને શબ્દોમાં
વહાવી દઉં છુ

ક…..વિ….તા !

-સ્નેહા પટેલ

સંવેદનાનો ખરખરો


સ્મ્રુતિખોડલધામ મેગેઝિન > આચમન કોલમનો લેખ.

કદાચ પૃથ્વીએ એની ધરી પર ફરવાની સ્પીડ વધારી લીધી લાગે છે.ચારેબાજુ દોડતી જનમેદની પોતાની આયુનો લગભગ પોણો ભાગ તો દોડવામાં જ ગાળતી હશે અને બાકીનો પા ભાગ હાંફતા હાંફતા ઉભા રહીને શ્વાસ લેવામાં !  શ્વાસ – ઉચ્છવાસની આ પળોજળને પહોંચી વળવા માનવીએ એના દિમાગની ધારને સતત તેજ કરતા રહેવું પડે છે. દિમાગના ચાલતા જબરદસ્ત વર્ચસ્વ નીચે એને પોતાના દિલની વાત સાંભળવાનો..સમજવાનો સમય જ નથી મળતો. ‘ખાટલે મોટી ખોટ’ પાછી એ કે દિલ એ ‘ફાસ્ટ ફૂડ’ના ગુણધર્મો નથી ધરાવતું કે જે બે મીનીટમાં સમજાઈ જાય. એના માટે ધીરજ, પ્રેમ, સમજણ બધાં મસાલાની ભરપૂર જરુરિયાત રહેલી છે.

દિલની નાજુક લાગણી એટલે સંવેદના. તકલીફો બધી આ સંવેદનાની જ તો છે. હાડમારીભરેલ ધમાલિયા જીવનમાં આજનો માનવી બેધ્યાનપણે એની સંવેદના ગુમાવતો જાય છે. ‘ફૂલોનું ઉગવું ને ખરી પડવું’ તો હવે જૂનું થયું એક ‘આખે આખો પોતીકો માણસ ઉગી જાય ને ખરી પડે’ તો પણ વર્ષો સુધી જાણ નથી થતી.દુનિયા આખીની ઘડિયાળ પોતાના ઉષ્ણ કાંડે બાંધીને સૂર્ય  રોજ ઉગે છે આથમે છે આવી નાની નાજુક ચમત્કારીક અનુભૂતિ તરફ ધ્યાન આપવાનો એની પાસે સમય જ નથી. જે અનુભવાતું નથી એનો સ્વીકાર તો કેમનો થાય..પરિણામે ‘તર્ક અને અનુભૂતિ’ એક મ્યાનમાં બે તલવાર જેવી વાત થઈ જાય છે. ખાસ તો કંઇ ગુમાવવાનું નથી હોતું  બસ એ ઇશ્વરના નાના નાના ચમત્કારોથી દૂર થતો જાય છે.એને સમજવાની શક્તિ ગુમાવતો જાય છે.

આ બધાંયની અસર તમે આજકાલના પિકચરો, ગીતોમાં બહુ જ સારી રીતે અનુભવી શકશો.

પહેલાંના જમાનામાં પિકચરનો હીરો હીરોઇનનો હાથ પકડે અને એની નજીક જાય, ધીમે ધીમે એના મુખથી નજીક એનું મુખ લઈ જાય અને પછી બે ગુલાબના સરસ મજાના ફૂલો દેખાય. એક ફૂલ બીજા ફૂલની નજીક..ઓર નજીક જાય અને દર્શક સમજી જાય કે આના દ્વારા શું કહેવાઇ રહ્યું છે ! એ સમજ સંવેદનશીલ દર્શકના રુંવાડા ઉભા કરી દે..થૉડા વધુ સેન્સીટીવ લોકો એ હીરો કે હીરોઈનની જગ્યાએ પોતાને મૂકીને કલ્પાના-જગતમાં બે પળ આંટો પણ આવે. અદભુત ફેન્ટ્સી ! ગીતોના શબ્દો પણ કેવા સરળ. કેટલા ઓછા વાદ્ય સાથે સંગીતના ધીમા, મીઠા સૂર સાથે સતત કેળવાયેલા ગાયક -ગાયિકાના કંઠમાંથી રેલાતા એ મીઠા, સરળ શબ્દો સીધા હ્ર્દય સોંસરવા જ ઉતરી જાય. દરેક સંદર્ભો સ્પષ્ટ રીતે પોતાના માનસ પર ઝીલનાર દર્શક પણ એ વખતે બુધ્ધિશાળી જ હતો..કદાચ આજના કરતાં એ વખતે એને વધારે બુદ્ધિ વાપરવાનો વારો આવતો કારણ જે નથી દેખાતું, કહેવાતું એ સમજવાનું છે અને એ જ સમજણ એ દર્શકોની સંવેદનશીલતાને અકબંધ રાખવામાં મદદરુપ થતી.

ધીમે ધીમે દર્શકોની માંગ,સમાજની કડવી સચ્ચાઇ, ટીઆરપીની માથાપચ્ચી, કમરતોડ હરીફાઈઓ, માંગ કરતાં પૂરવઠો વધારે, પોતાની બેલેન્સશીટ બેલેન્સ કરવાની મજબૂરીઓ આ બધા પરિબળો ડીરેક્ટરને શોર્ટકટીઆ રસ્તાઓનું દિશાસૂચન કરતાં દેખાય છે.

અને ચાલુ થાય છે એક સિનેમામાં આવડત, કલાનો નફ્ફટ ઉઘાડેછોગ વ્યાપાર.

હીરોઇનો એકટીંગ કરવાનું મુખ્ય ઉદ્દેશ ભૂલીને વિચારે કે કયા કપડામાં કેટલું શરીર દેખાશે, શરીરના જે વળાંકો દર્શકોને ગલગલિયા કરાવી શકે એ ઉજાગર થાય છે કે નહી અને એ ઉઘાડા અંગોને કોરિયોગ્રાફર એની કલા મારફતે..(!!)વળી ઓર મદદ કરે છે. કયા અંગને કેટલી ડીગ્રીમાં કેટલું ફરકાવવું, થીરકાવવું બધાંય સ્ટેપ્સની રજેરજ સમજૂતી આપીને એમની જોડે ડાન્સ કરાવે છે.એમાં સાથ પૂરાવે છે લેટેસ્ટ મ્યુઝિકલ ઇન્શ્ટ્રુમેન્ટસ..જેનો ફાયદો ઉઠાવીને ગમે તેવા ચીપ -દ્વિઅર્થી શબ્દોવાલી લિરિક્સ પણ ખૂબ સરળતાથી આજકાલની ‘ટેબલેટી – હાઈટેક’ પ્રજાના મુખે રમતી મૂકી શકાય છે..દર્શકો આગળ બધું એકદમ ઉઘાડે ઉઘાડું મૂકી દેવાય છે..વિચારવાનો – કલ્પનાશક્તિને મોકો શાને મળે..એટલી મહેનત એ કરશે તો અમે તો ભૂખે મરી જઈશું ! સત્ય તો નગ્ન હોય છે..કડવું હોય છે. હીરો હીરોઈનને કીસ કરે છે, એને ભેટે છે, એના અંગો સાથે ઉત્તેજક રીતે અડપલા કરે છે..બધ્ધે બધ્ધું દર્શકોની માંગના દબાણમાં આવીને વઘારાઇ જાય છે..પહેલાનાં જમાનામાં હીરો હીરોઇનનો પહેલી વાર હાથ પકડે તો પણ એક નાજુક ગીત આવી જાય..

‘ન જાને ક્યા હુઆ જો તુને છૂ લીયા

ખીલા ગુલાબ કી તરહ બદન.’

જ્યારે આજે તો હીરો હીરોઇનને આખે આખી પકડી લે ઉપરાંત ડાન્સની કોરિયોગ્રાફીની માંગાનુસાર  એની આજુબાજુ ઉછળતા કૂદતાં છછુંદરો પણ એને અડપલાં કરતાં હોય..અંદરખાને બધા એક વિક્રુત આનંદની સરવાણીમાં ભરપૂર નહાતા પણ હોય છે..ધાડધાડ કરતું મ્યુઝિક, બે ચાર ટપોરી ટાઈપના સ્માર્ટ અંગ્રેજી – ઉર્દૂ- ટપોરી – ચિત્ર-વિચિત્ર શબ્દો..અંગોપંગોનું બિભત્સ કામોત્તેજના જગાવવાના ઇરાદાઓ સાથે પીરસાતું નૃત્ય..અને બની જાય એક સુપરહીટ ગીત..વાત આટલેથી જ ક્યાં અટકવાની..પછી તો રોજ એનો રેડિયો પર રીતસરનો મારો થાય..ટીવીના ‘ડેઈલી સોપ’માં પિકચરનો ફેમસ થઈ ગયેલો ડ્રેસ પહેરીને એ જ લટકાં ઝટકાં કરતાં થૉડી કૂદાકૂદ કરી લેવાની..થૉડા વલ્ગર ડાયલોગો  ફટકારીને આંખોના ઇશારાઓ ઉલાળી દેવાના.. ફિલ્મ રીલીઝ થાય ત્યાં સુધીમાં દરેક નાના મોટાના મોઢે ના ઇચ્છવા છતાં અરે શબ્દોનો પૂરતો મતલબ પણ ના સમજાતો હોય તો ય ‘ચીકની ચમેલી, ઉલાલા… ઉલાલા  તૂ હે મેરી ફેન્ટસી..મુન્ની બદનામ હુઇ’ જેવા ગીતો રમતાં થઈ ગયા હોય છે..છેલ્લે પરિણામ એ આવે છે કે પિકચરની વાર્તા કેવી છે, હીરો હીરોઈનની એક્ટીંગ કેવી છે બધું ય બાજુમાં મૂકાઈને દરેક નાનેરા મોટેરા એક વાર તો એ પિકચરના પૈસા ખરચવા તૈયાર થઈ જ જાય છે..જબરદસ્ત માર્કેટીંગ સ્ટ્રેટેજીનો ભોગ બને છે અને એક વીકમાં તો બધી પોલંપોલ બહાર આવી જતા એ પિકચરના પાટીયા બદલવાનો દિવસ આવી જાય છે.પણ નિર્માતાએ તો પોતાના પૈસા અને ઉપરાંત સારો એવો પ્રોફીટ આ એકાદ વીકમાં જ વસૂલી લીધો હોય છે.

દર્શકોને છેતરાયાનો અફસોસ નથી થતો અને નિર્માતાઓને દર્શકોની માંગના ઓથા હેઠળ એમને ઉલ્લુ બનાવીને પોતાનો ઉલ્લુ સીધો કરી લેવાનો અનોખો સંતોષ પણ મળી રહે છે.

લટકામાં છોકરાંઓ આ દ્વિઅર્થી શબ્દોનો મતલબ સમજ્યા વગર આધુનિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ તૈયાર કરીને બનાવાતી ઇનસ્ટંટ  કર્ણપ્રિય ધૂનોના કારણે આખો દિવસ ગણગણ કરતાં જ રહે છે..એમના મોબાઈલની રીંગટોનમાં પણ એ ગમે ત્યાં રણકી ઉઠે. એવા સમયે સંવેદનશીલ, સમજુ મા – બાપની હાલત કફોડી થઈને ઉભી રહે છે..આમાં વાંક કોનો કાઢવો હવે..છોકરાંઓને ક્યાં ક્યાંથી બચાવવા જેવા યક્ષપ્ર્શનો એમની સામે મોઢું ફાડીન ઉભા રહે છે.અંતે તો એ લોકો કશું જ નથી કરી શક્તાં. લાચારીની ચરમસીમા..!

ઘણીવાર વિચાર આવે કે પહેલાંના જમાનામાં માત્ર તબલા, સારંગી, વાંસળી, હાર્મોનિયમ જેવા ગણ્યાં ગાંઠયા વાજિંત્રો મનને જે સકુન આપતા હતા..શાંતિ બક્ષતા એ ઢગલો સુવિધાઓ ધરાવતા આધુનિક ઇનસ્ટ્રુમેન્ટથી કેમ નથી મળતી ?માનસિક તાણના ઉપાય સ્વરુપે જેનો ઉપયોગ કરાય છે એવી મ્યુઝિક થેરાપીને તો કદાચ કોઇ નવી ધૂન મળતી જ નહી હોય. આને ઉર્ધ્વ ગતિ કહેવાય કે..અધોગતિ..?

પહેલાંના જમાનામાં સંગીત ગીતને કર્ણપ્રિય બનાવવામાં મદદરુપ થતું હતું..ગીતો સરળતાથી યાદ રહી જતા..જ્યારે આજે મ્યુઝિકમાંથી શબ્દો ફંફોસીને શોધવા પડે છે..શબ્દોના અર્થ તો વળી બહુ દૂરનો સંબંધી.. આજે આવેલું ગીત બે ચાર અઠવાડીઆમાં તો ચવાઈ જાય..કૂચેકૂચા થઈ જાય..એક મહિના પછી તો યાદ પણ ના રહે.લોકપ્રિય સંગીતની ટીકા કરતાં ગીતોમાં શબ્દોનું મહત્વ ઘટતું જવા અંગે ખેદ વ્યક્ત કરતાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે હમણાં જ  જણાવ્યું હતું કે ‘‘જુના ગીતો હજુયે શ્રોતાઓની સ્મૃતિમાં જળવાઇ રહ્યા છે. તેનું કારણ શબ્દ અને સુમધુર તરજોનું સંયોજન છે. પરંતુ આજે આઇટમ સોંગ્સના જમાનામાં શબ્દોનું ઊંડાણ રહ્યુ નથી.’’

આ બધામાં અજાણતાં જ પેલી સંવેદનશીલ, નાજુક લાગણીનો બલિ ચડાયાની વાત તો કોઇને ધ્યાનમાં જ નથી આવતી.. ! સંવેદનાનું સંતાન અનુભૂતિ ફકત મોઢું વકાસીને રહી જાય છે. પોતાના જન્મ પહેલાંના મરણ માટેની ફરિયાદ કરે છે..

‘થોડો સમય તો આપ

ઓ સંવેદનાની દેવી

હું

અનુભૂતિ.’

-સ્નેહા પટેલ

ખોવાવું – મળવું


તું મારામાં ખોવાઈ જાય

પછી

હું

મને મારામાંથી

સંપૂર્ણપણે પાછી

મળું છું.

-સ્નેહા પટેલ

નિયમિત યાદ


અનિયમિત મારી જિંદગીમાં

તારી યાદ

નિયમિતપણે નિયમિત.

-સ્નેહા પટેલ

જાત માટેના સમયની અછત


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 5-09-2012નો લેખ.

કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

– વિવેક મનહર ટેલર.

રોહિણીની આંગળી લેપટોપના કી-બોર્ડ પર ધડાધડ ચાલી રહી હતી. વર્ષોની પ્રેકટીસની છાંટ એની આંગળીઓની ઝડપ અને ચોકસાઈથી થતા ટાઈપીંગ પર ચોખ્ખી દેખાતી હતી. ડાબા હાથની છેલ્લી આંગળી ‘એ’ અને ‘એસ’ના મેક્સીમમ થતા વપરાશને કારણે દુ:ખતી હતી જેને એ વારંવાર ટચાકા ફોડીને થોડી ‘રીલેક્ષ’ કરી લેતી હતી. હવે તો એ ઉપાય પણ કારગત નહતો નીવડતો.અધૂરામાં પૂરું કામમાં ડૂબેલી હોવાથી લેપટોપ પગ પર રાખીને જ કામ કરતી હતી જેની ડોકટરે એને ચોખ્ખી ના પાડી હતી.આ રીતે એની કમર અને પગ બેયનું કચુંબર થઈ જતું હતું અને છેલ્લે કામ પતાવીને ઉભી થાય ત્યારે આખા શરીરને એ થાકેલા પગ અને કમર જોડે તાલમેલ મેળવતા ‘નવ નેજાં પાણી આવી જતાં’.

ત્યાં તો રસોડામાંથી કુકરની સીટી વાગી અને એને યાદ આવ્યું કે:

‘ઓહ, આ તો સાતમી વ્હીસલ…ના..ના..આઠમી !’

ધ્યાન થોડું બેધ્યાન થઈ ગયું હતું ઓફિસના કામમાં. હશે, જે થાય એ..ચણા નહી ચડ્યા હોય તો ફરીથી કુકર મૂકતા કયાં વાર લાગવાની છે એમ વિચારીને રસોડામાં જઈને કુકર ઉતારી એ જ ચાલુ ગેસ પર પોતાની અને અમરની કોફી બનાવવા માટે તપેલી મૂકી

અમર-એનો પતિ-એનો બેટર હાફ..હમણાંજ ઓફિસથી આવેલો.થાકેલો.આવીને બાથ લઈને ફ્રેશ થઈને સોફા પર પગ લંબાવીને ટીવી જોતો રીલેક્ષ થતો હતો.એમ તો પોતે પણ હમણાં જ ઓફિસેથી આવેલીને…

રોહિણીના મનમાં એક વિચારે ફેણ ઉઠાવી.પણ પોતાના નસીબમાં આવા પગ લંબાવીને બેસવાનું…

અને એક ઝાટકે એણે માથું ઝાટકીને એ વિચારને ઉગતો જ ડામી દીધો.બધી વાતમાં વિચારવિચાર કરવાની આ ટેવ જ ખોટી પડી ગયેલી.

અને કોફી ‘મગ’માં કાઢીને ટ્રેમાં મૂકીને બિસ્કીટ અને ખાખરા સાથે એ અમરની જોડે જઈને સોફા પર બેઠી

’હાય ડાર્લિંગ.કેવો રહ્યો દિવસ..?’ અમરે પૂછ્યું.

‘સરસ.પણ એક પ્રેઝંટેશન બાકી રહી ગયું.અર્જન્ટ છે..એટ્લે હવે રસોઇ કરીને જમીને પછી બનાવવા બેસવું પડશે.’

‘ઓહ,ઓકે..શાંતિ…શાંતિ…રીલેક્સ થા રોહિણી..અને હા…આમ બેઠા બેઠા કામ થાય છે તો તું જાડી થતી જાય છે.તારી કમર,પગ,પેટ…બધું જો,ચરબીના થર પર થર જામવા લાગ્યાં છે..’

‘મને ખબર છે.પણ શું કરું ?મને સમય જ નથી મળતો..’

‘એ બધા બહાના છે રોહુ…આ મને જો.મારે પણ આખો દિવસ બેઠા બેઠા જ કામ હોય છે ને.પણ હું કેવો જાત માટે સમય કાઢીને સવારે વોક..સાંજે જીમમાં વર્ક આઊટ કરી જ લઉં છું ને.જાત માટે થોડો સમય ચોરવો પડે.’

ત્યાં તો બાજુવાળા નીપાબેન આવ્યાં : ‘ રોહિણીબેન..તમારી કામવાળી ચાર દિવસની રજા પર છે.કંઇક અર્જન્ટ કામ આવી ગયું તો એ ગામડે ગઈ છે.મને આવીને તમને આ સમાચાર આપવાનું કહી ગયેલી.’

‘પત્યું..’એક આભચીરતો હાયકારો રોહિણીના દિલમાંથી નીકળી ગયો.

‘તમે આજકાલની સ્ત્રીઓ તો ભારે ડેલીકેટ.આ કામવાળીઓએ જ તમારો કચ્ચર ઘાણ વાળ્યો છે.બાકી પહેલાના જમાનામાં સ્ત્રીઓ કેવી ઘરના કામ જાતે કરીને પોતાની જાત અને ઘર બેય સઉવ્યવ્સ્થિત રાખતી હતી.ચાલ હું જીમમાં જઊં છું.’

‘અમર, એક મીનીટ. તમે મને કામમાં કંઇ હેલ્પ ના કરી શકો..?’

‘હું..હું…શુઁ મદદ કરુ અને મારે મોડું થાય છે..’

‘તમે મને હમણાં જ કહેતા હતા ને કે ઘરના કામકાજથી પણ એક્સરસાઈઝ જ થાય છે..તો આજે ઘરને જ જીમ માનીને વર્કઆઉટ કરી લો.કામનુઁ કામ અને કસરત પણ ખરી.મારો સમય પણ બચી જશે..’

’રોહુ..આવી આડી અવળી વાત ના કર તું..’

‘અમર,કમાવા આપણે બેય જણ જઈએ છીએ.મને તો કયારેય ઓફિસે જવાનું કામ ખોટું નથી લાગ્યું.વળી તું મને મારી ચરબી ઉપર ભાષણો સંભળાવે છે તો તેં ક્યારેય એમ વિચાર્યુ કે મારે બેઠા બેઠા કરવાના હોય કે ઉભા ઉભા..શારિરીક હોય કે માનસિક-કામના પાર જ નથી આવતા..બધું સમૂસુતરું હોય તો આ કામવાળીના ડખા તો ઉભા જ હોય.આ બધા નીપટાવતા નીપટાવતા તો હું થાકીને લોથપોથ થઈ જઊં છું.હવે આ થાકેલા મન – તન સાથે હું કઈ એકસરસાઈઝ કરુ કે જીમ જોઇન કરવાની ઇચ્છા રાખું એ કહે..તમારે ઓફિસથી નીકળ્યા પછી અરીસામાં તમારી જાતને જોઇને ચરબીના થરની કે સ્નાયુના શેઈપ જોવાનો સમય પણ નીકળે છે. જયારે મારે માટે તો એ પણ પોસીબલ નથી થતું.સવારના હાય હાય કરતાં વાળ ઓળતી વેળાએ જ મોઢું જોવાનું યાદ આવે છે.તને નથી લાગતું કે તું પણ થોડી મદદ કરે તો મને પણ પોતાની જાત માટે થોડો સમય મળે.હું પણ તારી જેમ જીમ કે એકસરસાઈઝ માટે સમય ફાળવી શકું. પ્રોબ્લેમ ક્યાં છે  ? જમાનો બદલાય છે,જરુરિયાતો બદલાય છે,પ્રાયોરીટીસ બદલાય છે..તો આપણી મેંન્ટાલીટી કેમ ના બદ્લાય ?’

અને અમર વિચારી રહ્યો : અત્યાર સુધી આટલી મોટી વાત પોતાના ધ્યાનમાં કેમ ના આવી ?આ તો પોતે રોહિણી સાથે સરાસર અન્યાય જ કરી રહેલો ને !

અનબીટેબલ :- When someone calls me ugly,I go up to them, smile tenderly and hug them. Because I know life is not easy when you have a seeing disability.

– સ્નેહા પટેલ

વધારે ક્યાં કંઈ માંગ્યું છે ?


રાતે સૂતીવેળા તારો છેલ્લો વિચાર હું
અને
આંખ ખૂલતીવેળા મારી નજર સામે તું..
જિંદગી,
તારી પાસેથી વધારે ક્યાં કંઈ માંગ્યું છે અમે !

-સ્નેહા.

ઉરાંગઉટાંગ


http://www.gujaratguardian.in/02.09.12/magazine/index.html

ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઈટ ઇઝી કોલમ -લેખ નંબર – 7 > 2-09-2012

અઠવાડીયું પતવા આવ્યું. આર્ટીકલ આપવાનો સમય માથા પર ભૂતની માફક મંડરાઈ રહેલો. કોઇએ જેના પર લખેલું ના હોય, વિચારેલું પણ ના હોય એવું કંઈક તાજુ, તડકતુ –ફડકતું આપણે શોધી કાઢીએ એટલે ‘ઈડરીઓ ગઢ’ જીત્યાં જેવી લાગણી અનુભવાય.

ટીવી, બુક્સ, છાપા, નેટ બધુંય ભોમિયાની માફક ફરી વળી. પણ મગજ સાવ જ ‘હવાઈ’ ગયેલું.

અકળામણ હદ પાર કરવા લાગી.કાગળના ડુચાથી ડસ્ટબીન અને કોફીના મગથી ટેબલ ભરાવા લાગ્યું. બાજુમાં પડેલ નાસ્તાની ડીશ પર માખીઓ ‘ફૂટબોલની ચેમ્પિયનશીપ’ મેચો રમવા લાગી. પેનની આખ્ખી બે રીફિલ ખાલી થઈ ગઈ. કંટાળીને ‘આઈ પોડ’ના ડ્ટ્ટા કાનમાં ઠુંસીને મગજ શાંત કરવા માટે મનગમતા ગીતો સાંભળવા બેઠી. એમાંય  ‘જાને જા…ઢૂંઢતી ફિર રહી હૂં..મૈં તુઝે રાત દિન’ જેવું ગીત વાગવા લાગ્યું. કાનમાં કોઇએ સુતળી બોંબ નાખી દીધો હોય એવા તડાકા-ભડાકા થવા લાગ્યાં. આંખો સામે લાલ-લીલા-ભૂરા તારાઓ નાચવા લાગ્યા.

કંટાળીને કપડાં બદલીને ઘરની બહાર નીકળી ગઈ. વિચાર્યુ ‘તાજી હવા ફેફસામાં ભરાશે એટલે આપોઆપ મગજને થોડો વધારે ઓકસીજન મળતા ફ્રેશ થઈ જશે.રસ્તામાં કોઇ ઘટના ઘટે અને કોઇ સબ્જેક્ટ મળી જાય એમ પણ બને.’

ત્યાં તો પાછ્ળથી બૂમ પડી,

’હાય સ્નેહા ‘

‘હાય વિની, હાઉ આર યુ ?’

‘બસ એકદમ સરસ. તું કહે શું નવા-જૂની છે ? તારું લખવાનું કેમનું ચાલે ? આજકાલ કયા વિષય પર લખે છે ?’

એક  પ્રશ્નની સામે ધનધનાધન ત્રણ પ્રશ્નોનો ગોળીબાર ! જાણે લંડનના ઓલિમ્પિકમાં શૂટીંગની હરિફાઈમાં જવાની પૂર્વતૈયારી કરીને આવેલી.

ઓક્સીજનની ચાહમાં નીકળેલા જીવના અણુ એ અણુમાં પ્રશ્નોનો કાર્બન ડાયોકસાઈડ વ્યાપી ગયો. શરીરમાં નબળાઈ અનુભવાવા લાગી, જીભ લથડવા લાગી. વિનીને આશ્ચ્રર્યના મહાસાગરમાં છોડીને હું પાછી ઘર તરફ વળી ગઈ.

એક વાર તો તીવ્ર ઇચ્છા થઈ ગઈ કે અંગ્રેજી બુકમાં વાંચેલ લેખ ‘ટ્રાંસલેટ’ કરીને ડીટ્ટો જ કોપી કરી દઉં. આમે પહેલાં કોણે, ક્યાં શું લખેલું આજ-કાલના ફાસ્ટ જમાનામાં શોર્ટ મેમરીવાળાઓને ક્યાં કંઇ ખબર પડવાની ? મારામાંનો દુર્જન આત્મા મારી સજ્જ્નતા પર હાવી થવા માંડ્યો. હાથ ધીમે ધીમે બુક તરફ વધવા લાગ્યો. ત્યાં મોબાઈલમાં ‘ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના ‘ની રીંગટોન વાગી અને મારું ‘પ્લેઝરિઝમ’નું વશીકરણ તૂટ્યું. અજાણતાં જ બે કાને હાથ અડી ગયો ,’રામ..રામ..રામ.’

ફોન પર બાજુવાળા રીટાબેન હતા.

‘જલ્દીથી અહીં આવો’ કહીને ફોન કટ કરી દીધો.હું બાઘાની જેમ ફોનને તાકી રહી. આ કેવી દાદાગીરી. જાણે આપણે એમના પ.પૂ.ધ.ધૂ ના પગારદાર !

રીટાબેનના ઘરે. જઈને જોયુંતો મોઢું આશ્ચર્યથી પહોળું જ રહી ગયું. એ કંઇક વિચિત્ર રીતે બાથરુમમાં બે પગ લાંબા – પહોળા કરીને બેઠેલા હતા. બાજુમાં ‘હારપીક’ની બોટ્લ આડી પડી ગયેલી, એમાંથી ભૂરું ભૂરું લીકવીડ બહાર રેલાતું હતું જેને એ દેવીજી ઊંચી કરવાની કોઇ જ તસ્દી લેતા નહોતા. સાવ ‘કેરલેસ’ ! એમનો જમણો પગ પાછ્ળની બાજુએ એવી વિચિત્ર રીતે વળી ગયેલો કે બે ના બદલે  ત્રણ પગ દેખાતા હતા. વિચિત્ર દ્ર્શ્યના આઘાતમાં ચશ્મા કાઢીને કાચ લૂછીને ફરીથી આંખે ગોઠવ્યા. રીટાબેને એક હાથથી બાથરુમના દરવાજાને જાણે પડતા રોકી રાખવા ટેકો દેતા હોય એમ પકડી રાખેલો.બીજા હાથમાં સાવરણો હવા ખાવાના પંખાની માફ્ક લબડતો હતો.લાઈટ બંધ હોવાથી બાથરુમમાં અંધારાની દાદાગીરી હતી. રીટાબેનના થોડા વાળ બટરફ્લાયમાંથી નીકળીને  કાન – કપાળ આગળથી વિચિત્ર રીતે મોઢા પર આવતા હતા જેથી અંધારામાં એમને દાઢી મૂછ ઉગ્યાનો ભાસ થતો હતો. નાઈટ ગાઉન પગ પર થોડું ઉંચુ ચડી ગયેલું જેમાંથી લોકોથી કાયમ છુપાવીને રાખેલા ‘ટુનટુનછાપ’ પગ ઢીંચણ સુધી ઉઘાડા થઈ ગયેલા. બે ઘડી તો મને કમકમા આવી ગયા.

‘અરે,શું વિચારો છો ? ઘડી ટેકો તો કરો મને. આ બાથરુમ સાફ કરવા ગઈ તે વાલામૂઇ લપસી પડી. પડી તે એવી પડી કે હવે ઉઠાતું ય નથી. વળી ઘરમાં કોઇ છે ય નહી કે જેની મદદ લઈ શકાય.

‘તો તમે મોબાઈલ..!’ આગળનું વાક્ય મેં સહેતુક અધૂરું જ મૂક્યું.

‘એ તો મોબાઈલમાં ગીતો સાંભળતી હતી તો આ નાઈટ ગાઉનના ખીસામાં જ હતો. કાનમાં ઈયરફોન લગાવી ને બાથરુમ ધોતી હતી, એવામાં મારું ‘આજ મૈ ઉપર આસમા નીચે ‘ ફેવરીટ સોંગ  આવ્યું અને ’તાલસે તાલ’ મિલાવવામાં બળ્યું પગ લપસ્યો અને આ ઉપાધિ થઈ ગઈ’

મારાથી મનોમન એમના ગીતપ્રેમને વંદન થઈ ગયા. મેં એમને ટેકો આપીને માંડ માંડ એમની અંધારી ગુફા જેવા બાથરુમની બહાર કાઢ્યા. સોફા પર બેસાડ્યા. થોડી કળ વળતા એમને બાજુમાં રહેલા  હાડવૈદ્યને ત્યાં લઈ ગઈ. હાડવૈદ્યએ પીંડી આગળથી સૂજી ગયેલા રીટાબેનના નાજુક પગને જમણી ડાબી, આગળ પાછ્ળ બધી બાજુ નિર્મમતાથી વાળવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો રીટાબેનથી એ દર્દ સહન ના થતા ‘મારા રોયા ‘ કહેતા’ક્ને સટ્ટાક દઈને ડોકટરને ગાલ પર અડબોથ ઝીંકી દીધી. આઘાતના માર્યા ડોકટરે તરત એમનો પગ છોડી દીધો જે જમીન પર પછ્ડાતા રીટાબેન ફરીથી બરાડી ઉઠ્યાં.

‘આ ઉરાંગ ઉટાંગને જલ્દીથી વિદાય કરી દેવામાં જ જાનની સલામતી છે’ની વિચાર-ભાવના સાથે ડોકટરે ફટાફટ બે ચાર ગોળીના નામ લખીને પ્રિસ્ક્રીપશન મને પકડાવી દીધું .

‘ ફ્રેકચર હોય એવું લાગે છે તો ‘એકસ રે’ પડાવવો પડશે.’

બધું પતાવીને પૈસા આપીને રીટાબેનને ટેકો દેવામાં ક્યાંક હું ના ગબડી પડું નું પૂરેપૂરું ધ્યાન રાખતી હું એમને દાદર ઉતરાવતી હતી ને એમણે પ્રશ્ન પૂછ્યો ,

’ હેં સ્નેહાબેન,આ પગનો ફોટોગ્રાફ ક્યાં પડાવીશું આપણે ?’

‘એને એક્સ –રે કહેવાય.’

‘અરે હા. બળ્યું એ જ. પણ હેં સ્નેહાબેન, પગને અંગરેજીમાં ‘ફૂટ’ કહેવાય, તો ‘પગના એકસ-રે’ ને ‘ફોટોગ્રાફ’ કેમ ના કહેવાય ?’

મારી પાસે આટલા મહાન સવાલનો કોઇ જ જવાબ નહતો. જોકે એક વાત પૂરતી એમની આભારી કે  આ ‘ફોટોગ્રાફ પ્રકરણે’ મારા મગજને ડાયવર્ટ કરી દીધેલુ અને મગજમાં ઢગલો ‘સબજેક્ટ’ કીડીયારાની માફ્ક ઉભરાવા માંડેલા.

-સ્નેહા પટેલ